You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હામિદ અંસારીએ ગુપ્ત માહિતી આપી હોવાનો આરોપ લગાડનાર પાકિસ્તાની પત્રકાર કોણ છે?
- પાકિસ્તાની પત્રકારનો દાવો છે કે હામિદ અંસારીએ ખાનગી માહિતી આપી હતી
- આ ખાનગી માહિતી પત્રકારે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને આપી
- આ દાવાને લઇને ભાજપે હામિદ અંસારી અને કૉંગ્રેસની આકરી ટીકા કરી
- હામિદ અંસારી અને કૉંગ્રેસ દ્વારા આ આરોપોને લઈને સ્પષ્ટતા કરાઈ
પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ આરોપ લગાવ્યો છે કે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ તેમને 2005થી 2011 દરમિયાન પાંચ વખત દિલ્હી બોલાવ્યા હતા અને વાતચીતમાં ગોપનીય અને સંવેદનશીલ જાણકારી આપી હતી.
તેમણે દાવો કર્યો હતો કે હામિદ અંસારી પાસેથી મળેલી માહિતી તેમણે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને આપી હતી.
આ દાવાને લઇને ભાજપે તેમની અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા છે અને ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પાકિસ્તાની પત્રકારના આ દાવા અને ભાજપે લગાવેલા આરોપો પર જવાબ આપ્યો છે.
પોતાના નિવેદનમાં હામિદ અંસારીએ કહ્યું, "કાલે અને આજે મારા વિરુદ્ધ વ્યક્તિગત રીતે એક પછી એક ઘણાં જૂઠ્ઠાણાં બોલવામાં આવ્યાં, પહેલા મીડિયાના એક વર્ગે અને બાદમાં ભાજપના સત્તાવાર પ્રવક્તાએ."
શું કહ્યું ભાજપના પ્રવક્તાએ ?
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આ વિવાદ અંગે વાત કરતા જણાવ્યું કે પાકિસ્તાની પત્રકાર મિર્ઝાએ કહ્યું છે કે ભારત યાત્રા દરમિયાન તેમણે અંસારીની મુલાકાત લીધી હતી અને તેમણે ગોપનીય અને સંવેદનશીલ જાણકારીઓ આપી હતી. એ ન ભૂલવું જોઈએ કે ઉપરાષ્ટ્રપતિનું પદ સંવિધાનિક પદ છે અને ઘણા એવા મુદ્દા હોય છે જેના વિશે જાણકારી આપી શકાય નહીં કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે.
તેમણે વધુમાં કહ્યું, "દેશની જનતા એ પૂછવા માગે છે કે આતંકવાદને ખતમ કરવા માટે શું કૉંગ્રેસની સરકાર હતી ત્યારે આ નીતિ હતી? કૉંગ્રેસ દેશની અતિગોપનીય બાબતોને અન્ય દેશોને આપતી હતી, જેનો ઉપયોગ તે આતંકવાદ માટે કરે છે. આ માટે દેશની જનતા આજે વ્યથિત છે."
"પાકિસ્તાની પત્રકાર કહે છે કે અતિસંવેદનશીલ અને ગુપ્ત માહિતી એક નહીં પરંતુ પાંચ વખત આપવામાં આવી હતી. તેમણે આ જાણકારી હામિદ અંસારી પાસેથી લીધી હતી અને આ જાણકારીનો ભારત વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભારત સમગ્ર વિશ્વમાં આતંકવાદ વિરુદ્ધના મોરચામાં અગ્રણીની ભૂમિકા ભજવે છે અને કૉંગ્રેસની સરકાર 2005-11 વચ્ચે પાંચ વખત એવા વ્યક્તિને ભારત આવવાનું આમંત્રણ આપે છે, જેને દેશની ગુપ્ત માહિતી આપવામાં આવે છે."
ભાટિયાએ એમ પણ કહ્યું કે જો અંસારીએ આમ કર્યું હોત તો તેમણે આ વિશે સરકારને કહેવું જોઈતું હતું. જેથી તેઓ દર્શાવી શકતા કે તેઓ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત છે.
કૉંગ્રેસ નેતાઓ પર નિશાન સાધતાં તેમણે કહ્યું, "શું અંસારીએ સોનિયા અને રાહુલના કહેવા પર પાકિસ્તાની પત્રકારને આમંત્રિત કર્યા હતા?"
હામિદ અંસારીનો જવાબ
હામિદ અંસારીએ ભાજપ દ્વારા લગાવેલા આરોપોને રદિયો આપતાં કહ્યું કે તેમણે ભારતના રાજદૂત તરીકેના કાર્યકાળ દરમિયાન જે કામ કર્યાં, તેનાં વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વખાણ થયાં છે.
તેમણે કહ્યું, "મેં જે પણ કામ કર્યાં એ વિશે સરકારને જાણ હતી. આવા મામલામાં હું રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતાથી જોડાયેલો છું અને તેના પર ટિપ્પણી કરવાથી બચું છું. ભારત સરકાર પાસે આ વિશે તમામ જાણકારી છે અને તેઓ જ સાચું કહી શકે તેવી એક માત્ર ઑથોરિટી છે."
તેમણે આગળ કહ્યું, "કહેવામાં આવી રહ્યું છે કે હું જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને આમંત્રણ આપ્યું, કહેવાઈ રહ્યું છે કે હું દિલ્હીમાં આતંકવાદ પર એક સંમેલનમાં તેમને મળ્યો અને ઈરાનમાં ભારતના રાજદૂતપદે હતો ત્યારે રાષ્ટ્રીય હિતોને દગો આપ્યો. આ તમામ આરોપ ભારત સરકારની એજન્સીના એક પૂર્વ અધિકારીએ લગાવ્યા છે."
તેમણે અંતે કહ્યું, "આ એક જ્ઞાત તથ્ય છે કે ઉપરાષ્ટ્રપતિ વિદેશથી કોઇને મળવા બોલાવતા પહેલાં સરકાર તેમજ વિદેશમંત્રાલયની સલાહ લેતા હોય છે. મેં 11 ડિસેમ્બર, 2010ના રોજ આતંકવાદ પર યોજાયેલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. એક સામાન્ય પ્રક્રિયા અંતર્ગત આ સંમેલનમાં આમંત્રિક લોકોની યાદી આયોજકોએ બનાવી હતી. ન તો મેં તેમને આમંત્રણ આપ્યું હતું અને ન તો તેમને મળ્યો હતો."
કૉંગ્રેસ પણ ભાજપના આરોપોનો જવાબ આપ્યો છે અને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે સોનિયા ગાંધી અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પ્રતિષ્ઠિત રાજનેતા હામિદ અંસારી પર લગાવેલા આક્ષેપો અને જૂઠ્ઠાણું ફેલાવવાના આ પ્રયત્નની આકરી નિંદા થવી જોઈએ.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડા પ્રધાન અને ભાજપના પ્રવક્તાના આ પ્રકારના નિવેદન ખોટો પ્રચાર કરનારું છે અને નિમ્નકક્ષાનું ચરિત્રહનન છે.
"11 ડિસેમ્બર 2010ના રોજ નવી દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને માનવાધિકારો પર યોજાયેલા સંમેલન વિશે તમામ તથ્યો પહેલાંથી સાર્વજનિક રીતે હાજર છે. એ બાબત સ્પષ્ટ છે કે ભાજપ આ મામલે જૂઠ્ઠાણું ફેલાવી રહ્યો છે. ભાજપ નેતાઓનું આ વલણ તેમની માનસિક બીમારી દર્શાવે છે."
નુસરત મિર્ઝા કોણ છે?
નુસરત મિર્ઝા પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર છે.
આ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ 2007થી 2010 દરમિયાન દિલ્હી અને અલીગઢમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
11 જુલાઈએ મિર્ઝાએ દાવો કર્યો હતો કે ભારતની મુલાકાત વખતે પાકિસ્તાની વિદેશવિભાગ દ્વારા તેમને ખાસ 'વિશેષ અધિકાર' અપાયા હતા.
ઇન્ડિયા ટુડે દ્વારા એકત્ર કરાયેલી માહિતી અનુસાર, મિર્ઝાએ 27 ઑક્ટોબર 2009માં દિલ્હીની ઑબરોય હૉટલમાં આયોજિત આતંકવાદવિરોધી કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. જામા મસ્જિદ યુનાઇટેડ ફૉરમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને ગુલામનબી આઝાદ ઉપસ્થિત હતા.
નુસરત મિર્ઝાની સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં તેઓ 2007 અને 2010માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સૅમિનારમાં વિદ્યાર્થીઓને સંબોધતા જોવા મળે છે.
તેમણે અગાઉ પત્રકાર શકીલ ચૌધરીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "સામાન્ય રીતે ભારતના વિઝા મળે ત્યારે માત્ર ત્રણ સ્થળોએ જવાની મંજૂરી આપવામાં આવે છે પણ તત્કાલીન વિદેશમંત્રી ખુર્શીદ કસુરીએ મને સાત શહેરોમાં ફરવા માટેની મંજૂરી મેળવી આપી હતી."
તેમણે એમ પણ દાવો કર્યો છે કે તેઓ પાંચ વખત ભારત આવી ચૂક્યા છે અને ભારતમાં દિલ્હી, મુંબઈ, બૅંગ્લુરુ, ચેન્નઈ, પટના અને કોલકાતાની મુલાકાત લઈ ચૂક્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો