રોજ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખરેખર સારું હોય? દૂધમાં ખાંડ નાખવી જોઈએ કે નહીં?

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી તમિલ

તમે અત્યાર સુધી દૂધને લગતી ઘણી જાહેરાતો જોઈ હશે. જેમ કે, “અમારી કંપનીના બિસ્કિટમાં દૂધની માત્રા વધારે છે, જો તમે અમારી કંપનની વસ્તુ દૂધ સાથે લેશો તો તમારાં બાળકો ધારી સફળતા મેળવી શકશે.”

ભારત વિશ્વમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે વર્ષ 2022-23માં ભારતમાં દૂધનું કુલ ઉત્પાદન 230.58 મિલિયન ટન હોવાનું અનુમાન છે.

ભારતીય સમાજમાં એ વિચાર સર્વવ્યાપક છે કે ગાયનું દૂધ માનવશરીર માટે સ્વાસ્થયવર્ધક છે.

એક નિશ્ચિત ઉંમર પછી મનુષ્ય સિવાય કોઈ પણ પ્રાણી દૂધ નથી પીતું, ખાસ કરીને બીજા પ્રાણીનું દૂધ.

શું દૂધ એવું પીણું છે, જેને કોઈ પણ વ્યક્તિ દરરોજ પી શકે છે? દૂધમાં કયાં પોષકતત્ત્વો છે? રોજ કેટલું દૂધ પી શકાય? કોણે દૂધ ન પીવું જોઈએ? આ અહેવાલમાં આપણે આવા સવાલોના જવાબ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું.

શું માસાહારી લોકો માટે દૂધ જરૂરી છે?

બાળરોગોના નિષ્ણાત અને ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ અરુણકુમારે દૂધમાં પ્રોટીન અને કૅલ્શિયમ જેવાં જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર પીણું છે. જોકે, જે લોકો પ્રમાણમાં નૉન-વેજનું સેવન કરે છે, તે પોતાના આહારમાં દૂધ સામેલ ન કરે તો કોઈ સમસ્યા નથી.

ડૉ. અરુણકુમારે કહ્યું, “નવપાષાણ યુગ દરમિયાન મનુષ્યોમાં અનેક પ્રકારનાં પોષકતત્ત્વોની ઊણપ હતી. આ ઊણપને પૂરી કરવા માટે તે સમયે લોકો પ્રાણીને પાળતા અને તેમના દૂધનુ સેવન કરતા. આ ટેવ દસ હજાર વર્ષથી સમાજમાં છે. તેની ઉત્પત્તિનું કારણ એ હતું કે એ સમયે માત્ર અનાજ પર નિર્ભર રહેવું અસંભવ હતું.”

“જોકે, જે લોકો માત્ર શાકાહારી ભોજન લે છે તેમણે પોતાના આહારમાં નિશ્ચિત પ્રમાણમાં દૂધ ચોક્કસપણે લેવું જોઈએ. જો તમે પૂછો કે શું દરેક વ્યક્તિએ દૂધ પીવું જોઈએ તો જવાબ છે ના. કારણ કે દૂધમાં લેક્ટોઝ હોય છે, જેને પચાવવા માટે આપણાં આંતરડામાં લેક્ટસ નામના એન્ઝાઇમની હોવું જરૂરી છે. જો એ ન હોય તો સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.”

દૂધમાં કયાં પોષકતત્ત્વો છે?

દૂધમાં રહેલાં પોષકતત્ત્વો વિશે ડૉક્ટર અરુણકુમારે કહ્યું કે સામાન્ય રીતે લોકો ગાય અને ભેંસનું દૂધ પીએ છે. જો કૅલરીની વાત કરીએ તો ગાયના 100 ગ્રામ દૂધમાં 67 કૅલરી હોય છે, જ્યારે ભેંસના 100 ગ્રામ દૂધમાં 117 કૅલરી હોય છે. આ કારણે જ જો તમે રોજ ભેંસના દૂધનું દરરોજ સેવન કરો તો વજન વધી શકે છે.

“ગાયના દૂધમાં 100 ગ્રામ 120 કેલ્શિયમ હોય છે, જ્યારે ભેંસના દૂધમાં તેનું પ્રમાણ 210 છે. જો પ્રોટીનની વાત કરીએ તો ગાયના દૂધમાં 3.2 ટકા અને ભેંસના દૂધમાં 4.3 ટકા પ્રોટીન હોય છે. જોકે, આ કેશિયન પ્રોટીન છે, એટલે કે આ પ્રોટીનને પચાવી ન શકાય. એટલે જેનાં આંતરડાંમાં લેક્ટસ ઍન્ઝાઇમ ન હોય તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે.”

જો ફૅટની વાત કરીઓ તો ગાયના દૂધમાં તેનું પ્રમાણ 4.1 ટકા હોય છે, જ્યારે ભેંસના દૂધમાં આ પ્રમાણ 6.5 ટકા છે. આમ, ભેંસના દૂધમાં પોષકતત્ત્વોનું પ્રમાણ વધુ છે.

દૂધ કોણે ન પીવું જોઈએ?

ડૉક્ટર અરુણકુમારે કહ્યું કે શરૂઆતનાં વર્ષોમાં લેક્ટસ ઍન્ઝાઇમ માત્ર સ્તનપાન કરતાં બાળકોમાં જ હાજર હતું. જોકે, મનુષ્યની રોજ દૂધ પીવાની ટેવને કારણે સમય સાથે માનવશરીરની રચનામાં ફેરફાર થયો. આમ, દૂધ એ કુદરતી રીતે પુખ્ત વયના લોકોનું પીણું ન હતું.

“દૂધનો સીધો સંબંધ અપચાની સમસ્યા સાથે છે. કેટલાક લોકો સામાન્ય રીતે રોજનું એક લીટર દૂધ પીએ છે. જોકે, જે લોકો લેક્ટોઝથી ઍલર્જી છે તેમણે દૂધના અડધા ગ્લાસથી પણ ગૅસ, ઝાડા અને છાતીમાં બળતરાની સમસ્યાઓ થઈ શકે છે. આ લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ.”

ડૉક્ટરે કહ્યું કે ગાયના દૂધમાં ઘણાં પોષકતત્ત્વો હોય છે. બાળકોને ગાયનું દૂધ આપવાથી તેમનું વજન પણ વધે છે, પરંતુ બાળકોને માત્ર ગાયનું દૂઘ જ આપવું એ યોગ્ય નથી. કેટલાંક બાળકો ગાયનું દૂધ પીધા પછી બીજો કોઈ ખોરાક લેતાં નથી. આવું કરવું હાનિકારક છે, કારણ કે ગાયના દૂધમાં આયર્નનું પ્રમાણ અત્યંત ઓછું છે.

અરુણકુમારે કહ્યું કે જો કોઈ બાળક દરરોજ 13 લીટર દૂધ પીએ તો તેમની દરરોજની આયર્નની જરૂરિયાત પૂરી થઈ શકે છે. જોકે, દરરોજ 13 લીટર દૂધ પીવું શક્ય નથી. માત્ર એટલું જ નહીં દૂધમાં વધુ પડતું કૅલ્શિયમ આયર્નનું પ્રમાણ ઘટાડશે, તેનાથી એનીમિયા થશે.

“એક વર્ષથી નાની ઉંમરના બાળક માટે માતાના દૂધથી વધારે સારો કોઈ આહાર નથી. જોકે, કેટલાંક બાળકોને જન્મના ચાર મહિના પછી જ ગાયનું દૂધ આપવામાં આવે છે. આ કારણે પ્રોટીનને લગતી ઍલર્જી અને રક્તસ્રાવ થઈ શકે છે. ડિહાઇડ્રેશનને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. બે વર્ષથી મોટી ઉંમરનાં બાળકો જ ગાયનું દૂધ પચાવી શકે છે.”

દરરોજ કેટલું દૂધ પીવું જોઈએ?

અમુક વર્ષ પહેલાં ક્રિકેટર ધોનીનું પસંદગીનું પીણું દૂધ હતું. એવું કહેવાતું કે તેઓ હેલિકૉપ્ટર શોટ સરળતાથી મારી શકે છે, કારણ કે તેઓ દરરોજ ચાર લીટર દૂધ પીએ છે. જોકે, એક ઇન્ટરવ્યૂમાં આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તેઓ એક દિવસમાં એક લીટર દૂધ જ પીએ છે.

ન્યુટ્રિશયનિસ્ટ ધારીણી ક્રિષ્નને કહ્યું, “દરેક વ્યક્તિ ધોનીની જેમ રોજ એક લીટર દૂધ નથી પી શકતી. તેઓ ઘણી કસરત કરતા હોઈ આ વાત તેમના માટે ઠીક છે, પરંતુ કોઈ પણ સામાન્ય વ્ચક્તિ માટે 400 મીલીલિટર દૂધ કે 400 ગ્રામ દહીં યોગ્ય છે.”

હોમિયોપથી ડૉક્ટર સરવણાકુમારે કહ્યું કે, “આજકાલ કેટલાય પરિવારોમાં અઠવાડીયામાં એક કે બે વખત જ નૉન-વેજ ખવાય છે. તેમના માટે દરરોજ દૂધનું સેવન કરવું લાભદાયક છે. જોકે, પુખ્તવયના લોકોને દૂધને લગતા અપચાની સમસ્યાઓ થતી હોય તો તેઓ 400 મીલીલિટર છાશ લઈ શકે છે.”

શું દૂધમાં ખાંડ નાખીને પી શકાય?

હોમિયોપથી ડૉક્ટર સરવણાકુમારે આગળ વાત કરતાં કહ્યું કે દરરોજ 400 મીલીલિટર દૂધ પીવું હિતાવહ છે. 200 મીલી સવારે અને 200 મીલી સાંજે, પરંતુ લોકોએ દૂધમાં ખાંડ ન નાખવી જોઈએ. કારણ કે દૂધમાં પૂરતા પ્રમાણમાં કૅલરી છે અને ઘણાં વર્ષોથી દૂધમાં ખાંડ ભેળવીને પીવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

“ઉદાહરણ તરીકે જો આપણે એક ચમચી ખાંડ નાખીને રોજ બે વખત દૂધ લઈએ તો રોજની 40 ગ્રામ ખાંડનુ સેવન કર્યું કહેવાય. જો આપણે એક મહિનાની ગણતરી કરીએ તો આ રીતે આપણે મહિનાની એક કિલોગ્રામ કરતાં વધુ ખાંડનુ સેવન કરી લઈશું. હવે, વિચારો કે આપણે આ બાળપણથી કરી રહ્યા છીએ. ખાંડ ભેળવ્યા વગરનું દૂધ પીવું એ સ્વાસ્થય માટે લાભદાયક છે.”

સરવણાકુમારે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિને અલ્સર કે લેક્ટોઝની સમસ્યા હોય તો તેમણે દૂધનું સેવન ન કરવુ જોઈએ. જો તમને અપચાની સમસ્યા હોય તો પણ તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ. જો દૂધ ન પીતા હોય તો કૅલ્શિયમ માટે તમે મટન સૂપ કે ઈંડાં લઈ શકો છો. આ ઉપરાંત ઘી, બટર, સીંગદાણા પણ કૅલ્શિયમયુક્ત ખોરાક છે.

એ1 કે એ2, ક્યું દૂધ સારું?

અમે ડૉક્ટર અરુણકુમારને પૂછ્યું કે શું એ વાત સાચી છે કે દેશી ગાયના એ2 દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.

આ વિશે અરુણકુમારે કહ્યું, “આ વિશે વિશ્વભરમાં સંશોધનો થયાં છે. દૂધની કેટલીક પ્રોટીન સંરચનાઓમાં તફાવત છે. જોકે, એ વાતના કોઈ નક્કર પુરાવા નથી કે એ1 દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકરક છે. આપણી 98 ટકા દેશી ગાયો એ2 દૂધનું ઉત્પાદન કરે છે. ભેંસનું દૂધ 100 ટકા એ2 હોય છે. વિદેશમાં માત્ર અમુક જ ગાયો એ1 દૂધ આપે છે.”

જ્યારે ન્યુટ્રિશનિસ્ટ ધારિની કૃષ્ણનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "એ1 દૂધ અથવા એ2 દૂધ પર કોઈ સંશોધન કરવાની જરૂર નથી. સારી રીતે ઉકાળેલું દૂધ પીવું એ પૂરતું છે."