You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્ય પ્રદેશમાં નર્મદા નદીમાં બસ ખાબકી, 12 લોકોનાં મૃત્યુ, 15 લોકોને બચાવાયા - પ્રેસ રિવ્યૂ
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક બસ નર્મદા નદી પરનાં બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. જેમાં 12 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે.
મધ્ય પ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ બસ મધ્ય પ્રદેશના ઇન્દોરથી મહારાષ્ટ્રના પુણે જઈ રહી હતી.
તે સમયે ધાર જિલ્લાના ખાલઘાટ સંજયસેતુ પરથી બસ નર્મદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 12 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે સ્થાનિકો અને સત્તાધીશોએ 15 લોકોને બચાવી દીધા હતા.
તમામ ઇજાગ્રસ્તોને નજીકના હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના પરિવારજનોને જાણ કરીને તેમને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સર્બિયાથી હથિયારો સાથે ઊડેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, આઠનાં મૃત્યુ
સર્બિયાથી હથિયાર લઈને બાંગ્લાદેશ જઈ રહેલું યુક્રેનનું એક માલવાહક વિમાન શનિવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન સળગતી હાલતમાં ઉત્તર ગ્રીસમાં પડ્યું હતું.
આ દુર્ઘટનામાં ચાલકદળના તમામ આઠ સભ્યોનાં મૃત્યુ થયાં છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિમાન સળગતી હાલતમાં કવાલા શહેર પાસે આવેલા એક મકાઈના ખેતરમાં પડ્યું હતું.
સ્થાનિક સમય અનુસાર, વિમાન રાત્રે 12 વાગ્યાની આસપાસ પડ્યું હતું. ગ્રીસ અને સર્બિયાના અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
વિમાન ક્રૅશ થતાં પહેલાં પાઇલટે કંટ્રોલ રૂમમાં તેના ઍન્જિનમાં કોઇક ખામી સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. પાઇલટે વિમાનના ઇમર્જન્સી લૅન્ડિંગ માટે પરવાનગી પણ માગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડ્રોનથી લેવામાં આવેલી તસવીરમાં ઘટનાસ્થળ પરથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો હતો. તેની પાસે જ ઍન્ટોનોવ-12 વિમાનના ટુકડા પણ વેરવિખેર હાલતમાં પડ્યા હતા.
શું હતું વિમાનમાં?
સર્બિયાના સંરક્ષણમંત્રી નેબોસા સ્ટેફાનોવિકે બીબીસીને જણાવ્યું કે આ વિમાનમાં સર્બિયામાં બનેલાં 11 ટન હથિયાર બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યાં હતાં.
સર્બિયાની હથિયાર બનાવતી કંપની વૅલિયરના એક નિદેશકે બીબીસીને જણાવ્યું કે આ વિમાનમાં લૅન્ડ માઇન્સ હતી.
જોકે, બાંગ્લાદેશની સેનાના જનસંપર્ક કાર્યાલય એટલે કે આઈએસપીઆરે આ દાવાને રદિયો આપતાં કહ્યું કે આ શિપમેન્ટમાં કોઈ હથિયાર નહોતાં.
આઈએસપીઆર મુજબ, માલવાહક વિમાનમાં બાંગ્લાદેશ સેના અને બૉર્ડર ગાર્ડ્સની ટ્રેનિંગ માટે સર્બિયા પાસેથી ખરીદાયેલા મોર્ટારના ગોળા હતા.
દાહોદ પાસે માલગાડીના ડબ્બા અથડાયા, રેલવ્યવહાર ખોરવાયો
રવિવારે મોડી રાત્રે દાહોદ જિલ્લામાં આવેલા મંગલ મહુડી રેલવેસ્ટેશન પાસે 'ટ્રેન ડિરેલમેન્ટ'ની ઘટના બની હતી. જેના લીધે મુંબઈ-દિલ્હી વચ્ચેનો રેલવ્યવહાર ખોરવાયો હતો.
મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રિ દરમિયાન જઈ રહેલી આ માલગાડીમાં દાહોદ-ગોધરા વચ્ચે આવેલા મંગલ મહુડી રેલવેસ્ટેશન પાસે યાંત્રિક ખામી સર્જાઈ હતી અને ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી.
જેને લીધે અચાનક ટ્રેનના 12થી વધુ ડબ્બા ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા.
ઘટનાની જાણ થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ આરંભી હતી. આ દુર્ઘટનાને પગલે રેલવેના ઇલૅક્ટ્રિક કૅબલો અને પાટાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટના મુંબઈ-દિલ્હી વચ્ચેના મુખ્ય રેલમાર્ગો એક જ હોવાથી રાત્રિ દરમિયાનની તમામ ટ્રેનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
તમિલનાડુમાં સગીરાના 'શંકાસ્પદ મૃત્યુ'ને લઈને લોકોએ ગાડીઓને આગ લગાવી, પથ્થરમારો કર્યો
તમિલનાડુના કલ્લાકુરિચીમાં સ્કૂલની એક વિદ્યાર્થિનીના શંકાસ્પદ મૃત્યુ બાદ ન્યાયની માગ સાથે ભડકેલી હિંસાએ રવિવારે ચક્કાજામ કરીને ગાડીઓને આગ લગાવી દીધી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ જવાનો સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસ અનુસાર, ઉશ્કેરાયેલા લોકો પોલીસ દ્વારા લગાવેલા બૅરિકેડ્સ હઠાવીને ચિન્નાસલેમ વિસ્તારની એક સ્કૂલના પરિસરમાં ઘૂસી ગયા હતા. ત્યાર બાદ ત્યાં ઊભેલી સ્કૂલ બસોમાં આગ લગાવી દીધી હતી. આ બસોમાં એક પોલીસ બસ પણ સામેલ હતી.
ત્યાર બાદ કલ્લાકુરિચી જિલ્લા પ્રશાસને કલમ 144 લાગુ કરી દીધી હતી
પોલીસે હિંસક ભીડ પર કાબૂ મેળવવા માટે બેથી વધારે વખત હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. ભીડ વિખેરાઇ ગયા બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો.
મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને લોકોને શાંતિ જાળવવા અપીલ કરતાં કહ્યું કે દોષિતોને સજા આપવામાં આવશે. આ સાથે તેમણે ઉચ્ચ અધિકારીઓને કલ્લાકુરિચી મોકલ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
કલ્લાકુરિચીથી 15 કિલોમીટર દૂર ચિન્નાસલેમની એક ખાનગી બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થિનીએ હૉસ્ટેલમાં ઉપરનાં માળેથી કૂદીને આત્મહત્યા કરી દીધી હતી.
જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોત પહેલાં વિદ્યાર્થિનીના શરીર પર ઇજાનાં નિશાન હતાં. પોલીસે વિદ્યાર્થિનીનાં માતા-પિતાની આશંકાના આધારે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
સ્થાનિક સંગઠનો અને રાજનૈતિક દળો વિદ્યાર્થિનીનાં માતા-પિતાના સમર્થનમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થિનીના કથિત 'શંકાસ્પદ મૃત્યુ'ની ન્યાયની માગ સાથે તેમના પરિવારજનો બુધવારથી કડ્ડાલોર જિલ્લાના વેયપુર પેરિયાનાસલૂર ગામમાં ધરણાં પર બેઠા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો