મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોના 700 ઘર સળગાવાયાં

માનવ અધિકાર માટે કાર્યરત હ્યુમન રાઇટ્સ વૉચના કહેવા પ્રમાણે, મ્યાનમારમાંથી મળેલી સેટેલાઈટ તસવીરો પરથી સ્પષ્ટ જણાય છે કે રોહિંગ્યા મુસલમાનોના એક ગામમાં 700થી વધુ ઘર સળગાવી દેવાયા છે.

ગ્રૂપનું કહેવું છે કે તાજેતરની તસવીરો ઉત્તર રખાઇનમાં પ્રવર્તમાન હિંસાના તાંડવ અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે.

સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે, પૂર્વોત્તર મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો તથા સુરક્ષાબળો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 400 લોકો માર્યા ગયા છે.

હિંસાને કારણે રોહિંગ્યા મુસ્લિમોની બહુમતીવાળા ગામડામાંથી લગભગ 40 હજાર લોકો બાંગ્લાદેશ પલાયન કરી ગયા છે.

બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીના વરિષ્ઠ અધિકારી વિવિયન ટેનના કહેવા પ્રમાણે, "એક અંદાજ મુજબ તાજેતરમાં જ નવા દસ હજાર લોકો શરણાર્થી કેમ્પમાં આવ્યા."

વિસ્થાપિત રોહિંગ્યા મુસ્લિમોનો આરોપ છે કે, સૈનિકો ઈરાદાપૂર્વક તેમના ઘરોમાં આગ લગાવે છે. જો કે મ્યાનમારની સરકાર આ આરોપોને નકારે છે.