પ્રૅગ્નન્સીમાં થતા ડિપ્રેશનની બાળકો પર અસર

તાજેતરમાં જ બ્રિસ્ટલ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધન મુજબ 51 ટકા મહિલાઓ પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશનમાં સરી જાય છે.

આ સ્થિતિ વણસે તો મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચે છે.

યુનિવર્સિટીના પ્રોજેક્ટના સંશોધનમાં જાણવા મળ્યું કે નેવુંના દાયકામાં વહેલી માતા બનેલી જે સ્ત્રીઓમાં ડિપ્રેશનનાં લક્ષણો હોય, તેમની દીકરીઓમાં પણ ત્રણગણાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

યુનિવર્સિટી દ્વારા ચિલ્ડ્રન્સ ઑફ નાઇન્ટીઝ પ્રોજેક્ટ અંતર્ગત આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

ચિલ્ડ્રન્સ ઑફ નાઇન્ટીઝ એ ખૂબ જ મોટો રિસર્ચ પ્રોજેકટ છે જે છેલ્લાં 27 વર્ષથી ચાલી રહ્યો છે અને આજના આધુનિક વિશ્વને ખૂબ જ ઉપયોગ માહિતી પૂરી પાડે છે.

વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં જાણ્યું કે ગર્ભવતી મહિલાઓ કેવું અનુભવે છે, ગર્ભાવસ્થાનાં ચિહ્નો અને પોતે ગર્ભવતી હોવાની સ્થિતિ સાથે તેઓ કેવી રીતે પાર પાડે છે?

આ સ્થિતિમાં જો કોઈ મહિલા પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશનમાં સરી જાય તો તેનાં લક્ષણો શું છે?

શું તેમનાં બાળકો પર તેની અસર થાય છે? બીબીસી ગુજરાતીએ તેના અંગે માહિતી મેળવી હતી.

આ ડિપ્રેશનને કેવી રીતે ઓળખશો

સંશોધનમાં બહાર આવેલી વિગતો મુજબ જે મહિલાઓ ડિપ્રેશનમાં સરી જાય છે તેમની યોગ્ય તપાસ ન થાય તો તેમને ખ્યાલ નથી આવતો કે તેઓ ડિપ્રેશનમાં છે.

બીબીસી ગુજરાતીએ આ અંગે માહિતી મેળવવા માટે ગુજરાતનાં ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. રચના શાહ સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું, "પ્રૅગ્નન્સી દરમિયાન મહિલાનાં શરીરમાં હોર્મોનલ બદલાવ આવે છે. જેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

"મહિલાઓને ભેદી અવાજો સંભાળય છે અને કેટલાક કિસ્સામાં તો આત્મહત્યાના વિચારો પણ આવે છે."

" ડિપ્રેશનનાં આ લક્ષણો છે. મહિલાને આવું અનુભવાય ત્યારે પરિવારનો સહયોગ મળવો ખૂબ જ જરૂરી છે."

માતા ડિપ્રેશનમાં હોય તો બાળક પર શું અસર થાય ?

જો પ્રૅગ્નન્સી દરમિયાન માતા ડિપ્રેશનમાં હોય તો સંપૂર્ણ શક્યતા છે કે બાળક પર પણ તેની અસર થાય.

માતાના ડિપ્રેશનના કારણે બાળકના વિકાસ પર ઊંડી અસર થાય છે.

આ વિશે ગાયનેકૉલૉજિસ્ટ ડૉ.બીનલ શાહે કહ્યું, "માતા જ્યારે પ્રૅગ્નન્સી સમયે ખુશ ન હોય ત્યારે તે પોતાની કાળજી રાખતા નથી."

"આવી સ્થિતિમાં માતાના ગર્ભમાં રહેલા બાળકનો પૂરતો વિકાસ ન થાય તેવી શક્યતા રહેલી છે."

"માતા ખોરાક પર ધ્યાન ન આપે એટલે બાળકને પૂરતું પોષણ મળતું નથી"

"માતા ડિપ્રેશનમાં હોય તો શક્યતા છે કે બાળક મંદ બુદ્ધીનું કે માનસિક રીતે અસ્વસ્થ પણ જન્મી શકે છે."

"માતા જો ડિપ્રેશનની દવા લેતા હોય તો તેની અસર પણ બાળક પર થઈ શકે છે. જેનો આધાર માતાને કઈ દવા આપવામાં આવી છે તેના પર રહેલો છે."

ક્યા પ્રકારની સમસ્યા થઈ શકે છે?

પ્રૅગ્નન્સી દરમિયાન મહિલાઓને ફક્ત અસ્વસ્થતા અને ડિપ્રેશનની સમસ્યા જ નથી સર્જાતી પરંતુ તેમનામાં ખોરાકને લગતી સમસ્યા, ઓ.સી.ડી અને બાયપોલાર ડિસૉર્ડરની સમસ્યા જોવા મળે છે.

લંડનની કિંગ્સ કૉલેજમાં થયેલા એક અભ્યાસ મુજબ પ્રૅગ્નન્ટ થતી એક ચતુર્થાંશ મહિલાઓ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરે છે.

જે મહિલાઓ પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશનમાં હોય તેમને પ્રૅગ્નન્સી બાદ પણ ડિપ્રેશનનો સામનો કરવો પડી શકે છે.

પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશનનું કારણ શું?

પ્રૅગ્નન્સી દરમિયાન શરીરમાં આવતા હોર્મોનલ બદલાવ ઉપરાંત સામાજીક કારણોના લીધે પણ મહિલા ડિપ્રેશનમાં સરી જાય છે.

ડૉ. રચનાએ આ અંગે જણાવ્યું, "આપણી સામાજિક વ્યવસ્થા મુજબ ઘરમાં જ્યારે મહિલા પ્રૅગ્નન્ટ હોય ત્યારે બાળક તરીકે દીકરાની અપેક્ષા વધુ હોય છે."

" ક્યારેક પરિવારના આ દબાવના કારણે પણ મહિલા ડિપ્રેશનમાં સરી જાય છે."

"આ ઉપરાંત કુપોષણ, પરિવારના સહકારનો અભાવ, ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં જરૂરી સંભાળનો અભાવ વગેરે કારણો એવાં છે જેના કારણે મહિલા પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશનમાં સરી જાય છે."

ડિપ્રેશન આવે તો શું કરી શકાય?

પ્રૅગ્નન્સી દરમિયાન જો મહિલાને ડિપ્રેશન અનુભવાય તો તેના ઉપાય વિશે જાણવા બીબીસી ગુજરાતીએ મનોચિકિત્સક ડૉ. યોગેશ પટેલ સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું, "ભારતીય સમાજ વ્યવસ્થા મુજબ ગર્ભાવસ્થાએ આનંદનો અવસર માનવામાં આવે છે."

"આ પ્રકારની સ્થિતિમાં મહિલામાં ડિપ્રેશનમાં સરી જવાની ઘટના ઓછી જોવા મળે છે."

"તેમ છતાં જો પ્રૅગ્નન્સી દરમ્યાન મહિલામાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાય તો તાત્કાલીક સાઇકૉથૅરાપી અપાવવાનો પ્રયાસ કરવા જોઈએ."

"આ સ્થિતિમાં ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા લેવી યોગ્ય નથી."

"પરિવારનો સહયોગ અને મનોચિકિત્સકનું કાઉન્સેલિંગ ડિપ્રેશનમાં ખૂબ જ અગત્યનું છે."

ગુજરાતમાં કેવી સ્થિતિ છે?

પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશન અને ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ વિશે ડૉ. રચના શાહે કહ્યું, "ગુજરાતમાં પણ મહિલાઓમાં પ્રૅગ્નન્સી દરમિયાન ડિપ્રેશનની સમસ્યા જોવા મળે છે."

"20-30 ટકા જેટલી મહિલાઓમાં પ્રૅગ્નન્સી દરમિયાન આ પ્રકારની સમસ્યા અનુભવાય છે જે પ્રૅગ્નન્સીની શરૂઆતથી લઈને એક વર્ષ સુધી જોવા મળે છે."

"જો ડિપ્રેશનનું નિદાન ન થયું હોય તો આગળ જતા એક કરતાં વધારે માનસિક રોગ થવાની શક્યતાઓ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો