You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોહન ભાગવત : આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ‘અખંડ ભારત’ના નિવેદન પર લોકો શું કહે છે?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવત કહે છે, "ભારત 15 વર્ષમાં ફરી 'અખંડ ભારત' બનશે અને આપણે આ બધું આપણી પોતાની આંખોથી જોઈશું."
હવે મોહન ભાગવતના આ નિવેદન અંગે અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
રાજકીય પક્ષો તો નિવેદનો આપી જ રહ્યા છે, સાથે સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા ચાલી રહી છે.
કોણ છે મોહન ભાગવત? - કૉંગ્રેસ પ્રવક્તા
કૉંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ નિવેદન પર પૂછી રહ્યાં છે, "ભાગવતજી કોણ છે? તેઓ વડાપ્રધાન, ગૃહમંત્રી કે ન્યાયાધીશ છે?"
સુપ્રિયા આગળ કહે છે, "ભાગવતજી અખંડ ભારતની વાત કરી રહ્યા છે, હિંદુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે. હું તેમને પૂછવા માંગુ છું કે ચીન આપણા ઘરમાં ઘૂસીને બેઠું છે. મોદીજી તો તેમનું નામ નથી લેતા. શું તમે તેમનું નામ લેશો? તમે શું કરશો ચીનને બહાર કાઢવા."
શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાગવતના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "તેમણે આ વચન 15 વર્ષમાં નહીં પરંતુ 15 દિવસમાં પૂરું કરી દેવું જોઈએ."
સંજય રાઉતે કહ્યું કે, "પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર, શ્રીલંકા અને કંદહારના વિસ્તારોને ભેળવી દેવા જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે કાશ્મીરી પંડિતોની વતન વાપસી સૌથી પહેલાં થવી જોઈએ."
એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "હું મોહન ભાગવત સાહેબને કહેવા માગુ છું કે અખંડ ભારત વિશે ન બોલો. ચીન ભારતના પ્રદેશ પર કબજો કરીને બેઠું છે, જ્યાં ભારતીય સેના પેટ્રોલિંગ કરી શકતી નથી, તેના વિશે વાત કરો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ મોહન ભાગવતના નિવેદનની ટીકા કરતા કહ્યું કે "આરએસએસ લોકોની ભાવનાઓ સાથે રમત રમે છે."
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં યેચુરીએ કહ્યું, "આ અખંડ ભારત શું છે? તેઓ આટલું ઝેર, નફરત અને હિંસા ફેલાવીને જીવી રહ્યા છે. કૃપા કરીને બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને સમજાવો કે જેના વિશે વાત કરવામાં આવી રહી છે તે અખંડ ભારત શું છે."
'રસ્તામાં આડે જે આવશે તેમનું અસ્તિત્વ મટી જશે' - મોહન ભાગવત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, "15 વર્ષમાં અખંડ ભારત બનવાના નિવેદનની સાથે મોહન ભાગવતે એમ પણ કહ્યું છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર 20-25 વર્ષમાં ભારત અખંડ ભારત બની જશે."
"પરંતુ બધા સાથે મળીને આ દિશામાં કામ કરે તો 10-15 વર્ષમાં અખંડ ભારત બની જશે. ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને તેના માર્ગમાં જે પણ આવશે તેમનું અસ્તિત્વ મટી જશે."
સોશિયલ મીડિયા પર લોકોએ શું પ્રતિક્રિયા આપી?
મોહન ભાગવતના નિવેદન પર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
કેટલાક લોકો આ નિવેદનને સાવ નકારી રહ્યા છે, કેટલાક તેના સમર્થનમાં છે અને કેટલાક લોકો આ નિવેદનની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર આશુતોષ ટ્વિટર પર લખે છે, "15 વર્ષમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ ભારતમાં હશે. દેશમાં મુસ્લિમોની વસ્તી 62 કરોડ થઈ જશે, જેમાં તાલિબાન પણ હશે અને પાકિસ્તાનના તમામ આતંકવાદીઓ પણ હશે. વ્હૉટ એન આઇડિયા સરજી."
એ જ રીતે, એક ટ્વિટર યૂઝરે 'અખંડ ભારત'માં હિંદુ-મુસ્લિમ વસ્તી પર કટાક્ષ કર્યો છે.
દીપક યાદવ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે, "20 કરોડ મુસ્લિમોથી હિંદુઓ ખતરામાં છે. અખંડ ભારતના 80 કરોડ મુસ્લિમોથી તો હિંદુ તો ખતમ જ થઈ જશે. મોહન ભાગવત મહારાજ...!"
ત્યારે વી.પી.સાનુ નામના એક અન્ય ટ્વિટર યૂઝરે લખ્યું કે, "મોહન ભાગવત અનુસાર જો આપણે બધા ઝડપથી કામ કરીએ તો 10-15 વર્ષમાં અખંડ ભારત બની જશે. જો આપણે બધા ઝડપથી કામ કરીશું તો આપણે આવનારાં કેટલાંક વર્ષોમાં આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવને ટ્રિપલ સેન્ચ્યુરી બનાવતા રોકી શકીએ છીએ."
ત્યારે કારવાકા નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે,"રાજકીય સરહદો ભેળવીને અખંડ ભારત બનાવવાનો વિચાર ગેરમાર્ગે દોરે છે. અખંડ ભારતનો વિચાર વિદેશી આક્રમણ અને ઉપનિવેશવાદ દ્વારા બંધક બનાવાયેલી મૂળ તળપદી સંસ્કૃતિ, ભાષા અને મૂલ્યોને સાંચવીને રાખવાનો હોવો જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો