ઘરેલુ હિંસા : ભારતમાં જમવામાં મીઠું વધારે-ઓછું પડી જાય તો પત્નીની હત્યા કરવાના કિસ્સા કેમ વધ્યા?

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ

સવારના નાસ્તામાં પીરસાયેલી વાનગીમાં વધારે પ્રમાણમાં મીઠું હોવાને કારણે પોતાની પત્નીની હત્યા કરનાર 46 વર્ષના એક પુરુષની પોલીસે ગયા મહિને ધરપકડ કરી હતી.

પોલીસ અધિકારી મિલિંદ દેસાઈએ બીબીસીને કહ્યું હતું કે "મુંબઈ નજીકના થાણેમાં બૅન્ક ક્લર્ક તરીકે કામ કરતા નિકેશ ઘાગે ક્રોધે ભરાઈને તેની 40 વર્ષની વયની પત્નીની હત્યા કરી હતી, કારણ કે પત્ની નિર્મલાએ તેને સવારે નાસ્તામાં પીરસેલી સાબુદાણાની ખીચડી ખારી હતી."

આ દંપતીનો 12 વર્ષનો પુત્ર આ ઘટનાનો સાક્ષી હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે સાબુદાણાની ખીચડી ખારી હોવાની ફરિયાદ કરતાં-કરતાં તેના પિતા નિકેશ તેની માતા નિર્મલાની પાછળ બેડરૂમમાં ગયા હતા અને નિર્મલાને માર મારવા લાગ્યા હતા.

મિલિંદ દેસાઈએ કહ્યું હતું કે "દીકરો રડતો અને પોતાની માતાને માર મારવાનું બંધ કરવાની આજીજી પિતાને કરતો રહ્યો હતો, પરંતુ આરોપી તેની પત્નીને સતત ફટકા મારતો રહ્યો હતો અને દોરી વડે ગળે ફાંસો આપીને પત્નીની હત્યા કરી હતી."

એ પછી નિકેશ ઘાગ ઘરની બહાર ચાલ્યા ગયા હતા અને તેના દીકરાએ તેનાં નાની તથા મામાને બોલાવ્યાં હતાં.

મિલિંદ દેસાઈએ ઉમેર્યું હતું કે "અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં પરિવારજનો નિર્મલાને હૉસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ હૉસ્પિટલે પહોંચતાં સુધીમાં નિર્મલાનું મૃત્યુ થયું હતું."

બાદમાં આરોપી પોલીસ સ્ટેશનમાં શરણે આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે બ્લડ પ્રેશરનો દર્દી છે. આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

નિર્મલાના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે નિકેશ ઘાગ છેલ્લા 15 દિવસથી નિર્મલા સાથે "ઘરેલુ મુદ્દે" સતત ઝઘડતો હતો. આ બાબતે નિર્મલા કે તેના પરિવારે પોલીસને કોઈ ફરિયાદ ન કરી હોવાનું મિલિંદ દેસાઈએ જણાવ્યું હતું.

ભોજન બાબતે થતા ઝઘડામાં પતિ દ્વારા કરવામાં આવતી પત્નીની હત્યાની ઘટનાઓના સમાચાર અખબારોમાં છાશવારે પ્રકાશિત થતા રહે છે.

તાજેતરમાંની આવી કેટલીક ઘટનાઓ પર નજર કરીએ

•રાજધાની દિલ્હીના એક ઉપનગર નોઈડામાં જાન્યુઆરીમાં રાતનું ભોજન આપવાનો ઈનકાર કરવા બદલ પોતાની પત્નીની હત્યા કરવા સબબ એક પુરુષની ધરપકડ કરવામાં આવી હતી.

•ભોજનમાં સલાડ ન પીરસવા બદલ પોતાની પત્નીની હત્યા કરી ચૂકેલા ઉત્તર પ્રદેશના એક પુરુષની જૂન - 2021માં ધરપકડ કરવામાં આવી હતી.

•આ ઘટનાના ચાર મહિના પછી બેંગલુરુમાં ફ્રાઈડ ચિકન બરાબર ન પકાવવા બદલ એક પુરુષે તેની પત્નીની ઢોરમાર મારીને હત્યા કરી હતી.

•2017માં 60 વર્ષના એક પુરુષે રાતનું ભોજન મોડું આપવા બદલ તેની પત્ની પર જીવલેણ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાનો અહેવાલ બીબીસીએ પ્રકાશિત કર્યો હતો.

જેન્ડર ઍક્ટિવિસ્ટ માધવી કુકરેજા જણાવે છે કે "મોત બધાનું ધ્યાન ખેંચે છે," પરંતુ લિંગ આધારિત હિંસાની આ બધી ઘટનાઓ "અદ્રશ્ય" રહી છે.

ઘરેલુ હિંસાના મોટા ભાગના કિસ્સાની નોંધ "પતિ અથવા તેનાં સગાંઓ દ્વારા આચરવામાં આવેલી ક્રૂરતા"ની કાયદાકીય પરિભાષા હેઠળ કરવામાં આવે છે. મહિલાઓ વિરુદ્ધના હિંસક ગુનાઓમાં ઘરેલુ હિંસાના કિસ્સા વર્ષોવર્ષ સતત મોખરે હોય છે.

ગયા વર્ષના ઉપલબ્ધ આંકડા અનુસાર, ઘરેલુ હિંસાની કુલ 1,12,292 ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હતી. તેનો અર્થ એ થયો કે ગયા વર્ષે લગભગ દર પાંચ મિનિટે ઘરેલુ હિંસાની એક ફરિયાદ નોંધાઈ હતી.

ભારતમાં મહિલા પર હિંસા

ભારતમાં આ પ્રકારની હિંસા કોઈ નવી વાત નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, વિશ્વમાં દર ત્રણ પૈકીની એક મહિલા લિંગ આધારિત હિંસાનો સામનો કરે છે અને એવી હિંસા મોટા ભાગે મહિલાના નજીકના સગા જ આચરતા હોય છે. ભારતમાં પણ પ્રમાણ આવું જ છે.

ભારતમાં મોટા ભાગે મહિલાઓ તેમની સાથે આચરવામાં આવતી ઘરેલુ હિંસા બાબતે મૌન રહે છે અને વધારે આઘાતજનક વાત એ છે કે આ પ્રકારની હિંસાને વ્યાપક સ્વીકૃતિ મળેલી છે. કર્મશીલોએ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસએસ) સરકાર દ્વારા ભારતીય સમાજનું સૌથી વ્યાપક ઘરેલુ સર્વેક્ષણ છે અને લેટેસ્ટ એનએફએચએસએસના આંકડા ઘણાં રહસ્યનો ભેદ ખોલે છે.

કુલ પૈકીની 40 ટકાથી વધુ મહિલાઓ અને 38 ટકાથી વધુ પુરુષોએ સરકારી સર્વેક્ષણકર્તાઓને જણાવ્યું હતું કે કોઈ પત્ની તેનાં સાસરિયાનો અનાદર કરે, પોતાના ઘર કે બાળકોની યોગ્ય સંભાળ ન રાખે, પતિને જણાવ્યા વિના ઘરની બહાર જાય, સેક્સનો ઈનકાર કરે અથવા યોગ્ય ભોજન ન રાંધે તો પતિ તેને માર મારે તેમાં કશું ખોટું નથી. ચાર રાજ્યોમાંની 77 ટકા મહિલાઓએ પતિ દ્વારા પત્નીને ફટકારવાની ઘટનાને ન્યાયોચિત ગણાવી હતી.

પતિ દ્વારા પત્નીની પિટાઈને દેશનાં મોટાં ભાગનાં રાજ્યોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓએ વધુ વાજબી ઠરાવી હતી. એકમાત્ર કર્ણાટકને બાદ કરતાં મોટાં ભાગનાં રાજ્યોમાં પુરુષોની સરખામણીએ વધુ મહિલાઓ એવું માને છે કે પત્ની યોગ્ય રીતે ભોજન ન રાંધે અને એ માટે પુરુષ તેની પિટાઈ કરે તો તેમાં કશું ખોટું નથી.

પાંચ વર્ષ પહેલાં બાવન ટકા પુરુષો અને 42 ટકા મહિલાઓ પતિ દ્વારા પત્નીની પિટાઈને વાજબી માનતાં હતાં. આવું માનતા લોકોની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં ઘટાડો જરૂર થયો છે, પરંતુ એ વિશેનો દૃષ્ટિકોણ બદલાયો નથી, એવું ઓક્સફામ ઈન્ડિયાના જેન્ડર જસ્ટિસ પ્રોગ્રામનાં વડા અમિતા પિત્રેએ જણાવ્યું હતું.

અમિતા પિત્રેએ બીબીસીને કહ્યું હતું કે "પિતૃસત્તાક સમાજમાં મહિલાઓ વિરુદ્ધની હિંસા અને તેને વાજબી ઠરાવવાની વૃતિનાં મૂળિયાં ઊંડાં છે. ભારતમાં લિંગ આધારિત હિંસાની સ્વીકૃતિનું પ્રમાણ ઊંચું છે, કારણ કે અહીં મહિલાઓની ઊતરતી કક્ષાની ગણવામાં આવે છે."

અમિતા પિત્રેએ ઉમેર્યું હતું કે "સ્ત્રીના વર્તન-વ્યવહાર વિશેની નિશ્ચિત સામાજિક ધારણાઓ છે. જેમ કે તેણે હંમેશાં પુરુષને અધીન રહેવું જોઈએ, તેણે નિર્ણય લેવામાં મદદ કરવી જોઈએ, તેણે પુરુષની સેવા કરવી જોઈએ અને તેની કમાણી પુરુષ કરતાં ઓછી હોવી જોઈએ વગેરે. સામેની બાજુએ કોઈ મહિલા આવી ધારણાઓને પડકારે તો તેનો પતિ તેને 'તેનું સ્થાન' દેખાડે તેમાં કશું ખોટું નથી એવું માનવામાં આવે છે."

અમિતા પિત્રેના જણાવ્યા મુજબ, વધુ મહિલાઓ પતિ દ્વારા પિટાઈને સ્વીકારે છે તેનું મુખ્ય કારણ એ છે કે "પિતૃસત્તા લૈંગિક માપદંડોને મજબૂત બનાવે છે અને મહિલાઓ એ જ વિચારોને આત્મસાત કરી લે છે. તેમની માન્યતાઓને પરિવાર તથા સમાજ આકાર આપે છે."

માધવી કુકરેજાએ વનાંગન નામના સખાવતી સંગઠનની સ્થાપના કરી છે અને આ સંગઠન દેશના સૌથી ગરીબ પ્રદેશો પૈકીના એક ઉત્તર ભારતના બુંદેલખંડમાં પીડિત મહિલાઓ માટે છેલ્લાં 25 વર્ષથી કામ કરે છે.

માધવી કુકરેજાએ કહ્યું હતું કે "તમે પાલખીમાં બેસીને જે ઘરમાં પ્રવેશ્યાં છો એ ઘર તમારે તમારા અંતિમસંસ્કાર વખતે જ છોડવાનું છે," એવી સલાહ નવોઢાઓને આપવામાં આવે છે.

તેથી જેમની નિયમિત પિટાઈ થતી હોય એવી મહિલાઓ પણ હિંસાને તેમનું નસીબ માનીને સ્વીકારી લે છે અને એ વિશે ફરિયાદ કરતી નથી.

ઘરેલુ હિંસા

માધવી કુકરેજાએ કહ્યું હતું કે "આ સંબંધી ફરિયાદો નોંધાવવાનું પ્રમાણ છેલ્લા દાયકામાં વધ્યું હોવા છતાં દેશમાં પત્નીની પિટાઈ બાબતે બહુ ઓછી ફરિયાદો નોંધાય છે. વળી મોટા ભાગના લોકો પણ એવું કહે છે કે 'ઘરમાં બનતી ઘટનાઓ ઘરમાં જ રહેવી જોઈએ.' આમ મહિલાઓને પોલીસ પાસે જતી રોકવામાં આવે છે."

એ ઉપરાંત સાસરિયું છોડી દે તો મહિલાઓ પાસે બીજું કોઈ આશ્રયસ્થાન હોતું નથી, એમ જણાવતાં માધવી કુકરેજાએ ઉમેર્યું હતું કે "દીકરી સાસરેથી પાછી આવે તે કલંક ગણાતું હોવાથી માતા-પિતા પરિણીત દીકરીને આવકારતાં નથી. ઘણા કિસ્સાઓમાં તો માતા-પિતા બહુ ગરીબ હોય છે અને વધુ લોકોનું પેટ ભરવું તેમને પરવડતું નથી. આધાર આપવાની કોઈ વ્યવસ્થા નથી."

"બહુ ઓછાં આશ્રયસ્થાનો છે અને ત્યક્તાઓને અત્યંત મામૂલી વળતર આપવામાં આવે છે. મોટા ભાગના કિસ્સામાં તે મહિને 500થી 1500 રૂપિયા સુધીનું હોય છે, જે એક મહિલાની આજીવિકા માટે જ પૂરતું નથી હોતું ત્યારે તેનાં બાળકોનું શું."

વનાંગનનાં વડાં પુષ્પા શર્માએ બીબીસીને જણાવ્યું હતું કે પતિ દ્વારા પિટાઈ કરવામાં આવી હોય અને એ પછી નાનાં બાળકો સાથે તેને ત્યજી દેવામાં આવી હોય એવા બે કેસ ગયા મહિને તેમની પાસે આવ્યા હતા.

પુષ્પા શર્માએ કહ્યું હતું કે "બન્ને ઘટનામાં પતિઓ તેમની પત્નીઓને ચોટલો પકડીને ઘરની બહાર ઘસડી લાવ્યા હતા અને પાડોશીઓની સામે તેમની પિટાઈ કરી હતી. પોતાની પત્નીઓ યોગ્ય રીતે ભોજન રાંધતી ન હોવાનો દાવો પતિઓએ કર્યો હતો, પરંતુ એ તો ફરિયાદોના ઢગલાનો એક હિસ્સો હોય જ છે. ભોજન જ હંમેશાં ટ્રિગર પૉઇન્ટ બને છે."

પુષ્પા શર્માએ ઉમેર્યું હતું કે "દીકરાને બદલે દીકરીને જન્મ આપવા બદલ મહિલાની પિટાઈ કરવામાં આવે છે, મહિલા ગોરી નહીં, પણ શ્યામવર્ણી હોવાને કારણે કે દહેજ ન લાવી હોવાને કારણે કે પતિ દારૂડિયો હોવાને કારણે કે તેનો પતિ ઘરમાં આવે ત્યારે ઝડપથી પાણી કે ભોજન નહીં આપવા બદલ કે પછી રસોઈમાં વધારે ઓછું નમક (મીઠું) પડી જાય ત્યારે પણ તેને માર મારવામાં આવે છે."

ઘરેલુ હિંસા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે વાનગંગાએ 1997માં 'મુજે જવાબ દો' નામનું શેરી નાટક ભજવવાનું શરૂ કર્યું હતું.

"તે નાટકનો પહેલો જ સંવાદ એવો હતો કે ઓહ દાળમાં નમક જ નથી." એમ જણાવતાં માધવી કુકરેજાએ કહ્યું હતું કે "અમારી ઝુંબેશનાં 25 વર્ષ પછી થોડું પરિવર્તન થયું છે. તેનું કારણ લગ્નને આપવામાં આવતું મહત્ત્વ છે. આપણે લગ્નને બચાવવા તમામ પ્રયાસ કરીએ છીએ. તે પવિત્ર છે તેથી હંમેશ માટે ટકવું જોઈએ."

"આ વિચાર બદલાવો જોઈએ. આપણે મહિલાઓનું સશક્તીકરણ કરવું જોઈએ. તેમણે પિટાઈ સહન કરવાની જરૂર નથી," એવું માધવી કુકરેજાએ કહ્યું હતું.

ડેટાનું વિશ્લેષણ અને ગ્રાફિક્સ- બીબીસીના શાદાબ નઝમી

ઘરેલુ હિંસા વિશે વધુ માહિતી મેળવવા ક્યાં સંપર્ક કરવો?

પોલીસ હેલ્પલાઈન ફોન નંબરઃ 1091 અથવા 1291

રાષ્ટ્રીય મહિલા પંચની વોટ્સએપ હેલ્પલાઈનનો ફોન નંબરઃ 72177 35372

દિલ્હીસ્થિત બિન-સરકારી સંગઠન શક્તિ શાલિનીનો હેલ્પલાઈન ફોન નંબરઃ 10920

મુંબઈસ્થિત બિન-સરકારી સંગઠન સ્નેહાની હેલ્પલાઈનના ફોન નંબર્સઃ 98330 52684 અથવા 91675 35765

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો