You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન આજે વિશ્વ માટે 2001 કરતાં પણ મોટો ખતરો : વિદ્રોહી નેતા BBC EXCLUSIVE
- લેેખક, દાઉદ કારિજાદેહ
- પદ, બીબીસી ફારસી
"અફઘાનિસ્તાન આજે વિશ્વ માટે વર્ષ 2001 કરતાં પણ મોટો ખતરો છે."
આ ગંભીર ચેતવણી આપી છે તાલિબાન વિરુદ્ધ લડનારા ચર્ચિત નેતાના દીકરાએ. અહમદ મસૂદ માત્ર 33 વર્ષના છે અને પોતાના પિતાના રસ્તે ચાલી રહ્યા છે.
તેમના પિતા 'પંજશીરના સિંહ'ના નામથી જાણીતા તાલિબાનવિરોધી વિદ્રોહી કમાન્ડર અહમદશાહ મસૂદ હતા. મસૂદ પરિવારનો કાબુલની ઉત્તરમાં સ્થિત પંજશીર પ્રાંતમાં ઘણો પ્રભાવ રહ્યો છે.
અહમદશાહ મસૂદની વર્ષ 2011માં અમેરિકા પર થયેલ અલ કાયદા હુમલાના બે દિવસ પહેલાં અલ કાયદાના લડવૈયાઓએ હત્યા કરી દીધી હતી. આ અફઘાનિસ્તાન પર તાલિબાનના પ્રથમ શાસનના અંતિમ દિવસોની વાત છે. એ દરમિયાન તાલિબાને અન્ય ઇસ્લામિક સમૂહોને પણ અફઘાનિસ્તાનમાં શરણ આપી હતી.
હવે અહમદ મસૂદને ડર છે કે ઇતિહાસનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે.
તાલિબાન સામે બાથ ભીડનારા વિદ્રોહી આગેવાના અહમદ મસૂદે કેમ તાલિબાનને વિશ્વ માટે મોટો ખતરો ગણાવ્યો? જાણો સંક્ષિપ્તમાં
- અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિરોધી અહમદ મસૂદે તાજેતરમાં બીબીસી સાથેની એક ખાસ વાતચીતમાં તાલિબાનને પહેલાં કરતાં પણ મોટો ખતરો ગણાવ્યો
- ગત વર્ષે ઑગસ્ટ માસમાં અફઘાનિસ્તાન પર ફરી એકવખત કબજો કર્યા બાદ સત્તાનો દોર તાલિબાનના હાથમાં આવ્યો હતો
- અફઘાનિસ્તાનમાં પંજશીર વિસ્તારમાં અહમદ મસૂદના પરિવારનો ઘણો પ્રભાવ છે
- તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં અમાનુષી અત્યાચારો કરાઈ રહ્યા હોવાનો તેઓ આરોપ લગાવે છે
- તેઓ વિશ્વને તાલિબાન અને અફઘાનિસ્તાનના ખતરાને ઓછો ન આંકવા માટે ચેતવ્યા છે
'આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણું'
અમહદ મસૂદનું કહેવું છે કે અફઘાનિસ્તાન ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સહિત ઘણા બધા ચરમપંથી સમૂહો માટે સુરક્ષિત ઠેકાણું બની ગયું છે. આ સંગઠન પોતાની ચરમપંથી વિચારધારાને વિશ્વમાં ફેલાવવા માગે છે.
અફઘાનિસ્તાનથી વિદેશી સૈન્યબળો પરત ફર્યાં બાદ પશ્ચિમ સમર્થક અફઘાનિસ્તાન સરકાર પાછલા વર્ષે ઑગસ્ટમાં પડી ભાંગી હતી. તાલિબાન 20 વર્ષ સુધી સરકાર સાથે હિંસક સંઘર્ષ કર્યા બાદ ફરી વાર સત્તા હાંસલ કરવામાં સફળ રહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં અહમદ મસૂદ વિશ્વને અફઘાનિસ્તાન પ્રત્યે બેદરકાર ન રહેવાની ચેતવણી આપે છે. મસૂદ કહે છે કે તેમના દેશને તરત ધ્યાન અપાવાની, રાજકીય સ્થિરતાની જરૂરિયાત છે.
અહમદ મસૂદે કહ્યું કે ચરમપંથી સમૂહ અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને વિદેશી હિતો પર હુમલા કરી શકે છે. તેમના દિવંગત પિતા અહમદશાહ મસૂદે પણ 9/11 હુમલાથી અમુક દિવસ પહેલાં જ આવી જ ચેતવણી જાહેર કરી હતી.
અહમદ મસૂદ કહે છે કે તેમના પિતાની ચેતવણી પર ધ્યાન ન આપવામાં આવ્યું અને વિશ્વ હજુ સુધી તેનાં પરિણામ ભોગવી રહ્યું છે. મસૂદ કહે છે કે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ તેમના પિતાના સમય કરતાં ઘણી હદે ખતરનાક અને ખરાબ છે.
તેઓ કહે છે કે, "હું એવી આશા કરું છું કે વિશ્વ અને ખાસ કરીને યુરોપ અફઘાનિસ્તાનથી પેદા થઈ રહેલ ખતરાની ગંભીરતાને સમજશે અને અફઘાનિસ્તાનમાં એક જવાબદાર અને કાયદેસરની સરકાર સ્થાપિત કરવા માટે સાર્થકપણે દખલ કરશે."
લડવા માટે મજબૂર
અહમદ મસૂદે બ્રિટનના સેંડહર્સ્ટસ્થિત રૉયલ સૈન્ય અકાદમીમાં એક વર્ષ તાલીમ લીધી છે. બ્રિટન પોતાના સૈન્ય અધિકારીઓને અહીં જ તાલીમ આપે છે. જે બાદ તેમણે કિંગ્સ કૉલેજથી વૉર સ્ટડીઝમાં ડિગ્રી હાંસલ કરી છે.
યુવાન નેતા અહમદ મસૂદનું કહેવું છે કે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિનું સમાધાન યુદ્ધના સ્થાને રાજકીય રીતોથી થવું જોઈએ. જોકે તેઓ એવું પણ જણાવે છે કે તાલિબાને તેમની સામે પ્રતિરોધ સિવાય કોઈ વિકલ્પ બાકી છોડ્યો નથી. તેઓ કહે છે કે 'તાલિબાન માનવતા વિરુદ્ધ જે અપરાધ કરી રહ્યું છે' તેઓ તેના વિરુદ્ધ લડી રહ્યા છે.
પાછલા વર્ષે ઑગસ્ટ માસમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ અહમદ મસૂદ પોતાના ગૃહ પ્રાંત પંજશીર પાછા ફર્યા હતા અને અહીં તેમણે તાલિબાન વિરુદ્ધ નેશનલ રેસિસ્ટેંસ ફ્રંટ બનાવ્યું.
મસૂદ હવે ત્રણ હજાર કરતાં વધુ હથિયારબંધ લડવૈયાના કમાન્ડર છે. પાછલા 11 મહિનાથી તેમના લડવૈયા તાલિબાન વિરુદ્ધ લડી રહ્યા છે. આ લડાઈ પંજશીર ખીણ અને પહાડી અને વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બગલાન પ્રાંતના અંદરબા જિલ્લામાં ચાલી રહી છે.
અહમદ મસૂદે તાલિબાનના એ દાવાને પડકાર્યો છે કે તેઓ અફઘાનિસ્તાનમાં સ્થિરતા લઈ આવ્યા છે. 1990ના દાયકના અંતમાં તાલિબાન વિરુદ્ધ તેમના પિતાના સશસ્ત્ર સંઘર્ષ વિપરીત, કોઈ પણ દેશે અત્યાર સુધી તાલિબાન વિરુદ્ધ અહમદ મસૂદના સશસ્ત્ર પ્રતિરોધનું સાર્વજનિકપણે સમર્થન નથી કર્યું.
પાછલા મહિને બ્રિટનની સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, "તેઓ કોઈનું સમર્થન નથી કરતા, તેમાં એ અફઘાન નાગરિકો પણ સામેલ છે જેઓ હિંસા દ્વારા રાજકીય બદલાવ લાવવા માગે છે. તેઓ એવી પણ કોઈ પ્રવૃત્તિનું સમર્થન નથી કરતા જે અફઘાનિસ્તાનમાં રાજકીય ઉદ્દેશો માટે હિંસા કરવાની વાત કરે છે."
તાલિબાને બ્રિટનના આ પગલાનું સ્વાગત કર્યું છે.
જોકે, અહમદ મસૂદ કહે છે કે આ નિવેદન પર નૈતિકપણે સવાલ ઉઠાવી શકાય છે, તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે હવે વૈશ્વિક શક્તિશાળી દેશ એવું કેવી રીતે કહી શકે છે કે તાલિબાન વિરુદ્ધ લડવું સ્વીકાર્ય નથી જ્યારે તેમણે સ્વયં દાયકાઓ સુધી તાલિબાન વિરુદ્ધ સૈન્ય અભિયાનોનું સમર્થન કર્યું હતું.
તેઓ કહે છે કે અફઘાનિસ્તાનના લોકો પાસે સ્વતંત્રતા અને ન્યાય માટે લડવાનો અધિકાર છે. તેઓ કહે છે કે, "નૈતિકપણે જોવામાં આવે તો એ એવો હેતુ છે જેનું સમર્થન કરવું જોઈએ."
પૈસા અને હથિયારોની અછત
નેશનલ રેસિસ્ટેંસ ફ્રંટના નેતા અહમદ મસૂદ સ્વીકારે છે કે તેમનાં દળો પાસે તાલિબાનની સરખામણીએ ખૂબ જ ઓછાં સંસાધનો છે. તેઓ કહે છે કે લડવૈયાના ઉચ્ચ મનોબળ અને પ્રેરણાના કારણે આ પ્રતિરોધ ચાલુ રહી શક્યો છે.
મસૂદ કહે છે કે, "અમે વર્ષ 2022માં છીએ. એક નવી યુવાન પેઢી નવું અફઘાનિસ્તાન ઇચ્છે છે. જ્યાં તે પોતાના ભવિષ્યનો નિર્ણય કરી શકે."
અહમદ મસૂદે બ્રિટન સહિત વિશ્વના શક્તિશાળી દેશોને તાલિબાન પર અફઘાનિસ્તાનમાં રાજકીય સમાધાન માટે દબાણ બનાવવાનું આહ્વાન કર્યું છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનની સત્તા સ્થાપિત થયાને લગભગ એક વર્ષ થઈ ચૂક્યું છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ દેશે તાલિબાનના શાસનને માન્યતા નથી આપી. જોકે, રશિયા સહિત કટેલાક ક્ષેત્રીય દેશોએ એવા સંકેત આપ્યા છે કે તેઓ તાલિબાન સાથે સામાન્ય સંબંધો રાખવાના ઇચ્છુક છે.
અહમદ મસૂદ તાલિબાનને માન્યતા આપવા વિરુદ્ધ ચેતવે છે. તેઓ કહે છે કે જે કોઈ દેશ તાલિબાનને માન્યતા આપશે તેને તાલિબાનનાં જુલમ અને શોષણ માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
અહમદ મસૂદે તાલિબાન પર પંજશીર અને અંદરાબમાં લોકોનું અપહરણ કરીને તેમને પ્રતાડિત કરવાના આરોપ પણ લગાડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ આ વિસ્તારોમાં થયેલ હત્યાઓને રેખાંકિત કરી છે.
અહમદ મસૂદ કહે છે કે તાલિબાને જે લોકોની ધરપકડ કરી છે તે પૈકી 97 ટકાનો નેશનલ રેસિસ્ટેંસ ફ્રંટ સાથે કોઈ સંબંધ નથી. તેઓ કહે છે કે તાલિબાન તેમના પર માનસિક દબાણ કરવા માટે આવું કરી રહ્યું છે. અહમદ મસૂદ પીડિત પરિવારોની માફી માગતા કહે છે કે તેઓ એ પરિવારોની મદદ નથી કરી શકતા કારણ કે તેમની પાસે સંસાધન સીમિત છે.
વાતચીતનું આમંત્રણ
તેઓ કહે છે કે આ સંકટનું એકમાત્ર સમાધાન રાજકીય વાર્તા છે. મસૂદનો તાલિબાન નેતાઓ સાથે ઘણી વખત આમનોસામનો થઈ ચૂક્યો છે. તેમાં છ માસ પહેલાં તાલિબાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી સાથે તેહરાનમાં થેયલી મુલાકાત પણ સામેલ છે.
તેઓ કહે છે કે વાતચીત ઘણી સારી નહોતી રહી. આ માટે તેઓ તાલિબાને જવાબદાર ઠેરવતાં કહે છે કે હાલ તાલિબાન એવી સ્થિતિમાં નથી આવ્યું જેમાં તે રાજકીય સમાધાનમાં વિશ્વાસ ધરાવતું હોય.
જોકે, મસૂદ એવું પણ કહે છે કે એવા સંકેત છે કે તાલિબાનમાં નીચલા સ્તરના લોકો ઇચ્છે છે કે પ્રક્રિયા વધુ ખુલ્લી અને સમાવેશી હોય. તેમને આશા છે કે આ સમજણ શીર્ષ નેતાઓ સુધી પણ પહોંચશે.
પરંતુ તેઓ જાણે છે કે તેમની લડત લાંબી છે અને તેઓ એકલા છે. "વિશ્વે અફઘાનિસ્તાનને એકલું મૂકી દીધું છે. દુનિયાએ વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે અમને એકલા મૂકી દીધા છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો