એ ઘટનાઓ જેણે તાત્યા ભીલને બનાવ્યા 'જનનાયક' અને 'ક્રાંતિસૂર્ય'

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રણબીર કપૂર અભિનીત ફિલ્મ 'શમશેરા'ની વાર્તા 1871 આસપાસ આકાર લે છે. આ એવા શખ્સની કહાણી છે, જે અંગ્રેજો, શાહુકારો અને માલેતુજારોને લૂંટે છે અને તેમની પાસેથી મળેલી રકમ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચી દે છે.

આ કહાણીનો 'સેન્ટ્રલ પ્લૉટ' તાત્યા ભીલ (ટંટ્યા મામા ભીલ)ના જીવન પર આધારિત હોવાની ચર્ચા છે, જે એજ અરસામાં થઈ ગયા. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા સાપુતાડાનાં જંગલોમાં તેમની આણ વરતાતી હતી.

અંગ્રેજો માટે તેઓ ડાકુ હતા, ગુજરાતીઓ કદાચ તેમને બહારવટિયા કહે, તો આદિવાસીઓ તથા સામાન્ય લોકો માટે તેઓ 'તાત્યા મામા' અથવા તો 'ટંટ્યા મામા' હતા અને અંગ્રેજો માટે તે 'ઇન્ડિયન રૉબિનહૂડ' હતા.

એક દસક કરતાં વધુ સમય સુધી તાત્યા ભીલે અંગ્રેજોને થાપ આપી હતી, છેવટે નજીકની જ વ્યક્તિના દગાને કારણે તેઓ પકડાઈ ગયા હતા અને તેમને ફાંસીની સજા થઈ હતી.

મધ્ય પ્રદેશના પાતાલપાની સ્ટેશનેથી ઉપડતી ટ્રેન એક વણલખી પરંપરાનું પાલન કરે છે, જે તાત્યા ભીલ સાથે જોડાયેલી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના આદિવાસીઓમાં લોકગીતો તથા લોકકથા અને લોકનૃત્યોમાં તાત્યા ભીલ હજી જીવંત છે.

'મારો દીકરો વેર વાળશે'

તાત્યા ભીલનો જન્મ 1840માં હાલના મધ્ય પ્રદેશના ખંડવાના પંધાના તાલુકાના બડદા ગામમાં થયો હતો. નાનપણથી જ તેઓ સાહસિક અને ચંચળ હતા એટલે તેમનું નામ 'ટંટ્યો' (ઝગડાખોર) પડી ગયું હતું.

ખંડવા એ સમયે સેન્ટ્રલ પ્રોવિન્સનો ભાગ હતું. મરાઠા શાસનનો અંત આવી ગયો હતો, પરંતુ હોલકરોનું શાસન હતું. વર્ષ 1757ના પ્લાસીના યુદ્ધ પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં દખલ વધી ગઈ હતી અને 1857નો વિપ્લવ નિષ્ફળ રહ્યા બાદ તેમણે પોતાની પકડ મજબૂત બનાવી હતી.

તત્કાલીન રજવાડાં, શેઠ, શાહુકારો અને વેપારીઓને તો તેની અસર પડી જ હતી, પરંતુ આદિવાસીઓ પણ તેમાંથી બાકાત રહ્યા ન હતા. અગાઉ ભીલશાસકોને આધીન રહેલાં ખેડૂતોની પાસેથી હવે મહેસૂલ વસૂલવામાં આવતી હતી. આ સિવાય મહુડામાંથી બનતો શરાબ આદિવાસીઓના સામાજિક, ધાર્મિક અને દૈનિકજીવનનો ભાગ હતો, જેની ખરીદી ઇજારદારો પાસેથી જ થઈ શકતી, જેના માટે કિંમત ચૂકવવી પડતી.

આ સિવાય અંગ્રેજોને લાકડાંની જરૂર હતી, જેના માટે જંગલોનો સોથ વાળવામાં આવી રહ્યો હતો, જેથી વનવાસીઓ નારાજ હતા. શાહુકારો, રજવાડાં અને તેમની સેનાની મદદથી ભીલોને દબાવવામાં આવતા હતા. જંગલો અને આદિવાસીઓની બોલીથી વાકેફ હોય તેવા કેટલાક ભીલોની પણ ભરતી કરવામાં આવી હતી.

આની અસરથી માઉસિંહ પણ બાકાત રહ્યા ન હતા. 'ભારત મેં સ્વતંત્રતા તથા લોકતંત્રાત્મક ગણરાજ્ય કા ઉદય'માં (પૃષ્ઠ ક્રમાંક 86) બી.એસ. પરશેડિયા લખે છે, "માઉસિંહ પોતાના બાળકને 'નવગજા પીર'ની પાસે લઈ ગયા હતા, જેઓ મુસ્લિમો ઉપરાંત ભીલો માટે પણ સન્માનીય હતા. અહીં તેમણે પત્નીના સૌગંધ ખાઈને કહ્યું હતું કે મારો દીકરો ભીલ બહેન, દીકરીઓ અને વહુઓનાં અપમાનનું વેર વાળશે."

માઉસિંહે જ તેમના દીકરાને તીર, ગોફણ, ભાલા અને તલવાર ચલાવવાની તાલીમ આપી હતી. પિતાએ તેમને જંગલની વનસ્પતિઓ અને ઔષધિઓની ઓળખ કરાવી હતી. મહિલાઓ અને સ્ત્રીઓનું સન્માન કરવાની શીખ આપી. તાત્યાએ આજીવન તેનું પાલન કર્યું, પરંતુ એક વખત ચૂકી ગયા અને તેની સજા પણ ભોગવી.

ધ મૅકિંગ ઑફ 'જનનાયક'

તાત્યા ભીલના જીવન ઉપર વ્યાપક સંશોધન કરનારા બાબા ભાંડ (ભાંડ એ ગુજરાતની ભવાઈને મળતું આવતું લોકનાટ્ય છે પણ અહીં અટક તરીકે જોવું) તેમના મરાઠી પુસ્તક 'મહારાષ્ટ્રાંચે શિલ્પકાર તંટ્યા ભિલ્લ'માં લખે છે:

તાત્યા ભીલના દાદાએ સ્થાનિક શાહુકાર પાસેથી કરજ લીધું હતું, જે ચુકવતાં-ચુકવતાં તેમનું અને પછી માઉસિંહનું મૃત્યુ થઈ ગયું. ઉપરાછાપરી દુષ્કાળ અને શરાબે પરિવારની સ્થિતિ વધુ કપરી બનાવી દીધી હતી.

આ અરસામાં યુવાન થતાં ભીખી સાથે તેમનું લગ્ન થયું. એ પછી તેઓ સસરાના ગામ પોખરમાં જ રહેવા લાગ્યા અને ત્યાં ખેતીકામ કરવા લાગ્યા.

થોડા સમય પછી તાત્યા શાહુકાર પાસે ગયા અને જમીનના કબજાની માગણી કરી અને દેવું ચુકવી દેવાની ખાતરી પણ આપી, પરંતુ તેણે ગોળ-ગોળ જવાબ આપ્યા. તાત્યાને શાહુકારની દાનતનો અંદાજ આવી ગયો હતો. અહીં ઝગડો થઈ ગયો. પોલીસ તેમને પકડી ગઈ અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

સજા કાપીને બહાર આવ્યા તો ફરી તેમને ચોરીના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા. એક સ્થાનિક વેપારીએ તેમની વિરુદ્ધ જુબાની આપી હતી. જેલમાં તેઓ પોતાના જેવા બીજા અનેક લોકોને મળ્યા, જેઓ દબાયેલાં અને કચડાયેલાં હતાં. તાત્યાએ તેમને સાથે લીધા અને મંડળી બનાવી. તેઓ જેલ તોડીને ફરાર થઈ ગયા અને 'બહારવટું' લીધું હતું.

તેઓ એકદમ સ્ફૂર્તિલા હતા અને દિવસમાં અનેક માઇલ દોડતા હતા, જંગલ અને પહાડીઓમાં તેઓ સહેલાઈથી ઓગળી જતા હતા. કહેવાય છે કે તેઓ ચાલતી ટ્રેનમાં દોડતા ચઢી જતા.

તેઓ શોષણકર્તા શેઠ-શાહુકારો, સરકારી ખજાનાને લૂંટતા અને રકમ ગરીબોમાં, શાહુકારોથી ત્રસ્ત ખેડૂતોને અને મહિલાઓને વહેંચી દેતા. તેઓ પોલીસ ચોકીઓ ઉપર પણ હુમલા કરતા હતા. દુષ્કાળમાં તેઓ સરકારી અનાજના ગોદામો અને વેગનો લૂંટી તેને ગરીબોમાં વહેંચી દેતા. આથી જ સમુદાયમાં તેઓ 'મામા' તરીકે ઓળખાતા હતા. જોકે, અંગ્રેજો માટે તેઓ 'ડાકુ' હતા.

અંગ્રેજોમાં આણ વર્તાતી

લગભગ 12 વર્ષ સુધી તાત્યાની અંગ્રેજો સામેની સશસ્ત્ર ચળવળ ચાલી હતી, શરૂઆતના વર્ષોમાં એક વખત તેના સાથી પકડાયા હતા. તેમાંથી એકને ફાંસી થઈ હતી. એ પછી તેઓ એકેય વખત અંગ્રેજોને હાથ નહોતા આવ્યા, એટલું જ નહીં તેમનો સામનો પણ થયો ન હતો, જેના કારણે તેમને ઓળખતા પણ ન હતા. તાત્યા સ્વાંગ બદલવામાં પણ માહેર હતા, જેથી પાસેથી નીકળી જાય તો પણ તેમને ઓળખી શકે તેમ ન હતા.

અંગ્રેજ અધિકારીઓ તથા તેમના સિપાહીઓ પણ તેમના નામથી ધ્રૂજતા હતા. તાત્યા સાથે જોડાયેલી માન્યતાઓ અને કિંવદંતીઓએ સ્થાનિકોમાં ભયને વધારી દીધો હતો. સ્થાનિકો એવું માનતા હતા કે તાત્યા પર નવગજા પીરનો હાથ છે, એટલે તે અદૃશ્ય થઈ શકે છે, તેની ઉપર ગોળીની અસર નથી થતી તથા તે એકસાથે અનેક જગ્યાએ હોય છે.

એક તબક્કે મેજર હરિપ્રસાદના (કેટલાકના મતે શ્રીપ્રસાદ) નેતૃત્વમાં સેનાએ જંગલમાં ઘેરો ઘાલ્યો હતો, પરંતુ હોલકરની સેનાને સાથે લીધી ન હતી. સ્થાનિકોનો સહકાર મળ્યો ન હતો. વળી, વરસાદને કારણે મલેરિયાએ ભરડો લીધો હતો, એટલે સેનાનું મનોબળ તૂટી ગયું હતું અને તેમણે પીછેહઠ કરી.

1888ના બૉમ્બે પ્રૅસિડન્સી પોલીસ રિપોર્ટ (પેજ નંબર 55) તાત્યા વિશે લખાયું છે, "સાવડા તાલુકામાં બીજી એક સંગઠિત ગૅંગ સક્રિય છે. જેઓ પોતાને મધ્યભારતના કુખ્યાત ડાકુ 'તાત્યા મામા'ના માણસો તરીકે ઓળખાવે છે. તેઓ ખાખી જેવા કપડાંનો યુનિફૉર્મ પહેરે છે. તેમની પાસે પૂરતા હથિયાર છે. તેઓ પૈસા આપવા માટે ધમકીભર્યા પત્રો મોકલે છે.....હું કૅપ્ટન મૅકફર્સનના વિચાર સાથે સહમત છું કે ઘરફોડીમાં સંકળાયેલા આ લોકો પોલીસ કરતાં પણ વધુ હોંશિયાર છે. તેઓ રેલવે પાસેના તાલુકામાં ઘરફોડીને અંજામ આપે છે, જેથી સહેલાઈથી માલ સાથે ફરાર થઈ શકાય."

તા. 30 નવેમ્બર 1886ના સેન્ટ્રલ પ્રૉવિન્સના ચીફ કમિશનરના સચિવ એફસી ઍન્ડરસને ભારત સરકારના સચિવને લખેલા પત્રમાં લખ્યું છે કે તાત્યા ભીલ ભીલો અને કૂર્કો માટે 'શ્રદ્ધેય' છે અને ઉચ્ચપદ પર બેઠેલા લોકો મદદ કરી શકે તેમ નથી.

મેજર હરિપ્રસાદ (કે શ્રીપ્રસાદ) તથા સ્થાનિકો દ્વારા અનેક ભીલોની જાસૂસ તરીકે ભરતી કરવામાં આવી હતી, જેમનું કામ તાત્યાની હિલચાલ, સંબંધો અને મદદગારો વિશે માહિતી આપવાનું હતું. આવી જ એક નજીકની વ્યક્તિના દગાથી તાત્યા ઝડપાઈ ગયા હતા.

દગો ન થયો સગો

હિંદી પુસ્તક 'જનનાયક તંટ્યા ભીલ'માં (પેજ નંબર 113-120) બાબા ભાંડ લખે છે : ખરગોન જિલ્લાના બણેર ગામ ખાતે ગણપતસિંહ રાજપૂત નામે શખ્સ રહેતો હતો. તાત્યાની તે ધરમની બહેન હતી. ગામમાં એક દુકાનદાર પાસેથી તાત્યા પોતાની અને ટુકડીની જરૂરિયાતનો સામાન ખરીદતા હતા.

લગભગ બારેક વર્ષથી બહારવટે ચઢેલા તાત્યા શરીર અને મનથી થાક્યા હતા. તેમણે ક્યારે હોલકરતંત્ર કે તેમની રૈયતને રંજાડી ન હતી. તાત્યાને અંગ્રેજો પ્રત્યે નફરત હતી તો હોલકર પ્રત્યે સન્માન હતું. એટલે જ તેમણે બહારવટું છોડીને હોલકરની ચાકરી સ્વીકારવાનું વિચાર્યું હતું. વર્ષ 1889માં આ વાત તેમણે ગણપતસિંહને કરી હતી.

આ વાતને લઈને ગણપતસિંહે મધ્યસ્થી કરવાના બહાને પોલીસનો સંપર્ક સાધ્યો. વર્ષોથી પોલીસ તાત્યાને શોધી રહી હતી, ત્યારે તેમને મન આશા જાગી હતી. ગણપતને તાત્યા વિશે બાતમી આપવા સાટે સરકારી નોકરી આપવામાં આવી હતી.

સામાન્ય રીતે જે ભીલોની પોલીસ દ્વારા બાતમીદાર તરીકે ભરતી કરવામાં આવતી હતી, તેઓ તાત્યાના સમુદાયના, સંબંધીઓ કે ઉપકાર નીચે દબાયેલા હતા, જેના કારણે પોલીસને ખાસ બાતમી મળતી ન હતી. ઉલટું તાત્યાને પોલીસ વિશે બાતમી મળતી.

ગણપતસિંહના દગા વિશે તાત્યા અંધારામાં હતા. દર વર્ષે તાત્યા પોતાની મોંબોલી બહેન પાસે રક્ષાબંધન પર રાખડી બંધાવવા આવતા. ગણપતને આશા હતી કે આ વર્ષે પણ તે રાખડી બંધાવવા આવશે, ત્યારે તેને પકડાવી દેશે. આના માટે જરૂરી બંદોબસ્ત કરી રાખવામાં આવ્યો હતો.

જોકે રક્ષાબંધનના દિવસે ભારે વરસાદ આવતો હતો, એ પછીના દિવસે પણ વરસાદ ચાલુ રહેવા પામ્યો હતો. ગણપતને આશંકા ગઈ હતી કે શું તેની ઓળખ તાત્યા સામે છતી થઈ ગઈ હશે? જો એમ હશે તો તાત્યા જીવતો નહીં છોડે. શું પોલીસની અવરજવર વિશે તાત્યાને માહિતી મળી ગઈ હશે.

અંતે તાત્યાનું આગમન થયું અને દગાથી તેમને પકડી લેવામાં આવ્યા. કોર્ટમાં કેસ આવ્યો, ત્યારે એક મહિલા સાથે કરેલા દુર્વ્યવહારનો હિસાબ પણ થયો.

યશોદા, ગજરી અને ભીખી

શરૂઆતમાં તાત્યો પકડાઈ ગયો હોવાની વાતનો ખુદ પોલીસને પણ ભરોસો બેસતો ન હતો. તેની ઓળખ વિશે ખાતરી કરવા માટે અનેક લોકોની જુબાની લેવામાં આવી, જેમાં યશોદા (જશોદા કે જશુદા પણ) અને ગજરી પણ હતાં.

બાબા ભાંડ તેમના પુસ્તકમાં લખે છે કે, પોખરના પાટીલનાં પુત્રી યશોદા બાળવિધવા હતા. તાત્યાનાં પત્ની ભીખી અને તેઓ બહેનપણી હતાં. યશોદાની ઉપર આરોપ હતો કે તેઓ તાત્યા અને તેમની ટુકડીને મદદ કરતાં હતાં.

1886 આસપાસ એક રાતે તાત્યા પોખર પહોંચ્યા હતા, નવગજા પીરને ત્યાં માથું ટેકવીને તેઓ ગજરીના ઘર તરફ રવાના થયા. ગજરી નામનાં મહિલા અન્ય એક મહિલા આ મુદ્દે વારંવાર યશોદાને ટોણાં મારતા. આ વાતની જાણ તાત્યાને થઈ હતી.

ગજરીના પતિના કારણે યશોદાના પિતાને રૂ. 100નો દંડ થયો હતો. આ સિવાય તાત્યા વિરૂદ્ધ તેમના પતિ હિમ્મતે જુબાની આપી હતી, જે બદલ તેમને રૂ. 500નું ઇનામ મળ્યું હતું. તાત્યાએ એ રકમની માગણી કરી. ગજરીનાં દીકરાએ પોતાની પૈસા ન હોવાનું જણાવ્યું. ઘરમાંથી તપાસ કરતાં વાત સાચી નીકળી.

તાત્યા મોહનને ઉઠાવી ગયા. તેમણે ગજરી તથા મોહનની પત્નીનાં ઘરેણાં લઈ લીધા. અને યશોદાનું અપમાન કરવા બદલ ગજરીનું નાક કાપી લીધું. આગળ જતાં તેને બહુ અફસોસ થયો હતો. કોર્ટમાં ગજરીએ તાત્યા વિરૂદ્ધ જુબાની આપી.

ગજરી ઉપર લૂંટ-ધાડના અલગ-અલગ કેસ બદલ તેમને જનમટીપ થઈ. જેના કારણે અંગ્રેજ અધિકારીઓ અને શાહુકારોએ રાહતનો શ્વાસ લીધો. છતાં તેમને તાત્યાનો ભય તેમના મનમાં હતો. તાત્યા વિરૂદ્ધ હત્યાનો જૂનો કેસ ખોલવામાં આવ્યો, જેમાં તેમના સાથીને ફાંસી થઈ ગઈ હતી. છતાં તેમની સામે આ કેસ ચલાવવામાં આવ્યો.

સ્થાનિક સંગઠનો અને વકીલોના મંડળે તેની વિરૂદ્ધ અપીલ કરી. તેમને સેનામાં ભરતી કરીને તેમની સેવા લેવાની કે તેમને બર્મામાં કાળાપાણીએ મોકલી દેવાના સૂચન પણ કરવામાં આવ્યા. આ કોઈ રજૂઆતોની અસર ન થઈ. તા. 10 નવેમ્બર, 1889ના દિવસે 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'માં તાત્યા દ્વારા ગુનાઓની સ્વીકારોક્તિના અહેવાલ છપાયા હતા, જેમાં તેમની ઓળખ રૉબિન હૂડ તરીકે આપવામાં આવી હતી.

તાત્યાને ફાંસીની સજા સંભળાવવામાં આવી અને તા. ચાર ડિસેમ્બર 1889ના દિવસે ફાંસી આપી દેવામાં આવી.

તાત્યા, ટ્રેન અને કિવદંતી

તાત્યાને ફાંસી આપ્યા બાદ તેમને પાતાલપાની પાસે જંગલોમાં દફનાવી દેવામાં આવ્યા હતા. એવી માન્યતા છે કે પાતાલપાનીથી નીકળતી ટ્રેન જો રસ્તામાં ઊભી રહીને હૉર્ન વગાડે તો તેને તાત્યા મામાના આશીર્વાદ મળે છે અને લોકો સુખરૂપ તેમના ઘરે પહોંચે, નહીંતર ટ્રેનને અકસ્માત નડે છે.

જોકે, રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે, પાતાલપાનીથી કાલાકૂંડ સુધીનો રેલવે ટ્રેક ખૂબ જ ખતરનાક છે. એટલે ત્યાં ટ્રેનને અટકાવીને બ્રૅક તથા હૉર્ન ચેક કરવામાં આવે છે.

છતાં પાતાલપાની રેલવે સ્ટેશન સાથે તાત્યા ભીલનું નામ જોડવામાં આવ્યું છે. તેમના સમાધિસ્થળને વિકસાવવા તથા ત્યાં ધ્યાન માટે આરાધના વાટિકા ઊભી કરવાની મધ્ય પ્રદશ સરકારે જાહેરાત કરી છે.

જબલપુર સેન્ટ્રલ જેલ તથા ઇંદૌર બસ સ્ટેશનને પણ તેમનું નામ આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા તેમના નામથી પુરસ્કાર આપવામાં આવે છે.

તાત્યા ભીલને 'જનનાયક' અને 'ક્રાંતિસૂર્ય' જેવી ઉપાધિઓ પણ મળી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો