You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અઠવાડિયાના આ પાંચ સમાચારો તમે ચૂકી તો નથી ગયાને!
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
હેલ્લો ગુજરાત! કેમ છો તમે બધાં? આશા રાખીએ કે તમે મજામાં જ હશો.
આ અઠવાડિયામાં દેશ અને દુનિયામાં અનેક ઘટનાઓ બની અને તેના સમાચારો બીબીસી ગુજરાતીએ અનેકવિધ રીતે કવર પણ કર્યાં. એક તરફ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદે વેરેલી તારાજી, દેશમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી અને વિદેશમાં રશિયા-યુક્રેન યુદ્ધ, શ્રીલંકાની રાજકીય કટોકટી, યુરોપમાં ઐતિહાસિક ગરમી સહિત અનેક બાબતો ચર્ચામાં રહી.
પણ તમે કોઈ વાત ચૂકી ગયા હો તો નિશ્ચિંત રહો, બીબીસી ગુજરાતી પર અઠવાડિયાની અમુક અગત્યની કહી શકાય એવી સ્ટોરીઝ અમે તમને જણાવી રહ્યાં છીએ.
આ અઠવાડિયા માટે અમે ભારત-પાકિસ્તાન બેઉ માટે મુસીબત બનનાર વૃક્ષ કોનોકાર્પસની કહાણી, ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતીમાં દલીલ કરવાના રસપ્રદ કેસની કહાણી, ઘડપણમાં બિઝનેસ શરૂ કરનારાં મહિલાઓની કહાણી, અફઘાનિસ્તાનના વિદ્રોહી નેતા અહમદ મસૂદ સાથેનો બીબીસીનો એક્સલુસિવ ઇન્ટરર્વ્યૂ અને ભૂપિન્દર સિંહની વિદાય પર વિશેષ શ્રદ્ધાંજલિ લેખ - આ પાંચ કહાણીઓ તમારા માટે પસંદ કરી છે.
સૌપ્રથમ વાત કરીએ ખતરનાક વૃક્ષ કોનોકૉર્પસની.
ભારત અને પાકિસ્તાનને ખતરામાં મૂકનારું વૃક્ષ કોનોકૉર્પસ
હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય એવું વાતાવરણ છે. હરિયાળી તો દરેકને ગમે જ પણ કેટલીક હરિયાળી ખતરનાક સાબિત થઈ શકે છે.
આ એક એવા વૃક્ષની કહાણી છે જેનાથી દેશો અને સરકારોને પરેશાન કરી છે અને આ પરેશાની સતત વધારી રહ્યું છે. આ વૃક્ષ છે કોનોકૉર્પસ.
મોટા ભાગે લીલાછમ, સુંદર અને આકર્ષક 'કોનોકૉર્પસ' વૃક્ષ રસ્તાની વચ્ચે ડિવાઇડર પર જોવા મળે છે. ઘણા દેશોએ શહેરોમાં હરિયાળી વધારવા માટે આ વૃક્ષોને અપનાવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત, પાકિસ્તાન, આરબ અને મધ્ય પૂર્વના દેશોમાં આ વૃક્ષોનો રસ્તા, બાગ-બગીચામાં તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં રોપવામાં આવે છે. જોકે, બાદમાં સંબંધિત સરકારો પોતાના નિર્ણયને પાછો ખેંચતી જોવા મળી રહી છે.
વૃક્ષો અને પર્યાવરણ નિષ્ણાતો ચિંતિત છે કે કોનોકૉર્પસ પર્યાવરણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. જેના લીધે તેનો વિરોધ થવાનું શરૂ થયું.
ગુજરાતમાં પણ આ વૃક્ષને રોપવામાં આવેલાં છે તેમાં અમદાવાદના રિવરફ્રન્ટનો પણ સમાવેશ થાય છે.
તેલંગાણા સરકારે તાજેતરમાં જ ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત 'હરિતા વનમ્' નર્સરીમાં કોનોકૉર્પસ ન ઉગાડવાનો લેખિત આદેશ આપ્યો છે.
કોનોકૉર્પસ કેમ ખતરનાક ગણાવાઈ રહ્યું છે અને શું છે ચિંતાનો વિષય વાંચો અહીં ક્લિક કરીને.
"ગુજરાતી" ભાષામાં દલીલ કરવા પાંચ વર્ષથી કાનૂની જંગ લડનારની કહાણી
જો તમને ગુજરાતી ભાષામાં રસ હોય તો આ કહાણી ખાસ તમારા માટે છે અને જો તમને કાયદા-કાનૂનમાં રસ હોય તો પણ આ કહાણી તમારે અચૂક વાંચવી જોઈએ.
વાત એવી છે કે રાજકોટના ફક્ત ધોરણ દસ પાસ એક વડીલ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો કેસ પોતે જ લડવા માગે છે પણ હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટનું કામકાજ અંગ્રેજી ભાષામાં થતું હોય છે અને અંગ્રેજી નહીં આવડતું હોવાને કારણે એમણે ગુજરાતી ભાષામાં દલીલ કરવા દેવા માટે દાવો માંડ્યો છે. આ મામલો આમ લાગે છે સરળ પણ એ છે નહીં.
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષામાં દલીલ અંગે વિવાદ કેમ થઈ રહ્યો છે વાંચો અહીં ક્લિક કરીને.
ઘડપણમાં બિઝનેસ શરુ કરીને લાખો કમાતી મહિલાઓની કહાણી
આજકાલ જમાનો સ્ટાર્ટ અપનો છે. કોરોના મહામારીમાં દુનિયાએ અપાર હાલાકી વેઠી પણ એની સાથે સાથે દુનિયામાં એવાં લોકો પણ છે જેમણે મહામારીમાં નોખો ચીલો ચાતર્યો.
જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં હોય તો આ કહાણી તમારા માટે છે, જો તમે સિનીયર સિટિઝન હો અને જિંદગીના આ પડાવે આર્થિક સવાલોનો સામનો કરી રહ્યાં હો તો આ કહાણ તમારા માટે છે.
આ કહાણી એવી મહિલાઓની છે જેમણે નિવૃત્ત થવાંની વયે જાતમહેનતે બિઝનેસ શરૂ કરીને કાઠું કાઢ્યું છે. અને આ બિઝનેસ પણ જેવો તેવો નથી, પોતાની જિંદગીને સ્પર્શતી મહત્ત્વની વાતનો છે.
વાંચો ઉંમરલાયક ઉદ્યોગસાહસિક મહિલાઓની પ્રેરક કહાણીવાંચો અહીં ક્લિક કરીને.
અફઘાનિસ્તાનના વિદ્રોહી નેતા અહમદ મસૂદ સાથે BBC EXCLUSIVE વાતચીત
અફઘાનિસ્તાનમાં બે દાયકાની હિંસા બાદ અમેરિકા સહિત પશ્ચિમી સૈન્ય દળો પરત નીકળી ગયા અને ફરી એક વાર દેશ પર તાલિબાનનો કબજો થઈ ગયો તેને લગતા અનેક સમાચારો તમે બીબીસી ગુજરાતી પર વાંચ્યાં કે જોયાં હશે.
વિદેશી સેનાઓ પરત ફરી એ પછી તાલિબાન સામે સૌથી મોટો પડકાર અહમદ મસૂદ બન્યા હતા અને પંજશીરની ખીણમાં ભયાનક યુદ્ધ છેડાયું હતું.
અહમદ મસૂદ એ પંજશીરના સિંહ તરીકે જાણીતા તાલિબાન વિરોધી કમાન્ડર અહમદશાહ મસૂદના 33 વર્ષીય પુત્ર છે.
અહમદ મસૂદ હાલ ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને બીબીસી ફારસીના સંવાદદાતા દાઉદ કારિજાદેહે એક ગુપ્ત ઠેકાણે એમનો ખાસ ઇન્ટરવ્યૂ કર્યો છે.
અહમદ મસૂદે બીસીસી સાથેની એક્સલુસિવ મુલાકાતમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને લઈને દુનિયા માટે મોટી આફત ગણાવી છે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું પણ કહ્યું.
અહમદ મસૂદનું કહેવું છે કે તાલિબાન વર્ષ 2001 કરતાં પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. એમણે એમ પણ કહ્યું કે, તાલિબાનના રાજમાં અમાનુષી અત્યાચારો ગુજારવામાં આવી રહ્યાં છે અને અફઘાનિસ્તાન ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સહિત ઘણા બધા ચરમપંથી સમૂહો માટે સુરક્ષિત ઠેકાણું બની ગયું છે.
વાંચો અહમદ મસૂદ સાથેનો એક્સલુસિવ ઇન્ટરવ્યૂ અહીં વાંચો અહીં ક્લિક કરીને.
રાવજી પટેલના કંકુના સૂરજને કંઠ આપનાર ભૂપિન્દર સિંહની વિદાય
'નામ ગુમ જાએગા...', 'બીતી ન બિતાઈ રૈના...', 'દિલ ઢૂંઢતા હૈ...','કરોગે યાદ તો હર બાત યાદ આયેગી ' જેવાં અનેક ગીતોને અવાજના જાદુથી અમર કરી દેનાર ગાયક ભૂપિન્દરે આ દુનિયાને સોમવારે અલવિદા કહી દીધું.
ભૂપિન્દર સિંહનો ગુજરાતી ભાષા સાથે નાતો રહ્યો છે. વિશ્વ કવિતાઓમાં સ્થાન પામે એવી રાવજી પટેલની અમર રચના મારી આંખે કંકુના સૂરજ આથમ્યા સંગીતકાર અજિત શેઠના સ્વરાંકનમાં ભૂપિન્દર સિંહે ગાઈ હતી.
આવી જ એક રચના એકલા જ આવ્યા મનવા, એકલા જવાના' પણ સતત ગુજરાતમાં ગૂંજતી રહી છે તેમાં પણ તેમનો જ સ્વર હતો.
કવિ જગદીષ જોષીનું લોકપ્રિય ગીત ધારો કે એક સાંજ આપણે મળ્યા પણ ખૂબ ભૂપિન્દર સિંહના અવાજથી તરબતર છે.
ભૂપિન્દરે અનેક ગુજરાતી ગીત-ગઝલને સ્વર આપ્યો હતો.
ભૂપિન્દર સિંહ પરના વિશેષ શ્રદ્ધાંજલિ લેખમાં તેમની અનોખી સફરની કહાણી વાંચો અહીં ક્લિક કરીને.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો