અમદાવાદ : 'વરસાદમાં બધું બરબાદ થઈ ગયું, મરવા સિવાય કોઈ વિકલ્પ નથી'

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી
  • ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી પૂર જેવી પરિસ્થિતિ
  • ઠેરઠેર પાણી ભરાયા, તંત્ર દ્વારા રૅસ્ક્યૂની કામગીરી કરાઈ
  • રાજ્યભરમાં હજારો વૃક્ષો તેમજ ઘરો ધ્વસ્ત થયા
  • મુખ્ય મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

"છેલ્લા 20 વર્ષમાં આ પહેલી વખત વરસાદનું પાણી ભરાયું છે. મારી દુકાનમાં બધું જ પલળી ગયું. હું પૂરેપૂરી રીતે બરબાદ થઈ ગયો. હવે જીવી શકાય એવી હાલત જ નથી. હું આત્મહત્યા કરી લઈશ."

આ શબ્દો છે અમદાવાદના એક દુકાનધારકનાં.

તેઓ શ્યામલ ચાર-રસ્તા પાસે એક કૉમ્પલેક્સના બેઝમૅન્ટમાં દુકાન ધરાવે છે. તેમના કહેવા પ્રમાણે આજથી પહેલાં ક્યારેય આ બેઝમૅન્ટમાં પાણી ભરાયું નથી.

તેમણે રડતાં-રડતાં કહ્યું, "આ વરસાદમાં મારી દુકાન ખતમ થઈ ગઈ. મારા ઝૅરોક્સના મશીન પલળી ગયા. એકેય વસ્તુ બચી નથી. હવે જીવી શકાય એમ નથી."

તેમની માગ છે કે કૉર્પોરેશન તેમને અને અન્ય દુકાનધારકોને થયેલા નુકસાનનું વળતર આપે. તેઓ કહે છે, "જો મને વળતર નહીં મળે તો મારે આત્મહત્યા કરવી પડશે અને જો એમ કરીશ તો ચિઠ્ઠીમાં કોર્પોરેશનવાળાઓનું નામ લખીશ."

તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર આરોપ લગાવતા કહે છે, "ગટરલાઇન બૅક મારતી હોવાથી અહીં પાણી ભરાયા હતા. જેના માટે કૉર્પોરેશન જ જવાબદાર છે. તેઓ એવી તો કેવી પ્રિમૉન્સૂન કામગીરી કરે છે કે એક દિવસના વરસાદમાં જ આ રીતે પાણી ભરાઈ જાય."

અન્ય એક દુકાનદારનું કહેવું છે, "કોરોના બાદ માંડમાંડ ધંધો શરૂ થયો હતો. હવે આ વરસાદને લીધે પાછું નુકસાન થયું છે અને હવે બધું ફરી સરખું થતા સમય લાગશે."

આ કૉમ્પલેક્સના બેઝમેન્ટમાં અંદાજે આઠ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. દુકાનધારકોને કહેવા પ્રમાણે, તેમણે જાતે જ તેમાંથી પાણી કાઢ્યું છે. કૉર્પોરેશન પાસે મદદ માગી હોવા છતાં કોઈ ખાસ મદદ મળી નહોતી એમ તેમનું કહેવું છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્ર તરફ વધ્યો વરસાદ

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પછી હવે કચ્છમાં મંગળવાર વરસાદ છે.

જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડૅમ ઓવર-ફ્લો થયો છે. જેના કારણે ડૅમની આસપાસના ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.

જ્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ખોડિયાર ડૅમમાં પાણીની આવક વધતા જિલ્લાના સાત તાલુકામથકોમાં ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગે દક્ષિણ પૂર્વના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરી છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવાર સવારે નવેસરથી 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચનો સમાવેશ થાય છે.

મુખ્ય મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

મંગળવારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા નર્મદા અને છોટા ઉદેપુરના વિસ્તારોની મુલાકાત લીધી હતી.

નોંધનીય છે કે છોટા ઉદેપુર, વલસાડ, નર્મદા અને નવસારીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઘણા લોકોને જાનમાલનું નુકસાન ભોગવવું પડ્યું હતું.

મુખ્ય મંત્રીએ પોતાની મુલાકાત દરમિયાન સ્થિતિનો અંદાજ મેળવવા માટે અધિકારીઓ અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી અને અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય પહોંચાડવા અને જરૂરી કામગીરી કરવાની સૂચના આપી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો