મંકીપૉક્સ વાઇરસ પણ લૅબોરેટરીમાંથી લીક થયો હતો?

    • લેેખક, રચેલ શ્ચેયર
    • પદ, હેલ્થ અને ડિસઇન્ફોર્મેશન સંવાદદાતા

યુરોપમાં મંકીપૉક્સના કિસ્સા બહાર આવવા લાગ્યા ત્યારથી મંકીપૉક્સ વાઇરસ વિશેની માન્યતાઓ સોશિયલમીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે, જે કોવિડ-19 મહામારીમાંથી સીધી રિસાયકલ કરી હોવાનું જણાય છે.

મંકીપૉક્સ લૉકડાઉન લાગવાની અફવાઓ ઊડી રહી છે. દુનિયાભરમાં ટિકટૉક યુઝર્સ વચ્ચે એવા સમાચારો ફરી રહ્યા છે કે લૉકડાઉન જેવાં નિયંત્રણો વિચારણામાં છે. એક એકાઉન્ટમાં ફૉલોઅરને સચેત કરાયા છે કે "મંકીપૉક્સ લૉકડાઉન" અને "મંકીપૉક્સ મહામારી" માટે તૈયાર રહેજો.

અન્ય પોસ્ટમાં યુકેના કોવિડ લૉકડાઉન દરમિયાન બ્રિટિશ સરકારની પ્રેસ વિજ્ઞપ્તિની ટીખળ કરવામાં આવી છે.

મંકીપૉક્સ મહામારીની જેમ ફાટી નીકળવાની આશંકા વચ્ચે, વૈજ્ઞાનિકો કહે છે કે આ વાઇરસ કોવિડ જેવો નથી અને નિષ્ણાતોનો વ્યાપક મત એ છે કે મંકીપૉક્સનો ફેલાવો મર્યાદિત રહેશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના રોગચાળા વિજ્ઞાનકેન્દ્રના ડિરેક્ટર પ્રોફેસર પીટર હોર્બી કહે છે, "આપણી પાસે પહેલેથી જ તેની રસી અને સારવાર ઉપલબ્ધ છે અને મંકીપૉક્સમાં લક્ષણો દેખાય પછી જ ચેપ લાગે છે. આમ તેની ઓળખ અને આઈસોલેશન સરળ છે."

તેઓ ઉમેરે છે, "આમ લૉકડાઉન કે સામૂહિક રસીકરણ જેવાં પગલાંની મંકીપૉક્સ સામે ખરેખર જરૂર નથી. હાલ તો, ચેપગ્રસ્ત લોકો અથવા તેમના સંપર્કમાં આવેલા લોકોના આઇસોલેશન અને રસીકરણ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) તરફથી ડો. રોસમંડ લુઈસે કહ્યું છે કે સામૂહિક રસીકરણની કોઈ જરૂર નથી. ડબ્લ્યુએચઓએ પણ કોઈ પણ પ્રવાસ પ્રતિબંધોની આવશ્યકતા ન હોવાની વાત કરી છે.

મંકીપૉક્સ વારસ લૅબમાંથી ફેલાયાના કોઈ પુરાવા નથી

યુક્રેન, રશિયા, ચીન અને યુએસમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ન્યૂઝ આઉટલેટ્સે એવા આક્ષેપો કર્યા છે કે મંકીપૉક્સ વાઇરસ પ્રયોગશાળામાંથી લિક થયો છે અથવા તો કેટલાકે જૈવિક શસ્ત્ર તરીકે મંકીપૉક્સના ઉપયોગની વાતો લખી છે.

જોકે, તેના ડીએનએનું સિક્વન્સિંગ કરીને વાઇરસ ક્યાંથી પેદા થયો તે જાણવું શક્ય છે. આનુવંશિકશાસ્ત્રી ફાતિમા તોખ્માફશાન આને પાર્સલ પર બારકોડ સ્કેન કરીને તેને "વિવિધ સ્થળો દર્શાવતા નકશા" પર મોકલવા સાથે સરખાવે છે.

સામાન્ય રીતે પશ્ચિમ આફ્રિકામાં ફેલાયેલા મંકીપૉક્સ વાઇરસ અંગે અત્યાર સુધી આપણી પાસે જે આનુવંશિક સિક્વન્સ ઉપલબ્ધ છે તે દર્શાવે છે કે વાયરસ "લૅબોરેટરીમાંથી ઉત્પાદિત નથી".

2018 અને 2021માં યુકેમાં મંકીપૉક્સના જૂજ કેસ નોંધાયા હતા અને યુએસમાં પણ 2021માં મંકીપૉક્સ મોટાપાયે ફેલાયો હતો. દરેકમાં કાંતો પ્રવાસીઓમાંથી અથવા આયાતી પ્રાણીઓમાંથી લાગુ પડ્યો હતો.

પ્રોફેસર હોર્બી કહે છે, "આમ એકદમ બુદ્ધિગમ્ય વાત છે કે આ વખતે પણ આમ જ બન્યું છે અને અત્યાર સુધીમાં વાઇરસ ફેલાવા પાછળની સૌથી પ્રબળ સંભાવના આ જ છે."

હાલના સંક્રમણમાં યુકેમાં ઓળખાયેલો સૌથી પહેલો કેસ નાઈજીરિયાથી આવેલા પ્રવાસીમાં જોવા મળ્યો હતો.

પ્રોફેસર હોર્બી કહે છે કે મંકીપૉક્સ લૅબમાંથી ફેલાયો હોવાના "દાવા માટે કોઈ આધાર નથી".

સંક્રમણ ફેલાવવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા નથી

એવા પણ લોકો છે જેઓ ઑનલાઇન દાવો કરે છે કે વર્તમાન મંકીપૉક્સની બિમારી ફેલાવવા માટે ઇરાદાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા લોકો કોવિડ મહામારીને ફેલાવવાના કાવતરાની વાતો બિલ ગેટ્સ કે એન્થોની ફૌસી સાથે જોડીને કરે છે.

આવાં નિરાધાર નિવેદનો સમગ્ર રશિયાના મીડિયા, ચાઈનીઝ સોશિયલ ઍપ વેઈબો અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી રહ્યાં છે. ફેસબુક પર રોમાનિયન, જર્મન, અંગ્રેજી, અરબી, ફ્રેન્ચ, સ્લોવેનિયન, હંગેરિયન અને પંજાબીમાં પણ આવી કહાનીઓ જોવા મળી જાય છે.

દાવાઓમાં યુએસ સ્થિત જૈવ સુરક્ષા સંસ્થા, ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવ (એનટીઆઈ) દ્વારા તૈયાર કરાયેલ દસ્તાવેજનો આધાર આપવામાં આવે છે.

2021માં એનટીઆઈ દ્વારા વિશ્વભરના નેતાઓને ભાવી મહામારીની સંભાવના માટે યોજના બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટેના એક વર્કશોપનું આયોજન કર્યું હતું.

જેમાં એક કાલ્પનિક ઉદાહરણ આપીને એમ કહેવામાં આવ્યું હતું કે "ઘાતક, વૈશ્વિક મહામારી જેમાં મંકીપૉક્સ વાઇરસના અસામાન્ય સ્ટ્રેન છે. જે વૈશ્વિક સ્તરે ફેલાય છે".

એનટીઆઈ અનુસાર, "મંકીપૉક્સના જોખમોનું વર્ષોથી દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે" અને કેસોમાં વધારો થઈ રહ્યો છે, જે ઉદાહરણરુપે આ વર્કશોપમાં પસંદ કરવા માટેનું કારણ હતું.

જગતમાં ચેપ ફાટી નીકળે છે એ એક હકીકત છે, તેથી તેમની આગાહી અને આયોજન કરતી સંસ્થા એમ કંઈ શંકાના ઘેરામાં આવી જતી નથી.

મોટાભાગે ઉંદરોમાં જોવા મળે છે, વાંદરાઓમાં નહીં

મંકીપૉક્સને કોવિડ રસી સાથે જોડતા દાવાઓ બે સ્વરૂપે કરાઈ રહ્યા છે. કેટલાક એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે એસ્ટ્રાઝેનેકા રસીમાં ચિમ્પાન્ઝીમાં રહેલા વાઇરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી તે નકલ કરીને ફેલાઈ શકતો નથી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં કેટલીક ઉપરની પોસ્ટની જેમ ચિમ્પાન્ઝીના વાઇરસ અને મંકીપૉક્સની ફેલાઈ રહેલી બિમારીને જોડીને જુએ છે.

જોકે, મંકીપૉક્સ એસ્ટ્રાઝેનેકા રસીમાં જોવા મળતા વાઇરસથી તદ્દન અલગ પ્રકારના વાઇરસને કારણે થાય છે અને હકીકતે તે મોટા ભાગે ઉંદરોમાં જોવા મળે છે, વાંદરાઓમાં નહીં.

ઓનલાઈન અફવા બજારમાં બીજો એવા પ્રકારનો દાવો કરાઈ રહ્યો છે કે કોવિડ રસી કોઈક રીતે તમારી રોગપ્રતિકારક શક્તિને દબાવી દે છે, જેથી તમે અન્ય ચેપનું જોખમ વધુ રહે છે.

આ દાવા પાછળ કોઈ વાસ્તવિક આધાર નથી. રસી તમારી રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે, ક્ષીણ કરતી નથી. તે ચોક્કસ ચેપને લક્ષ્ય બનાવવા માટે રોગપ્રતિકારક શક્તિને વધુ અસરકારક બનાવે છે.

જ્યારે રસીઓ પ્રત્યે ઓટોઇમ્યૂન રિઍક્શન ધરાવતા લોકોના ઘણા ઓછા કેસ છે, જેમાં તમારું શરીર પોતે જ હુમલો કરવાનું શરૂ કરે છે (એસ્ટ્રાઝેનેકા લીધા પછી લોહીના ગંઠાવાનું કારણ).

જોકે તેમાં એવા કોઈ પુરાવા નથી કે રસી રોગપ્રતિકારક શક્તિને દબાવી દે છે અથવા અન્ય રોગો સામે લડવાની તમારી ક્ષમતામાં બદલાવ લાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો