રશિયા સામે યુદ્ધ લડવા માટે અમેરિકાએ યુક્રેનને કેવાં શસ્ત્રો આપ્યાં, તેનાથી શું ફાયદો થશે?

    • લેેખક, બર્ન્ડ ડેબઝમેન જુનિયર
    • પદ, બીબીસી ન્યૂઝ

તસવીરમાં બળી ગયેલી રશિયન ટૅન્ક ધૂળમાં પડેલી છે અને તેની બાજુમાં જ બીજી તસવીર છે, જેમાં યુક્રેનનો સૈનિક એ શસ્ત્રો સાથે દેખાઈ રહ્યો છે, જેનો ઉપયોગ કરીને ટૅન્કને તોડી નાખવામાં આવી હોવાનું કહેવાય છે.

યુક્રેન સેનાના ટ્વિટર પર આ તસવીરો મુકાઈ છે અને વિજયી શબ્દોમાં કૅપ્શન લખાયું છે, "(રશિયન) સેનાનાં સાધનોને તોડી નાખનારું જેવલિન".

ખભા પર રાખીને છોડી શકનારું જેવલિન એન્ટી ટૅન્ક રૉકેટ છે, જે 4 કિમી સુધીના અંતરમાં ગરમી ફેંકનારા ટાર્ગેટને શોધીને તેને ઉડાવી દે છે.

આ નાનું રૉકેટ વીડિયો ગેમ્સ માટે ઉપયોગમાં આવતાં કૉન્સોલ જેવડા સાધનથી જ સંચાલિત થઈ શકે છે. પણ આ એક મીટર લાંબું રૉકેટ બખ્તરિયા ટૅન્કને વીંધી નાખે તેવું હોય છે.

આવું અમેરિકામાં બનેલું શસ્ત્ર જોઈને રશિયાના સૈનિકો "ફફડી ઊઠે છે" એવું યુક્રેનની સેનાનું કહેવું છે. યુક્રેનની સેનાને આવી 2,000 મિસાઇલ્સ મળવાની છે.

અમેરિકાએ યુક્રેન સાથે નવી 800 મિલિયન ડૉલરની ડીલ કરી છે અને બુધવારે પ્રમુખ બાઇડને તેની જાહેરાત કરી છે તેના ભાગરૂપે જેવલિન મિસાઇલ્સ આપવામાં આવશે.

આ ઉપરાંત ડ્રોન પણ આપવામાં આવશે, જે ઊડતા બૉમ્બ જેવા બની શકે છે અને આકાશમાં ઊડી રહેલા હેલિકૉપ્ટરને તોડી પાડી શકે તેવા એન્ટી ઍરક્રાફ્ટ શસ્ત્રો પણ અમેરિકા આપવાનું છે.

પરંતુ શું અમેરિકા દ્વારા આ રીતનો વધારે સારો અને વધુ શસ્ત્રભંડાર આપવામાં આવશે તેનાથી યુક્રેન આક્રમક રશિયન સેનાનો સામનો કરી શકશે?

અમેરિકાએ યુક્રેનને કેવાં શસ્ત્રો આપ્યાં?

અમેરિકા તરફથી તાજેતરમાં આપવામાં આવેલી સહાયમાં ઘણા બધા પ્રકારનાં લશ્કરી સરંજામ પણ છે, તેમાં બોડી આર્મર, હેલ્મેટ, રાઇફલ્સ અને ગ્રૅનેડના 25,000 સેટ આપવામાં આવ્યાં છે. હજારો ટૅન્ક વિરોધી રૉકેટ આપવામાં આવ્યાં છે અને 20 મિલિયન ગોળીઓ આપવામાં આવી છે.

જેવલિન મિસાઇલ્સ ઉપરાંત 800 શક્તિશાળી સ્ટ્રિન્ગર મિસાઇલ્સ આપવામાં આવી છે, જે મિસાઇલ્સ અફઘાનિસ્તાનમાં સોવિયેટ વિમાનો તોડી પાડવા માટે બહુ જાણતી થઈ હતી.

આ ઉપરાંત અમેરિકાની યોજના છે કે 100 જેટલા નાના ડ્રોન એટલે કે "ટેક્ટિકલ અનઆર્મ્ડ એરિયલ સિસ્ટમ્સ" આપવામાં આવે. આવા ડ્રોન ખભાની પાછળના થેલામાં નાખી શકાય તેટલા નાના હોય છે અને તેને સહેલાઈથી ઉડાવી શકાય છે.

સૈનિકો ડ્રોન ઉડાવીને દૂર સુધી રણમેદાનમાં શું સ્થિતિ છે તે જાણી શકે છે અથવા તેનો ઉપયોગ ઊડતા બૉમ્બ તરીકે દૂર રહીને જ દુશ્મનો પર હુમલો કરી શકે છે.

અમેરિકા તરફથી યુક્રેનને અપાઈ રહેલો શસ્ત્ર સરંજામ

ગત બુધવારે બાઇડનને અમેરિકા તરફથી આ લશ્કરી સહાય જાહેર થઈ તે સાથે યુક્રેનને ગયા અઠવાડિયે જ કુલ 1 અબજ ડૉલરની સહાય થઈ ચૂકી છે. 2014થી 2022 સુધીમાં કુલ 2.7 અબજ ડૉલરની સહાય અપાઈ હતી, તેની સામે બહુ ઝડપથી મોટી સહાય મળી છે.

કિએવ ખાતે ભૂતપૂર્વ અમેરિકન રાજદૂત જ્હોન હર્બ્સ્ટના જણાવ્યા અનુસાર અગાઉ ઓછી સહાય થઈ શકી હતી, તેની સામે "આ મહત્ત્વની સહાય" છે.

હર્બ્સ્ટ કહે છે, "યુક્રેનને ટેકો આપવામાં પ્રમુખ બાઇડન અને ટીમ અચકાતા હોય તેવી કોઈ વાત નથી. મદદ આપવા માટે દબાણ હતું અને તેની સામે પ્રતિસાદ અપાયો છે."

રશિયાના આક્રમણનો આનાથી કેટલી હદે સામનો થઈ શકશે?

લશ્કરી બાબતોના નિષ્ણાતો કહે છે કે અમેરિકા આપેલા ઍન્ટી ટૅન્ક શસ્ત્રોની યુક્રેનને સૌથી વધુ ફાયદો થશે.

યુક્રેન પર આક્રમણ કરનારા રશિયાનાં દળો "મુખ્યત્વે બખ્તરિયા ગાડીઓના" બનેલા છે એટલે કે બખ્તરબંધ વાહનોમાં સૈનિકો આગળ વધી રહ્યા છે. અમેરિકાની સેનાના ભૂતપૂર્વ કર્નલ ક્રિસ્ટોફર મેયર કહે છે તે પ્રમાણે "આ વાહનોને તોડી પાડી નાખો એટલે મોટો ફટકો પડે".

મેયર કહે છે કે ઘણા દેશો પાસેથી યુક્રેનને ઍન્ટી ટૅન્ક રૉકેટ્સ મળ્યાં છે, જેના કારણે રશિયાનાં બખ્તરબંધ વાહનો સામે યુક્રેનની સેના આક્રમણ કરીને ખાતમો બોલાવી શકે છે.

તેઓ કહે છે, "તમે જુદાં જુદાં પ્રકારનાં ઍન્ટી ટૅન્ક રૉકેટ આપો તો તેનાથી આક્રમણ કરી રહેલી ટૅન્કના રક્ષણ માટેના પણ બખ્તર હોય તેને તોડી પાડી શકાય છે."

યુક્રેનના અધિકારીઓ જણાવી રહ્યા છે કે તેમને મળી રહેલાં આ શસ્ત્રોનો સારામાં સારો ઉપયોગ કરી રહ્યા છે અને ફટકો મારી રહ્યા છે, પરંતુ આ દાવાને સ્વતંત્ર રીતે ચકાસી શકાય તેમ નથી.

16 માર્ચ સુધીમાં 400 ટૅન્ક અને 2000 બીજાં રશિયન વાહનોનો ખાતમો બોલાવાયો હોવાનો દાવો થયો છે.

જોકે ઍન્ટી ટૅન્ક શસ્ત્રોથી આકાશમાંથી પ્રહાર કરતા રશિયાના હવાઈ દળ સામે કશું કરી શકતા નથી. છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી રશિયાનાં યુદ્ધવિમાનો દેશભરમાં બૉમ્બમારી કરી રહ્યાં છે.

અમેરિકાએ આપેલાં શસ્ત્રોમાં ખભા પર રાખીને છોડી શકાતી સ્ટ્રિન્ગર મિસાઇલ એક માત્ર એવું શસ્ત્ર છે, જેનો ઉપયોગ વિમાનોની સામે કરી શકાય છે.

આ મિસાઇલનો ઉપયોગ છેક 1981થી થઈ રહ્યો છે. સૌથી વધારે તેનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં થયો હતો અને અમેરિકાએ આપેલા સ્ટ્રિન્ગરનો ઉપયોગ કરીને રશિયાનાં 200 વિમાનો અને હેલિકૉપ્ટરોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

આ મિસાઇલ નીચે ઊડતા હેલિકૉપ્ટર અને 3800 મીટર (12,400 ફીટ) જેટલા નીચે ઊડતા વિમાનો સામે જ અસરકાર છે. તેનાથી ઉપર ઊડીને બૉમ્બમારો કરતા રશિયન યુદ્ધવિમાનો સામે તે બહુ કામ આવતા નથી.

હર્બ્સ્ટ કહે છે કે કે યુક્રેનને આપવામાં આવેલી શસ્ત્રસહાયમાં સ્ટ્રિન્ગરનો પણ ઉલ્લેખ કરાયો છે, જે ખરેખર "નબળાઈ દર્શાવે છે".

તેઓ કહે છે, "યુક્રેનની સેનાને સ્ટ્રિન્ગરની જરૂર નથી. તેમને વધારે ઊંચાઈ સુધી વાર કરી શકતા એન્ટી ઍરક્રાફ્ટ શસ્ત્રોની જરૂર છે અને તે નથી અપાયા તે ખરેખર ગંભીર ઊણપ છે."

અમેરિકાએ કેવાં શસ્ત્રો નથી આપ્યાં?

વ્હાઇટ હાઉસે એવો અણસાર આપ્યો છે ખરો કે વધુ ઊંચે સુધી વાર કરી શકનારા, સોવિયેટ સંઘના વખતમાં વપરાયેલા એસ-300 એન્ટી ઍરક્રાફ્ટ મિસાઇલ આપવામાં આવશે, પણ તે માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સ્લોવેકિયાના અધિકારીઓએ યુક્રેનમાં શસ્ત્રો મોકલવા માટેની તૈયારી દાખવી હતી, પરંતુ યુક્રેનને શસ્ત્રો મોકલવામાં આવે તેના બદલામાં બાદમાં તેમને શસ્ત્રો મળી જવા જોઈએ. નેટો સાથે જોડાયેલા અન્ય બે દેશો ગ્રીસ અને બલ્ગેરિયા પાસે પણ વધારે ઊંચે વાર કરી શકે તેવી સિસ્ટમ્સ છે.

એવી પણ દરખાસ્ત આવી હતી કે પોલૅન્ડ પાસે મિગ-29 વિમાનો છે તે યુક્રેનને આપવામાં આવે, જેથી આકાશી યુદ્ધનો સામનો સારી રીતે કરી શકે, પરંતુ અમેરિકાએ એ દરખાસ્તને પણ સ્વીકારી નથી.

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રકારની યોજના "અમલ કરવા લાયક નથી", કેમ કે તેના કારણે નેટો અને રશિયા વચ્ચેનું સીધું ઘર્ષણ વધારે ઉગ્ર બની શકે છે.

જોકે મેયર કહે છે કે મિગ-29 અથવા તેના જેવાં લડાયક વિમાનો અમેરિકાની મંજૂરી સાથે યુક્રેનને આપવામાં આવે તો તે આકાશી લડાઈને વધારે સારી રીતે લડી શકે તેમ છે.

તેઓ ઉમેરે છે કે અમેરિકા સામે વિયેતનામનો સંઘર્ષ ચાલતો હતો ત્યારે ઉત્તર વિયેતનામને સોવિયેટ સંઘે યુદ્ધનો વ્યાપ વધાર્યા વિના જ વિમાનો અને પાઇલટ બંનેની સહાય કરી હતી.

અન્ય દેશોએ શું સહાય કરી?

યુક્રેનને અમેરિકા સિવાયના દેશો પણ લશ્કરી સહાય પૂરી પાડી રહ્યા છે. ઓછામાં ઓછા 30 અન્ય દેશોએ પણ સહાય કરી છે, જેમાં યુરોપિયન સંઘ તરફથી ઇતિહાસમાં સૌપ્રથમ વાર 500 મિલિયન પાઉન્ડ (551 મિલિયન ડૉલર)ની સહાય આપવામાં આવી છે.

અમેરિકાએ વધારાની સહાયની જાહેરાત કરી તે પછી પણ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે તેમને હજીય વધારે સહાયની તાકીદે જરૂર છે.

તેમણે કહ્યું કે "અત્યાર અમને મળી છે તેનાથી વધારે સહાયની, ઍર ડિફેન્સની સિસ્ટમ્સ, વિમાનો અને રશિયાના આક્રમકોને અટકાવવા માટે વધારે ઘાતક શસ્ત્રો અને દારૂગોળાની જરૂર છે."

મેયર કહે છે કે અત્યાર સુધીમાં અમેરિકાએ જેટલી પણ શસ્ત્રસહાય કરી છે તેનાથી માત્ર યુક્રેનવાસીઓ માટે માત્ર "બહાદુરથી ખતમ" થઈ જવા માટેની જ મદદ મળવાની છે.

તેઓ કહે છે, "આપણી પાસે છે તેમાંથી વધારે સારાં શસ્ત્રો તેમને આપવાની જરૂર છે. સોવિયેટ સંઘે ઉત્તર વિયેતનામને આપ્યાં હતાં એટલાં શસ્ત્રો અને એ ગુણવત્તાનાં શસ્ત્રો કમસે કમ આપવા જોઈએ."

હર્બ્સ્ટ કહે છે કે ભવિષ્યમાં "કદાચ" વધારે શસ્ત્રસહાયની જરૂર પડશે - પરંતુ તે શસ્ત્રસહાય ત્યારે જ ઉપયોગી થશે, જ્યારે તેનાથી રશિયાનાં હવાઈ દળનો સામનો યુક્રેન કરી શકે.

તેઓ કહે છે, "30,000થી વધુની ઊંચાઈએ ઊડતા રશિયન વિમાનો પર વાર થઈ શકે તેવા કોઈ શસ્ત્રો આપણે આપીએ છીએ કે નહીં તે જ અગત્યનું છે એમ મને લાગે છે."

હજી સુધી કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રમુખ બાઇડનને વાયદો કર્યો છે કે આગામી સમયમાં વધારે સહાય અપાશે - અને જરૂર પડશે તો યુક્રેનને લોન્ગ રેન્જ સાથેની ઍર ડિફેન્સ સિસ્ટમ્સ મેળવવામાં પણ મદદ કરવામાં આવશે. જોકે આ વાયદા અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે "વધુ સહાય મળી રહશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો