એ રસ્તો જેણે દુનિયા જીતવા નીકળેલા સિકંદરના 15 હજાર સૈનિકો મારી નાખ્યા

    • લેેખક, સાઇમન ઉરવિન
    • પદ, બીબીસી ટ્રાવેલ

વિશ્વવિજેતા ગણાતા સિકંદરનું સૈન્ય એક સમયે જે રસ્તે ભારતમાંથી પાછું ફર્યું હતું આજે એ જ માર્ગ પર બનેલા મકરાન સમુદ્રતટીય ધોરીમાર્ગને દક્ષિણ એશિયાના સૌથી સુંદર અને મનોહર માર્ગોમાંનો એક ગણવામાં આવે છે.

મધ્ય કરાચીથી 30 કિલોમિટર પશ્ચિમે, બલૂચિસ્તાનની સીમાએ પાકિસ્તાનના આતંકવાદવિરોધી દળના જવાનો મારી રાહ જોઈ રહ્યા હતા. હાથમાં AK-47 લઈને તેઓ મારી કાર પાસે આવ્યા અને મારાં પાસપોર્ટ અને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ તપાસ્યાં.

આ પ્રમાણપત્ર એક પ્રકારની પરમિટ હોય છે, જે હોવાથી કોઈ વિદેશી પાકિસ્તાનના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસ કરી શકે છે. જ્યારે તેઓ તપાસથી સંતુષ્ટ થયા ત્યારે હું મારા ગાઇડ અને આતંકવાદવિરોધી દળના સભ્ય સાથે જૂથમાં મકરાન તરફ રવાના થયો, જેમાં મારે ઈરાનની સરહદ સુધી સડકયાત્રા કરવાની હતી.

મારા ગાઇડ આમિર અકરમે કહ્યું, "દાયકાઓથી મકરાન અથવા કહો કે આખું બલૂચિસ્તાન, માત્ર પશ્ચિમી લોકોથી જ નહીં બલકે રાજ્ય બહારના પાકિસ્તાનીઓથી પણ કપાયેલું હતું."

કરાચીના વિશાળ ઉપનગરીય વિસ્તારોમાંથી પસાર થતાં જ્યારે વૃક્ષોની સંખ્યા વધવા લાગી ત્યારે અકરમે જણાવ્યું કે, "અહીંયાં થતાં અલગાવવાદી આંદોલનો અને ઇસ્લામિક ચરમપંથીઓની સક્રિયતાના કારણે પહેલાં ક્યારેય હું અહીં આવવાની હિંમત પણ નહોતો કરી શકતો. પરંતુ આજકાલ બલૂચિસ્તાન સૈન્યના નિયંત્રણમાં છે અને અમે સુરક્ષિત છીએ. પરંતુ આ વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને માપદંડોને અનુસરવાના હોય છે. મકરાનના સમુદ્રી તટને જોવાનો આ એક જ વિકલ્પ ઉપલબ્ધ છે અને હું તમને પાકિસ્તાનના સૌથી સુંદર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ક્ષેત્રની વિશેષતા બતાવીશ."

દક્ષિણ એશિયાની સૌથી રોમાંચક યાત્રા

જોકે, અકરમે એમ પણ જણાવ્યું કે આ વિસ્તારના પ્રવાસની વ્યવસ્થા કરવી આજે પણ એક જટિલ પ્રક્રિયા છે.

અમે લોકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 પર આગળ વધી રહ્યા હતા, જે સામાન્ય રીતે મકરાન સમુદ્રતટીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. બલૂચિસ્તાનના દક્ષિણ ભાગમાં સ્થિત આ ધોરીમાર્ગ લગભગ 584 કિલોમિટર લાંબો છે, જે ઈરાનની સરહદે પૂરો થાય છે. આ ધોરીમાર્ગ પરની સફરને દક્ષિણ એશિયાની સૌથી નાટકીય મુસાફરી પણ માનવામાં આવે છે. એનો મોટો ભાગ અરબ સાગરના તટો પાસેથી પસાર થાય છે. એના વાદળી આસમાની અને ચળકતા પાણીમાં સંખ્યાબંધ નાવડીઓ જોવા મળે છે જે ઈલ, સાર્ડિન અને ઝીંગા જેવી નાની-મોટી માછલીઓ અને કરચલા પકડવા ફરતી હોય છે.

અકરમે મને જણાવ્યું કે, "માછલી પકડવી એ સદીઓથી મકરાનની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર રહ્યો છે. એટલે સુધી કે મકરાન નામ જ 'માછલી ખાનારા' એ ફારસી શબ્દના અપભ્રંશમાંથી બન્યું છે. આજે પણ એ એટલું જ મહત્ત્વપૂર્ણ છે પરંતુ સ્થાનિક લોકો બીજાં કામધંધા કરવા લાગ્યા છે, જેમ કે સમુદ્રી જહાજ સાથે સંકળાયેલાં કામધંધા અને દાણચોરી."

કરાચીથી લગભગ 200 કિમી દૂર અમે ધોરીમાર્ગ પરના અમારા પહેલા મુખ્ય પડાવે પહોંચ્યા. આ પાકિસ્તાનનો સૌથી મોટો પાર્ક એટલે કે હિંગોલ નેશનલ પાર્કનો ઊબડખાબડ વિસ્તાર છે. મકરાનના ઝડપી સમુદ્રી પવન, ભઠ્ઠીમાં શેકાતા હોઈએ એવી ગરમી અને ક્યારેક ક્યારેક આવતું સમુદ્રી વંટોળ એ અહીંની ખાસિયતો છે.

પાર્કમાંના ઉતારચઢાવભર્યા માર્ગો પર થઈને અમે એક દુર્લભ જગ્યાએ પહોંચ્યા. વાસ્તવમાં અહીં એક જગ્યાએ બે જ્વાળામુખી આવેલા છે, જેમાંથી લાવાના બદલે કીચડ નીકળે છે. આ ભૂવૈજ્ઞાનિક દૃષ્ટિએ અતિ દુર્લભ જ્વાળામુખી છે.

હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ

દર વરસે તીર્થયાત્રીઓનું એક જૂથ આધ્યાત્મિક શોધ અર્થે જ્વાળામુખીની ટોચ પર ચઢે છે. એને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.

અકરમે જણાવ્યું કે, "હિંગળાજમાતાની યાત્રા માટે આખા બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતમાંથી હજારો લોકો આવે છે. તેઓ મીણબત્તીઓ પ્રકટાવે છે અને નારિયેળને ખાડામાં પધરાવે છે, પોતાનાં પાપ જોર જોરથી ગણાવે છે અને હિંગોલ નદીમાં નહાતાં પહેલાં માફીની પ્રાર્થના કરે છે. સક્ષમ અને શારીરિક રીતે મજબૂત તંદુરસ્ત લોકો હિંગળાજમાતાના મંદિર સુધી જાય છે. આ યાત્રાને જીવનમાં સારાં કાર્યો માટે પ્રેરિત કરનારી અને આત્માની શુદ્ધિ કરનારી માનવામાં આવે છે."

અમે એક શાંત અને અંધારી ખીણમાં અંદર જતા રસ્તે ગયા. ત્યાં એક ગુફામાં અમારી મુલાકાત મહારાજ ગોપાલ નામના એક વૃદ્ધ સજ્જન સાથે થઈ. તેઓ એકદમ સુસજ્જિત કાચની પેટી જેવા દેખાતા હિંગળાજમાતા મંદિરની સારસંભાળ રાખતા હતા.

એમણે મંદિરની કથા સંભળાવતાં પહેલાં બેસવા માટે કહ્યું.

ગોપાલે જણાવ્યું કે, "પહેલા યુગ એટલે કે સતજુગમાં લાખો વરસો પહેલાં જ્યારે દેવી સતીનું મૃત્યુ થયું ત્યારે શિવ ભગવાને એમના શરીરના 51 ટુકડા કરી નાખ્યા હતા."

"આ બધા ટુકડા પૃથ્વી પર પડ્યા હતા અને મોટા ભાગના ટુકડા ભારતમાં જ પડ્યા હતા. એમના માથાનો એક ભાગ અહીં મકરાનમાં પડ્યો હતો. આ બધાં સ્થળોને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે - એવું પવિત્ર સ્થળ જ્યાં હિન્દુ દેવીની પૂજા કરવા માટે યાત્રા કરવામાં આવે છે અને એ દુનિયાના અંત સુધી ચાલુ રહેશે."

નિરાશાભર્યા સ્વરે ગોપાલે કહ્યું, "એ દિવસ દૂર નથી, જલદી આવશે. અત્યારે આપણે અંતિમ અને ચોથા યુગમાં છીએ. જ્યારે આ પૂરો થશે ત્યારે અહીં જે કંઈ દેખાય છે, મકરાનમાં પણ જે દેખાય છે અથવા એમ કહો કે આખી દુનિયામાં જે કંઈ છે એ બધું સંપૂર્ણ નષ્ટ થઈ જશે."

એમની જ્ઞાન ભરેલી ભવિષ્યવાણીને અમે સમજીએ ત્યાં સુધીમાં તો એમણે હસીને અમને નારિયેળ પકડાવી દીધું અને આગળની યાત્રા માટે શુભકામનાઓ પાઠવી.

જીવનની દુર્લભ ઝાંખીઓ

ત્યાર બાદ અમે આ વિસ્તારમાં આવેલા પ્રાચીન કિલ્લાની દીવાલો અને ચક્રાકાર પહાડી માર્ગોને પાર કર્યાં. આ યાત્રા દરમિયાન અમને પાકિસ્તાનના સૌથી મોટા પરંતુ સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં જીવનની દુર્લભ ઝાંખી થઈ. ક્યારેક ગધેડા પર સવાર કોઈ ખેડૂત દૂર આવેલા બજારમાં નજરે પડ્યા, ગામના છોકરા રેતી અને ધૂળની કામચલાઉ પિચો પર ક્રિકેટ રમતા જોવા મળ્યા.

પછી ધોરીમાર્ગ પર ચઢાણ શરૂ થયું અને એ વાહન ચલાવવાની ક્ષમતાની પરીક્ષાથી ઓછું નહોતું. પરંતુ આ રસ્તેથી પસાર થતા રંગીન ટ્રક ચલાવતા ચાલકો માટે એ ખૂબ જ વધારે પડકારરૂપ હતું. ભારે સામાન ભરી જતી આ ટ્રકોની પાછળ બૂરી નજરથી બચાવવાસંબંધી પંક્તિઓ લખેલાં ઘણાં બોર્ડ જોવા મળ્યાં.

અકરમે જણાવ્યું કે, "આજકાલ સારા બનેલા રસ્તા પર મુસાફરી કરવી પડકારભર્યું છે. પરંતુ મહાન સિકંદરના સમયમાં એમની સેનાએ આ કઠિન વિસ્તારમાં પગપાળા અને ઘોડાઓની પીઠ પર મુસાફરી કરી હતી."

"એવું કહેવાય છે કે, ઈ.સ.પૂ. 325માં, ભારતમાંથી પોતાના 30 હજાર સૈનિકોની સાથે પાછા ફરી રહેલા સિકંદરે આ જ માર્ગ નક્કી કર્યો હતો. બેબીલોન (આધુનિક ઈરાન) સુધી પહોંચવા માટે એમની સેનાને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, કેમ કે આ વિસ્તારની ગરમીના કારણે એમના ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. એવું કહેવાય છે કે મહાન સિકંદરની અડધી સેના જેટલા લોકો જ જીવતા ઈરાન પહોંચી શક્યા હતા."

હાલનો ધોરીમાર્ગ વ્યાપકપણે એ જ માર્ગ મનાય છે જે મહાન સિકંદરે પસંદ કર્યો હતો. જોકે, એની ચોક્કસ પુષ્ટિ સંભવ નથી. અમારો છેલ્લો પડાવ ઈરાનની સરહદથી લગભગ 50 કિમી દૂર ધૂળિયા શહેર જિવાનીમાં હતો. એના મુખ્ય માર્ગ પર અનેક સ્થળે પાઘડીવાળા એક સરદારની મૂર્તિ જોવા મળી, જે બલૂચિસ્તાનના જૂના આદિવાસી પ્રમુખોમાંના એક હતા. તેઓ પાઘડી સમારોહ દ્વારા પારંપરિક રીતે પોતાનો વારસો પોતાના મોટા પુત્રને સોંપતા હતા. એ એક રીતે રાજ્યાભિષેક જેવું હતું.

અમે અહીં એક શાહી સ્મારકની શોધમાં હતા. એ ઇમારત ખાસ કરીને બ્રિટિશ મહારાણી વિક્ટોરિયા માટે બનાવાઈ હતી, જે હવે પાકિસ્તાની તટરક્ષકની બીજી બટાલિયનના કબજામાંના એક ચુસ્ત સુરક્ષિત પરિસરનો ભાગ છે.

સામાન્ય લોકો માટે આ ઇમારતમાં પ્રવેશબંધી છે પરંતુ વિનમ્રતાભરી વિનંતી કરવાથી પાકિસ્તાની સેનાના એક કૅપ્ટને અમને સુરક્ષા જાપ્તા સાથે અરબ સાગરના કિનારે આવેલા મહેલને જોવાની મંજૂરી આપી દીધી.

એમણે અમને જણાવ્યું કે મહારાણી વિક્ટોરિયાએ મકરાનના અદ્‌ભુત સૂર્યાસ્તો વિશે સાંભળ્યું હતું, તેથી એમના માટે 1876માં આ ઇમારત બનાવાઈ હતી. ઇતિહાસકારોનું કહેવું છે કે તેઓ ક્યારેય મકરાન નહોતાં આવ્યાં, પરંતુ સ્થાનિક વૃદ્ધ લોકોનો દાવો છે કે તેઓ અહીં આવ્યાં હતાં.

સૌથી સુંદર સૂર્યાસ્તવાળી જગ્યા

અમે પગથિયાં ચઢીને દૂર આવેલા મહેલના નિવાસે પહોંચ્યા તો અંદર ત્રણ નાના નાના ઓરડા હતા - એક શયનકક્ષ, ભોજનકક્ષ અને બેઠકકક્ષ. આ ઇમારતને નોકરોના ક્વાર્ટર સાથે જોડતા એક ટેલિફોન સિવાય થોડીક મૂળભૂત વસ્તુઓ આજે પણ છે. તાજેતરમાં જ આ ભવનને દાણચોરીવિરોધી તટરક્ષકદળ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ગ્રીન ટી પીતાં પીતાં જ્યારે અમે વાતો કરતા હતા ત્યારે કૅપ્ટને અમને જણાવ્યું કે, "આ મોટો વ્યવસાય છે. મોટા ભાગે પેટ્રોલિયમની દાણચોરી થાય છે, પરંતુ ડ્રગ્સ અને હથિયારો પણ હોય છે. પરંતુ અહીંથી અમે કોઈ પણ સીમા પાર અકસ્માતની સાથે જ ઓમાનની ખાડીમાંની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખી શકીએ છીએ."

અમને સૂર્યાસ્ત જોવા માટે રોકાવાની મંજૂરી નહોતી. પરંતુ કૅપ્ટને નજીકના જિવાની બીચ પર એક જગ્યાએ સૂર્યાસ્ત જોવાની સલાહ આપી. જ્યારે અમે સિબી શહેર પહોંચ્યા તો ત્યાં સૂર્યાસ્ત જોવા માટે પહેલાંથી જ મોટી ભીડ જમા હતી. એમાંના કેટલાક તો હજાર કિલોમિટર દૂરથી અહીં આવ્યા હતા.

ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે, "લાંબી મુસાફરી કરીને અહીં આવ્યા એ નકામી ન ગઈ. કેમ કે મકરાનમાં જોવા મળતો સૂર્યાસ્ત બીજે ક્યાંય જોવા નથી મળતો. સૂરજ જેવો આકાશમાંથી ડૂબે છે, એ ઘણા સુંદર રંગોમાં ફેરવાઈ જાય છે - પીળામાંથી નારંગી સુધી, પછી દાડમના દાણા જેવી લાલ રંગની કિનારીઓ. જ્યારે એ અંધારામાં ગાયબ થઈ જાય છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે ઈશ્વરની કૃપાથી એ બીજી સવારે ફરી પ્રગટશે અને ઇન્શાલ્લાહ, ઉપરવાળાની ઇચ્છાથી આપણે એને જોવા માટે જીવતા રહીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો