હાર્દિક પટેલ : ગોપાલ ઇટાલિયાનું નિવેદન, હાર્દિક પટેલ માટે 'આપ'ના દરવાજા ખુલ્લા - પ્રેસ રિવ્યૂ

હાર્દિક પટેલે કૉંગ્રેસમાં પોતાની અવગણના થતી હોવાનું નિવેદન આપ્યું, તેના બીજા દિવસે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, " જો હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા માગતા હોય તો તેમના માટે દરવાજા ખુલ્લા છે."

સમાચારપત્ર ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, "અમારા દરવાજા હાર્દિક પટેલ માટે ખુલ્લા છે અને અમે ક્રાંતિકારી યુવા નેતાને આવકારવા તૈયાર છીએ. અમે પાટીદાર સમાજમાં તેમની લોકપ્રિયતાને જોઈ છે."

ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "અમને જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ કૉંગ્રેસમાં નિરાશ છે. અમારી ઇચ્છા છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાય. અમે તેમને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને જો તે જોડાવા માગતા હોય તો તેમનું સ્વાગત છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "હાર્દિક પટેલ અને આમ આદમી પાર્ટીની કામ કરવાની પ્રણાલી સરખી છે. તેઓ રાજ્યભરમાં યુવાનો અને તેમાં પણ ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનોમાં પ્રચલિત છે."

આ પહેલાં બુધવારે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને પાર્ટી દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવામાં કઈ રીતે તેમની અવગણના થઈ રહી છે, તે વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "પાર્ટીમાં મારી હાલત નવા પરણેલા વરરાજા જેવી છે, જેની નસબંધી કરી દેવામાં આવી છે."

આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડશે : હવામાનવિભાગ

હવામાનવિભાગે બુધવારે અને ગુરુવારે ચોમાસાને લઈને આગાહી કરી છે. જેમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતા વધુ વરસાદ પડી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, હવામાનવિભાગે ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ ચોમાસાની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સરેરાશથી વધુ વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાનવિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વિભાગે વરસાદની લાંબા ગાળાની સરેરાશની પરિભાષાઓમાં પણ ફેરફાર કર્યો છે.

જેના મુજબ, પહેલા વર્ષનો કુલ સરેરાશ વરસાદ 1176.9 મી.મી. હતો. જેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષથી કુલ સરેરાશ 1160.1 મીમી ગણાશે.

હવામાનવિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં સિઝનનો 96 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમના ચોમાસા દરમિયાન પડે છે.

નવા શૈક્ષણિકસત્રથી સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષા વર્ષમાં એક જ વખત લેશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ ગુરુવારે જાહેરાત કરી છે કે તેઓ આગામી સત્રથી ધોરણ 10 અને 12ની પરીક્ષા વર્ષમાં એક જ વખતમાં યોજશે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) હવે ધોરણ 10 અને 12ની પરીક્ષા વર્ષમાં એક જ વખત યોજશે.

કોરોના મહામારી પહેલા પણ સીબીએસઈ આ બન્ને ધોરણની પરીક્ષા એક જ વખત યોજતું હતું, પરંતુ કોરોના દરમિયાન પરીક્ષાઓને બે ભાગમાં વહેંચવામાં આવી હતી અને અભ્યાસક્રમ પણ ઘટાડવામાં આવ્યો હતો.

આ પહેલાં અટકળો લગાવવામાં આવતી હતી કે સીબીએસઈ કાયમ માટે આ પરીક્ષા બે ભાગમાં જ યોજશે, પરંતુ આ જાહેરાત બાદ અટકળો પર વિરામ લાગી ગયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો