You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GROUND REPORT: 'અમને ભારતમાં જ મારી નાખો પણ મ્યાનમાર પાછા ન મોકલો'
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, રોહિંગ્યા શરણાર્થી શિબિર (દિલ્હી)થી
''એક વખત અમે ત્યાં પહોંચી જઈશું તો પછી અમારો બળાત્કાર કરવામાં આવશે, અમને પણ સળગાવી નાખવામાં આવશે, અમારા બાળકોને કાપી નાખવામાં આવશે. મારા સાસરીમાં 10-15 લોકો હતાં, બધાને કાપી નાખ્યાં હતાં, કોઈ નથી બચ્યું, અમને પાછા ત્યાંજ મોકલી રહ્યાં છે. અમે મુસલમાન છીએ તો શું થયું, અમે માણસો નથી?
પોતાની વાત પૂરી કરતા મનીરા બેગમની નિસ્તેજ આંખો ભરાઈ આવે છે. બુરખાના ખૂણેથી આંખો લૂછતાં એ પોતાને સંભાળે છે.
દિલ્હીના કાલિંદી કુંજ સ્થિત રોહિંગ્યા શરણાર્થી કૅમ્પમાં રહેતા મનીરા 15 દિવસ અગાઉ તેમના પતિ ખોઈ ચૂક્યા છે.
હજુ એમનો માતમ પત્યો નથી અને એમને ફરી પાછા મ્યાનમાર મોકલી દેવામાં આવશે એ વાતનો ડર એમને સતાવી રહ્યો છે.
એક ફૉર્મથી ફેલાયો ભય
સુપ્રીમ કોર્ટે ચાર ઑક્ટોબરે રોહિંગ્યા મામલે દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો, જે બાદ કેન્દ્ર સરકારે સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમાર પાછા મોકલી દીધા હતા.
આ સાત લોકોની વર્ષ 2012માં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી ભારત આવવા માટે ફૉરેનર્સ એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી.
ગત છ વર્ષથી આ લોકોને આસામની સિલચર સૅન્ટ્રલ જેલની દેખરેખમાં રખાયા હતા. ત્યાર બાદ ભારતમાં રહેતા લગભગ 40,000 રોહિંગ્યા શરણાર્થીઓમાં ફરી તેમને મ્યાનમાર મોકલી દેવામાં આવશે એવો ડર ફેલાઈ ગયો હતો.
દિલ્હીની અલગ-અલગ વસાહતોમાં રહેતા રોહિંગ્યા મુસલમાનોને એ વાતનો ડર છે કે એમને ભારતથી મ્યાનમાર મોકલી દેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
એમનો આ ડર એટલા માટે વધી ગયો કેમ કે દિલ્હી પોલીસ આ શરણાર્થીઓને એક ફૉર્મ આપી રહી છે. રોહિંગ્યા લોકોનો આક્ષેપ છે કે એમના પર આ ફૉર્મ ભરવા માટે દબાણ થઈ રહ્યું છે.
એમને લાગે છે કે ફૉર્મના આધારે જાણકારી ભેગી કરીને સરકાર તમામને ફરી મ્યાનમાર રવાના કરી દેશે.
આ ફૉર્મ બર્મિઝ અને અંગ્રેજી ભાષામાં છે. ફૉર્મ બર્મિઝ ભાષામાં પણ હોવાના કારણે એમનો ડર વધી ગયો છે. એમનું કહેવું છે કે આ ફૉર્મ મ્યાનમાર ઍમ્બસી દ્વારા ભરાવાઈ રહ્યું છે,
જામિયા નગર સ્ટેશનના એસએચઓ (સ્ટેશન હાઉસ ઇન્ચાર્જ) સંજીવ કુમારે આવા કોઈ પણ ફૉર્મ વિષે વાત કરવાનો ઇન્કાર કરી દીધી હતો.
એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરે ફોન પર જણાવ્યું, ''અમને ઉપરથી ઑર્ડર મળ્યો છે''
દક્ષિણ-પૂર્વીય દિલ્હીના ડેપ્યુટી કમિશનર ચિન્મય બિસ્વાલે જણાવ્યું, ''એ લોકો ભારતીય નથી. બહારથી આવેલાં લોકો છે. એટલે એમના વિશેની બધી જ જાણકારી એકઠી કરીશું.''
દિલ્હીના કાલિંદી કુંજ કૅમ્પમાં કુલ 235 રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે અને શ્રમ વિહારમાં કુલ 359 લોકો રહે છે.
આ લોકોને દિલ્હી પોલીસ તરફથી જે ફૉર્મ આપવામાં આવ્યું છે, એમાં વ્યક્તિગત વિગતો અને એમની મ્યાનમારથી જોડાયેલી જાણકારી માંગવામાં આવી રહી છે.
મતલબ એ લોકો મ્યાનમારના કયા ગામથી છે, એમના ઘરમાં કોણ-કોણ લોકો રહે છે, એમના વાલીઓનો વ્યવસાય શું છે અને એમની નાગરિકતા વગેરે.
'ફૉર્મ નહીં ભરો તો પણ જવું પડશે'
ચાર બાળકોનાં માતા મનીરા પોતાના ચાર વર્ષના પુત્રની તરફ જોતા કહે છે :
''એ દેશમાં પાછા જઇને ના હું બાળકને ભણાવી શકીશ, ના પોતાનું જીવન વસાવી શકીશ, ના રહી શકીશ, ના કમાઈ-ખાઈ શકીશ. 15 દિવસ પહેલા મારા પતિ ગુજરી ગયા.
''ત્યાં હાલત ખૂબ જ ખરાબ છે, મારા માં-બાપને રહેંસી નાખ્યાં હતાં. ગમે તેમ કરીને જીવ બચાવીને અહીંયા આવી. અમને પરત ત્યાં જ મોકલી રહ્યાં છે, મને ડર લાગે છે. હું નહીં જઉં.''
પોલીસ દ્વારા દબાણપૂર્વક ફૉર્મ ભરાવવાના મામલે મનીરા કહે છે :
''છેલ્લા થોડા દિવસોથી હાલત બગડી રહી છે. પોલીસે એક ફૉર્મ આપ્યું છે. એ ભરવા અમારી ઉપર દબાણ કરી રહ્યા છે.
''અમારી વસાહતની 'જવાબદાર વ્યક્તિ' (દરેક કૅમ્પનો એ વ્યક્તિ જે તેમના કાનૂની કામકાજ સંભાળે છે) તેનું કહેવું છે કે આ ફૉર્મ તમને પાછા મોકલવાનું છે.
''આથી મારે આ નથી ભરવું. અમને પોલીસ કહે છે 'નહીં ભરશો તો પણ જવું પડશે'.''
મનીરા ઉમેરે છે, ''કાલે પણ એક પોલીસવાળો આવ્યો હતો. વર્ષ 2012માં મારુ ઘર તોડી પડાયું હતું, તો હવે ત્યાં જઈને શું કરીશ. ત્યાં હવે અમારું કશું નથી.
''મેં સાત દિવસ પહેલા ફૉર્મ ભરી દીધું હતું કેમ કે પોલીસ સ્પષ્ટ જણાવતી નથી કે આમાં શું લખ્યું છે. મને કહેવામાં આવ્યું અમને ફૉર્મ જોઈએ છે તમે ભરી દો.
''હવે મને ખબર પડી છે કે એ ફૉર્મ પોલીસને પાછું આપવામાં નથી આવ્યું''
એ જ કૅમ્પમાં રહેતી મરીનાનાં માતા હલીમાં ખાતૂન હિંદી નથી બોલી શકતા, પરંતુ એમના ચહેરાની કરચલીઓ પોતાના દુઃખોને વ્યક્ત કરી શકે છે.
મરીના કહે છે, ''હું નહીં જઈશ. આ પહેલાં પણ બાંગ્લાદેશ સરકારે જે લોકોને મ્યાનમાર સરકારને સોંપ્યા, એ લોકોને મારી નાખવામાં આવ્યા.
''મારે પાછું નથી જવું, ભારત સરકાર અમને અહીં જ મારી નાખે પણ અમારે એ દેશમાં પાછા નથી જવું.''
'.... એ દિવસે સામેથી જતાં રહીશું'
અહીંયા રહેવાવાળા મોહમ્મદ તાહિરના દિલમાં મ્યાનમાર પાછા જવાનો ડર એટલો છે કે એકલા બેઠા-બેઠા પોતાનાથી જ ફરિયાદ કરવા લાગી જાય છે.
રાતના જમવાની તૈયારી કરતા મોહમ્મદ તાહિર બહાર બેઠા માછલી સાફ કરી રહ્યા હતા. ત્યારે જ એ બડબડવા માંડ્યા, ''જયારે અમે ત્યાંના નાગરિક જ નથી તો પાછા કેમ જવાનું? હવે ત્રાસ કઈ રીતે સહન કરીશું?''
ભાંગેલી તૂટેલી હિંદીમાં મોહમ્મદે કહ્યું, ''પોલીસ આવી છે. ફૉર્મ ભરવાનું કહે છે. હું નથી જવા માંગતો. અત્યારે અમારા ગામ બુથિદૌંગમાં કત્લેઆમ ચાલી રહી છે.
''તેએ અમારા ઘરની સ્ત્રીઓને રાત્રે ઉઠાવીને લઈ જાય છે અને ત્રાસ (રેપ) આપે છે. અમે આ કઈ રીતે સહન કરી શકીએ?
''અમારે જીવ બચાવીને આવવું પડ્યું, મારા કાકા ત્યાં રહે છે, કહે છે કે ઘરથી બહાર નીકળવા નથી દેતા, બજાર નથી જવા દેતાં.''
'અમે ભારત કઈ રીતે આવ્યા?'
મોહમ્મદ કહે છે, ''પોલીસવાળા અહીંયા રાત-દિવસ આવે છે. એ કહે છે કે ફૉર્મ ભરી આપો. અમે ફૉર્મ ભરી દઈશું તો એ અમને પાછા મોકલી દેશે.
''એવું કહી દેશે કે આ લોકો પોતાની મરજીથી જવા માંગે છે. જે દિવસે અમારો જીવ મ્યાનમારમાં સુરક્ષિત થઈ જશે એ દિવસે અમે જાતે જતા રહીશું, જબરદસ્તી કરવાની જરૂરત જ નહીં રહે.
''અમે ના આધારકાર્ડ બનાવડાવ્યું છે કે ના કોઈ પણ રીતે ભારતના નાગરિક છીએ. અમે તો સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી કાર્ડ પર અહીં રહીએ છીએ.''
મોહમ્મદ ઇસમાન આ કૅમ્પના બધાજ કાયદાકીય કામો જુએ છે. શરણાર્થીઓની ભાષામાં કહીયે તો એ આ કૅમ્પના 'જવાબદાર વ્યક્તિ' છે.
મોહમ્મદ ઇસમાન જણાવે છે, ''અમને ગયા મહિને પણ એક ફૉર્મ આપવામાં આવ્યું હતું, જેમાં એક કુટુંબના બધા જ લોકોએ ફૉર્મ ભરવાનું હતું.
''એ બાદ અમારા શરણાર્થી કાર્ડની કૉપી કરાવવામાં આવી અને એના પર અમારી મ્યાનમારથી જોડાયેલી બધી જ જાણકારી લખાવવામાં આવી.
''મતલબ અમારું ગામ, અમારા ઘરવાળાઓના વિષે, અમે ભારત કઈ રીતે આવ્યા?''
''સાત ઑક્ટોબરે પોલીસ ફરી ફૉર્મ લઈને આવી. ચાર તારીખે જે સાત લોકોને પાછા મ્યાનમાર મોકલવામાં આવ્યા, એમાંથી મોહમ્મદ યુનુસ, મોહમ્મદ સલીમે અમને કહ્યું કે આ ફૉર્મ ભરીશું તો અમને મ્યાનમાર પરત મોકલી દેવાશે.
''હું આ જાણકારી નહોતો આપવા માંગતો, ફૉર્મ પર બર્મિઝ ભાષામાં લખ્યું છે એ મારી આશંકાને પાક્કી કરે છે. પરંતુ પોલીસ અમારા પર આ ફૉર્મ ભરવાનું દબાણ કરી રહી છે.''
કોઈ ગૃહ-યુદ્ધ કે આવી મુસીબતનો સૌથી મોટો શિકાર મહિલાઓ બને છે. એવી જ એક પીડિતા છે મર્દીના, જેઓ શરણાર્થી કૅમ્પના એક નાનકડી અંધારી ઓરડીમાં રહે છે.
આ ઘરમાં માત્ર એક ચટાઈ પાથરેલી છે અને બહારની બાજુ માટીનો ચૂલો છે.
માટીની દીવાલો વાળા આ ઓરડામાં ગુણિયાની છત છે, જે હવાથી પણ હલી જાય છે. પરંતુ મર્દીના માટે હવે આ જ એનું ઘર છે.
મ્યાનમારમાં રખાઈન પ્રદેશમાં મર્દીનાનું ઘર હતું. એ ત્યાંથી એકલી જ બચીને બહાર નીકળી શક્યા. એમનાં માતા-પિતા સહિત આખા કુટુંબને હિંસામાં મારી નાખવામાં આવ્યું.
પોતાના અમુક મહિનાના બાળકને ખોળામાં લઈને મર્દીના કહે છે :
''મારી સામે મારા ગામની છોકરીઓના બળાત્કાર થયા, મારા માં-બાપને કાપી નાખવામાં આવ્યાં, હું એકલી જ ત્યાંથી જીવતી નીકળી શકી અને મારા પાડોશીઓ સાથે અહીંયા પહોંચી. અમારા દેશમાં ત્રાસ ગુજરાઈ રહ્યો છે."
"અમે જે કીચડમાંથી આવ્યા છીએ ત્યાં અમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. હવે મારા અહીં લગ્ન થયા છે અને બાળક પણ છે, આથી હું તેને એ દુનિયામાં લઈ જવા માંગતી નથી."
દિલ્હીમાં તેઓ શાંતિથી રહી શકશે અનેકોઈ તેમનું બાળક છીનવી લેશે નહીં તેનો તેમને વિશ્વાસ છે.
ઓળખ માટે તરસતા લોકો
આ શરણાર્થીઓનું કહેવું છે કે મ્યાનમાર સરકાર તરફથી પરત મોકલાવામાં આવેલા સાત શરણાર્થીઓને હજુ સુધી નાગરિક તરીકે સ્વીકાર્યા નથી.
બીજું ઓળખપત્ર ઍમ્બેસી દ્વારા જારી કરવામાં આવ્યું છે, જેમાં તેમને મ્યાનમારના રહેવાસી માનવામાં આવ્યા છે, પરંતુ નાગરિક તરીકેનો દરજ્જો આપવામાં નથી આવ્યો.
દરમિયાન ગત મહિને ગૃહ મંત્રી રાજનાથસિંહે ભારતમાં રહી રહેલા રોહિંગ્યા વિશે નિવેદન આપ્યું હતું કે તેઓ રોહિંગ્યા મુસલમાન શરણાર્થી નથી.
તેમણે નિયમોનું પાલન કરીને શરણ નથી લીધી. માનવાધિકારોની વાત કરતા પહેલાં દેશની સુરક્ષા મહત્ત્વની છે. આથી રોહિંગ્યા શરણાર્થીઓનો ડર વધી જાય છે.
દિલ્હીમાં રહેતા રોહિંગ્યા મુસલમાન મ્યાનમાર પરત જવાનો ઇન્કીર કરી રહ્યા છે, પરંતુ તેઓ કહે છે કે તેમને નાગરિક તરીકેની ઓળખ જોઈએ છે.
આ ઓળખ તેમને યુએનના શરણાર્થી પેજ પર નહીં, પણ એક દેશના નાગરિક તરીકેની જોઈએ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો