ગુજરાતમાં પશુઓમાં જોવા મળ્યો જીવલેણ લમ્પી વાઇરસ, માણસોને કેટલો ખતરો?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પશુપાલકો અને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ ચિંતાનું કારણ છે, પાછલા એક માસથી ગાય અને ભેંસમાં ઝડપથી પ્રસરી રહેલ લમ્પી વાઇરસનો ચેપ.

રાજ્ય સરકારના પશુપાલનવિભાગ દ્વારા શંકાસ્પદ પશુઓના નમૂના લેવાઈ રહ્યા છે અને પુરજોશથી રસીકરણ કરાઈ રહ્યું છે. એક મહિના પહેલાં ગુજરાતના જામનગર જિલ્લામાં લમ્પી વાઇરસનો પ્રથમ કેસ કન્ફર્મ થયા બાદ અન્ય જિલ્લામાં કેસ વધી રહ્યા છે જ્યારે અન્ય જિલ્લાનાં રખડતાં ઢોરના કારણે આ વાઇરસનું સંક્રમણ વધુ ઝડપથી ફેલાવાનો ભય ઊભો થયો છે.

ગુજરાતના સૌરાષ્ટ્રના ચાર જિલ્લા સહિત કચ્છ સુધી પશુઓમાં લમ્પી વાઇરસનો રોગ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં 1190 કેસ નોંધાયા છે જ્યારે જામનગરમાં લમ્પી વાઇરસના રોગથી ચાર અને દેવભૂમિ દ્વારકામાં 13 પશુનાં મોત થઈ ચૂક્યાં છે.

એક મહિના પહેલાં જામનગરમાં લમ્પી વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો પછી દેવભૂમિ-દ્વારકા, કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં લમ્પી વાઇરસના કેસ નોંધાયા છે અને પશુઓનાં મૃત્યુ પણ થયાં છે.

ઉલ્લેખનીય છે કે, હજુ સુધી અમદાવાદ શહેરમાં લમ્પી વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હજુ સુધી લમ્પી વાઇરસના સંક્રમણનો સત્તાવાર કેસ નોંધાયો નથી.

'આ વાઇરસ મનુષ્યને સંક્રમિત કરતો નથી'

જામનગર જિલ્લા પંચાયતના પશુપાલનવિભાગના ડેપ્યુટી ડાયરેકટર અનિલ વિરાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " આ એક વાયરલ રોગ છે. આ રોગ પશુઓમાં જોવા મળે છે. પશુઓના સીધા સંપર્કથી અથવા તો માખી, મચ્છર કે ઇતરડી દ્વારા ફેલાય છે. આ રોગ બે વર્ષ પહેલાં ગુજરાતમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો. આ રોગમાં ગૉડ પૉકસ નામની વૅક્સિન અસરકારક છે. વૅક્સિનની અસર થતાં 15થી 20 દિવસ થાય છે. આ રોગમાં મરણનું પ્રમાણ એકથી પાંચ ટકા સુધીનું છે. આ વાઇરસ મનુષ્યને સંક્રમિત કરતો નથી."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જામનગર જિલ્લામાં તેમજ કૉર્પોરેશન વિસ્તારમાં 267 પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં ચાર પશુઓનું મરણ થયું હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે."

"અમે પશુઓનું રસીકરણ શરૂ કરી દીધું છે. અત્યાર સુધી અમે સાત હજાર જેટલાં પશુઓનું રસીકરણ કર્યું છે."

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પશુપાલનવિભાગના ડેપ્યુટી ડાયરેકટર મહેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝનો પ્રથમ કેસ 9 મે 2022ના રોજ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં દ્વારકા જિલ્લા તેમજ નગરપાલિકા વિસ્તારમાં મળીને 640 જેટલાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ જોવા મળ્યો છે."

"આ રોગથી 13 જેટલાં પશુઓનાં મોત થયાં છે. હાલ રસીકરણ ચાલી રહ્યું છે. 4,300 જેટલાં પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે."

તકેદારી રાખવા શું કરવું?

દ્વારકાના ગૌસેવક હાર્દિકભાઈ વાયડાએ જણાવ્યું હતું કે, "દ્વારકામાં લમ્પી સ્કિન ડિસીઝ પશુઓમાં જોવા મળતા આ અંગે તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવાં જોઈએ તે અંગે પશુચિકિત્સક સાથે અમે વાત કરી હતી."

"તેમજ પશુચિકિત્સકની સલાહ મુજબ પશુઓને રોગનો ભોગ બનેલાં પશુઓને આઇસોલેટ રાખવા માટે એક અલગ વાડાની વ્યવસ્થા કરી હતી. તેમજ ભોગ બનેલા પશુઓને અહીંયા મૂકી જવા માટેની લાઉડ સ્પીકર પર જાહેરાત પણ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "લોકોને સમજાવી તેમનામાં જાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો."

"દ્વારકામાં લગભગ 400 જેટલાં પશુઓ લમ્પી વાઇરસનો ભોગ બન્યાં હતાં. જેમાંથી 200 જેટલાં પશુઓ સાજાં થઈ ગયાં છે."

"આ સાજા થયેલાં પશુઓને પણ અન્ય એક અલગ વાડામાં 15 દિવસ સુધી દેખરેખમાં રાખવામાં આવે છે. હવે ભોગ બનેલ પશુઓની સંખ્યા ઘટવા લાગી છે."

અમદાવાદ જિલ્લાના નાયબ નિયામક સુકેતુ ઉપાધ્યાયે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમદાવાદ જિલ્લામાં લમ્પી વાઇરસના કેસ જોવા મળ્યા નથી. ગયા વર્ષે અમદાવાદના બારેજ વિસ્તારમાં કેસો જોવા મળ્યા હતા."

"જે સમયે સારવાર શરૂ કરી તેમજ વૅક્સિન શરૂ કરી દેતાં પશુઓ ક્યોર થઈ ગયાં હતાં. અત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં લમ્પી વાઇરસના કેસ જોવા મળ્યા છે."

"જેથી અમદાવાદ જિલ્લામાં અમારી ટીમ પણ ઍલર્ટ થઈ ગઈ છે. આ રોગનો શિકાર બનેલાં પશુઓને સપોર્ટિવ સારવારથી આપોઆપ સાજાં થઈ જાય છે."

રોગનાં લક્ષણો

ગુજરાત સરકારના પશુપાલનવિભાગે તારીખ આઠ જૂનના જણાવાયું છે કે, "તાજેતરમાં પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કિન ડિસીઝ એ કેપ્રિપૉક્સ વાઇરસ ઑફ ફૅમિલી પૉક્સવાઇરાઇડેથી થતો ચેપી રોગ છે. ખાસ કરીને આ રોગનો ફેલાવો આર્થોપૉડ વેક્ટર જેવા કે મચ્છર, ડંખ મારતી માખી અને બગાઈ દ્વારા ફેલાય છે."

આ રોગનાં લક્ષણો આ પ્રમાણે છે :

  • મુખ્યત્વે પશુનાં શરીર (ચામડી) પર ગુંમડાં જેવી ગાંઠો ઊપસી આવે છે.
  • પશુને સામાન્ય તાવ આવવો, દૂધ ઉત્પાદન ઘટી જવું, કેટલાક કિસ્સાએ પશુઓમાં ગર્ભપાત જોવા મળે છે.
  • કોઈકવાર પશુઓમાં વંધ્યત્વ જોવા મળે છે તેમજ નિર્બળ/અશક્ત પશુઓમાં ક્યારેક મૃત્યુ પણ જોવા મળે છે
  • ચેપગ્રસ્ત પશુની આંખ અને નાક્માંથી સ્ત્રાવ નીકળે છે અને મોઢામાંથી લાળ પડે છે.

લમ્પી સ્કીન ડિસીઝ (LSD)ના નિયંત્રણ અર્થે ભારત સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ આ પગલાં લેવામાં આવવાના છે.

  • રાજ્યની ક્ષેત્રીય કચેરીઓને પરિપત્ર કરી, લમ્પી સ્કિન ડિસીઝના નિયંત્રણ અર્થેની કામગીરી કરવા જણાવવામાં આવેલ છે. જે અનુસાર અસરગ્રસ્ત પશુઓની આસપાસના વિસ્તારમાં પાંચ કિલોમિટર ત્રિજ્યામાં રસીકરણ કરવામાં આવે છે.
  • અસરગ્રસ્ત પશુની જગ્યાને ડિસઇન્ફેક્ટ રાખવા જણાવેલ છે. આસપાસના તંદુરસ્ત પશુઓને ઍક્ટો- પેરાસિટિસાઇડ દવાઓના ડોઝ આપવા જણાવેલ છે.
  • આ રોગ રોગવાહક જંતુઓથી ફેલાતો હોઈ રોગવાળા અને આસપાસના વિસ્તારોમાં જંતુનાશક દવાઓ, ફ્લાયરીપેલન્ટસનો ઉપયોગ કરવા જણાવેલ છે.
  • રાજયના જિલ્લાઓમાંથી શંકાસ્પદ પશુઓના નમૂનાઓ જેવા કે, ચામડી પરના ભિંગડાં, આંખ અને નાકમાંથી નીકળતો સ્ત્રાવ તથા લોહીના વગેરે લઈ પૃથ્થકરણ અર્થે ભોપાલ ખાતે મોકલી આપવા જણાવાયું છે.
  • ચેપી રોગના અહેવાલ અનુસાર 1,190 અસરગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવેલ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો