ચીનમાં જોવા મળેલા મંકી B વાઇરસથી માણસને કેટલું જોખમ? ચિંતાનું કારણ કેટલું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ચીનમાં વધુ એક 'મંકી B' વાઇરસે દેખા દીધી છે, તેનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, માનવજાતિમાં આ વાઇરસના કારણે મૃત્યુનો આ પ્રથમ કેસ છે.

નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી માનવજાતિ માટે ખાસ ચિંતાને કારણ નથી અને મૃતકના સંપર્કમાં આવેલા તમામ લોકો સલામત છે, જે સારી બાબત છે.

1930 આસપાસ મૅકાક વાનરોમાં આલ્ફાહર્પ્સ વાઇરસ જોવા મળ્યો હતો અને તે નિયમિત અંતરે જોવા મળે છે.

બીજી બાજુ, પશ્ચિમી દેશોમાં 'મંકી-પોક્સ'ની બીમારીએ દેખા દીધી છે, જે શીતળાના કુળની બીમારી છે.

ઉલ્લેખનીય છે કે ગત દોઢ વર્ષના ગાળા દરમિયાન ચીનમાં ઍવિયન ઇન્ફ્લુએન્ઝા (બર્ડ ફ્લુનો એક પ્રકાર), બ્રુસેલોસિઝે દેખા દીધી છે. કોવિડ-19 વાઇરસને કારણે વિશ્વભરમાં વ્યાપેલા હાહાકાર બાદ ચીનમાં ઉદ્ભવતા કોઈ પણ નવા રોગ પર વૈજ્ઞાનિક સમુદાયની નજર રહે છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, 19 જુલાઈ સુધીમાં વિશ્વમાં કોરોનાના 19 કરોડ કરતાં વધુ કેસ નોંધાયા છે તથા 41 લાખ જેટલાં મૃત્યુ થયાં છે.

મંકી B વાઇરસ

ચીનના આંતરરાષ્ટ્રીય અંગ્રેજી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, ચીનમાં માનવમાં મંકી-બી વાઇરસના ચેપનો પહેલો કેસ નોંધાયો છે, જેનું મૃત્યુ થયું છે.

બિજિંગમાં રહેતા પશુચિકિત્સકની ઉંમર 53 વર્ષની હતી અને તેમણે મૃત્યુના એકાદ મહિના પહેલાં બે મૃત વાનરોના અંગવિચ્છેદ કર્યા હતા. તેઓ નૉન-હ્યુમન પ્રાઇમેટ્સ પર સંશોધન કરી રહ્યા હતા.

આ પછી પશુચિકિત્સકને ઊલટી અને ચક્કરની ફરિયાદો શરૂ થઈ હતી. તેમણે 27મી મેના અંતિમ શ્વાસ લીધા હતા.

તેમણે બિજિંગની અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર લીધી હતી. ગત શનિવારે ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શનના સાપ્તાહિકે આ વિશે માહિતી આપી હતી.

વિજ્ઞાનીઓએ પશુચિકિત્સકના શરીરમાંથી વિવિધ પ્રકારના નમૂના લીધા હતા, જેમાં તેમને મંકી-બી વાઇરસ થયો હોવાનું બહાર આવ્યું હતું.

મૃતકના નજીકના લોકો તથા તેઓ જેમના સંપર્કમાં આવ્યા હતા, તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમના રિપોર્ટ નૅગેટિવ આવતાં વિજ્ઞાની સમુદાયે રાહતના શ્વાસ લીધા છે.

ઉલ્લેખનીય છે કે 1932માં પ્રથમ વખત આ વાઇરસની ઓળખ થઈ હતી. વાઇરસના સીધા સંપર્કમાં આવનારી અથવા તો શારીરિક સ્રાવોના સંપર્કમાં આવનારી વ્યક્તિને આ રોગ લાગુ પડી શકે છે.

શું છે મંકી બી વાઇરસ ?

હર્પિસ બી કે મંકી વાઇરસ સામાન્ય રીતે પુખ્તવયના મૅકાક (ટૂંકી પૂંછડીવાળા વાનર) દ્વારા ફેલાય છે. આ સિવાય તે રિસસ મૅકાક, ડુક્કર જેવી પૂંછડી ધરાવતા મૅકાક કે સિનોમોલગસ વાનર કે લાંબી પૂંછડીવાળા મૅકાક દ્વારા પણ ફેલાઈ શકે છે.

સામાન્ય રીતે આ બીમારી મનુષ્યોમાં નથી જોવા મળતી, પરંતુ જો થઈ જાય તો બરોળમાં સોજો આવી શકે છે. તેમજ ચેતાતંત્ર સંબંધિત ફરિયાદ થઈ શકે છે. ઊલટી અને ચક્કર તેનાં સર્વસામાન્ય લક્ષણ છે.

આનાથી બીમાર વ્યક્તિમાં મૃત્યુનો દર 70થી 80 ટકા જેટલો ઊંચો હોય છે.

ફેલાવાનું કારણ

માણસોમાં મૅકાક વાનરના બચકું ભરવાથી કે નખોરિયાં ભરવાથી તે ફેલાઈ શકે છે. આ સિવાય વાઇરસગ્રસ્ત વાનરનાં મળ-મૂત્ર કે લાળથી પણ ફેલાઈ શકે છે. આ સિવાય ચેપી ઇન્જેક્શનને કારણે પણ તેનો ફેલાવો થઈ શકે છે.

વાઇરસ સામાન્ય વસ્તુસપાટી ઉપર કલાકો સુધી જીવિત રહી શકે છે અને તેમાં પણ ભેજવાળી સપાટી ઉપર તેનું આયુષ્ય વધારે હોય છે.

બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રિપોર્ટ મુજબ, પ્રયોગશાળામાં કામ કરતા કર્મચારીઓ અથવા તો વાનરો સાથે કામ કરતા પશુચિકિત્સકોમાં આ બીમારી થવાની શક્યતા વધુ હોય છે.

જો કોઈ વ્યક્તિને વાઇરસનો ચેપ લાગે તો ત્રણથી સાત દિવસની અંદર તેનાં લક્ષણ દેખાવાં લાગે છે, કેટલાક કિસ્સામાં આ સમયગાળો એક મહિના સુધીનો હોય શકે છે.

અસર દેખાવાનો સમયગાળો કેટલા પ્રમાણમાં વાઇરસે અસર કરી છે, તેના ઉપર આધાર રાખે છે.

વાઇરસનાં લક્ષણ

આમ તો વાઇરસનાં કોઈ સર્વસામાન્ય લક્ષણ નથી, છતાં સામાન્યતઃ નીચેનાં કેટલાંક લક્ષણ જોવાં મળી શકે છે. જેમ કે :

  • ચેપની જગ્યાએ ફોલ્લા પડવા
  • ફ્લૂનાં લક્ષણ
  • તાવ અને ઠંડી લાગવી
  • 24 કલાક કરતાં વધુ સમય સુધી માથામાં દુખાવો
  • થાક
  • સ્નાયુઓ અકડાવા
  • શ્વાસ લેવામાં તકલીફ વગેરે.

લક્ષણ દેખાવાના પ્રથમ દિવસથી ત્રણ અઠવાડિયાં સુધી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

સારવાર

બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રિપોર્ટ મુજબ, જો કોઈ સંક્રમિત વ્યક્તિને તત્કાળ સારવાર ન મળે તો 70 ટકા કિસ્સામાં તેનું મૃત્યુ થઈ શકે છે.

આથી જો વાનર બચકું ભરે કે નખોરિયાં મારે તો તત્કાળ સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે.

ઈજાગ્રસ્ત જગ્યાને સાબુ (કે ડિટર્જન્ટ કે આયોડિન) અને પાણી કે આલ્હોકોલવાળા દ્રાવણથી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.

કમિશનના રિપોર્ટ મુજબ, ઍન્ટિવાઇરલ દવાઓથી તેની સારવાર થઈ શકે, પરંતુ તેની કોઈ વૅક્સિન ઉપલબ્ધ નથી.

મંકી પોક્સની મુશ્કેલી

બીજી બાજુ, પશ્ચિમી દેશોમાં જ્વલ્લે જ જોવા મળતી બીમારી મંકી પોક્સના કિસ્સા નોંધાયા છે. યુકે (વેલ્સ) તથા યુએસએ (ટૅક્સાસ)માં તેના કેસ નોંધાયા છે.

ટૅક્સાસમાં રહેતી એક વ્યક્તિમાં મંકી પોક્સની બીમારી જોવા મળી છે. આ વ્યક્તિ તાજેતરમાં નાઇજિરિયાથી પરત ફરી છે. જેના કારણે તંત્રે તેને અલગ રાખીને સારવાર હાથ ધરી હતી.

મંકી પોક્સ એ શીતળા (સ્મૉલપોક્સ)ના કુળની બીમારી છે. જે મધ્ય તથા પશ્ચિમી આફ્રિકામાં ઉષ્ણકટિબંધીય જંગલોમાં જોવા મળે છે. છતાં તે શીતળા કરતાં ઓછી જીવલેણ છે અને તેના પ્રસારની સંભાવના પણ ઓછી છે.

યુકેમાં જૂન મહિનાના મધ્ય ભાગમાં આ બીમારી જોવા મળી હતી. જોકે, તેના કારણે સામાન્ય જનતાના આરોગ્ય ઉપર જોખમ ઊભું નહોતું થયું.

કોરોનાની જેમ જ આ બીમારી પણ થૂંકના કણોથી ફેલાઈ શકે છે, એટલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો દરમિયાન ફરજિયાતપણે માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી કરીને પ્રસાર ઓછો થાય. આ સિવાય કપડાં કે વપરાયેલાં ચાદર-ઓછાડથી પણ ફેલાઈ શકે છે.

મંકી પોક્સના દર્દીને ચાઠાં, તાવ, માથામાં દુખાવો, સોજા, સ્નાયુઓમાં દુખાવો કે પીઠમાં દુખાવો જેવી બીમારી થઈ શકે છે. ચહેરાથી તેની શરૂઆત થાય છે અને બાદમાં હાથનાં પંજા પર, પગના તળિયે કે શરીરનાં અંગો પર તેની અસર જોવા મળી શકે છે.

14થી 21 દિવસમાં તે જાતે જ ઠીક થઈ જાય છે. છતાં પશ્ચિમ આફ્રિકામાં મંકી પોક્સને કારણે મૃત્યુના કેટલાક કિસ્સા નોંધાયા છે.

મંકી પોક્સ વાનરો અને ઉંદરોમાં જોવા મળે છે, જે માંસ, માંસનાં ઉત્પાદનો, મળ કે લાળ દ્વારા માણસોમાં પણ પ્રવેશી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો