ભારતના આ ફૂલમાં એવું શું છે કે લોકો જોવા માટે લાખો રૂપિયા ખર્ચે છે?

    • લેેખક, સૃષ્ટિ ચૌધરી
    • પદ, બીબીસી ટ્રાવેલ

કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતમાં પ્રકૃતિની ઝલક અલગઅલગ પ્રકારે જોવા મળે છે. શહેરો, ગામડાં, પર્વતો અને ગુફાઓમાં કુદરતના એવા-એવા રહસ્યો છુપાયેલા છે જેના પરથી પડદો ઉઠે તો માણસો હેરાન થઈ જાય.

આજે તમને એવા ફૂલ અંગે જણાવીએ જે બાર વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે. આ ફૂલ જોવા લોકો દૂરદૂરથી આવે છે.

ભગવાનોના સ્થાન તરીકે પ્રખ્યાત કેરલ રાજ્ય પર્વતો, દરિયાકિનારો અને કુદરતી દૃશ્યોથી ભરપૂર છે. આ રાજ્યની સૌથી સુંદર જગ્યા મુન્નાર છે જે દરિયાઈ સપાટીથી 1,600 મીટર ઉપર આવેલી છે.

નીલકુરિંજીની કહાણી

આ જગ્યા કૉફી અને મસાલાની ખેતી માટે પ્રખ્યાત છે. અહીંની હરિયાળી અને શાંતિ પર્યટકોને આકર્ષિત કરે છે. આ જગ્યાએ ભારતનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે અને તે છે નીલકુરંજી.

નીલકુરંજીનો સમાવેશ દુનિયાના દુર્લભ ફૂલોમાં થાય છે જે 12 વર્ષમાં એક જ વખત ખીલે છે. 2018માં કેરળમાં આ ફૂલની મોસમ ખીલી હતી.

કેરળના લોકો આ ફૂલને કુરિંજી કહે છે જે સ્ટ્રોબિલેંથસનો એક પ્રકાર છે. તેની લગભગ 350 ફૂલોવાળી પ્રજાતિ જ ભારતમાં મોજુદ છે.

સ્ટ્રોબિલેંથસની અલગઅલગ પ્રજાતિ છે જેમાંથી અમુક ચાર વર્ષે ખીલે છે તો અમુક આઠ, દસ અથવા તો બાર વર્ષે.

પરંતુ આ ફૂલ ક્યારે ખીલે છે અને ખતમ થઈ જાય છે તે અંગે કોઈને જાણ નથી. મોટાભાગે આ ફૂલ રસ્તા કિનારે ખીલે છે અને રસ્તા મોટા કરવાના ચક્કરમાં તેના માટેની યોગ્ય જમીન ખતમ થઈ ગઈ છે.

આ સિવાય ચા અને મસાલાની ખેતી માટે મોટાપાયે જમીન લઈ લેવામાં આવી છે. આ કારણે પણ આ ફૂલ માટે જમીન બચી નથી.

પરંતુ હવે કેરળમાં આ ફૂલ માટે જમીન સંરક્ષિત કરવામાં આવી રહી છે, કારણ કે તેની મોસમની રાહ જોવાઈ રહી છે.

આમ તો, કેરળના પર્વતો મોટા અને લીલા છે, પરંતુ આ ફૂલના ખીલ્યા બાદ સમગ્ર ક્ષેત્ર જાંબલી રંગનું બની જાય છે.

આ ફૂલ ઑગસ્ટ મહિનામાં ખીલવાનું શરૂ થાય છે અને ઑક્ટોબર સુધી તેની મોસમ રહે છે.

આ ફૂલ માટે કુરિંજીમાલા નામથી સંરક્ષિત ક્ષેત્ર પણ છે જે મુન્નારથી 45 કિમી દૂર છે.

પર્યાવરણ કાર્યકર્તા અને સેવ કુરિંજી કૅમ્પેન કાઉન્સિલના સદસ્ય આર. મોહન મુજબ દરેકની ઇચ્છા રહે છે કે તેઓ આ ફૂલને ખીલતા જુએ. તોડસ, મથુવંસ અને મનડિયાસ જાતિના આદિવાસીઓ આ ફૂલની પૂજા કરે છે.

વર્ષ 2006માં કેરળના જંગલોનો 32 કિલોમીટર વિસ્તાર આ ફૂલના સંરક્ષણ માટે સુરક્ષિત કરવામાં આવ્યો હતો. તેને કુરિંજીમાલા અભ્યારણ્ય નામ આપવામાં આવ્યું છે.

આ અભ્યારણ્ય પાછળ કુરિંજી કૅમ્પેન કાઉન્સિલની મહેનત જવાબદાર છે.

વેલી ઑફ ધ ફ્લાવર બાદ આ બીજા નંબરનું ફૂલોનું અભ્યારણ્ય છે. અહીં નીલકુરિંજીની તમામ પ્રજાતિઓને સંરક્ષિત કરવામાં આવે છે.

એક જિંદગી એક ફૂલ

નીલકુરિંજી એક મોનોકાર્પિક છોડ છે. મતલબ કે જે એકવાર તેમાં ફૂલ આવ્યા બાદ તે છોડ મૃત્યુ પામે છે.

ત્યારબાદ નવા બીજને ઊગવા માટે ખાસ સમયની રાહ જોવી પડે છે. ભારતમાં આ ફૂલનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે.

'ધ હિંદુ' અખબારના પૂર્વ સંપાદક રૉય મેથ્યુએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે કેરળની મુથુવન જનજાતિના લોકો આ ફૂલને પ્રેમ અને રોમાન્સનું પ્રતીક માને છે.

આ જનજાતિની પારંપરિક કથાઓ અનુસાર, તેમના ભગવાન મુરુગાએ તેમની જનજાતિનાં શિકારી યુવતી વેલી સાથે નીલકુરિંજીના ફૂલોની માળા પહેરાવીને લગ્ન કર્યું હતું.

આ જ રીતે પશ્ચિમ વિસ્તારના પલિયાન જનજાતિના લોકો ઉંમરનો હિસાબ લગાવવા માટે આ ફૂલના ખીલવાને આધારભૂત ગણે છે.

સમગ્ર કેરળ માટે આ ફૂલનું ખીલવું ખુશીનું પ્રતીક ગણવામાં આવે છે. તેના ખીલવાથી પર્યટન પણ વિકસે છે.

કેરળને આર્થિક મદદ

ગત વર્ષે પણ આ ફૂલના સ્વાગત માટે સમગ્ર કેરળ અને ખાસ કરીને મુન્નાર જોરશોરથી તૈયારી કરી રહ્યું હતું. હોટલોમાં બુકિંગ પણ થઈ ચૂક્યા હતા.

પરંતુ બદનસીબે આ ફૂલના ખીલવા સમયે જ કેરળમાં કુદરતી આફત આવી પડી.

ગત વર્ષે કેરળના પૂરમાં લગભગ 483 લોકોનાં મોત થયાં હતાં. 10 હજાર કિલોમિટર સુધીના રસ્તાઓ તબાહ થઈ ગયા હતા. કરોડો રૂપિયાની સંપત્તિ પર બરબાદ થઈ ગઈ હતી.

પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ખાવાની પણ તકલીફો ઊભી થઈ. કોચ્ચી એરપૉર્ટ 10 દિવસ સુધી બંધ રહ્યું હતું. તેવામાં પર્યટકોના આવવાનો તો સવાલ જ ઊભો નથી થતો.

ગત વર્ષે નીલકુરિંજીની કૂપંળો 12 વર્ષ બાદ ખીલી ઊઠી હતી.

મધમાખીઓનું આકર્ષણ

આ ફૂલને ખીલતા પહેલાં લગભગ 10 દિવસ સુધી તડકો જરૂરી છે. પરંતુ આ વખતે વરસાદને કારણે આવું સંભવ બની શક્યું નહીં.

નીલકુરિંજી ફૂલથી પણ વધારે દુર્લભ છે તેનું મધ જેને કુરિંજીથન કહે છે. આ ફૂલનો રસ મધમાખીઓને ખૂબ જ પસંદ છે, પરંતુ આ દુર્લભ મધને સ્થાનિક આદિવાસીઓ જ મેળવી શકે છે. તેને બજારમાં વેંચવામાં નથી આવતું.

સ્થાનિક લોકો મુજબ તેના ઘણા ઔષધીય ગુણો છે, પરંતુ આ ક્ષેત્રે કોઈ રિસર્ચ નથી થયું. આ સિવાય મધમાખીઓ ઘણાં ફૂલો પર બેસે છે એટલા માટે એવો દાવો ના કરી શકાય કે આ મધ માત્ર નીલકુરિંજીનાં ફૂલનું છે.

હવે 2030માં ખીલશે આ ફૂલ

આ વર્ષ બાદ હવે વર્ષ 2030માં આ ફૂલ ખીલશે, પરંતુ કેટલા પ્રમાણમાં ખીલશે તે કહી શકાય એમ નથી.

જેવી રીતે શહેરીકરણ થઈ રહ્યું છે તેને કારણે ફૂલોની દુર્લભ પ્રજાતિઓને બચાવવી મુશ્કેલ છે. જોકે, સેવ કુરિંજી કૅમ્પેન કાઉન્સિલ આ ફૂલના સંરક્ષણ માટે કામ કરી રહ્યું છે અને લોકોને જાગૃત કરી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો