ભૂપિન્દર સિંહ 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' ગાઈને ગુજરાતી સંગીત સાથે બંધાઈ ગયા

  • જાણીતા હિંદુસ્તાની ગઝલગાયક ભૂપિન્દર સિંહનું નિધન
  • બોલીવૂડમાં સંખ્યાબંધ ગીતોમાં આપ્યો હતો પોતાનો અવાજ
  • મુંબઈની એક હૉસ્પિટલમાં સોમવારે રાત્રે થયું નિધન

જ્યારે તેમના પિતા તેમને સંગીત શીખવાડતા હતા ત્યારે બહુ મારતા હતા અને મારના કારણે જ ભૂપિન્દર સિંહને સંગીત પસંદ આવતું નહોતું.

જોકે, નસીબથી દૂર તો ભાગ્યે જ કોઈ ભાગી શક્યું છે! ભૂપિન્દર પણ ભાગી ના શક્યા.

'નામ ગુમ જાએગા...', 'બીતી ન બિતાઈ રૈના...', 'દિલ ઢૂંઢતા હૈ...','કરોગે યાદ તો હર બાત યાદ આયેગી ' જેવાં ઘણાં ગીતોના ગાયક ભૂપિન્દરની કારકિર્દીમાં માત્ર ગણતરીનાં બોલીવૂડ ગીતો છે, પરંતુ આજે પણ એ ગીતો લોકોને પસંદ છે.

ભૂપિન્દરે આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

સોમવારે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમનાં પત્ની મિતાલી સિંહે જણાવ્યું કે મુંબઈની એક હૉસ્પિટલમાં તેમનું નિધન થયું છે.

બીબીસીના સહયોગી પત્રકાર શ્વેતા પાંડેએ વર્ષ 2015માં તેમનો એક ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારે તેઓ પોતાના કૉન્સર્ટ 'રંગ-એ-ગઝલ'ની તૈયારી કરી રહ્યા હતા.

'ગઝલ શાયરનો મિજાજ, વિચાર અને ચિત્ર છે'

ભૂપિન્દર ખુદ એક સંગીતકાર પણ હતા અને તેઓ માનતા હતા કે ગઝલનું ચલણ ઓછું થવા પાછળ આજકાલની સંગીતશૈલી જવાબદાર છે.

તેઓ કહેતા હતા, "ગઝલ શાયરનો મિજાજ છે, વિચાર છે, તેનું ચિત્ર છે અને જે તેને ગાઈ રહ્યું છે, તે તેને સમજ્યા વિના ગાશે તો મજા નહીં આવે."

ભૂપિન્દરનાં જીવનસાથી મિતાલી પણ હિંદુસ્તાની ગઝલનાં જાણીતાં ગાયિકાઓ પૈકી એક છે.

એક સવાલના જવાબમાં ભૂપિન્દરે કહ્યું હતું, "આજકાલ ગઝલ સાંભળનારાઓ અને બનાવનારાઓનો પહેલાં જેવો માહોલ રહ્યો નથી. અત્યારે લોકોને શાંતિપૂર્વ વસ્તુઓ પસંદ નથી."

"અમે જ્યારે સ્ટુડિયો પહોંચતા હતા. ત્યારે ગીતકાર, સંગીતકાર, ગાયક, નિર્દેશક અને ક્યારેક-ક્યારેક અભિનેતા પણ સાથે આવીને બેસતા હતા. બધા સાથે ગીત પર કામ કરતા અને એ રીતે એક માસ્ટરપીસ બનતું હતું."

તેમના અનુસાર, આજકાલ ગીત બનાવનારાઓ પાસે તેમજ સાંભળનારાઓ પાસે સમય નથી પરંતુ તેમણે પોતાની ઑડિયન્સમાં એક મોટો ફેરફાર જોયો હતો.

તેમણે કહ્યું હતું, "60-70ના દશકમાં રિટાયર્ડ લોકો ગઝલ સાંભળતા હતા પણ હવે કેટલાક યુવાનો પણ તેનાંથી આકર્ષિત થાય છે, કૉન્સર્ટમાં આવે છે, પણ આ પ્રકારના લોકોની સંખ્યા ઘણી ઓછી છે."

'મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યા' ગાઈને ભૂપિન્દર ગુજરાતી સંગીતમાં અમર થઈ ગયા

બીબીસી ગુજરાતીની સંવાદદાતા તેજસ વૈદ્ય જણાવે છે કે ગુજરાતી સંગીતમાં પણ તેમણે કેટલીક એવી રચનાઓ ગાઈ છે જે ગુજરાતી સુગમ સંગીતમાં ધ્રુવ તારાની જેમ માપદંડ છે. એમાં સૌથી યાદગાર રચના એટલે આપણી ભાષાના પ્રખ્યાત કવિ રાવજી પટેલની વિખ્યાત રચના 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'.

સંગીતકાર અજિત શેઠનાં કમ્પોઝીશનમાં ભૂપિન્દરે ગાયેલું આ ગીત ગુજરાતી સુગમ સંગીતના મેરૂદંડ સમાન છે.

રાવજી પટેલનું એ ગીત જ સંવેદનાનો એવો દસ્તાવેજ છે કે વિશ્વ કવિતામાં સહેજેય સ્થાન પામે એવું છે. રાવજીની એ રચના ગુજરાતમાં વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવામાં ભૂપિન્દરના કંઠનો પણ મોટો કમાલ છે. ભૂપિન્દરે ગુજરાતી ભાષામાં જો માત્ર આ એક જ ગીત ગાયું હોત તો પણ તેઓ ગુજરાતી સંગીતમાં અમર થઈ જવાના હતા.

આ સિવાય દિલીપ ધોળકિયાના સંગીતમાં ભૂપિન્દરે ગુજરાતીમાં ગાયેલું 'એકલા જ આવ્યા મનવા, એકલા જવાના' પણ સતત સંભળાતું ગીત છે. એક તબક્કે ગુજરાતી ચેનલોમાં સંગીતના કાર્યક્રમો જોવા-સાંભળવા મળતાં તેમાં પણ ઘણા ગાયકો આ ગીત ગાતા હતા.

આ સિવાય ભૂપિન્દરે ગાયેલું કવિ જગદીશ જોષીનું ગીત 'ધારો કે એક સાંજ આપણે મળ્યા' પણ સુગમ સંગીતમાં લોકપ્રિય છે.

સંગીતકાર શ્યામલ સૌમિલે સ્વરબદ્ધ કરેલી કવિ માધવ રામાનુજની રચના 'પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ' પણ ભૂપિન્દર અને તેમના પત્ની મિતાલીના અવાજમાં દીપી ઊઠી છે.

ગૌરાંગ વ્યાસ, અવિનાશ વ્યાસ વગેરે સંગીતકારોના સ્વરાંકનમાં આ ઉપરાંત પણ ભૂપિન્દરે ગુજરાતી ફિલ્મોમાં ગીતો તેમજ ગઝલ ગાયા છે.

મેરી આવાઝ હી પહચાન હૈ

સંગીતની દુનિયામાં ભૂપિન્દર સિંહના અવાજની ઓળખ પહાડો પર ઠંડી પડે ત્યારે કોઈ તાપણું કરીને બેઠું હોય અને તેનો જે ધુમાડો વાતાવરણમાં ફેલાતો હોય એવી એક સ્મોકીનેસ તેવી હતી. તેમના અવાજની એક જડબેસલાક ઓળખ હતી.

ઘણાં લોકપ્રિય ગીતોમાં તેનો ગાયક કોણ છે એ પરખવું અઘરું હોય છે. ભૂપિન્દરે ગાયેલાં ગીતોમાં કિસી નઝર કો તેરા ઇંતેઝાર(ફિલ્મ : એતબાર), ફિલ્મ ઘરોંદામાં 'એક અકા ઇસ શહેર મેં', ફિલ્મ આહિસ્તા આહિસ્તાનું 'કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા' વગેરે.

જાણીતા ગુજરાતી સંગીતકાર અને ગાયક આશિત દેસાઈ મુંબઈથી બીબીસીને કહે છે કે, "તેમના અવાજમાં રહેલી મૃદુતા તેમની ઓળખ હતી. તેમનું વ્યક્તિત્વ પણ એવું જ ઉમદા હતું. તેમનું વ્યક્તિત્વ તેમની ગાયકીમાં ઝળકતું હતું."

'360 ડીગ્રી ઘૂમે એવો સંગીતનો એક ગોળાર્ધ ભૂપિન્દરના અવાજમાં હતો'

ગુજરાતી સુગમ સંગીત વિશે શ્રેણીબદ્ધ લખનારા નંદિની ત્રિવેદી કહે છે કે ભૂપિન્દરસિંહે સૌ પ્રથમ ગુજરાતી ગીત 'જીવવાની હામ' સુગમ સંગીતના જાણીતા ગાયક - સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કમ્પોઝીશનમાં ગાયું હતું.

ભૂપિન્દર ગુજરાતી સંગીતમાં જાણીતા થયા સંગીતકાર અજિત શેઠના આલબમ 'આંખે કંકુના સૂરજ આથમ્યા'થી.

'હેલ્લારો' ફિલ્મમાં સેલારા લેતા ગીતો તૈયાર કરનારાં સંગીતકાર મેહુલ સુરતી સુરતથી બીબીસીને કહે છે કે, ''મેં ભૂપિન્દરજીને લાઇવ 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' ગાતા સાંભળ્યા છે. તેમના અવાજમાં અજબનો ઠહેરાવ હતો. 360 ડીગ્રી ઘૂમે એવો સંગીતનો એક ગોળાર્ધ તેમના અવાજમાં હતો.''

જાણીતા લોકગાયક અરવિંદ બારોટને ભુપિન્દરનો અવાજ મંદિરના ઘુમ્મટમાં ઘેરા નગારાના ધ્વનિના પડઘા પડતા હોય એવો લાગ્યો છે.

હિન્દી તેમજ ગુજરાતી સંગીતમાં ભૂપિન્દરસિંહની પ્રચલિત ઓળખ ગઝલ ગાયક તરીકેની છે, પણ આશિત દેસાઈ કહે છે કે, "ભૂપિજીએ ગીતો પણ એટલાં જ સદાબહાર ગાયા છે. તેથી તેમને માત્ર ગઝલગાયક તરીકે ઓળખવા એ વાજબી ન ગણાય."

હેમા દેસાઈને સલાહ આપી કે, ઘી ખાઓ ઔર જમકર ગાઓ

ભૂપિન્દરે હિન્દી ફિલ્મોમાં પણ ઓછાં ગીત ગાયાં છે. છતાં તેમના મોટા ભાગનાં ગીતો લોકો ગણગણે છે.

આશિત દેસાઈ કહે છે કે, "અમે શરૂઆતનાં વર્ષોમાં ખૂબ મળતા હતા. પુરુષોત્તમ ઉપાધ્યાયે મહેફિલ નામનો એક શો કર્યો હતો જેમાં ભૂપિજીને ગઝલ ગાવા બોલાવ્યા હતા. ઑલ ઇન્ડિયા સ્ટુડિયોમાં અમે કેટલાંક રૅકર્ડિંગ પણ સાથે કર્યાં હતાં."

આશિત દેસાઈનાં પત્નિ હેમા દેસાઈ પણ ગુજરાતી સંગીતનાં જાણીતાં ગાયિકા છે.

ભૂપિન્દરસિંહ સાથેનો એક પ્રસંગ યાદ કરતાં આશિત દેસાઈ કહે છે કે, "ઘણાં વર્ષ અગાઉ હું અને હેમા તેમના ઘરે મળવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આઓ, બૈઠતે હૈ, ગાતે હૈ. પછી થોડું અમે ગાઈએ થોડું તે ગાય એવી રીતે મહેફિલ જામી હતી. વચ્ચે વચ્ચે તેઓ ગિટાર વગાડે. એ વર્ષોમાં હેમાનો અવાજ સૉફ્ટ હતો. તો તેમણે કહ્યું હતું કે, તુમ જોર સે નહીં ગાઓગી તો ફેફડે તુમ્હારે જલ જાયેંગે. ઘી ખાઓ ઔર જમકર ગાઓ."

પરિસ્થિતિ અને ગઝલ

ભૂપિન્દરે પોતાના દિવસો યાદ કરતાં કહ્યું હતું ગીતકારો, સંગીતકારો ફિલ્મોમાં ગઝલ નાંખવાની તક શોધતા રહેતા હતા અને નિર્દેશકને એવી પરિસ્થિતિ બનાવવા માટે કહેતા હતા.

તેમણે કહ્યું હતું, "ફિલ્મોમાં એવી ઘણી ગઝલો છે, જે લોકોના દિલને સ્પર્શી ગઈ હતી કારણ કે ગઝલ માટે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી."

તેમના મુજબ આજે ફિલ્મોમાં મોટા નામચીન અને ટૅલેન્ટેડ કૉમ્પોઝર્સ છે પરંતુ પહેલાં જેવી પરિસ્થિતિ બનાવી શકતા નથી.

આ સિવાય પહેલાં જેવા વિષયો પણ નથી, જેમાં ગઝલનો ઉપયોગ કરી શકાય. ગઝલનું કામ કદાચ 'સ્લો રૉમેન્ટિક' ગીતો કરી રહ્યા છે.

ઍક્ટિંગથી ભાગ્યા હતા

ભૂપિન્દરે પોતાની કારકિર્દીમાં એક-બે વખત ઍક્ટિંગ પણ કરી હતી. જોકે, તેમને એ પસંદ આવી નહોતી.

તેમણે હસતાં-હસતાં કહ્યું હતું, "હું ઍક્ટિંગની ઑફર આવતાં જ દિલ્હી ભાગી જતો હતો અને બે-ત્રણ મહિના પાછો જ નહોતો આવતો. કારણ કે તે સમયે લોકોને ના પણ કહી શકાય તેમ ન હતી."

પાછલા દિવસોને યાદ કરતાં તેમણે કહ્યું હતું, "એક વખત ચેતન આનંદે હકીકતમાં મારા શૉટ બાદ સૅટ પર એક સ્ટૂલ પર ઊભા થઈને મારી તરફ ઇશારો કરતાં જાહેરાત કરી હતી કે તેઓ ફિલ્મ જગતને બીજા એલ. સહગલ આપશે. ત્યારે હું વિચારતો હતો કે આ બિચારા માણસને ખ્યાલ પણ નથી કે કાલે સવારે હું દિલ્હી ભાગી જવાનો છું."

ભૂપિન્દરને જ્યારે ખુદનાં ગાયેલાં મનપસંદ ગીતો સાથેની યાદો વિશે પુછાયું તો તેઓ ઘણી વાતો ભૂલી ગયા હતા પરંતુ તેમનું મનપસંદ ગીત હતું, 'દો દીવાને શહર મેં, રાત મેં ઔર દોપહર મેં...'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો