ગુજરાતમાં ગૅંગરેપ અને હત્યાનો એ કેસ જેમાં પીડિતાના ભત્રીજા સહિત ત્રણને ફાંસીની સજા અપાઈ

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

હાલમાં જ ગુજરાતમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસને રૅરેસ્ટ ઑફ રૅર ગણીને ત્રણ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી.

પીડિતા સાથે સામૂહિક બળાત્કાર અને ક્રૂર હત્યાના દોષિતોમાં તેમનો ભત્રીજો પણ સામેલ છે. સરકારી વકીલ અનુસાર 'મહિલાના શરીર પર માથાથી પગ સુધી 50થી વધુ ઈજાઓ થઈ હતી જેમાં તેમના ગુપ્તાંગોમાં થયેલી ઈજાઓ પણ સામેલ હતી.'

કપડવંજ સેશન્સ કોર્ટના જજ વી.પી.અગ્રવાલે 29 એપ્રિલ 2022ના દિવસે એટલે કે ઘટના બન્યાનાં સાડા ત્રણ વર્ષ બાદ આરોપીઓને ફાંસીની સજા સાથે પીડિત પરિવારને બે લાખનું વળતર આપવાનો ચુકાદો આપ્યો હતો.

આ ઘટના કપડવંજના નિરમાલી ગામની સીમામાં બની હતી.

મોટીઝેર ગામનાં એક મહિલા જે ત્રણ સંતાનોનાં માતા હતાં તેમની સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરી દેવાઈ હતી.

આ ઘટનામાં ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી મૃતક મહિલાનો સગો ભત્રીજો હતો અને તેણે કાકી પર બળાત્કાર કરી તેમની હત્યામાં મદદ કરી હતી.

કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 366, 376(ડી), 302, 201 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે ત્રણેય આરોપીઓને પકડ્યા હતા.

*આ અહેવાલમાં કેટલીક વિગતો વિચલિત કરનારી છે.

ઘટના શું છે?

ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના નિરમાલી ગામનાં રહેવાસી કલ્પના(નામ બદલ્યું છે)નાં લગ્ન મોટીઝેર ગામના રહેવાસી સચીન (નામ બદલ્યું છે) સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયાં હતાં.

આ દંપતી મજૂરીકામ કરી પોતાના પરિવારનું જીવનનિર્વાહ કરતું હતું. આ દંપતિને બે પુત્રો અને એક પુત્રી થયાં પરંતુ એક ઘટનાએ સમગ્ર પરિવારને વેરવિખેર કરી નાખ્યો હતો.

કોર્ટના ચુકાદામાં જણાવ્યા અનુસાર : '28 ઑક્ટોબર 2018ના દિવસે સાંજે છથી 6.30 વાગ્યા દરમિયાન કલ્પનાને તેમના જ ગામના રહેવાસી લાલા અને જયંતી બબા મોટી ઝેર ચોકડીથી મોટર સાયકલ પર અપહરણ કરીને લઈ ગયા હતા.'

'આ લોકો કલ્પનાનું અપહરણ કરી નિરમાલી ગામની સીમા તરફ જઈ રહ્યા હતા તે સમયે તેમનો ભત્રીજો તેમને જોઈ ગયો હતો. તેણે આ બંને શખસોને બૂમ પાડી ઊભા રહેવા કહ્યું હતું પણ બંને નિરમાલી ગામની સીમ તરફ ભાગી ગયા હતા.'

'પીડિત મહિલાનો ભત્રીજો પણ નિરમાલીની સરહદ તરફ તેમનો પીછો કરતાં-કરતાં પાછળ ગયો હતો.'

'અહીં તેણે એક ખેતર નજીક જયંતિનું મોટર સાયકલ પડેલું જોયું હતું. તેની એકદમ નજીક લાલા ઊભા હતા. ભત્રીજાએ કલ્પના વિશે પૂછપરછ કરી હતી તે સમય દરમિયાન ખેતરની બાજુએથી આવીને જયંતિએ કલ્પનાના ભત્રીજાને કહ્યું હતું કે, ''ચાલ તારી કાકી બતાવું'' અને ખેતરમાં લઈ ગયા હતા.'

'ખેતરમાં એક મહિલા નિર્વસ્ત્ર અવસ્થામાં બેભાન પડેલાં હતાં. ભત્રીજો પોતાનાં કાકીને ઓળખી ગયો હતો અને તેણે બંને આરોપીઓને પૂછ્યું હતું કે, તમે આ શું કર્યું?'

'ત્યાર બાદ પછી જયંતિએ ધમકી આપતા કહ્યું હતું કે, " અમે અમારું કામ પતાવી દીધું છે, હવે તું પણ તારું કામ પતાવી દે.'' અને ધમકી આપી હતી કે જો તેણે કહ્યા મુજબ ન કર્યું તો જાનથી મારી નાખશે"

'ભત્રીજાએ પછી પોતાનાં સગાં કાકી પર બળાત્કાર કર્યો હતો. આ ત્રણેય આરોપીઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ ભત્રીજા અને લાલાએ પીડિત મહિલાના હાથ પગ પકડી રાખ્યા હતા અને જયંતિએ કલ્પનાના ગળાના ભાગ ઉપર પગ મૂકી તેમની હત્યા કરી દીધી હતી.'

'આ ઘટના બાદ પુરાવાનો નાશ કરવા મહિલાના મૃતદેહને અન્ય ખેતરના ખાટલામાં નાખી દીધો હતો.'

પોલીસ તપાસ

આ સમગ્ર ઘટના અંગે મૃતક મહિલાના ભાઈએ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે શંકાના આધારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાનો ગૂનો કબૂલી લીધો હતો.

આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં ફિંગરપ્રિન્ટ, ડીએનએના નમૂના સહિતના દસ્તાવેજી અને ફૉરેન્સિક તથ્યો કોર્ટમાં કેસ સાબિત કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા હતા.

26 લોકોની જુબાની અને 45થી વધુ પુરાવા

સામૂહિક બળાત્કાર અને હત્યાના આ કેસમાં અદાલતમાં 26 લોકોની જુબાની અને 45થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કેસ કપડવંજ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.

સરકારી વકીલ દ્વારા 26 લોકોની જુબાની રજૂ કરાઈ હતી. 45થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.

આ તમામ પુરાવાના આધારે ત્રણ આરોપીને ફાંસીની સજા થઈ હતી.

કપડવંજ સેશન્સ કોર્ટના સરકારી વકીલ મનીષ પટેલે જણાવ્યું હતું કે, " આ કેસને નામદાર જજ વી.પી. અગ્રવાલે રૅરેસ્ટ ઑફ ધ રૅર ગણી ત્રણેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. આ સમગ્ર ઘટના ગૅંગરેપ અને ક્રૂરતાપૂર્વક હત્યાનો કેસ હતો. મહિલાને માથાથી લઈને પગ સુધી ઈજા હતી. "

"મહિલાને ગુપ્તાંગ સહિત શરીરના વિવિધ ભાગમાં 50થી વધુ ઈજાઓ હતી. મહિલાની ઘાતકી હત્યા બાદ પુરાવાનો નાશ કરાયો હતો. "

"ફૉરેન્સિકની ટીમ દ્વારા જે પુરાવા એકઠા કરાયા હતા તે આરોપીઓના લોહીના નમૂના સાથે મેળ ખાતા હતા. 26 સાક્ષીઓના કલમ 164 મુજબ નિવેદનો લેવાયાં હતાં. 45થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ જે અંગેની અમારી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે."

આરોપીઓને કયા ગુનામાં શું સજા જાહેર કરાઈ ?

સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને IPC 302 હેઠળ ફાંસીની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદ જાહેર કરી છે.

IPC 201 હેઠળ ત્રણ વર્ષની સખત કેદ, IPC 366 હેઠળ પાંચ વર્ષની કેદ, IPC 376 (D) હેઠળ આજીવન કારાવાસની સજા જાહેર કરી હતી.

હાઇકોર્ટ ફાંસીની સજાને બહાલી ન આવે ત્યાં સુધી આરોપીઓને જેલમાં રાખવાનો આદેશ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો