મલેરિયા વૅક્સિન : 100 વર્ષની મહેનત બાદ બાળકોની જિંદગી બચાવનારી રસી તૈયાર, કઈ છે આ રસી અને કેટલી અસરકારક?

    • લેેખક, જેમ્સ ગેલાધર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મલેરિયા સામે લડવા માટે બાળકોને મૂકવાની રસીને મંજૂરી આપી દીધી છે.

ઉપ-સહારા વિસ્તારમાં બાળકો માટે જીવલેણ સાબિત થતા રોગ સામે લડવામાં મોટી મદદ મળશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક સદીના પ્રયાસો પછી મલેરિયાની વૅક્સિન RTS,Sને માન્યતા મળતા તેને ઐતિહાસિક ક્ષણ માનવામાં આવી રહી છે. તેની અસરકારકતાને છ વર્ષ અગાઉ જ માન્યતા મળી ગઈ હતી.

ઘાના, કેન્યા તથા માલાવીમાં ટીકાકરણના પ્રારંભિક પ્રોજેક્ટને સફળતા મળતા હવે ઉપ-સહારાના અન્ય દેશોમાં પણ આ અભિયાન હાથ ધરવામાં આવશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડૉ. ટેડ્રોસ એડહોનમ ગ્રેબ્રિયેસસે જણાવ્યું કે બાળકો માટે વૅક્સિનની શોધ એ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ છે, બહુપ્રતિક્ષિત વૅક્સિન એ વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ ખોજ છે. તે બાળકોના આરોગ્ય તથા મલેરિયાના નિયંત્રણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દર વર્ષે લાખો બાળકોના જીવ આ રસીની મદદથી બચાવી શકાશે."

મલેરિયાનો ડંખ

મલેરિયા એક પરોપજીવી છે, જે રક્તકણો પર હુમલો કરીને તેને નષ્ટ કરી દે છે અને પછી પોતાની સંખ્યા વધારે છે. આ પછી મલેરિયાના પીડિતોને કરડનારા મચ્છર અન્યોને ડંખે છે, ત્યારે તેનો ફેલાવો કરે છે.

દવા દ્વારા મલેરિયાના પરોપજીવીઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મચ્છરદાનીનો ઉપયોગ કરીને પણ મચ્છરોના ડંખથી બચી શકાય છે અને મલેરિયાનું જોખમ ઘટાડી શકાય છે.

વર્ષ 2019માં આફ્રિકા ખંડમાં બે લાખ 60 હજાર બાળકોનાં મૃત્યુ આ બીમારીને કારણે થયા હતા, જેના કારણે તે આરોગ્ય-વ્યવસ્થા માટે બહુ મોટો પડકાર છે. રસીકરણને કારણે બાળકોમાં પ્રતિકારકક્ષમતા વધી તથા ગંભીર રીતે બીમાર ન પડ્યાં.

મલેરિયાને કારણે બાળકો શાળાએ જઈ નથી શકતા અને તેમનો અભ્યાસ બગડે છે. આ કાર્યક્રમના વડા ક્કામે અમ્પોન્સા-અચિનાઓએ ઘાનામાં પાઇલટ પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું હતું. નાનપણમાં તેઓ પણ અનેક વખત આ બીમારીનો ભોગ બન્યા હતા.

મલેરિયાના પરોપજીવીઓના 100 કરતાં વધુ પ્રકાર છે. RTS,S વૅક્સિન આફ્રિકામાં સૌથી વધુ જોવા મળતા પ્લાઝ્મોડિયમ પૈલ્સીપૈરમ પર સૌથી વધુ અસરકારક છે.

આ વૅક્સિન વાસ્તવિક દુનિયામાં અસરકારક રહેશે કે કેમ તેના અંગે શંકા પ્રવર્તે છે, કારણ કે બાળકોને પાંચમા, છઠ્ઠા, સાતમા તથા અઢારમા મહિને એમ ચાર ડોઝ દેવાના હોય છે. છેલ્લો ડોઝ બુસ્ટર ડોઝ હોય છે. હાલના પ્રાયોગિક રસીકરણનાં તારણ :

• વૅક્સિન સુરક્ષિત છે તથા મલેરિયાના ગંભીર જોખમને 30 ટકા સુધી ઘટાડી દે છે.

• મચ્છરદાનીમાં નહીં ઊંઘનારા બે-તૃતીયાંશ કરતાં વધુ બાળકો સુધી આ વૅક્સિન પહોંચી છે.

• વૅક્સિનની બાળકો ઉપર કોઈ નકારાત્મક અસર નથી થતી.

• વૅક્સિન સસ્તી છે

મલેરિયાનો રોગ મુશ્કેલ કેમ

દુનિયામાં કોવિડ-19ની વૅક્સિન ખૂબ જ જલદી આવી ગઈ તથા એક પછી એક અનેક રસીઓ પરીક્ષણમાં પાર ઊતરી, પરંતુ મલેરિયાની બાબતમાં એવું કેમ ન થઈ શક્યું.

જાણકારોના કહેવા પ્રમાણે, એનું એક કારણ એ છે કે આવું મલેરિયાના પરોપજીવીને કારણે થાય છે, જે ઘાતક તથા જટિલ અસર ઊભી કરે છે.

તે આપણી રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કર્યા બાદ ખુદને પરિસ્થિતિ મુજબ ઢાળતા રહે છે. તે કોષોમાં છુપાઈને રોગપ્રતિકારક શક્તિને થાપ આપી શકે છે. તેમનું જીવનચક્ર ખૂબ જ જટિલ હોય છે અને તેઓ લિવર સેલ્સ ઉપરાંત રેડ બ્લડ સેલ્સને પણ ચેપ લગાડે છે.

RTS,Sએ મલેરિયાના પરોપજીવીના સ્પોરોઝોઇટ સ્વરૂપને નિશાન બનાવી શકે છે. જે મચ્છરના કરડવાથી લઈને પરોપજીવીના લિવર સુધી પહોંચવા વચ્ચેની સ્થિતિ છે.

આથી, તે માત્ર 40 ટકા જ અસરકારક છે, છતાં તે ઐતિહાસિક સફળતા મનાય છે, કારણ કે તે વૅક્સિનના વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.

ગ્લેક્સો સ્મિથક્લાઇન (જીએસકે)એ આ વૅક્સિનને વિકસાવી છે. આ રસી લીધા પછી પણ મચ્છરદાની તથા મચ્છરને દૂર રાખવાના અન્ય ઉપાયોની જરૂર રહેશે, ત્યારે જ મલેરિયાથી મૃત્યુદર શૂન્ય થઈ શકશે.

કેટલાક નિષ્ણાતોના મતે આ વૅક્સિન આફ્રિકાની બહાર અસરકારક નહીં હોય, કારણ કે અન્ય દેશોમાં તેના અલગ-અલગ સ્વરૂપ છે.

ગુજરાત અને મલેરિયા

ભારતે વર્ષ 2030 સુધીમાં દેશમાંથી મલેરિયાને સદંતર નાબૂદ કરી દેવાનો લક્ષ્યાંક મૂક્યો છે, જ્યારે ગુજરાત સરકાર વર્ષ 2022ના અંત ભાગ સુધીમાં તેને નાબૂદ કરી દેવા માગે છે.

જોકે, જાણકારોનું કહેવું છે કે મલેરિયાને નિયંત્રિત કરી શકાય, પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો અશક્ય છે.

ઍનોફિલિસ મચ્છરના કરડવાથી મલેરિયાના પરોપજીવી શરીરમાં પ્રવેશે છે. અલગ-અલગ પ્રકારના પરોપજીવીઓમાંથી ભારતમાં મુખ્યત્વે પી. વિવાક્સ તથા પ્લાઝ્મોડિયમ પૈલ્સીપૈરમ જોવા મળે છે. દરદીમાં જટિલતા ઊભી કરવા માટે બીજા પ્રકારના પરોપજીવીને જવાબદાર માનવામાં આવે છે.

જો તેના પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો તે મૃત્યુનું પણ કારણ બને છે. (નેશનલ ડિસીઝ કંટ્રૉ પ્રોગ્રામ વર્ષ 2018-19, પૃષ્ઠ ક્રમાંક 69થી 70)

ભારતમાં આ બીમારીને નાબૂદ કરવા માટે 1953થી કાર્યક્રમ ચાલવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ તે વર્ષથી જ આ કાર્યક્રમ શરૂ કરાયો હતો, જે હવે નેશનલ વેક્ટર બૉર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામના નામથી ચલાવવામાં આવી રહ્યો છે.

મિશનના સપ્ટેમ્બર-2021ના આંકડા પ્રમાણે, ગત વર્ષે ગુજરાતમાં 68 લાખ 82 હજાર 748 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે 1839 પૉઝિટિવ રિપોર્ટ નોંધાયા હતા. જેમાંથી 78 પી.એફ.ના હતા. જે કુલના સવા ચાર ટકા જેટલા હતા.

ચાલુ વર્ષે બીજી સપ્ટેમ્બર સુધીમાં 88 લાખ 26 હજાર જેટલાં પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી 1547 કેસ નોંધાયા હતા, જેમાંથી 72 પીએફના હતા.

બંને વર્ષ દરમિયાન ગુજરાતમાં મલેરિયાને કારણે કોઈ મૃત્યુ થયાં નહોતાં. 2020 દરમિયાન મલેરિયાના કારણે ભારતમાં 49 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં 35 મૃત્યુ થયાં હતાં.

ગત વર્ષે ભારતમાં 64 હજાર 500 જેટલા કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 44 હજાર 400 જેટલા કેસ નોંધાયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો