રોહિંગ્યાનો દુશ્મન છે આ મ્યાનમારનો આ 'બિન લાદેન'

બર્માના રોહિંગ્યા મુસલમાનો પર ફરીવાર સંકટના વાદળાં ઘેરાયાં છે. રોહિંગ્યા નિરાશ્રિતો બાબતે બર્માના પાડોશી દેશો અલગ-અલગ વલણ ધરાવે છે.

મ્યાનમાર છોડી રહેલા રોહિંગ્યા મુસલમાનોનો પોતાના દેશમાં પ્રવેશવા દેવા ભારત તૈયાર નથી ત્યારે બાંગ્લાદેશે તેમને આશ્રય આપવાની રજૂઆત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની સત્તાવાર મુલાકાતે ગયા છે ત્યારે બન્ને દેશો વચ્ચે રોહિંગ્યા મુસલમાનો બાબતે વાતચીત થશે એવું માનવામાં આવે છે.

કોણ છે અશીંન વિરાથું?

આ પરિસ્થિતીમાં મ્યાનમારના કટ્ટરપંથી બૌધ્ધ ભિક્ષુ અશીન વિરાથુની ચર્ચા, મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો વિરુદ્ધ ચાલી રહેલી હિંસા સંબંધે કરવામાં આવી રહી છે.

રોઇટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રોહિંગ્યા કટોકટી સંબંધે ઇન્ડોનેશિયામાં મ્યાનમારના રાજદૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાજદૂતાવાસ બહાર એકઠા થયેલા વિરોધપ્રદશર્નકર્તાઓના હાથમાં બેનર હતાં અને તેમાં અશીન વિરાથુના ફોટાની સાથે "કટ્ટરવાદી" એવા શબ્દો લખવામાં આવ્યા હતા.

અશીન વિરાથુ કટ્ટરપંથી ભાષણો આપવા માટે જાણીતા છે. આ ભાષણો વડે વિરાથુ મુસ્લીમ લઘુમતીવિરોધી વાતાવરણ સર્જી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.

અશીન વિરાથુએ 2015ના જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનાં વિશેષ દૂત યાંગી લીને "કુતરી" અને "વેશ્યા" કહીને નારાજગી વહોરી લીધી હતી.

વિવાદાસ્પદ અશીન

માંડલેના આ બૌદ્ધ ભિક્ષુ વિશે એક દાયકા પહેલા સુધી બહુ ઓછા લોકો કંઇ જાણતા હતા.

૧૯૬૮માં જન્મેલા અશીન વિરાથુંએ ૧૪ વર્ષની વયે શાળા છોડી દીધી હતી અને ભિક્ષુક બન્યા હતા.

અશીન વિરાથુ રાષ્ટ્રવાદી અને મુસ્લિમવિરોધી જૂથ "969" સાથે 2001માં જોડાયા ત્યારે તેમના વિશે વધુ લોકો જાણતા થયા હતા. "969" સંગઠનને કટ્ટરપંથી માનવામાં આવે છે, પણ સંગઠનના ટેકેદારો આ આક્ષેપનો સતત ઇનકાર કરતા રહ્યા છે.

અશીન વિરાથુને 2003માં 25 વર્ષની જેલસજા ફરમાવવામાં આવી હતી, પણ 2010માં અન્ય રાજકીય કેદીઓની સાથે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

કઇ રીતે જાણીતા થયા અશીંન વિરાથું ?

મ્યાનમાર સરકારે નિયમો હળવા બનાવ્યા કે તરત જ અશીન વિરાથુ સોશ્યલ મીડિયા પર વધારે સક્રિય થઈ ગયા હતા. તેમણે તેમની વિચારધારાનો પ્રચાર યુટ્યુબ અને ફેસબૂક મારફત કર્યો હતો. ફેસબૂક પર તેમના 45 હજારથી વધુ ફોલોઅર્સ છે.

2012માં રાખીને પ્રાન્તમાં રોહિંગ્યા મુસલમાનો અને બોદ્ધો વચ્ચે હિંસા થઇ ત્યારે ભડકાવનારાં ભાષણો કરીને અશીન વિરાથુએ લોકો સાથે ભાવનાત્મક સંબંધ સ્થાપ્યો હતો.

કઇ રીતે કરે છે ભાષણની શરૂઆત?

"તમે દરેક કામ એક રાષ્ટ્રવાદી તરીકે કરો છો", આવું કહીને અશીન વિરાથુ તેમના દરેક ભાષણની શરૂઆત કરે છે. તેમના ભાષણો ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવે છે. તેનો મોટા પ્રમાણમાં પ્રચાર પણ કરવામાં આવે છે.

રાજકીય વર્તુળોમાં અશીન વિરાથુનાં ભાષણોની વધારે પ્રમાણમાં અસર જોવા મળે છે.

તમે બર્માના બિન લાદેન છો એ વાત સાચી છે, એવું એક વખત પૂછવામાં આવ્યું ત્યારે અશીન વિરાથુએ કહ્યું હતું કે હું એ વાતનો ઇનકાર નહીં કરું.

કેટલાક અહેવાલોમાં અશીન વિરાથુને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે તેઓ શાંતિ માટે કામ કરે છે.

શું ઈચ્છે છે અશીન વિરાથુ?

"ટાઇમ" મેગેઝિને તેના જુલાઇ, 2013ના અંકના મુખપૃષ્ઠ પર અશીન વિરાથુનો ફોટો પ્રકાશિત કર્યો હતો અને "ધ ફેસ ઓફ બુદ્ધિસ્ટ ટેરર" એટલે કે "બૌદ્ધ આતંકવાદનો ચહેરો" એવી હેડલાઇન આપી હતી.

અશીન વિરાથુ તેમના ભાષણોમાં વેરની વાતો કરે છે અને મુસ્લિમ સમુદાય અને ખાસ કરીને રોહિંગ્યા મુસલમાનો તેમનું નિશાન હોય છે.

રોહિંગ્યા મુસલમાનોને ત્રીજા વિશ્વના એટલે કે ગરીબ દેશમાં ધકેલવાના હેતુસર યોજાયેલી જાહેરસભાઓનું નેતૃત્વ પણ અશીન વિરાથુએ કર્યું હતું.

અશીન વિરાથુએ અથડામણ માટે મુસલમાનોને જવાબદાર ઠરાવ્યા હતા અને મુસલમાનોના પ્રજનન દર બાબતે નિરાધાર દાવાઓ કર્યા હતા.

બૌદ્ધ મહિલાઓનું બળજબરીથી ધર્માતંર કરાવવામાં આવતું હોવાનો દાવો પણ અશીન વિરાથુ કરી ચૂક્યા છે.

પ્રશંસા પણ, ટીકા પણ

બૌદ્ધ મહિલાઓ સરકારી પરવાનગી સિવાય અન્ય ધર્મના લોકા સાથે લગ્ન ન કરી શકે એવો કાયદો ઘડવાની તરફેણમાં ચલાવવામાં આવતા અભિયાનનું નેતૃત્વ અશીન વિરાથુ કરી રહ્યા છે.

તેમને બર્માના બૌદ્ધ ભિક્ષુ સમુદાયનો ટેકો કેટલી હદે મળશે એ કહેવું લગભગ મુશ્કેલ છે. તેમની ટીકા પણ કરવામાં આવી રહી છે.

અશીન વિરાથુ બહારની દુનિયા સામે બર્માના બૌદ્ધ સમુદાયનો ચહેરો બનીને ઉભરી રહ્યા છે અને એ ચિંતાજનક બાબત છે.

રોહિંગ્યા મુસલમાનો સંબંધે રાજકીય કારણોસર સરકાર ખાસ કશું કરી શકે તેમ નથી અને વિરાથુ રોહિંગ્યા મુસલમાનો સંબંધી લોકલાગણીને વાચા આપી રહ્યા હોવાથી સરકાર તેમની સામે પગલાં ન લેતી હોવાનું ઘણા લોકો માને છે.

અશીન વિરાથુ વિરુદ્ધ કોઇ ફરિયાદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમની સામે કોઇ પગલાં લેવામાં આવશે નહીં, એ વાતને ધાર્મિક બાબતોના મંત્રાલયે સમર્થન આપ્યું હતું.

અશીન વિરાથુ તેમના મહિલાવિરોધી વિચારો માટે જાણીતા છે. મહિલાઓનાં લગ્ન સંબંધી કાયદાને મહિલા માટે દમનકારી ગણાવવામાં આવી રહ્યો છે અને અશીન વિરાથુ એ કાયદાની તરફેણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.