જગદીપ ધનખર ઉપ રાષ્ટ્રપતિપદ માટે એનડીએના ઉમેદવાર

તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને મમતા બેનરજી સરકાર સામે અનેક વાર વિવાદમાં આવી ચૂકેલા જગદીપ ધનખરને હવે ઉપ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને ટાંકીને ટ્વીટ કર્યું છે કે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જગદીપ ધનખરની પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર પશ્ચિમ બંગાળની ગત વિધાનસભાની ચૂંટણી વખતે ભારે ચર્ચામાં રહ્યા હતા.

ચૂંટણીમાં ભાજપની હાર થઈ એ પછી પણ રાજ્ય સરકાર સાથેના તેમના મતભેદો વારંવાર સપાટી પર આવી જાય છે અને તેઓ રાજ્ય સરકારની કાર્યપ્રણાલીના મુખર ટીકાકાર છે અને મમતા બેનરજી સરકાર સામે અનેક મામલે વિવાદ પણ થઈ ચૂક્યો છે.

એનડીએના ઉમેદવાર તરીકે જગદીપ ધનખરના નામની જાહેરાત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે ધનખર એક ખેડૂત પુત્ર છે અને તેમણે પોતાને લોકોના રાજ્યપાલ તરીકે સ્થાપિત કર્યા છે.

આ જાહેરાતના એક દિવસ પહેલા જગદીપ ધનખરે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, "ખેડૂત પુત્ર જગદીપ ધનખરે તેમની નમ્રતા માટે જાણીતા છે. તેમની પાસે કાયદાકીય, સાંસદ અને રાજ્યપાલના પદોનો અનુભવ છે. તેમણે હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતોના ભલા માટે કામ કર્યું છે. અમને ખુશી છે કે તે અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે."

તેમણે આગળ લખ્યું, "જગદીપ ધનખર પાસે બંધારણની ઉત્તમ જાણકારી, સમજ છે. તેઓ સંસદ સાથે સંબંધિત બાબતોને પણ સારી રીતે સમજે છે. મને ખાતરી છે કે તેઓ રાજ્યસભામાં એક ઉમદા અધ્યક્ષ સાબિત થશે અને દેશને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે સંસદની કાર્યવાહીનું નેતૃત્વ કરશે."

નીતિશ કુમારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખરને જનતા દળ યુનાઈટેડનું સમર્થન આપવાની જાહેરાત કરી છે.

નીતીશ કુમારે કહ્યું, "એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર જીના નામાંકનું સ્વાગત છે. જેડીયું શ્રી જગદીપ ધનખડ જીને સમર્થન કરશે. તેમને શુભેચ્છાઓ."

ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાંક સ્થળોએ 100 મિમિ કરતાં વધુ વરસાદની આગાહી

ધ વેધર ચેનલના અહેવાલ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જુલાઈ 16 અને જુલાઈ 17ના હવામાન અનુમાન પ્રમાણે ઓડિશા, ગુજરાત અને છત્તીસગઢ સહિત દક્ષિણ કર્ણાટકના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ કેટલાંક સ્થળોએ વીજકડાકા સાથે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ઓડિશાના દરિયાઈ વિસ્તારોમાં લૉ-પ્રેશર અને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલ લૉ-પ્રેશરની સ્થિતિના કારણે આવનારા ત્રણ-ચાર દિવસ વીજકડાકા સાથે વરસાદની સ્થિતિ ચાલુ રહેશે. આ વાતાવરણની અસર મુખ્યત્વે મધ્ય, પશ્ચિમ ભારત અને તેની આસપાસના વિસ્તારો પર થશે.

આ સિવાય ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સર્જાયેલ લૉ-પ્રેશરની સ્થિતિ શનિવાર રાત સુદી ડિપ્રેશનમાં ફેરવાઈને પશ્ચિમ તરફ આગળ વધશે. આ સિસ્ટમના રસ્તાની ભારત પર અમુક દિવસ સુધી કોઈ અસર નહીં પડે.

ઉપરોક્ત બંને સિસ્ટમની અસર હેઠળ ઓડિશા, ગુજરાત, છત્તીસગઢ, દક્ષિણ કર્ણાટકના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં એક દિવસમાં 100 મિલિમિટર કે તેથી વધુ વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાત સરકારને અસ્થિર કરવા તિસ્તાને અહમદ પટેલ પાસે 30 લાખ રૂપિયા મળ્યા - SITનો દાવો

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઝકિયા જાફરીની ગુજરાત રમખાણ મામલાની અરજી કાઢી નાખવાની સાથે અરજી અંગે કરેલાં અવલોકનો બાદ સમાજસેવિક તિસ્તા સેતલવાડ અને ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી આર. બી. શ્રીકુમારની ગુજરાત પોલીસે ગુનાહિત કાવતરાના આરોપમાં ધરપકડ કરી હતી.

જે બાદ ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

હવે સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડની જામીન માટેની અરજીને પડકારતાં શુક્રવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)એ આરોપ કર્યો હતો કે તિસ્તા સેતલવાડને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ તરફથી ગુજરાત સરકારને અસ્થિર બનાવવા માટે નાણાકીય સહાય મળી હતી.

SITએ પોતાના સોગંદનામામાં કેટલાક સાક્ષીઓનાં નિવેદન ટાંક્યાં હતાં અને કહ્યું હતું કે આ સમગ્ર કાવતરું કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના ઇશારે રચાયું હતું.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે SITએ જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડે અહમદ પટેલ સાથે મિટિંગો યોજી હતી, જેમાં પ્રથમ વખત તેમને સાક્ષી મારફતે અહમદ પટેલના ઇશારે પાંચ લાખ રૂપિયા અને બે દિવસ બાદ વધુ 25 લાખ રૂપિયા અપાયા હતા.

સોગંદનામામાં દાવો કરાયો છે કે તિસ્તા સેતલવાડને મળેલ આ પૈસા એ કોઈ રાહતફંડનો ભાગ નહોતા.

ગુજરાતમાં કોરોનાના 822 નવા કેસ નોંધાયા, બેનાં મૃત્યુ

આઉટલુકઇન્ડિયા ડોટ કૉમના અહેવાલ પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાઇરસના 822 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ હવે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓની સંખ્યા માત્ર ગુજરાતમાં જ 12,41,310 થઈ ગઈ છે.

શુક્રવારે કોરોના વાઇરસના કારણે બે લોકોનાં મૃત્યુ પણ નોંધાયાં હતાં. જે સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,953 સુધી પહોંચી ગયો હતો.

જોકે રાહતની વાત એ છે કે હાલ રાજ્યમાં વાઇરસના 4,482 ઍક્ટિવ કેસ છે અને રિકવરીદર પણ પ્રમાણસર ઊંચો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિના સાઉદી અરેબિયાના પ્રવાસ વખતે બંને દેશો વચ્ચે થઈ 18 સમજૂતી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના સાઉદી અરેબિયાના પ્રવાસે છે. શુક્રવારે બંને દેશો વચ્ચે ઊર્જા, રોકાણ, સંચાર અને સ્વાસ્થ્યક્ષેત્રમાં 18 સમજૂતી થઈ.

સાઉદી અરેબિયા અને અમેરિકા 5જી નેટવર્ક, ઉન્નત સાઇબર સુરક્ષા અને અંતરિક્ષ અન્વેષણ સહિત ઘણા ભાવિ ઉદ્યોગોમાં સહયોગ કરશે.

અહીં શુક્રવારે જો બાઇડન સાઉદી કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા. તે બાદ બંને દેશો વચ્ચે આ સમજૂતીની જાહેરાત કરવામાં આવી.

વ્હાઇટ હાઉસના એક નિવેદન પ્રમાણે બંને દેશો વચ્ચે થયેલ એક સમજૂતીમાં સ્થાનિક સ્તર પર ઑપન, વર્ચ્યુલ અને ક્લાઉડ-આધારિત રેડિયો એક્સેસ નેટવર્કનો ઉપયોગ કરીને સાઉદી અને અમેરિકન ટેકનૉલૉજી કંપનીઓને 5જી તકનીક સાથે જોડશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો