કોક્સ બજારના કિનારાથી થોડા અંતરે જ દુર્ઘટના થઈ

બાંગ્લાદેશ પોલીસે જણાવ્યું હતું કે કોક્સ બજાર તટની પાસે એક હોડી પલટવાના કારણે ઓછામાં ઓછા 60 રોહિંગ્યાઓનાં મોત થયા છે.

સંયુક્ત રાષ્ટ્રોના પ્રવક્તાના કહેવા પ્રમાણે, 23 લોકોના મોત થયા છે. જ્યારે 40 અન્યો 'લાપતા અને ડૂબેલા માની લેવાયા છે.'

હોડી અકસ્માતમાં બચનારા લોકોએ જણાવ્યું કે બાંગ્લાદેશના તટીય વિસ્તાર કોક્સ બજાર પાસેના દરિયામાં કોઈક ડૂબેલી વસ્તુ સાથે અથડાતા હોડી પલટી ગઈ હતી.

તટથી થોડાં જ અંતરે અકસ્માત

ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે હોડી તટથી કેટલાક મીટરના અંતરે જ દુર્ઘટનાનો શિકાર થઈ હતી.

સમાચાર એજન્સી એએફપીને સ્થાનીય દુકાનદાર મોહમ્મદ સોહેલે જણાવ્યું, "મેં તેમને નજર સામે ડૂબતા જોયા. કેટલીક મિનિટોમાં મોજા તેમના શબને કિનારા સુધી લઈ આવ્યાં."

બાંગ્લાદેશ અને મ્યાનમારની વચ્ચે નફ નદી વહે છે. જે બંને દેશો વચ્ચે સરહદની ગરજ સારે છે.

રોહિંગ્યા શરણાર્થીઓ હિંસાગ્રસ્ત મ્યાનમારમાંથી નીકળવા માટે આ નદી પાર કરીને અથવા દરિયાના રસ્તે બાંગ્લાદેશમાં પ્રવેશવાનું જોખમ ખેડે છે.

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના પ્રવક્તા જોએલ મિલાનના કહેવા પ્રમાણે, બોટમાં લગભગ 80 શરણાર્થીઓ સફર ખેડી રહ્યા હતા.

બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે મ્યાનમાર સરકારે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓના રખાઇન પ્રાંતના પ્રવાસને ટાળી દીધો છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે, આ માટે સરકારે કોઈ કારણ આપ્યું નથી.

પરંતુ પછી કહેવામાં આવ્યું કે ખરાબ વાતાવરણના કારણે પ્રવાસ ટાળવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ આગામી અઠવાડિયે યોજવાની સૂચના આપવામાં આવી છે.

હિંસાના પગલે રોહિંગ્યાઓનું સ્થળાંતર

મ્યાનમારમાં 25 ઓગસ્ટથી શરૂ થયેલી હિંસાના કારણે પાંચ લાખથી વધારે રોહિંગ્યા બાંગ્લાદેશની સીમામાં દાખલ થઈ ચૂક્યાં છે.

ઓગસ્ટમાં જ્યારે સેનાએ સુરક્ષા દળો પર હુમલા માટે જવાબદાર રોહિંગ્યા લોકો પર કાર્યવાહી શરૂ કરી તો સંયુક્ત રાષ્ટ્ર સહાયતા કર્મીઓઓને રખાઇન પ્રાંતથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશની સીમામાં આવી રહેલા રોહિંગ્યા લોકોએ મ્યાનમાર સેના પર હત્યા કરવાના અને તેમના ઘર સળગાવાવાના આરોપો લગાવ્યાં છે.

કેટલાક પત્રકારોના રિપોર્ટો અને તસવીરોમાં ઘણાં ગામો સળગી જવાની ખાતરી કરી શકાય છે. પરંતુ મ્યાનમારની સેનાનું કહેવું છે કે માત્ર રોહિંગ્યા આતંકવાદીઓ સાથે જ તેમની અથડામણ થઈ રહી છે.

આ પહેલાં ચાલુ અઠવાડિયે મ્યાનમારની સેનાએ રોહિંગ્યા ઉગ્રવાદીઓના હાથે મારેલા 45 હિંદુઓની સામૂહિક કબર મળવાનો દાવો કર્યો હતો.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)