ઈરાન : એ ઇસ્લામિક દેશ જ્યાં મુસ્લિમ મહિલાઓ જ હિજાબનો વિરોધ કરી રહી છે

  • ઈરાનમાં હિજાબના વિવાદને લઈને ફરી વખત આંદોલન
  • 12 જુલાઈ 'હિજાબ અને શુદ્ધતાનો રાષ્ટ્રીય દિવસ'ની મહિલાઓએ કરી ઉજવણી
  • જાહેરમાં હિજાબ ઉતારીને પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર કર્યા શૅર
  • સરકારનું કહેવું છે કે આ આંદોલનો દેશ બહારની શક્તિઓનું કાવતરું
  • દેશભરમાં ઘણી મહિલાઓની ધરપકડ પણ કરવામાં આવી

ઈરાનમાં મહિલાઓ હિજાબને લગતા કડક કાયદાનો જાહેરમાં હિજાબ ઉતારીને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને વિરોધ કરી રહી છે.

ઈરાનની એક મહિલાએ ઓનલાઇન પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું, "ફરજિયાત હિજાબ જરૂરી છે? હું આજે ઘરેથી કામ પર હિજાબ પહેર્યા વગર આવી. અમારું સ્વપ્ન છે કે અમને જે પહેરવું હોય તેની છૂટ મળે."

ઈરાનના સત્તાવાર કૅલેન્ડર અનુસાર, 12 જુલાઈ 'હિજાબ અને શુદ્ધતાનો રાષ્ટ્રીય દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસે કર્મશીલોએ દેશભરની મહિલાઓ હિજાબ ઉતારી ફેંકવા અને તેનો વીડિયો પોસ્ટ કરવા અપીલ કરે છે.

આમ કરવું એ 'ઇસ્લામિક પોષાક'ને લઇને ઈરાનના કાયદાની વિરુદ્ધ હોવા છતાં ધરપકડથી ડર્યા વિના સેંકડો મહિલાઓ પોતાના હિજાબ વગર જાહેરમાં બહાર નીકળી હતી અને તેમણે વીડિયો પણ ઓનલાઇન પોસ્ટ કર્યા હતા.

"ના એટલે ના. હવે હિજાબ ફરજિયાત નહીં"

દેશના વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ બાગ-બગીચા, રસ્તા અને દરિયાકાંઠે હિજાબ વગર ખુદના સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યા છે. કેટલીક મહિલાઓએ તો સમર ટૉપ અને શૉર્ટ્સ પહેરીને વીડિયો રૅકર્ડ કર્યા હતા.

હજારો લોકો દ્વારા શૅર કરવામાં આવેલા એક વીડિયોમાં એક મહિલા દરિયાકાંઠે હસી-ખુશીથી પોતાનો હિજાબ ઉતારીને તેને ત્યાં જ મૂકીને ચાલતી નજરે પડી રહી છે.

બીજી તરફ સત્તાધીશોએ ઘણી જગ્યાઓ પર રેલીઓ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં હિજાબ પહેરેલી મહિલાઓ જોડાઈ હતી.

એક સરકારી ટેલિવિઝન ચૅનલ દ્વારા આ દિવસ નિમિત્તે પ્રસારિત કરાયેલા એક કાર્યક્રમમાં મહિલાઓ લાંબાં સફેદ કપડાં અને માથે લીલા રંગના હિજાબ સાથે જોવા મળી હતી.

હિજાબવિરોધી આંદોલન માટે એક હૅશટેગ પણ ગણતરીના સમયમાં ટ્રૅન્ડ થવા લાગ્યું હતું. ફારસીમાં તેનો અર્થ હતો "ના એટલે ના. હવે હિજાબ ફરજિયાત નહીં."

ઘણા કાર્યકર્તાઓ, પત્રકારો અને વિપક્ષના નેતા દ્વારા આ હૅશટેગ અંતર્ગત પોસ્ટ કરવામાં આવી હતી.

આ દરમિયાન કેટલીક મહિલાઓએ ટીકા કરતાં કહ્યું કે સત્તામાં બેસેલા પુરુષો મહિલાઓની વ્યક્તિગત સ્વતંત્રતાને નિયંત્રિત કરી રહ્યા છે.

ઉત્તર ઈરાનની એક મહિલાએ કૅમેરા સામે હિજાબ હઠાવતાં ખુદનો એક વીડિયો બીબીસી ફારસીને મોકલ્યો હતો.

એ વીડિયોમાં તેઓ કહેતાં હતાં, "તેઓ અમને માત્ર તેમના સન્માનનાં સેવક અને પોતાની સંપત્તિ તરીકે જુએ છે. તેઓ અમને ડરનો અનુભવ કરાવીને માથું ઢાંકવા મજબૂર કરે છે."

ઈરાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રીતે ઘણાં આંદોલનો થયાં છે. બીબીસી ફારસીના અહેવાલ અનુસાર, પોલીસે હિજાબ ઉતારતો વીડિયો અપલૉડ કર્યો હોય તેવી પાંચથી વધુ મહિલાઓની ધરપકડ કરી છે.

ઈરાનની "મોરલ પોલીસ" દ્વારા હાલમાં જ ડ્રેસ કૉડનું પાલન ન કરનારી મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

'ઇસ્લામિક સમાજમાં સંગઠિત ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરવાનું પગલું'

ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદથી મહિલાઓને 'ઇસ્લામિક' કપડાં પહેરવાં કાયદાકીય રીતે ફરજિયાત કરવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર કેટલાક પુરુષો પણ છે, જે આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

તેહરાન શહેરની એક મસ્જિદની દિવાલ પર મોટા અક્ષરોમાં 'રોટી, કામ, આઝાદી અને સ્વૈચ્છિક હિજાબ' લખેલી એક તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે. આ શબ્દો દેશમાં આર્થિક સંકટ અને હિજાબના કાયદાને લાગતાવળગતા છે.

જોકે, ઈરાનની ન્યાયપાલિકાના પ્રમુખ ઘોલમોસિન મોહસેની અજીએ ગુપ્તચર સંસ્થાઓને આ "ષડ્યંત્ર" પાછળ જવાબદાર લોકોને શોધી કાઢવા માટે સૂચના આપી છે. તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે આ આંદોલન પાછળ વિદેશી પરિબળોનો હાથ છે.

રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીએ જાહેરાત કરી કે આ આંદોલન 'ઇસ્લામિક સમાજમાં સંગઠિત ભ્રષ્ટાચાર'ને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને તેને દબાવી દેવામાં આવશે.

ધમકીઓ છતાંય ઘણી મહિલાઓએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે અને તેઓ આ મામલે દૃઢ છે.

એક મહિલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું, "તમે અમારી ધરપકડ કરી શકો છો પણ આંદોલન નહીં અટકે. અમારી પાસે ખોવા માટે કંઈ નથી. અમે વર્ષો પહેલાં જ અમારી આઝાદી ગુમાવી દીધી છે. હવે અમે તેને પાછી લઈ રહ્યાં છીએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો