You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાપુતારા : ગરબા ગ્રૂપની મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 2નાં મૃત્યુ, 30 ઘાયલ - પ્રેસ રિવ્યૂ
શનિવારે રાત્રે ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા હિલસ્ટેશન પાસે એક બસ ખીણમાં ખાબકી હતી. જેમાં સવાર બે મહિલા મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે, 30 જેટલા અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ધ હિંદુના અહેવાલ પ્રમાણે, શનિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સુરતના એક ગરબા ગ્રૂપનાં સભ્યો સાપુતારાથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટનામાં બે મહિલ મુસાફરોનાં મૃત્યુ થયાં હોવાનું અને 30 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સ્થાનિકપોલીસે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા એસ. પી. રવિરાજસિંહ જાડેજાએ અખબારને જણાવ્યું, "બસમાં સુરતના એક ગરબા ગ્રુપની મહિલાઓ હતી. જેઓ સાપુતારા ફરીને પરત સુરત જઈ રહી હતી. એ વખતે હિલ સ્ટેશનથી લગભગ 3 કિલોમીટર દૂર બસ રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં ખાબકી હતી. ઘટનામાં બે મહિલાઓ મૃત્યુ પામી છે. જ્યારે 25થી 30 જેટલી મહિલાઓને સારવાર માટે મોકલવામાં આવી છે."
ગુજરાત સહીત દેશના કેટલાય ભાગોમાં વરસાદની આગાહી
દક્ષિણ પશ્ચિમ મૉનસૂન લગભગ સમગ્ર ભારતમાં છવાઈ ગયું છે. તેના કારણે દેશના વિભિન્ન ભાગોમાં વરસાદ, વાદળ ફાટવાની, વીજળી પડવાની અને પૂર જેવી પરિસ્થિતિના અહેવાલો સામે આવી રહ્યા છે.
આઈએમડીએ દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ઍલર્ટ જાહેર કર્યું છે.
આઈએમડી અનુસાર, ભારતમાં અત્યારે બે પ્રકારના સાયક્લોન સક્રિય છે. એક દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે.
જ્યારે બીજું સાયક્લોન દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર અને બંગાળની ખાડી પર સક્રિય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેના લીધે આગામી પાંચ દિવસ સુધી એટલે કે 13 જુલાઈ સુધી છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતાં 14થી વધુ શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં હતા. હવામાનવિભાગે રવિવારે પણ રાજ્યામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાપાન પોલીસે સ્વીકાર્યું, શિન્ઝો એબેની સુરક્ષામાં હતી ત્રુટિઓ
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની હત્યા બાદ જાપાન પોલીસે સ્વીકાર્યું છે કે તેમની સુરક્ષામાં ખામી હતી.
ગોળી વાગ્યા બાદ તેમને કાર્ડિયાક ઍરેસ્ટ પણ આવ્યો. ત્યાર બાદ હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
નારા પોલીસ પ્રમુખ તુમોઆકી ઓનિજુકાએ કહ્યું, "આ વાતથી ઇનકાર કરી શકાય નહીં કે સુરક્ષામાં સમસ્યા હતી."
શિન્ઝો એબે પર ચૂંટણીપ્રચાર દરમિયાન થયેલા આ હુમલાએ સમગ્ર જાપાનને હચમચાવી નાખ્યું છે. પોલીસનું કહેવું છે કે 41 વર્ષીય તેત્સુયા યામાગામી એક 'વિશેષ સંસ્થા' સાથે બદલો લેવા માગતો હતો.
જાપાની મીડિયા સૂત્રોને ટાંકીને લખે છે કે યામાગામીનું માનવું હતું કે એક ધાર્મિક સમૂહે તેમની માતાને આર્થિક રીતે બરબાદ કરી નાખી હતી. તેમના મુજબસ શિન્ઝો એબે પણ આ ધાર્મિક સમૂહ સાથે જોડાયેલા છે.
વળી રવિવારે જાપાનમાં અપર હાઉસ માટે રવિવારે મતદાન યોજાશે. એબેની હત્યા બાદ પણ ચૂંટણી રાબેતા મુજબ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો