ધર્મસંસદ : મહાત્મા ગાંધીને અપશબ્દો બોલનાર 'કાલીચરણ મહારાજ' કોણ છે?

    • લેેખક, નીતિન સુલતાને
    • પદ, બીબીસી મરાઠી માટે

રાયપુરની ધર્મસંસદમાં મહાત્મા ગાંધીને ગાળો દેનારા કાલીચરણ મહારાજની રાયપુર પોલીસે ધરપકડ કરી છે. કાલીચરણની ધરપકડ મધ્ય પ્રદેશમાંથી કરાઈ છે.

મધ્ય પ્રદેશ સરકારે આ ધરપકડ પર નારાજગી દર્શાવી છે, તો છત્તીસગઢ સરકારે કહ્યું કે ન્યાયમાં મોડું ન થવું જોઈએ.

રાયપુરના એસપી પ્રશાંત અગ્રવાલ અનુસાર, "બાગેશ્વરધામ પાસે એક વ્યક્તિના ઘરમાંથી ચાર વાગ્યે કાલીચરણની ધરપકડ કરાઈ છે."

પ્રારંભિક તપાસ બાદ પોલીસે કાલીચરણ મહારાજ વિરુદ્ધ રાજદ્રોહની કલમો પણ જોડી દીધી છે.

હજુ તો હરિદ્વારમાં આયોજિત ધર્મસંસદના વિવાદાસ્પદ ભાષણના વિવાદનો અંત નથી આવ્યો, ત્યાં રાયપુરમાં યોજાયેલી ધર્મસંસદે નવો વિવાદ સર્જ્યો છે.

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મસંસદનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકોલાના કાલીચરણ મહારાજ મહાત્મા ગાંધીને અપશબ્દો બોલી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળે છે કે કાલીચરણ મહારાજ મહાત્મા ગાંધી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની હત્યા કરનાર નાથુરામ ગોડસેનાં વખાણ કરી રહ્યાં છે.

વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે ધર્મસંસદમાં હાજર કેટલાક લોકો તેમના ભાષણ પર તાળીઓ પાડી રહ્યા છે.

રાયપુર નગરપાલિકાના અધ્યક્ષ અને કૉંગ્રેસ નેતા પ્રમોદ દુબેની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે કાલીચરણ મહારાજ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને હવે તેમની ધરપકડ પણ કરાઈ છે.

કાલીચરણ મહારાજ કોણ છે?

કાલીચરણ મહારાજનું શિવતાંડવ સ્તોત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું ત્યારે સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા. તેમનું મૂળ નામ અભિજિત સરગ છે.

તેઓ મૂળ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના છે અને શિવાજીનગરના ભવસર પંચબંગલા વિસ્તારમાં રહે છે. સ્થાનિક પત્રકાર ઉમેશ અકેલાના જણાવ્યા અનુસાર, તેમનું બાળપણ અકોલામાં જ વીત્યુ છે.

કાલીચરણ મહારાજના શિક્ષણ વિશે વિશ્વસનીય અને એકદમ સચોટ માહિતી મળી નથી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ આઠમા ધોરણ સુધી ભણેલા છે.

સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું કે કાલીચરણ મહારાજ પોતાના અને તેમના પરિવાર વિશે માહિતી આપવાનું ટાળતા રહ્યા છે.

જોકે, તેમના એક ઇન્ટરવ્યૂમાં કાલીચરણ મહારાજે જણાવ્યું હતું કે, "મને ક્યારેય શાળાએ જવાનું ગમતુ નહોતું. મને વાંચવા-લખવામાં પણ કોઈ રસ નહોતો. મને પરાણે શાળાએ મોકલવામાં આવતો ત્યારે હું બીમાર પડી જતો હતો. જોકે બધા મને પ્રેમ કરતા હતા, એટલે બધા મારી વાત માનતા હતા. ધર્મમાં રસ પડ્યો અને હું આધ્યાત્મિકતા તરફ વળી ગયો."

નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયા

કાલીચરણ મહારાજ યુવાનીમાં ઈન્દોર ગયા હતા. તેઓ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેવા લાગ્યા હતા.

ઈન્દોરમાં તેઓ ભૈય્યૂજી મહારાજના સાનિધ્યમાં પણ આવ્યા હતા. પરંતુ થોડા દિવસો પછી તે ભૈય્યૂજી મહારાજનો આશ્રમ છોડીને અકોલા પરત ફર્યા.

સ્થાનિક પત્રકાર ઉમેશ અકેલા કહે છે, "કાલીચરણ મહારાજ 2017માં અકોલા પાછા ફર્યા અને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો."

આમ તો અભિજિત સરગમાંથી કાલીચરણમાં ફેરવાઈ જવાની કથા પણ ખૂબ જ રસપ્રદ છે.

તેમનો દાવો છે કે દેવી કાલીએ તેમને દર્શન આપ્યાં અને તેમને એક અકસ્માતમાંથી બચાવ્યા હતા.

આ દાવા અંગે તેમણે મીડિયાને કહ્યું, "એક અકસ્માતમાં મારો પગ ભાંગી ગયો હતો. મારો પગ 90 ડિગ્રીથી વધુ વળી ગયો હતો અને બંને હાડકાં તૂટી ગયાં હતાં. પરંતુ કાલી માએ મને દર્શન દીધાં અને તેમણે મારો પગ પકડીને ખેંચ્યો અને તે જ સમયે મારો પગ સાજો થઈ ગયો."

"તે અકસ્માત ગંભીર હતો પણ મારે સર્જરી ન કરાવવી પડી, મારે મારા પગમાં સળિયો નાખવાની જરૂર ન પડી. આ કંઈ નાનોસૂનો ચમત્કાર નથી. મેં કાલી માતાનાં દર્શન કર્યાં અને તે પછી હું તેમનો પરમ ભક્ત બની ગયો."

કાલીચરણ મહારાજ કહે છે, "મારી દાદી કહેતી હતી કે હું રાત્રે પણ કાલી માના નામનો જપ કરતો હતો. મેં કાલી માની પૂજા કરવાનું શરૂ કર્યું અને ધર્મમાં મારી રુચિ શરૂ થઈ અને ત્યારથી હું કાલી માનો પુત્ર બની ગયો."

કાલીચરણ મહારાજ તેમના ગુરુનું નામ મહર્ષિ અગસ્ત્ય કહે છે.

કાલીચરણ મહારાજ દાવો કરે છે કે તેમની વય 15 વર્ષની હતી ત્યારે તેઓ મહર્ષિ અગસ્ત્યને મળ્યા હતા. તેઓ કહે છે કે મહર્ષિ અગસ્ત્યએ તેમને લાલ વસ્ત્રો પહેરવાનું કહ્યું હતું પણ તેઓ દાવો કરે છે કે તેઓ ઋષિ નથી.

કાલીચરણ મહારાજ કહે છે, "ઋષિ મુનિ કોઈ મેકઅપ નથી કરતા. પરંતુ મને સરસ આકર્ષક ડિઝાઇનવાળા કપડાં ગમે છે. હું કુમકુમ પણ લગાવું છું, હું દાઢી કરું છું, તેથી હું મારી જાતને ઋષિ મુનિ ગણાવી શકતો નથી."

વીડિયો વાઇરલ થયો ત્યારે...

ગયા વર્ષે જૂન 2020માં તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો ત્યારે કાલીચરણ મહારાજ લાઇમલાઇટમાં આવ્યા હતા.

આ વીડિયોમાં તે શિવતાંડવ સ્તોત્રનો પાઠ કરતા જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલાં કાલીચરણ મહારાજે કોરોના વાઇરસને લઈને પણ વિચિત્ર નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા એક ફ્રોડ સંસ્થા છે અને તેના ડૉક્ટરો અને નિષ્ણાતો પણ ફ્રોડ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિશ્વ આરોગ્ય સંસ્થા રસી બનાવતી કંપનીઓ સાથે સાઠગાંઠ કરીને લોકોને ડરાવી રહી છે જેથી રસીનું વેચાણ વધે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મૃત્યુ પામેલા કોવિડના દર્દીઓના મૃતદેહ તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવતા નથી, તેમની કિડની અને આંખો વગેરે કાઢી લેવામાં આવતા હશે.

જોકે, કાલીચરણ મહારાજ તેમના આરોપોને સમર્થન માટેના કોઈ પુરાવા આપી શક્યા ન હતા.

મહાત્મા ગાંધી પરના તેમના વિવાદાસ્પદ નિવેદન બાદ કાલીચરણ મહારાજ વિરુદ્ધ સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે અગાઉ કહ્યું કે, "બાપુને ગાળો આપીને અને સમાજમાં ઝેર ફેલાવીને, જો કોઈ ઢોંગી એવું વિચારે છે કે તે પોતાના ઈરાદામાં સફળ થશે, તો તે તેનો ભ્રમ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો