You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વલસાડ : 'બરબાદ થઈ ગયા, માંડ ઘર બનાવ્યું હતું વરસાદે એ પણ છીનવી લીધું'
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- વલસાડ અને છોટા ઉદેપુરમાં વરસાદે કેર વર્તાવ્યો
- ભારે વરસાદના કારણે લોકોએ પોતાનાં ઘરબાર ગુમાવ્યાં
- કેટલાક લોકોએ પોતાના જીવનની તમામ મૂડી ગુમાવી
- ગુજરાતમાં 24 કલાકમાં આઠ લોકોનાં વરસાદનાં કારણે મૃત્યુ થયાં
ઘરની બહાર કચરાના ઢગલા, ઘરમાં દુર્ગંધ મારતું સડી ગયેલું અનાજ, કાદવ-કીચડથી લથપથ ઘર અને ગલીઓમાં ભરાયેલું પાણી કાઢી રહેલી મહિલાઓ.
આ દૃશ્યો છે વલસાડમાં આવેલા કાશ્મીરનગરનાં, જ્યાં મોટા ભાગે દેવીપૂજક સમાજના લોકો રહે છે. તાજેતરમાં વલસાડમાં પડેલા ભારે વરસાદમાં આ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
વલસાડના છેવાડેથી સ્ટેટ હાઈ-વે પસાર થાય છે. આ સ્ટેટ હાઈ-વેની એક બાજુ વલસાડ નગરપાલિકા દ્વારા ઘન કચરાના નિકાલ માટે તૈયાર કરાયેલું ડમ્પિંગ યાર્ડ છે અને બીજી બાજું કાશ્મીરનગર.
પાણી ઓસરી ગયાં બાદ હવે અહીંના લોકો પર રોગચાળાનો ખતરો ઊભો થયો છે. શનિવારે રાતે વરસાદરૂપે આફત ત્રાટકતાં તેમને પોતાનાં ઘરબાર છોડીને નજીકમાં આવેલી એક શાળામાં આશરો મેળવવો પડ્યો હતો.
બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી ત્યારે અહીંની તમામ મહિલાઓ ભોજન લેવા માટે લાઇનમાં ઊભી હતી. તેમનું કહેવું હતું કે છેલ્લે તેમણે શનિવારે પોતાના ઘરે રાંધ્યું હતું.
આ વિસ્તાર વલસાડની ઔરંગા નદીથી આશરે એક કિલોમીટરના અંતરે આવેલો છે. રવિવારે જ્યારે ઔરંગા નદીમાં પૂર આવ્યું ત્યારે પાણીની સાથેસાથે કચરો પણ અહીંના લોકોના ઘરમાં ઘૂસી ગયો હતો.
અહીં રહેતાં તમામ લોકો ગરીબ અને વંચિત પરિવારના છે. મોટા ભાગના લોકોને ડર છે કે પાણી ઊતર્યાં બાદ હવે રોગચાળો ફાટી નીકળશે.
'100 જેટલાં ઘરોમાં પાણી અને કાઢવા માટે છ લોકો'
રમીલાબહેન દેવીપૂજક વલસાડ શહેરમાં લોકોનાં ઘરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પતિનું થોડાં વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું અને હાલ તેઓ એકલાં પોતાના બે બાળકોનું ભરણપોષણ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રમીલાબહેન શનિવારથી કામ કરવા માટે જઈ શક્યાં નથી કારણ કે તેમણે પોતાના ઘરમાં ઘૂસી ગયેલા કીચડવાળા પાણીનો નિકાલ કરવાનો છે.
તેઓ કહે છે, "અહીંના 100 જેટલાં ઘરોમાં પાણી ભરાયાં છે અને તેને કાઢવા માટે નગરપાલિકાએ પાંચથી છ લોકો મૂક્યા છે."
બીબીસીની ટીમે મંગળવારે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે અડધાથી વધુ ઘરોમાં પાણી અને કચરો ભરાયેલો હતો અને તેને સાફ કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી હતી.
થોડે જ દૂર વલસાડ પારડીનો ઝૂપડપટ્ટી વિસ્તાર છે. અહીં પાણીની સાથેસાથે કચરો તો આવ્યો નહોતો પણ અહીંનાં તમામ ઝૂપડાં પાણીમાં ડૂબી ગયાં હતાં.
અહીંના અગ્રણી શાંતારામ કહે છે, "અહીં પુલની અન્ય બાજુથી પાણી આવ્યું અને આશરે 15 મીનિટમાં પાણી એટલું વધ્યું કે અમારે ઘર છોડી દેવાં પડ્યાં. જોતજોતામાં મોટાં ભાગનાં ઝૂપડાં પાણીમાં ડૂબી ગયાં હતાં."
તેમણે આગળ કહ્યું, "અહીં આશરે સાત ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયું હતું. ગામનાં સ્વયંસેવકો અને આગેવાનોએ ભેગા મળીને સરકારની મદદથી લોકોને સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડ્યા હતા."
પારડીથી થોડે જ દૂર સમૃદ્ધ કહી શકાય તેવો દાણાપીઠ વિસ્તાર છે. આ વિસ્તાર નીચાણવાળો હોવાથી અહીં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ ગત રવિવાર તેમના માટે એક ખરાબ સ્વપ્ન સમાન હતો.
વર્ષોથી દાણાપીઠમાં રહેતા બીપીનભાઈ શાહે કહ્યું, " અત્યારની જેમ પહેલાં 2016માં પાણી ભરાયાં હતાં. જેમાં મારા ઘરનો એક આખો માળ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વખતે પણ એવું જ થયું છે. અમે નીચેનાં રૂમને તાળું મારીને બાજુની બિલ્ડીંગના ધાબે જતા રહ્યા હતા."
દાણાપીઠ વિસ્તારમાં મોટી સંખ્યામાં હોલસેલ અનાજની દુકાનો આવેલી છે. તેમાંથી મોટા ભાગની દુકાનો ત્રણેક ફૂટના ઓટલા પર બનાવવામાં આવી છે. તેમ છતાં તાજેતરના વરસાદમાં દુકાનો પણ અડધે સુધી પાણીમાં ડૂબી ગઈ હતી. દુકાનદારોનો ઘણો સામાન પાણી ભરાઈ જતા પલળી ગયો હતો.
'માંડમાંડ અહીં ઘર ઊભું કર્યું અને વરસાદે એ પણ છીનવી લીધું'
ગુજરાતમાં ગત રવિવાર સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વલસાડ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો.
છોટા ઉદેપુરના બોડેલી ટાઉનમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને તંત્રે રબર બોટ અને તરાપા વડે બચાવવા પડ્યા હતા. બીબીસીની ટીમે પાણી ઊતર્યા બાદ જ્યારે આ વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે લોકો પાછા તેમના ઘરે આવી ચૂક્યા હતા અને આસપાસમાં પોતાની ઘરવખરી શોધી રહ્યા હતા.
રઝીયા ફકીર આ વિસ્તારમાં વર્ષોથી રહે છે. તેઓ કહે છે, "પહેલાં હું મારા પતિ સાથે રસ્તા પર જ રહેતી હતી પણ બાદમાં અમે નાળા પાસે એક નાનકડું ઘર ઊભું કર્યું હતું. આ વરસાદે એ પણ છીનવી લીધું.
તેમણે આગળ કહ્યું, "સવારે 10 વાગ્યે પાણીના વધારે પડતા પ્રવાહમાં મારું ઘર પડી ગયું. ઘરની સાથેસાથે પુરાવા અને તમામ મહત્ત્વના દસ્તાવેજો અને થોડાક રોકડા રૂપિયા હતા, એ બધું જ જતું રહ્યું."
બોડેલીમાં આશરે 100થી વધુ ઘરોને પૂરના કારણે નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા આ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે.
ઘણા લોકોનું માનવું છે કે સરકાર તેમના માટે મદદનું કોઈ પૅકેજ જાહેર કરશે. આ આશા સાથે તેઓ હાલ પોતાના દુખ વચ્ચે જીવનને ફરી પાટે ચઢાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં એક દિવસમાં 14ના મૃત્યુ
ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદને પગલે રાજ્યની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાજ્યનાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો.
તેમણે કહ્યું, "બુધવારે સવાર સુધીમાં રાજ્યમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે."
તેમણે વધુમાં કહ્યું, "રાજ્યમાં હજી 124 બસ રૂટ બંધ હાલતમાં છે અને 51 સ્ટેટ હાઈ-વે પણ બંધ કરવામાં આવ્યા છે."
વરસાદી પાણીના સંગ્રહને લઈને તેમણે કહ્યું, "રાજ્યમાં વરસાદી માહોલને પગલે સરદાર સરોવર ડેમ 48 ટકા ભરાયો છે. જ્યારે રાજ્યના 21 જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયાં છે અને 30 જળાશયો સરેરાશ 75 ટકા ભરાઈ ગયાં છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો