વિદ્યાર્થીઓ માટે પૂરતી ઊંઘ જરૂરી જ નહીં પણ અનિવાર્ય

    • લેેખક, ક્રિસ્ટીન રૉ
    • પદ, બીબીસી ફ્યૂચર

રાત્રે ઘસઘસાટ ઊંઘના કારણે યાદશક્તિમાં કેટલો ફાયદો થાય છે તે કહેવાની જરૂર નથી. ન્યુરોસાયન્ટિસ્ટ્સ હવે તેનાં કારણો પણ સમજવા લાગ્યા છે.

જેક ટેમિનેનના ઘણાં બધા વિદ્યાર્થીઓ એવા છે જે સૌની જેમ પરીક્ષા પહેલાં આખી રાત જાગીને વાંચતા રહે છે.

આખી રાત વાંચીને શક્ય એટલું યાદ કરી લેવાની તેમની ગણતરી હોય છે, પણ આ રીતે વાંચવાની રીત 'સૌથી નુકસાનકારક છે' એમ યુકેની રોયલ હૉલોવી યુનિવર્સિટીના સાયકૉલૉજિના લેક્ચરર ચેતવે છે.

આ વાત તેઓ સારી રીતે સમજે છે એટલે ચેતવે છે. ટેમિનેન યાદશક્તિ પર અને તેમાં પણ ખાસ કરીને ભાષાની બાબતમાં રાતની ઊંઘ કેટલી અસરકારક તેના નિષ્ણાત છે.

વિદ્યાર્થીઓમાં બીજી પ્રચલિત એક માન્યતા છે કે 'ઊંઘમાં શીખી શકાય' આ વાત દંતકથા જ છે એમ પણ તેઓ કહે છે.

ઊંઘતી વખતે ભાષા શીખવતું રેકર્ડિંગ વગાડવાથી પોતાના અજાગ્રત મનમાં તે સજ્જડ બેસી જશે અને ઊઠીશું ત્યારે ભાષાના નિષ્ણાત બની ગયા હોઈશું તેવી વાતો માત્ર દંતકથા છે.

જ્ઞાન અને માહિતી મગજમાં બેસી જાય તે માટે ઊંઘ ખૂબ જરૂરી છે. ટેમિનેન અને અન્ય સંશોધકોએ કરેલા સંશોધનો એ જણાવે છે કે શા માટે તે જરૂરી છે.

ટેમિનેનની ટીમ દ્વારા ચાલી રહેલાં એક પ્રોજેક્ટમાં ભાગ લેનારાએ નવું શબ્દભંડોળ શીખવાનું હોય છે તે પછી આખી રાત જાગવાનું.

રાતના ઉજાગરા પછી આ શબ્દો તેમને કેટલા યાદ રહ્યા તેનું પરીક્ષણ ટેમિનેને કર્યું. એક અઠવાડિયા પછી ફરી તેમનો ટેસ્ટ લેવામાં આવી.

અઠવાડિયા પછી ટેસ્ટ કરવામાં આવે અને ઉજાગરો ના કરવામાં આવ્યો હોય તેવા જૂથના લોકો સાથે તેમની સરખામણી કરવામાં આવી.

સરખામણી વખતે ખ્યાલ આવે કે પ્રથમ રાતના ઉજાગરા બાદ ઘણા બધા દિવસની સારી ઊંઘ મળ્યા પછીય શબ્દો યાદ કરવામાં તેમને મુશ્કેલી પડે છે.

ટેમિનેનનું કહેવું છે કે અભ્યાસ માટે ઊંઘ ખરેખર અગત્યની બાબત છે.

ટેમિનેન ઉમેરે છે, "તમે ઊંઘી જાવ ત્યારે પણ તમારું મગજ અભ્યાસ કરવાનું ચાલુ રાખે છે. તે જાણે તમારા માટે જ અભ્યાસ કરતું હોય તેના જેવી આ વાત છે.

"તમે અભ્યાસ કરો અને તે પછી સારી ઊંઘ ના લો, તો ખરેખર થવો જોઈએ તેવો ફાયદો થતો નથી."

ઊંઘમાં સક્રિય મગજ

ટેમિનેનની સ્લીપ લેબના રૂમ નંબર-1માં અમે ઊભા છીએ. રૂમમાં એક પથારી છે, રંગીન ઓછાડ છે, કાગળના બનેલા રંગબેરંગી પતંગિયા ફ્રેમમાં મઢીને શણગાર માટે ગોઠવાયેલા છે.

પથારીની ઉપર એક નાનું ઇલેક્ટ્રૉએન્સેફેલૉગ્રાફી (ઈઈજી) મશીન છે. પ્રયોગમાં ભાગ લેનારાનાં લોકોનાં માથા પર ઇલેક્ટ્રૉડ્સ લગાવાયા હોય છે, તેનાથી મગજમાં ચાલતી ગતિવિધિને નોંધવાનું કામ આ મશીનમાં થાય છે.

મગજના જુદા જુદા ભાગોમાં (ફ્રન્ટલ, ટેમ્પોરલ અને પેરિએટલમાં) થતી હલચલ નોંધવા ઉપરાંત હડપચી પર લગાડેલા ઇલેક્ટ્રૉડથી સ્નાયુઓની હલચલ તથા (બંને આંખની બાજુમાં લગાવેલા ઇલેક્ટ્રૉડથી) આંખની હલચલ પણ નોંધવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પરસાળમાં થોડે આગળ કન્ટ્રોલ રૂમ બનાવેલો છે, જ્યાં બેસીને સંશોધકો રિયલ ટાઇમમાં દરેકના મગજમાં થતી ગતિવિધિને નિહાળી શકે છે.

મગજનો કયો હિસ્સો સક્રિય થયો, કેટલો સમય અને કેટલી તીવ્રતા સાથે તેને મોનિટર કરી શકાય છે.

E1 અને E2 (આંખ 1 અને 2)માં થતી હલચલના ગ્રાફથી ખ્યાલ આવે છે કે રેપિડ આય મૂવમૅન્ટ (REM)નો તબક્કો ક્યારે શરૂ થાય છે.

જોકે ટેમિનેન દ્વારા હાલમાં થઈ રહેલા સંશોધનમાં આંખની હલચલના તબક્કા REM કરતાંય વધારે અગત્યનો સ્લો-વેવ સ્લીપ (SWS) તરીકે ઓળખાતો તબક્કો છે.

આ સંશોધનમાં ભાષાના વિકાસમાં ઊંઘની શી ભૂમિકા છે તે જાણવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

નવા શબ્દો, વ્યાકરણ કે પછી અન્ય જાણકારીને યાદ રાખવા માટે અને તેના સંગ્રહ માટે SWS મહત્ત્વનો તબક્કો છે.

મગજના જુદા જુદા ભાગો વચ્ચે થતી પ્રતિક્રિયા અહીં અગત્યની છે. ઝડપથી શીખવા માટે અગત્યનો મનાતો હિપ્પોકેમ્પસ અહીં શીખેલી બાબતને લાંબો સમય યાદ રાખી લેવા માટે નિયોકોર્ટેક્સ સાથે સતત સંધાન કરે છે. તેનો અર્થ એ કે પ્રારંભિક તબક્કે હિપ્પોકેમ્પસ દિવસ દરમિયાન શીખેલા નવા શબ્દને એનકોડ કરે છે.

પરંતુ તેને કાયમ યાદ રાખવા અને તેની પાછળની ચોક્કસ પેટર્ન સમજવા માટે નિયોકોર્ટેક્સની સિસ્ટમનો સાથે લેવો પણ જરૂરી છે.

અન્ય વિચારો સાથે નવા શબ્દને જોડીને તેમની વચ્ચેનો સંબંધ સમજીને રચનાત્મક રીતે સમસ્યાના ઉકેલ માટે તેનો ઉપયોગ કરવા માટે આ જરૂરી મનાય છે.

હિપ્પોકેમ્પસ અને નિયોકોર્ટેક્સ વચ્ચેની માહિતીનું આ આદાનપ્રદાન ઊંઘ દરમિયાન તેજ થતી ગતિવિધિ વખતે થાય છે.

સ્લીપ સ્પિન્ડલ્સ તરીકે ઓળખાતી તે ગતિવિધિ અચાનક ગતિ પકડે છે પણ તે ત્રણેક સેકન્ડ માટે માંડ હોય છે.

ટેમિનેન કહે છે, "મગજમાં ઉપબલ્ધ માહિતી સાથે નવી માહિતીને જોડવા માટે સ્લીપ સ્પિન્ડલ્સ કોઈક રીતે સંકળાયેલી છે."

તેમના સંશોધનના ડેટા પરથી ખ્યાલ આવે છે કે જે વ્યક્તિમાં વધારે સ્લીપ સ્પિન્ડલ્સ જોવા મળ્યા હોય તે નવા શીખેલા શબ્દોને વધારે સારી રીતે યાદ કરી લે છે.

ટેમિનેન સ્લો-વેવ સ્લીપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેની સાથે એવી થિયરી પણ પ્રચલિત છે જે અનુસાર ઊંઘ દરમિયાન REM પણ ભાષાના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

વ્યક્તિ સપનું જોતી હોય ત્યારે REM જોવા મળે છે. કૅનેડાની ઓટ્ટાવા યુનિવર્સિટીની સ્લીપ ઍન્ડ ડ્રીમ વિશેની લેબમાં થયેલા સંશોધન અનુસાર ફ્રેન્ચમાં સપનાં જોનારા કૉલેજનાં વિદ્યાર્થીઓ તેઓ જે નવી ભાષા શીખી રહ્યા હતા, તેને વધારે સારી રીતે સમજતા થયા હતા.

સપનાં માત્ર દિવસ દરમિયાન શું થયું તેના રિપ્લે કરતાં કંઈક વિશેષ હોય છે. સંશોધનમાં જણાયું છે કે મગજના જે ભાગમાં (ફ્રન્ટલ લોબમાં) તર્કનું કામ થાય છે, તે લાગણીના (અમિગ્ડલા) હિસ્સા સાથે સપનાં દરમિયાન અલગ રીતે પ્રતિક્રિયા કરે છે.

જે વિદ્યાર્થી બીજી ભાષા વધારે ધગશથી શીખતો હોય, તેમાં ઊંઘ દરમિયાન વધારે REM જોવા મળે છે. પોતાના અભ્યાસની બાબતોને ઊંઘમાં એકબીજા સાથે વધારે સારી રીતે જોડી શકાય છે.

તેના કારણે બીજા દિવસે વધારે સારું પરિણામ જોવા મળે છે.

રાત્રી રિધમ્સ

ઊંઘમાં કેટલા સ્લીપ સ્પિન્ડલ્સ જોવા મળશે તેની સાથે જીનેટિક્સ જોડાયેલું છે. આપણી આંતરિક ઘડિયાળને પણ આપણા જીન્સ સાથે સંબંધ છે, જે આપણને જણાવે છે કે ક્યારે ઊંઘી જવું અને ક્યારે જાગવું.

આ જૈવિક ઘડિયાળ પ્રમાણે ચાલવું જરૂરી છે, જેથી આપણે આપણી શ્રેષ્ઠ સમજણશક્તિ કેળવી શકીએ.

આ વિષયના જાણકારોમાંના એક છે માઇકલ ડબ્લ્યૂ યંગ, જેમને 2017માં ફિઝિયૉલૉજી/મેડિસિનમાં સંયુક્ત નોબેલ પારિતોષિક મળ્યું હતું.

બે સાથી સંશોધકો સાથે તેમણે શરીરની ઘડિયાળના જીન્સ પર સંશોધન કર્યું હતું.

યંગ જણાવે છે કે (અભ્યાસમાં, કામમાં કે જીવનની બીજી બાબતોમાં) ઉત્તમ કાર્યક્ષમતા માટે "તમારે (આ ઘડિયાળના આધારે) રિધમિક પરિવેશ (લયબદ્ધ કાર્યની પદ્ધતિ) તૈયાર કરી લેવી જોઈએ."

વ્યક્તિની જીવન પદ્ધતિ, તેની આસપાસનું પર્યાવરણ કે વારસાને કારણે મળેલી ઊંઘની તકલીફને કારણે ઊંઘની પેટર્ન બગડી ગઈ હોય તો તેને સુધારી લેવી જોઈએ.

તેનો સૌથી સહેલો અને સસ્તો રસ્તો છે, રાત્રે ઘોર અંધારું કરે તેના કાળા પડદાં અને દિવસે પ્રકાશમાન લાઈટનો ઉપયોગ કરવો, જેથી દિવસ અને રાતની શક્ય એટલી સારી નકલ થઈ શકે.

પાવર નેપ

ઊંઘ અને જાગવાની લયબદ્ધ પ્રક્રિયાને કારણે વ્યક્તિની અભ્યાસ ક્ષમતા વધે છે તે બાબતમાં કોઈ શંકા નથી. આવી અસર સૌથી વધુ બાળપણમાં જોવા મળતી હોય છે.

બાળકોમાં સ્લો-વેવ સ્લીપ વધારે જોવા મળે છે- બાળક ભાષા અને બીજી બાબતો બહુ ઝડપથી શીખે છે તેની પાછળનું આ પણ પરિબળ હોઈ શકે છે.

જર્મનીની ટ્યુબિન્ગન યુનિવર્સિટીનાં બાળકો માટેની સ્લીપ લેબમાં બાળકોની યાદશક્તિ દૃઢ કરવામાં ઊંઘનો ફાળો શું છે તેના પર અભ્યાસ થાય છે.

ઊંઘ દરમિયાન બાળકોના મગજમાં શું ચાલે છે, તથા ઊંઘ પહેલાં અને પછી તેમણે કેટલી બાબતો યાદ રાખી તેનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે કે ઊંઘને કારણે યાદશક્તિમાં ફાયદો થાય છે.

મોટેરાઓ પણ આ રીતે દિવસ દરમિયાન શીખેલી બાબતોને ઊંઘ પછી સારી રીતે યાદ કરી શકે છે. જોકે, સંશોધક કેથરિના ઝિન્કે જણાવે છે તે પ્રમાણે, "બાળકોમાં ઊંઘને કારણે આ પ્રક્રિયા વધુ સારી રીતે થાય છે."

કેનેડિયન સ્લીપ ઍન્ડ સરકેડિયન નેટવર્કના સંયોજક એમ ડોમિનિક પેટિટ કહે છે, "પ્રારંભિક બાળપણમાં આ અસર વધારે હોય છે, કેમ કે ત્યારે હજુ મગજનો વિકાસ થઈ રહ્યો હોય છે."

પેટિટે બાળકોમાં જોવા મળતી સરકેડિયન (ઊંઘ અને જાગ્રતવસ્તાથની) રિધમ વિશે અભ્યાસ કર્યો છે. વ્યવહારમાં તેનો અર્થ એ થાય કે "બાળકોએ જે શીખ્યું હોય તેને યાદ રાખવા માટે દિવસ દરમિયાન પણ ઊંઘ લેવી જરૂરી છે."

પેટિટ કહે છે, "નાના બાળકો દિવસ દરમિયાન ઝોકું ખાઈ લે તે તેના શબ્દભંડોળમાં વધારો કરવામાં ઉપયોગી થતું હોવાનું જોવા મળ્યું છે.

"શબ્દોના સામાન્ય અર્થો તથા ભાષા શીખવા માટે જરૂરી આવડત કેળવવા માટે પણ ઊંઘ જરૂરી છે.

"જોકે, જીવનભર યાદશક્તિ માટે અને નવું શીખવા માટે ઊંઘ ઉપયોગી રહે જ છે."

ઊંઘના કારણે શીખેલી બાબત યાદ કરવામાં મદદ મળે છે, એટલું જ નહીં કઈ રીતે આપણે તે માહિતી મેળવીએ છીએ તેમાં પણ ફરક પડે છે.

ઊંઘના કારણે માહિતીને યાદ કરવામાં મગજ વધારે ફ્લેક્સિબલ (વધારે રીતો દ્વારા સ્મરણ કરાવતું) થાય છે. તેમાંથી સૌથી અગત્યની બાબત યાદ કરાવવામાં પણ તે ઉપયોગી થાય છે.

ઝિન્કે કહે છે, "આ હકીકતમાં યાદશક્તિને મજબૂત કરવામાં માટેની પ્રક્રિયા છે. યાદશક્તિ એવી રીતે કામ કરે છે કે સૌથી અગત્યની બાબતો (સારરૂપ માહિતી) યાદ રહી જાય છે."

દેખીતી રીતે જ ભાષા શીખી રહેલાં બાળકો તથા યુવાનોમાં લાંબી ઊંઘ એ આળસની નિશાની નથી. આપણું 'મગજ તંતુઓ જોડી શકે અને શરીરની ઘડિયાળ લયબદ્ધ ચાલે' તે માટે ઊંઘ જરૂરી છે.

તો હવે તમે અન્ય ભાષા શીખી રહ્યા હોવ, ત્યારે સારી ઊંઘ લેવાનું ચૂકતા નહીં. બીજા દિવસે સવારે તમે ઊઠશો ત્યારે તમને નવાઈ લાગશે કે તમે કેટલું બધું યાદ રાખી શક્યા છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો