You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માર્ગારેટ આલ્વા: મહિલા અનામતની પહેલ કરવાથી લઈ ઉપ રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર સુધીની સફર
- લેેખક, ઈમરાન કુરેશી દ્વારા
- પદ, બીબીસી હિન્દી માટે
કોંગ્રેસના નેતા માર્ગારેટ આલ્વાને ઉપ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિપક્ષ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
ઉપ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિરોધ પક્ષોનાં ઉમેદવાર માર્ગારેટ આલ્વાએ 1986માં ચૂંટાયેલી સંસ્થાઓમાં મહિલા અનામત માટેના કાયદાની દરખાસ્તની પહેલ કરી હતી.
તેઓ 1986માં વડા પ્રધાન રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં મહિલા વિકાસ તેમજ યુવા અને રમતગમત મંત્રી હતાં. ત્યારે તેમણે પંચાયતોથી લઈને સંસદ સુધી - ચૂંટાયેલી સંસ્થાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો કાયદો લાવવાની દરખાસ્ત કરી હતી.
મહિલા અનામત માટે અન્ય ઘણી મહિલા સભ્યોની તેમની સતત ઝુંબેશને કારણે આખરે 2010માં રાજ્યસભામાં ખરડો પસાર થયો હતો. પરંતુ સૂચિત કાયદો લોકસભાની ત્યારપછીની બે મુદતમાં રદ્દ થયો.
માર્ગારેટ આલ્વાએ પત્રકારોને કહ્યું હતું, ''મહિલાઓ માટે અનામતનો પ્રસ્તાવ લાવવા રાજીવજીએ મને કહ્યા પછી જ્યારે હું બિલને કેબિનેટમાં લઈ ગઈ ત્યારે અમારા કેટલાક સાથીદારોને પણ મજાક કરતા જોઈને મને દુઃખ થયું.''
આલ્વા 1974થી 1992 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે ચાર વખત ચૂંટાયાં હતાં. તેમણે 1991માં વડાપ્રધાન નરસિમ્હા રાવના મંત્રીમંડળમાં કર્મચારી (સ્વતંત્ર હવાલો) મંત્રી તરીકે કામ કર્યું હતું.
તેઓ લોકસભામાં પ્રથમ વખત 1999માં કર્ણાટકનાં કનારા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયાં હતાં.
તેઓ ઈન્દિરા ગાંધીના કાળમાં પક્ષના સંગઠનમાં વિવિધ હોદ્દા પર હતાં. તેઓ વાયોલેટ આલ્વા અને જોઆચિમ આલ્વાના પુત્રવધૂ છે, જે બંને સંસદસભ્ય હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્ણાટક વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બીકે હરિપ્રસાદે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, "આલ્વા પ્રખર વક્તા છે. તેઓ સંસદના બંને ગૃહોની કામગીરી જાણે છે અને તેઓ વિપક્ષનાં સૌથી યોગ્ય ઉમેદવાર છે."
કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી આર.વી. દેશપાંડેએ જણાવ્યું હતું કે "આલ્વા વહીવટીતંત્રમાં બહોળો અનુભવ ધરાવે છે અને સંસદીય બાબતોના ભૂતપૂર્વ રાજ્યમંત્રી તરીકે તેઓ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ પદ પર જરૂરી તમામ લાયકાત ધરાવે છે."
માર્ગારેટ આલ્વાનાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કેટલાક મતભેદો હતાં અને તેમણે રાજીનામાંનો પત્ર પણ મોકલી આપ્યો હતો. જોકે તેમણે રાજીનામાનાં એ પત્રની વિગતો ક્યારેય જાહેર કરી નથી.
માર્ગારેટ આલ્વાની અન્ય ઉપલબ્ધિઓ
કર્ણાટકનાં વતની માર્ગારેટ આલ્વા પાંચ વખત સાંસદ હોવાં ઉપરાંત કેન્દ્રમાં અનેક મંત્રાલયોના મંત્રી રહી ચૂક્યાં છે.
સાથે જ તેઓ ગુજરાત, ગોવા, રાજસ્થાન અને ઉત્તરાખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યાં છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની સ્પર્ધા એનડીએના ઉમેદવાર જગદીપ ધનખર સાથે થશે.
ભાજપના નેતા જગદીપ ધનખર હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. તેમની ઉમેદવારી પર શનિવારે જ મહોર લાગી ગઈ છે.
પસંદગી પ્રક્રિયા
દિલ્હીમાં એનસીપી નેતા શરદ પવારના ઘરે આયોજિત બેઠક બાદ શરદ પવારે પોતે આ વાતની જાહેરાત કરી હતી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, શરદ પવારે કહ્યું, "માર્ગરેટ આલ્વા ઉપ રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષી છાવણીનાં ઉમેદવાર હશે."
આ પહેલાં દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, સીપીએમના સીતારામ યેચુરી, શિવસેનાના સંજય રાઉત અને અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, શરદ પવારે કહ્યું, "અમે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ કોઈ કોન્ફરન્સમાં વ્યસ્ત હતા. અમે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તેણે થોડા દિવસો પહેલા (યશવંત સિન્હા માટે) સમર્થન જાહેર કર્યું હતું અને ટૂંક સમયમાં તેના સમર્થન (માર્ગારેટ આલ્વા માટે)ની જાહેરાત કરશે."
સિનિયર કૉંગ્રેસી નેતા જયરામ રમેશે ટ્વીટ કરતા લખ્યું, "ભૂતપૂર્વ ગવર્નર, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ તરીકેનો સમૃદ્ધ અનુભવ તેમજ ભારતની અદ્ભુત વિવિધતાના સન્માનનિય પ્રતિનિધિ એવા માર્ગારેટ આલ્વા ઉપરાષ્ટ્રપતિ પદના વિરોધ પક્ષના ઉમેદવાર છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો