હાર્દિક પટેલ : મારી ધરપકડ થઈ ત્યારે મેં કિંજલ વિશે ઘરે જાણ કરી હતી

    • લેેખક, સમીના શેખ
    • પદ, બીબીસી ગુજરાતી

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલનું 27 જાન્યુઆરી 2019ના રોજ લગ્ન થયું.

હાર્દિક પટેલ પોતાનાં નાનપણનાં મિત્ર કિંજલ પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા.

હાર્દિક પટેલનું લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા સ્થિત દિગ્સર ગામમાં થયું.

તેમનું લગ્ન હુંદુ વિધિથી સાદગીથી યોજાયા જેમાં પરિવારના લોકો અને અમુક મહેમાનો સામેલ હતા.

દિગ્સરમાં લગ્ન બાદ હાર્દિક અને કિંજલ પટેલ વિરમગામ જશે.

તમે આ વાંચ્યું કે નહીં?

હાર્દિક પટેલે કિંજલ વિશે શું કહ્યું?

બીબીસી ગુજરાતી સાથે હાર્દિક પટેલે તેમના લગ્ન વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી.

હાર્દિક પટેલે કહ્યું, "અમે બંને સાત વર્ષથી રિલેશનશીપમાં હતાં. જોકે, અમારા પરિવારને છેલ્લાં ત્રણ કે સાડા ત્રણ વર્ષોથી આ વાતની જાણ થઈ હતી."

"લગ્નની વાત ઘણા સમયથી નક્કી હતી, આ લવ મૅરેજ નથી પરંતુ અરેન્જ મૅરેજ છે."

"23 તારીખના રોજ સગાઈ છે અને 27 તારીખના રોજ લગ્ન છે."

"જ્યારે આંદોલન શરૂ થયું, મારી પહેલી વખતે ધરપકડ થઈ ત્યારે અમારા ઘરે ખબર પડી હતી. મેં સામેથી ઘરે કિંજલ વિશે કહ્યું હતું."

"શરૂઆતમાં હું રાજકારણમાં આ રીતે સક્રિય થાઉં તે તેમના પરિવારને પસંદ ન હતું."

"જોકે, સમય જતાં પરિસ્થિતિએ આ બધું શીખડાવી દીધું."

"કિંજલે બીએ, એમએ કર્યું છે. બાદમાં એચઆર કર્યું, હું જેલમાં હતો ત્યારે તેને અભ્યાસમાં મન ન લાગતાં એચઆરનો અભ્યાસ છોડી દીધો હતો."

"જોકે, હાલ તે એલએલબીનો અભ્યાસ કરી રહી છે. લગ્ન બાદ પણ તે વકીલ તરીકે પ્રેક્ટિસ કરશે. મારા કેસ એને જ લડાવવા પડશે."

કિંજલ અને હાર્દિકના શોખ

હાર્દિક પટેલે કિંજલના અને પોતાના શોખ વિશે વાત કરતાં કહ્યું કે તેમને હરવા-ફરવાનો શોખ છે મને હરવા-ફરવાનો શોખ નથી.

તેમણે કહ્યું, "કારણ કે મારી પાસે સમય નથી. જો સમય મળે તો બિલકુલ તેની સાથે ફરવા જવામાં મને કોઈ વાંધો ના હોઈ શકે."

"તેને વાંચવાનો અને લખવાનો ખૂબ શોખ છે. તેમણે ઘણી બધી ડાયરીઓ પણ લખેલી છે અને નવલકથાઓ વાંચવી ખૂબ ગમે છે."

લગ્ન બાદ હનીમૂન પર ક્યાં જવાના એના વિશે વાત કરતાં હાર્દિકે કહ્યું કે આ મામલે મને કંઈ જ ખબર નથી.

"હાલ તો લોકસભાની ચૂંટણી આવે છે, જોકે, મેં તેને વચન આપ્યું છે કે લોકસભા પછી આપણે જઈશું."

હાર્દિકના પિતાએ શું કહ્યું?

હાર્દિકના પિતા ભરતભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે સમાજના રિતરીવાજ મુજબ સાદાઈથી લગ્ન કરવામાં આવશે.

તેમણે કહ્યું, "અમારે પહેલાં લગ્ન મહેસાણા જિલ્લામાં કરવા હતાં પરંતુ અહીં જવા માટે હાર્દિકને મંજૂરી મળી નથી."

"જેથી હવે અમે સુરેન્દ્રનગર જિલ્લાના દિગ્સર ગામમાં લગ્નનું આયોજન કર્યું છે. આ લગ્ન સાદાઈથી કરવામાં આવશે."

"લગ્નપ્રસંગ સમયે બંને પક્ષ તરફથી 50થી 60 જેટલા લોકો ઉપસ્થિત રહેશે."

"કિંજલ હાલ એલએલબીનો અભ્યાસ કરે છે, તેમના પરિવારમાં માતાપિતા, એક બહેન અને એક ભાઈ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો