You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમાર : રોહિંગ્યા મામલે રૉયટર્સના પત્રકારોને સાત વર્ષની જેલ
મ્યાનમારની એક કોર્ટે રૉયટર્સ સમાચાર સંસ્થાના બે પત્રકારોને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.
આ સજા તેમને રોહિંગ્યા સંકટ પર કરેલા રિપોર્ટિંગ દરમિયાન મ્યાનમારના સિક્રેટ ઍક્ટનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવી છે.
જે બે પત્રકારોને સજા કરવામાં આવી છે તેમાં 32 વર્ષના વા લોન અને 28 વર્ષના ક્યાવ સો ઉ સામેલ છે.
પોલીસ દ્વારા અપાયેલા દસ્તાવેજો લઈ જતી વખતે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ ઘટનાને મ્યાનમારમાં મીડિયાની સ્વતંત્રતા પર હુમલાના રૂપમાં જોવામાં આવી રહી છે.
જોકે, આ બંને પત્રકારોનું કહેવું છે કે તેઓ નિર્દોષ છે અને પોલીસ તેમને ફસાવી રહી છે.
કોર્ટના ચુકાદા બાદ વા લોને કહ્યું, "મને કોઈ ડર નથી. મેં કંઈ જ ખોટું કર્યું નથી. હું ન્યાય, લોકશાહી અને સ્વતંત્રતામાં માનું છું."
આ બંને પત્રકારોની ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર 2017માં ધરપકડ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉયટર્સના એડિટર-ઇન-ચીફ સ્ટેફન એડ્લરના કહેવા પ્રમાણે આ મ્યાનમાર, રૉયટર્સના બંને પત્રકારો અને પ્રેસની સ્વતંત્રતા માટે દુઃખનો દિવસ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બંને મ્યાનમારના નાગરિક છે અને આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા માટે કામ કરતા હતા.
ચુકાદો આપતા જજ યે લ્વિને કહ્યું કે આ બંને પત્રકારોનો ઇરાદો દેશના હિતોને નુકસાન પહોંચાડવાનો હતો.
તેમના કહેવા મુજબ તેથી જ તેમને સ્ટેટ સિક્રેટ ઍક્ટ અનુસાર ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે.
પત્રકારો વિરુદ્ધ કાવતરું?
મ્યાનમારની સેનાએ રખાઇન પ્રાંતમાં આવેલા ઇન દિન ગામમાં કથિત 10 પુરુષોની હત્યા કરી હતી.
આ મામલે પુરાવા શોધવા માટે વા લોન અને ક્યાવ સોઉ બંને કામ કરી રહ્યા હતા.
આ સંશોધન વખતે બે પોલીસ ઓફિસરે તેમને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા.
જે બાદ તેમની આ દસ્તાવેજો રાખવા બદલ તાત્કાલિક જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
ચુકાદાની ટીકા
મ્યાનમારની કોર્ટે આપેલા આ ચુકાદાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે.
માનવ અધિકાર કાર્યકર્તાઓ અને માનવ અધિકાર સંગઠનો દ્વારા પણ આ ચુકાદાની ટીકા થઈ રહી છે.
રૉયટર્સના જણાવ્યા પ્રમાણે બ્રિટનના મ્યાનમારના રાજદૂતે કહ્યું કે આ ચુકાદાથી અમને નિરાશા થઈ છે.
અમેરિકાના રાજદૂતે પણ કહ્યું કે કોર્ટનો આ ચુકાદો એ દરેક લોકો માટે મુશ્કેલી ઊભી કરનારો છે જેઓ અહીં મીડિયાની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
યૂએનના નિવાસી અને માનવતાવાદી કૉ-ઓર્ડિનેટરે ટ્વીટ કરીને કહ્યું કે સ્વતંત્ર પ્રેસ દરેક માટે શાંતિ, ન્યાય અને માનવ અધિકારી માટે જરૂરી છે. તેમણે કહ્યું કે આજના ચુકાદાથી અમે નિરાશ છીએ.
રખાઇન પ્રાંતમાં રોહિંગ્યા ઉગ્રવાદીઓ દ્વારા પોલીસ પોસ્ટ્સ પર કરવામાં આવેલા હુમલા બાદ કટોકટી સર્જાઈ હતી.
આ ઘટનાના એક વર્ષ બાદ આ ચુકાદો આવ્યો છે.
રખાઇન પ્રાંતમાં સરકાર દ્વારા મીડિયા કડક નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં. જેના કારણે ત્યાંથી વિશ્વસનીય માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો