You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ પ્રદેશ, જ્યાં પાણી ન હોવાથી અડધોઅડધ યુવકો કુંવારા છે
- લેેખક, બ્રજેશ મિશ્ર
- પદ, બીબીસી સંવાદદાતા, બુંદેલખંડથી પાછા ફરીને
"પાણીની ખૂબ તકલીફ છે, ચાર કિલોમીટર દૂરથી પાણી લઈ આવીએ છીએ. પાણીની તકલીફ એટલી છે કે આખું ગામ હેરાન-પરેશાન છે. અમને જ નહીં, આખા ગામને છે."
"અમને પાણીની સુવિધા અહીં જ મળી જાય તો શા માટે અમે રોડ પાર કરીને દોડાદોડી કરીએ? ક્યારેક રાત્રે જઈએ, ક્યારેક અડધી રાતે જઈએ; શું કરીએ?, આખો દિવસ ભરીએ છીએ."
ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં રહેતાં સુખવતી ઉપરનાં વાક્યો બોલતાં ગળગળાં થઈ જાય છે. તેમણે કહ્યું, ઘરની પાસે હૅન્ડપંપ છે, પણ ચાલુ નથી. ઘણી મહેનત કરીએ ત્યારે પાણી આવે છે એ પણ ડહોળું આવે છે.
એટલા માટે તેઓ લગભગ દોઢ કિલોમીટર દૂર જઈને પાણી લઈ આવે છે. લાઇટ ન હોય ત્યારે તો પાણીની જફા ઓર વધી જાય છે, કેમ કે, જે ટાંકીએથી તેઓ પાણી લાવે છે ત્યાં લાઇટ હોય તો જ પાણી આવે છે.
આવી તકલીફ સામે સુખવતી એકલાં જ નથી ઝૂઝતાં. લલિતપુર બુંદેલખંડ ક્ષેત્રનો એક જિલ્લો છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કુલ 13 જિલ્લાનો બુંદેલખંડ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. એમાં ઉત્તરપ્રદેશના સાત જિલ્લા છે. લગભગ એ દરેકમાં પાણીનું સંકટ ગંભીર સમસ્યા છે.
બીબીસીએ ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં ઉત્તરપ્રદેશના છ જિલ્લા ઝાંસી, લલિતપુર, મહોબા, હમીરપુરા બાંદા અને ચિત્રકૂટનાં કેટલાંક ગામમાં જઈને વાસ્તવિક સ્થિતિ જોઈ.
વર્ષોવર્ષ અહીં વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો, જેમાંના સૌથી વધારે પૈસા પાણીનું સંકટ દૂર કરવા પાછળ ખર્ચાયા. અહીંયા પૈસા તો પાણીની જેમ રેડાયા પણ લોકોની તરસ છિપાવી ન શકાઈ. પાણીના ટીંપેટીપા માટે હજી પણ લોકો તરસી રહ્યા છે.
લગભગ 97 લાખની વસતિ ધરાવતા બુંદેલખંડમાં ઘણા બધા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ રોજબરોજનો સંઘર્ષ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લલિતપુરના મદનપુર ગામમાં રહેતાં સુખવતીનો અડધો દિવસ પાણીની વ્યવસ્થા કરવામાં વીતી જાય છે. એમના પતિ અવસાન પામ્યા છે. બે દીકરા છે એ મજૂરી કરે છે. એટલે, પાણી ભરવાનું કામ તેઓ જ કરે છે. તેઓ કહે છે કે, જો પૈસા હોત તો તેઓ ઘરે નળ નખાવી દેતાં, પણ પેટ ભરવાના પૈસા પણ નથી રહેતા.
આ જ જિલ્લાના સકરા ગામમાં રહેતા આદિવાસી પરિવારો હૅન્ડપંપ બગડેલો હોવાના લીધે કૂવાનું ગંદું પાણી પીવાને મજબૂર છે. ગામમાં ન તો સરખા રસ્તા છે અને ન તો કોઈ સ્વાસ્થ્યસુવિધા. બીમાર પડે તો લોકો 30-40 કિલોમીટર દૂર આવેલા દવાખાને ઇલાજ કરાવવા જાય છે.
લલિતપુરથી નીકળીને અમે મહોબા જિલ્લામાં પહોંચ્યા. અહીંની ચૌકા ગ્રામપંચાયતના રાવતપુરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. એક નાનકડી પાણીની ટાંકીમાંથી લોકો પાણી ભરે છે. લોકો એ જ પાણી પીએ છે ને એનાથી જ નહાય પણ છે.
મહોબામાં અમારી મુલાકાત રાજકુમારી સાથે થઈ. રાજકુમારી ખેતી કરે છે. એમની દિનચર્યા પણ સુખવતી જેવી જ છે.
તેમણે કહ્યું, "બબ્બે-ચચ્ચાર દિવસ માટેનું પાણી ભરી લઈએ છીએ. લાઇટ ન આવે તો ખૂબ તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તો ચાર દિવસે-પાંચ દિવસે લાઇટ આવે છે, એ પણ એક-બે કલાક માટે. એટલા સમયમાં જ પાણી ભરી લઈએ છીએ."
"ક્યારેક-ક્યારેક પાસેના ગામમાંથી સાઇકલ કે બળદગાડામાં પાણી લઈ આવીએ છીએ. એ ગામ મધ્યપ્રદેશનું છે. બધી સમસ્યા પાણીની છે. આ ગામમાં પાણી હશે, તો બધી વસ્તુ સરખી થશે."
બુંદેલખંડ પૅકેજ અને પાણીનું સંકટ
લોકસભામાં અપાયેલા એક જવાબ અનુસાર, બુંદેલખંડને અપાયેલા પૅકેજ હેઠળ ઉત્તરપ્રદેશને વર્ષ 2009થી 2019 સુધીમાં ત્રણ ચરણમાં કુલ 3107.87 કરોડ રૂપિયા અપાયા.
આ નાણાંનો ઉપયોગ બુંદેલખંડના સાત જિલ્લામાં અલગ અલગ વિકાસયોજનાઓ શરૂ કરવામાં, ખેડૂતોની સ્થિતિમાં સુધાર લાવવામાં અને પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં કરવાનો હતો.
બુંદેલખંડની પાણીની સમસ્યા અંગે નીતિ આયોગે ધ એનર્જી ઍન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI)ના સહયોગથી એક રિપૉર્ટ તૈયાર કર્યો હતો.
રિપૉર્ટ અનુસાર, ઉત્તરપ્રદેશને બુંદેલખંડ સ્પેશિયલ પૅકેજ અંતર્ગત જેટલા પૈસા અપાયા એના 66 ટકા એટલે કે 1445.74 કરોડ રૂપિયાનો ઉપયોગ પાણીનું સંકટ હલ કરવા માટે કરાયો, પણ વાસ્તવિક સ્થિતિ બદલાઈ નહીં.
બે કિલોમીટર દૂર આવેલા કૂવાનું પાણી પીએ છે આખું ગામ
હમીરપુર જિલ્લાના ગુસિયારી ગામમાં સમસ્યા થોડીક જુદી છે. અહીં આખા ગામના હૅન્ડપંપમાં ખારું પાણી આવે છે. એથી, ગામલોકો ગામ બહાર આવેલા એક કૂવા પર નિર્ભર છે. આખું ગામ લગભગ બે કિલોમીટર દૂર આવેલા એ કૂવામાંનું પાણી પીએ છે.
આ ગામની પીવાના પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે લોકો આ ગામમાં દીકરી પરણાવવા નથી ઇચ્છતા.
ગુસિયારી ગામમાં રહેતા જલીસે કહ્યું, "પાણીને લીધે ઘણા લોકોનાં લગ્ન અટકી ગયાં. જેઓ પાસેના ગામમાં સગપણ કરવા આવે છે તેઓ કહે છે કે ગુસિયારી ગામમાં લગ્ન નહીં કરીએ."
"ત્યાં પાણી નથી. સ્ત્રીઓ પાણી ભરવા જશે. બસ, પાણીને કારણે જ ઘણા લોકો - લગભગ 40 ટકા પુરુષ આ ગામમાં કુંવારા છે. જેમનું લગ્ન માત્ર પાણીની સમસ્યાને લીધે જ નથી થતું."
ગામલોકોનો આરોપ છે કે ચૂંટણી ટાણે નેતા વોટ માગવા આવે છે અને વાયદા કરે છે કે સમસ્યાનું સમાધાન કરીશું, પણ આજ સુધી કાયમી સમાધાન નથી થયું.
આ ગામ કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ બાંદા જિલ્લાના કાલિંજર તરહટીની છે. અહીં રસ્તાની બાજુમાં લગાડેલા હૅન્ડપંપ દ્વારા આખું ગામ પાણી પીએ છે. એ હૅન્ડપંપ પર યુપી જલ નિગમ તરફથી સોલર સિસ્ટમ આધારિત એક મોટર મુકાઈ છે, એના દ્વારા પાણી આવે છે. જો તડકો ન નીકળે તો પાણી મળવું મુશ્કેલ થઈ જાય છે. ત્યાં આટલી બધી વસતિ વચ્ચે માત્ર એક જ નળ હોવાના કારણે પણ ઘણી સમસ્યા છે.
પાણી લેવા આવેલાં ગીતાએ જણાવ્યું કે 24 કલાકમાં માંડ કરીને એક વાર અહીં પાણી મળે છે. પાણીનાં વાસણ ખાલી થાય એટલે લોકો લાઇનમાં નંબર રાખે છે અને પોતાનો વારો આવે ત્યારે પાણી ભરે છે.
ગીતાએ કહ્યું, "પાણીની એટલી તકલીફ છે કે લોકો મારામારી અને ઝઘડા કરવા માંડે છે. કેટલીક વાર તો પોલીસચોકી સુધી વાત પહોંચી જાય છે. પણ અહીંયાં સાંભળવા કોઈ તૈયાર નથી. નેતા-ધારાસભ્ય, બધા વોટ લઈને જતા રહે છે. મંત્રી પણ કંઈ સમાધાન નથી કરતા."
આવા જ હાલ ચિત્રકૂટના પાઠા ક્ષેત્રના છે. અહીં અનેક જગ્યાએ પાણીની ટાંકીઓ ઊભી કરાઈ છે. પણ લાઇટ ન આવવાના કારણે લોકોને ઘણી બધી વાર હેરાનગતિ ભોગવવી પડે છે. ભૂજળનું સ્તર સુધારવાના ઉદ્દેશથી અહીંયાં સ્પેશિયલ બુંદેલખંડ પૅકેજ અને અન્ય સરકારી યોજનાઓ દ્વારા ચેકડૅમ અને ખેતતલાવડીઓ બનાવાયાં છે પણ મોટા ભાગનાં તળાવ સૂકાં છે. ચેકડૅમમાં ઉનાળા સુધી પાણી નથી રહેતું.
એપ્રિલ-મે મહિનામાં આખા બુંદેલખંડમાં પીવાના પાણીનું ભયંકર સંકટ જોવા મળે છે. અહીંયાં દર વર્ષે દુકાળ જેવી સ્થિતિ ઊભી થાય છે અને પછી ઘણા કિલોમીટર દૂર સુધી જઈને લોકો પાણી લાવીને જીવનનિર્વાહ કરી લે છે. કેટલાંક સ્થળોએ ટૅન્કર્સથી પણ પાણી પહોંચાડવામાં આવે છે.
શું કરે છે સરકાર?
ઉત્તરપ્રદેશની હાલની યોગી આદિત્યનાથની સરકારે જૂન 2020માં 'હર ઘર જલ' યોજના અંતર્ગત બુંદેલખંડના દરેક ઘર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનો વાયદો કર્યો છે. આ યોજનાની સમયાવધિ જૂન 2022 સુધીની રખાઈ છે.
આ યોજના કેન્દ્ર સરકારના જલજીવન મિશનનો ભાગ છે. જેમાં 2024 સુધીમાં દરેક ઘર સુધી પાઇપલાઇન વડે પીવાનું પાણી પહોંચાડવાની યોજના છે.
જલજીવન મિશનની વેબસાઇટ પર અપાયેલા આંકડા અનુસાર, 25 નવેમ્બર 2021 સુધીમાં દેશમાં કુલ 19,22,41,339 ગ્રામીણ ઘરોમાંથી 8,55,08,916 અર્થાત્ 44.48 ટકા ગ્રામીણ ઘરોમાં પાઇપલાઇનનું કનેક્શન આપી દેવાયું છે.
જોકે, આ જાહેરાત થયાના 16 મહિના પછી પણ બુંદેલખંડમાં આ યોજના હકીકતમાં ફેરવાઈ નથી. ઘણી જગ્યાએ રિઝર્વાયર બનાવાઈ રહ્યા છે, પાઇપલાઇન નાખવામાં આવી રહી છે; પણ હાલ પૂરતું તો પીવાના પાણીનું સંકટ હલ થતું દેખાતું નથી.
બુંદેલખંડમાંના જળસંકટ વિશે યુપી સરકારના લોક નિર્માણ વિભાગના રાજ્યમંત્રી ચંદ્રિકાપ્રસાદ ઉપાધ્યાયે કહ્યું કે એમની સરકાર સતત પ્રયાસ કરી રહી છે પણ સંકટ એટલું ગંભીર છે કે એટલી ઝડપથી દરેક જગાએ એની અસર (એનાં પરિણામ) જોવા નહીં મળે.
તેમણે કહ્યું, "બુંદેલખંડમાં પહેલાં આનાથી પણ વધારે ખરાબ હાલત હતી. હવે અમારી સરકારે હર ઘર જલ યોજના શરૂ કરી છે અને પાણી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. ધીમે ધીમે બદલાવ દેખાશે. દાયકાઓથી ચાલી આવતી સમસ્યાને એક દિવસમાં હલ ન કરી શકાય. થોડો સમય થશે, પણ સરકારના પ્રયાસ સફળ થશે. પીવાનું પાણી હોય કે ખેતી માટેનું, સરકાર શક્ય એટલી કોશિશ કરી રહી છે. અમે બંધ બનાવી રહ્યા છીએ, નહેરો બનાવીએ રહ્યા છીએ, તળાવોનાં નિર્માણ કરાવી રહ્યા છીએ. ધીરે ધીરે સમસ્યા હલ થઈ જશે."
'હર ઘર જલ' યોજનાની જેમ જ ચિત્રકૂટના પાઠા વિસ્તારમાં 1973માં પાઠા પેયજલ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. જેના અંતર્ગત અહીં પાણીની ટાંકીઓ બનાવવામાં આવી અને પાઇપલાઇન દ્વારા લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડવાનું વચન અપાયું હતું. પણ, સ્થિતિ જેમની તેમ રહી. કેટલીક જગાએ પાઇપલાઇન પહોંચી, પણ પાણી ન પહોંચ્યું અને ક્યાંક જ્યાં પાણી પહોંચ્યું ત્યાં થોડા સમય પછી બધું ઠપ થઈ ગયું.
હમણાં તો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં બુંદેલખંડના લોકો માટે પાણી એક મહત્ત્વનો ચૂંટણીમુદ્દો છે. અહીંના લોકો એ આશાએ બેઠા છે કે આખરે આ સંકટ ક્યારે દૂર થશે અને પીવાના પાણી માટેના એમના સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો