એ પ્રદેશ જ્યાં પાણી માટે મગર અને માનવ વચ્ચે છેડાયો છે જંગ

    • લેેખક, સરબસ નઝરી
    • પદ, બીબીસી ન્યૂઝ

પોતાના અસાધારણ ઘરની જમીન પર બેસેલા સિઆહુક તેમના જમણા હાથમાં થઈ રહેલા દર્દથી કણસી રહ્યા છે, જે એક ડરામણા સંઘર્ષનું પરિણામ છે.

ઑગસ્ટના મહિનાની બપોર હતી. જ્યારે 70 વર્ષના ચરવૈયા એક તળાવમાં પાણી ભરવા ગયા અને 'ગૈંડો'એ તેમને દબોચી લીધા હતા. ઈરાનના બલુચિસ્તાનમાં મગરને લોકો 'ગૈંડો' કહે છે.

આ ઘટના બે વર્ષ પહેલાંની છે, પરંતુ તેનો ખૌફ અને આઘાત હજુ સુધી તેમની આંખોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેઓ કહે છે કે "મને દેખાયું જ નહીં કે તે આવી રહ્યો છે."

તેઓ મગરના મોઢામાં પાણીની બૉટલ નાંખીને બચ્યાં હતાં, પરંતુ વધારે પડતું લોહી વહી જવાથી અડધો કલાક સુધી હોશ પડ્યા રહ્યા હતા.

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના ઘેટા તેમના વગર ઘરે પહોંચી ગયા અને લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી.

ખતરનાક જિંદગી

મગર સાથે સંઘર્ષની આ એક માત્ર ઘટના નથી. બલુચિસ્તાનમાં આવી ઘટના ઘણા લોકો સાથે થઈ છે, જેમાં મોટાભાગનાં બાળકો છે.

બલોચ બાળકો માટે ઈરાની મીડિયામાં અવારનવાર ભાવુક કરી દે તેવા અહેવાલો જોવા મળે છે. જે ખૂબ જલદી ગુમ પણ થઈ જાય છે.

2016માં નવ વર્ષના બાળક અલીરેઝાને એક મગર ગળી ગયો હતો.

2019ની જુલાઈમાં 10 વર્ષની એક બાળકી પાણી ભરવા ગઈ હતી. ત્યારે એક મગરે તેણીને પાણીમાં ખેંચવાનું શરૂ કર્યું હતું. સાથે આવેલા લોકોએ તેણીને બીજી તરફ ખેંચવાનું શરૂ કર્યું અને નસીબથી તે મગરની પકડમાંથી છૂટી શકી હતી.

શા માટે મગર કરે છે હુમલો

આ હુમલા એવા સમયે થયા છે, જ્યારે ઈરાન લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરી રહ્યું છે અને પાણીના પ્રાકૃતિક સ્રોત સુકાઈ રહ્યા છે. જ્યાં મગરોના ખાવા માટે પૂરતી સામગ્રીઓ હતી.

એવામાં ભૂખ્યા મગરો પાણી તરફ આવતા માણસોને પોતાનો શિકાર અથવા તો પોતાના વિસ્તારમાં ઘૂસણખોરી કરનાર સમજી બેસે છે.

ઈરાન અને ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલા આ મગરોને લુપ્ત થનારી પ્રજાતિઓના સંરક્ષણ માટે બનેલી સંસ્થા ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર દ્વારા 'અસુરક્ષિત શ્રેણી'માં રાખવામાં આવ્યા છે.

ઈરાનમાં લગભગ 400 મગર છે. ઈરાનના પર્યાવરણ વિભાગનું કહેવું છે કે તેઓ મગર અને માનવો વચ્ચે અંતર બન્યું રહે તે માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે.

જોકે, હાલનાં વર્ષોમાં સર્જાયેલી ઘટનાઓ પરથી કોઈ ફેર પડ્યો હોય તેમ લાગતું નથી.

ઈરાનમાં બહુ-કલાત નદી મગરોનું પ્રાકૃતિક રહેઠાણ છે. તેમ છતાં આ નદીની આસપાસ ચેતવણી દર્શાવતા કોઈ સંદેશ જોવા મળતા નથી.

સરકારની સ્પષ્ટ નીતિના અભાવે વૉલેન્ટિયર્સ આગળ આવી રહ્યા છે.

ડોમ્બાકથી આગળ જતા બહુ-કલાત ગામ આવે છે. આ ગામને નદી પરથી જ નામ આપવામાં આવ્યું છે. ત્યાં મલેક દિનાર વર્ષોથી મગર સાથે રહે છે.

તેઓ કહે છે કે, "મેં મારા બાગ ખતમ કરી નાખ્યા, જેથી આ મગરો માટે પાણી બચાવી શકાય." પોતાના બગીચાને દેખાડતાં તેઓ કહે છે કે "અહીં ક્યારેક કેળાં, કેરી અને લીંબું આવતાં હતાં."

તેઓ મગરો માટે ચિકન લઈને જાય છે. તેઓ કહે છે કે જોરદાર ગરમી પડવાને કારણે પાણીનું સ્તર ઘટ્યું છે અને માછલીઓ તેમજ દેડકાની સંખ્યા પણ ઘટી ગઈ છે.

"આઓ-આઓ" બોલીને મલિક મગરોને બોલાવે છે. ગણતરીના સેકંડોમાં મગર આવે છે અને ઓળખાતી એવી એક ડોલમાંથીી ચિકન મળવાની રાહ જોવા લાગે છે.

પાણીની અછત

ઈરાનના બલુચિસ્તાન વિસ્તારમાં પાણીની અછત કોઈ અલગ વાત નથી.

ત્યાંના તેલ સંપન્ન દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ખુઝેસ્તાનમાં જુલાઈ મહિનામાં હિંસક પ્રદર્શનો થયાં હતાં.

નવેમ્બરમાં મધ્ય ઈરાનના ઇસ્ફહાન શહેરમાં પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે 'રાયટ પોલીસ' બોલાવવી પડી હતી.

એક તરફ જ્યારે ગ્લોબલ વૉર્મિંગ ઈરાનમાં પોતાની ક્રૂર અસર દેખાડી રહ્યું છે. ત્યારે ઈરાનમાં દાયકાઓથી જારી પાણીની તંગી બલુચિસ્તાન માટે કષ્ટકારી સાબિત થઈ શકે છે.

શીર મોહમ્મદ બજારમાં ખુલ્લામાં કપડાં ધોઈ રહેલાં 35 વર્ષય મલેક નાઝ કહે છે, "પાઇપ તો લાગેલી છે પણ પાણી નથી આવતું."

તેમના પતિ ઉસ્માન જણાવે છે કે આ વિસ્તાર પછાત છે. તે પાડોશી દેશ પાકિસ્તાન જઈને પૅટ્રોલ વેચે છે. જ્યાં વધારે કિંમત મળે છે.

તેઓ કહે છે કે, "આ ખતરનાક કામ છે, પણ શું કરીએ. કોઈ કામ જ નથી અહીં."

કામ ખરેખર ખતરનાક છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાનના સીમા સુરક્ષા બળના સૈનિકોએ કેટલાક 'તેલ તસ્કરો' પર ગોળીઓ ચલાવી હતી. જેમાં 10થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

ઉસ્માન કહે છે કે, "તેઓ જાણી જોઈને અમારી મુશકેલીઓ પર ધ્યાન નથી આપતા. અમારો વિશ્વાસ કરો, અમે આ દેશના દુશ્મન નથી."

ઈરાનમાં તેમના જેવા અન્ય ઘણા લોકો છે, જેમનું સાંભળનારું કોઈ નથી.

તેમ છતાં ઉસ્માન અને ત્યાંના ઘણા લોકોને લાગે છે કે રોજગારથી મોટું સંકટ હાલ પાણીની તંગી છે. જેના લીધે મગરો તેમની સાથે લડવા લાગ્યા છે. જે ક્યારેક તેમની સાથે રહેતા હતા.

ઉસ્માનના ભત્રીજા નૌશેરવાન જણાવે છે કે, "અમને સરકાર પાસેથી કંઈ નથી જોઈતું. અમને તેમનાંથી કોઈ આશા નથી કે તેઓ અમને થાળીમાં સજાવીને ભોજન કે નોકરી આપશે."

નૌશેરવાન વધુમાં કહે છે કે, "બલોચ લોકો રણમાંથી રોટલા રળીને ગુજરાન ચલાવે છે. પણ પાણી તો જીવવા માટે જરૂરી છે. તમે જ કહો, કોણ જીવી શકે છે પાણી વિના?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો