શું તમે વર્કહોલિક થઈ ગયા છો, કામની લત લાગી છે?

    • લેેખક, લોરેલી મિહાલા
    • પદ, બિઝનેસ રિપોર્ટર

"મારું નામ જે.સી. છે અને હું વર્કહોલિક છું." ફ્લોરિડાના ટેમ્પા બેમાં રહેતા જે.સી. કહે છે કે પહેલીવાર આ વાક્ય બોલ્યાં ત્યારે ભારે હિંમત એકઠી કરવી પડી હતી.

અગાઉ ક્યારેય ના મળેલા લોકોની વચ્ચે ઊભા થઈને તેમણે આ વાક્ય બોલવાનું હતું.

જે.સી. પોતાનું આખું નામ આપવા માગતાં નથી. તેમણે વર્કહોલિક્સ એનોનિમસની મિટિંગમાં ભાગ લીધો હતો અને પોતાને કામની લત લાગી છે તે કબૂલ્યું હતું, કેમ કે તેમની સહનશીલતાની હદ આવી ગઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

40 વર્ષનાં જે.સી. હેલ્થકેર વર્કર તરીકે કામ કરે છે. તેમણે દારૂનું અને ખા-ખા કરવાનું વ્યસન માંડ છોડ્યું હતું.

તેમને આશા હતી કે કંઈક શાંતિ મળશે પરંતુ નશા વિનાની હાલતમાં તેઓ ઉલટા સતત કામ કરવાની ટેવમાં પડી ગયાં.

તેઓ કહે છે, "હું સતત કામ કર્યા કરતી હતી. મને ખ્યાલ આવ્યો કે હું કામમાં વ્યસ્ત રહીને મને ભૂલવાડી રહી હતી અને મારી લાગણીઓને દબાવી રહી હતી."

સતત કામમાં રહેવાની લત અને તેના કારણે આવેલા સ્ટ્રેસના કારણે જે.સી.ની તબિયત બગડવા લાગી હતી.

તેઓ આગળ કહે છે, "હું મેનેજમેન્ટની પોસ્ટ પર બેઠી તેના ત્રણ જ મહિનામાં મારા વાળા ગ્રે થવા લાગ્યા હતા. મને થાક લાગતો હતો. હાર્ટની સમસ્યાઓ પણ થવા લાગી હતી."

આલ્કોહોલિક એનોનિમસનો 12-સ્ટેપનો વ્યસન છોડાવતો પ્લાન છે, તેના આધારે 1980ના દાયકામાં અમેરિકામાં વર્કહોલિક્સ એનોનિમસની શરૂઆત થઈ હતી.

આજે વિશ્વમાં આવા 100થી વધુ ગ્રૂપ્સ તૈયાર થયાં છે, જે અમેરિકાથી લઈને આર્જેન્ટિના અને યુકેથી લઈને જાપાન સુધીના દેશોમાં કામ કરે છે.

સ્કાઇપ કે ફોન દ્વારા આવી મિટિંગમાં ઓનલાઇન જોડાવાની વ્યવસ્થા પણ હવે કરવામાં આવી છે.

વર્કહોલિક થઈ ગયા છો તે ખબર કેમ પડે?

પરંતુ તમે વર્કહોલિક થઈ ગયા છો તે ખબર કેમ પડે? તેમાંથી બહાર આવવાના બીજા કયા રસ્તા છે?

નેધરલેન્ડની ઉટ્રેચ યુનિવર્સિટીના વ્યવસાયી સાયકોલોજીના પ્રોફેસર વિલ્મર શૉફેલી વર્કહોલિકની વ્યાખ્યા કરતાં કહે છે કે "એવી વ્યક્તિ, જે આદતવશ કામની પાછળ સતત કે વધારે પડતી લાગેલી રહે."

"વધારે પડતું કામ અને આદતવશ કામ અને કામમાં રચ્યાપચ્યા રહેવાની આદત તે બધી બાબતો આમાં આવી જાય છે."

તેઓ ઉમેરે છે, "વર્કહોલિક્સ એનોનિમસની મિટિંગમાં જવાથી ઘણાને ફાયદો થાય છે, કેમ કે ત્યાં એ ખ્યાલ આવે છે કે બીજા લોકોને પણ આવી જ સમસ્યા છે."

"તમે એકલા નથી તેનો ખ્યાલ આવે છે. મને લાગે છે કે દરેક પ્રકારનાં વ્યસનો અને વર્તનની સમસ્યાઓમાં આ રીત કામ આવે છે."

કામની લતને કારણે થતી બીજી સમસ્યાઓ માટે ટ્રેઇન્ડ માનસશાસ્ત્રી સાથે રૂબરૂ મુલાકાત ઉપયોગી થઈ શકે છે.

પણ સતત કામ કરવાની લત લાગે છે શા માટે?

ઓક્સફર્ડશાયરમાં આવેલા ઓક્સફર્ડ ડેલવપમેન્ટ સેન્ટરના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. ક્લાઉડિયા હર્બર્ટ આવી સમસ્યા ધરાવતા ઘણા લોકોની સારવાર કરે છે.

તેઓ કહે છે, "વર્કહોલિક લોકોને બીજી પણ માનસિક બીમારીઓ હોય છે. ઘણા બધા ક્લાયન્ટ્સ ડિપ્રેશન અનુભવતા હોય છે."

"તેમને એવું લાગતું હોય છે કે જીવનમાં ખાલીપો છે. તેમને સતત ચિંતા થતી હોય છે. આવી અવસ્થાનો સામનો કરવા માટે તેઓ કેટલાક વ્યસનો પણ કરતા હોય છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ઉપરાંત તેઓ કહે છે કે વધુ કામ કરવાની ફરજ પડી હોય તેવા લોકોને પણ આ લત લાગી જતી હોય છે. "અગાઉ જે કામ બે કે ત્રણ લોકો કરતાં હોય તેટલું કામ એક જ વ્યક્તિએ કરવાનું આવે અને તે સ્વીકારી પણ લેવું પડતું હોય છે,"

કોણ તેનો વધુ ભોગ બને છે?

ડૉ. ક્લાઉડિયા હર્બર્ટના કહેવા પ્રમાણે માતાપિતા પ્રથમથી જ બહુ મહેનત કરવાનો આગ્રહ રાખતા હોય તેવા કિસ્સામાં પણ લત લાગી જતી હોય છે. બચપણમાં પોતે જે છે તે સ્વીકારી લેવાની વાતના બદલે સિદ્ધિઓ દ્વારા ઓળખ ઊભી કરવાની વાતમાં આવી ગયા હોય, તે લોકો વર્કહોલિક બને તેવી વધારે શક્યતા હોય છે.

કેવા પ્રકારની જોબમાં વ્યક્તિ વર્કહોલિક બની જતી હોય છે, તેવા મુદ્દાની વાત કરતાં પ્રોફેસર શૉફેલી કહે છે કે જોબના પ્રકાર કરતાં તમે હોદ્દાઓમાં ક્યાં છો તેના આધારે તે નક્કી થતું હોય છે.

નીચેના હોદ્દાઓ કરતાં સિનિયર પ્રોફેશનલ લેવલના હોદ્દા પર કામ કરનારા લોકો વધુ ભોગ બનતા હોય છે.

પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરનારા પણ પોતાના કામમાં રચ્યાપચ્યા રહે તો વર્કહોલિક બની જતા હોય છે.

પ્રોફેસર શૉફેલી કહે છે કે મોટા ભાગના કિસ્સામાં પોતાનું કામઢાપણું એક સમસ્યા છે તેવું લોકો સ્વીકારતા નથી.

તેમને મોટા ભાગે વધારે વળતર મળતું હોય છે અને પ્રમોશન મળતું હોય છે, તેથી સમસ્યા જેવું લાગતું નથી.

કઈ રીતે થાય છે સારવાર?

સમસ્યાના ઉપાય અંગે વાત કરતાં ડૉ હર્બર્ટ કહે છે કે દરેક વ્યક્તિ પ્રમાણે સારવાર કરવી પડે અને વર્કહોલિક થવાના મૂળમાં જવું પડે.

ઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયા રાજ્યમાં આવેલા રિટ્રીટ સાઉથ નામના રિહેબિલિટેશન સેન્ટરમાં કામને કારણે થતા સ્ટ્રેસને દૂર કરવા અને અસ્વસ્થ થઈ જનારા એક્ઝિક્યુટિવ્સ માટે કાર્યક્રમ ચાલે છે.

તેમાં લોકોને કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવાનું શીખવાય છે.

છ વર્ષ પહેલાં શરૂ થયેલા આ પ્રોગ્રામ માટે કેન્દ્રમાં એક મહિનો રહેવાનું હોય છે. તે માટે અઠવાડિયે 8000 હજાર ડૉલર જેટલો ખર્ચ આવતો હોય છે.

મોટા ભાગના ક્લાયન્ટ્સ ઓસ્ટ્રેલિયાના હોય છે, પણ એશિયા અને યુરોપથી પણ લોકો આવે છે.

આ સેન્ટરના ક્લિનિકલ ડાયરેક્ટર જેન એન્ટર કહે છે, "અમે લોકોની ગિલ્ટ પર કામ કરીએ છીએ. અમે સારા પેરન્ટ સાબિત ના થયા, અમે સારા જીવનસાથી નથી વગેરે.

રોજિંદા કામની મર્યાદા

"પોતે ખરેખર શું તે જાણી લોકોએ ખુદને ફરીથી પામવાનું છે. જીવનને વધારે સંતુલિત કરવાની વાત છે."

ફરી ફ્લોરિડાનાં જે.સી.ને યાદ કરીએ, 2012માં પ્રથમવાર વર્કહોલિક્સ એનોનિમસમાં ભાગ લેનારાં જેસી હવે આ સંસ્થા માટે સ્વંયસેવિકા તરીકે કામ કરે છે.

તેઓ કહે છે, "હવે મને લોકો સાથે વધારે મજા પડે છે. મારી જોબ એ જ છે, પણ મેં મારી વિચારવાની રીત બદલી એટલે હવે વધારે સારી રીતે મારું કામ કરી શકું છું.

"રોજ કેટલા કલાકો કામ કરવું તેની એક મર્યાદા મેં નક્કી કરી નાખી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો