દક્ષિણ અમેરિકાની પેરાના નદી : ત્રણ દેશોને પાણી આપતી એ નદી જે ધીરેધીરે મરી રહી છે

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

નદી વહેતી અટકે ત્યારે નજર સામે જ સંકટ દેખાવા લાગે છે. નદીનો પટ સુકાઈ જાય અને નીચેના સૂકાભઠ તળિયેથી ધૂળ ઊડવા લાગે અને નાનાંનાનાં ખાબોચિયાં ભરેલાં દેખાવાં લાગે.આજે તમે પેરાના નદીને જુઓ તો આવું જ દેખાશે. દક્ષિણ અમેરિકાની એમેઝોન પછીની આ બીજી સૌથી મોટી નદી છે. 1944 પછી આ વર્ષે તેનો જળપ્રવાહ સૌથી વધારે સુકાઈ ગયો છે.

4,880 કિમી લાંબી પેરાના નદી બ્રાઝિલના અગ્નિ ખૂણેથી નીકળીને પેરાગ્વે પસાર કરીને આર્જેન્ટીનાની રિયો દે લા પ્લેટા નદીને મળે છે.

આ દેશો વચ્ચે જળમાર્ગે વેપાર, માછીમારી માટે મુખ્ય આધાર સમી આ નદી અંદાજે 4 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી પણ પૂરું પાડે છે.

ખાસ કરીને અનાજની હેરફેર માટે આ અગત્યનો જળમાર્ગ છે. નદીનાં પાણી ઊંડાં ઊતર્યાં એટલે મોટાં વહાણ પસાર થતાં અટક્યાં અને હવે નિકાસ કરનારાઓએ જમીનમાર્ગે માલ મોકલવો પડે છે.

આ પહેલાં જળમાર્ગે ઓછા ખર્ચે અનાજની મોટા પાયે હેરફેર થઈ શકતી હતી, જ્યારે જમીનમાર્ગે માલ મોકલવો મોંઘો પડે છે.

ટ્રકોમાં અનાજની હેરફેર થાય તેના કારણે દર એક કિલોમીટરના પ્રવાસે 100 ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે, જ્યારે જળમાર્ગે માત્ર 20 ગ્રામ કાર્બન પેદા થાય છે. જમીનમાર્ગે માલ મોકલવાનું મોંઘું પણ છે.

જિયોલોજિસ્ટ કાર્લોસ રૅમોનેલે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે "પેરાના નદી સૌથી મોટી સામાજિક-આર્થિક જળસંપત્તિ છે. સૌથી વધુ જૈવિક વૈવિધ્ય ધરાવતી આ નદી આર્જેન્ટિના માટે જીવાદોરી સમાન છે."

પેરાના નદીને કારણે જ ટૂરિઝમ, માછીમારી અને સિંચાઈ શક્ય બને છે.

બ્રાઝિલની સરહદ પસાર કરીને નદી આર્જેન્ટિનામાં પ્રવેશે તે પછી અનેક જગ્યાએ માછીમારોની વસાહતો આવેલી છે.

પાણીનો પ્રવાહ ઘટી જવાને કારણે આ હજારો માછીમાર પરિવારો માટે મુશ્કેલી ઊભી થઈ છે.

બ્રાઝિલમાં પણ માછીમારી ઓછી થઈ હોવાનું નોંધાયું છે. જળસંચય માટે તથા આગામી મહિનામાં જરૂરી ઊર્જાઉત્પાદન માટે બ્રાઝિલના ખાણ અને ખનીજ મંત્રાલયે ભલામણ કરી છે કેટલીક જળવિદ્યુત યોજનાના બંધોમાંથી ઓછું પાણી છોડવામાં આવે.

આ બાજુ આર્જેન્ટિનામાં પણ સરકારે જુલાઈના અંત ભાગમાં 180 દિવસના જળસંકટની જાહેરાત કરી હતી.

બ્યૂએનોસ એરિસ સહિતના ઘણા પ્રાંતોમાં સંકટની જાહેરાત કરાઈ છે અને આર્થિક તથા પર્યાવરણીય ગંભીર પરિણામોને ઓછાં કરવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે.

દુકાળની સ્થિતિને કારણે પેરાના નદીમાં દર સેકંડ સરેરાશ 17,000 ક્યુબિક મીટર જળ વહેતું હતું તે ઘટીને માત્ર 6,200 ક્યુબિક મીટર રહી ગયું છે.

જળસ્તર ઘટવાને કારણે જળવિદ્યુત યોજના પૂરી રીતે કામ કરી શકતી નથી. આર્જેન્ટિના અને પેરાગ્વે વચ્ચે આવેલી યેસીરેટા જળવિદ્યુત યોજના અત્યારે માત્ર 50% ક્ષમતાએ વીજળી ઉત્પન્ન કરી રહી છે.

બ્રાઝિલના વાઇસ પ્રેસિડન્ટ હેમિલ્ટન મોરાઓએ ગત મહિને જ ચેતવણી આપી હતી કે દુકાળને કારણે ઊર્જાસંકટની જાહેરાત કરીને વીજવપરાશ પર કાપ મૂકવો જરૂરી બનશે.

જાણકારો કહે છે કે આ દુકાળ આવવાનું એક મુખ્ય કારણ છેલ્લાં વર્ષોમાં આડેધડ જંગલોનું નિકંદન પણ છે.

જળવાયુ પરિવર્તન અને કુદરતી ચક્રમાં પરિવર્તનને લીધે પણ વરસાદ ઘટ્યો છે. જાણકારો કહે છે કે 2022 સુધી દુકાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો