પીઠના દુખાવા માટે યોગ્ય સારવાર કઈ? કમરપટ્ટો બાંધવાથી કોઈ ફરક પડે?

    • લેેખક, આન્દ્રે બૅર્નથ
    • પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝીલ

પીઠનો દુખાવો એ થવો ઘણા લોકોમાં જોવા મળતી એક સામાન્ય ફરિયાદ છે. આ પ્રકારનો દુખાવો તમારા રોજબરોજના જીવનને પણ અનેક રીતે પ્રભાવિત કરે છે.

જો તમને અત્યાર સુધી પીઠનો દુખાવો થયો નથી તો એવી સંભાવના છે કે કોઈ એક દિવસ તમને થઈ શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે, પીઠનો દુખાવો એ ઘણા પ્રકારની વિકલાંગતાનું કારણ બને છે. આ દુખાવો રોજબરોજની ક્રિયા સાથે જોડાયેલો છે.

2020ના ડેટા પ્રમાણે દર તેરમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. જો 1990ના આંકડાઓ સાથે સરખામણી કરવામાં આવે તો આ સમસ્યામાં 60 ટકા જેટલો વધારો થયો છે.

2020માં 61.9 કરોડ લોકો આ સમસ્યાથી પીડાતા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે આ આંકડો હજુ પણ વધશે. તેના અનુસાર આ સમસ્યા સમાજની સમસ્યા છે.

તેમણે પીઠના નીચેના ભાગે થતા દુખાવા (લોઅર બૅક પેઇન)ને લઈને પહેલી વાર એક ગાઇડલાઇન પણ બહાર પાડી હતી.

વિશ્વભરના ઘણા વિશેષજ્ઞોએ આ ગાઇડલાઇનને આવકારી હતી. પરંતુ પીઠના દુખાવાની સારવાર માટે હકીકતમાં શું જરૂરી છે? વિશેષજ્ઞોએ સારવારમાં શું અસરકારક નીવડે છે અને શું નથી નીવડતું તે અંગે એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને અહેવાલ પ્રગટ કર્યો છે.

પીઠના દુખાવાની અસરકારક સારવાર શું?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, નીચેની સારવારે પીઠના દુખાવા માટે હકારાત્મક પરિણામો આપ્યાં છે.

  • અસરકારક કાઉન્સેલિંગ
  • તજજ્ઞ દ્વારા નક્કી કરેલી કસરતો
  • ઍક્યુપંક્ચર અને નીડલ થૅરપી
  • સ્પાઈનલ મેનુપુલેટિવ થૅરપી (મસાજનો એક પ્રકાર)
  • મસાજ
  • બિહેવિયર થૅરપી
  • કૉગ્નિટિલ બિહેવિયરલ થૅરપી(સાયકૉથૅરપીનો એક પ્રકાર)
  • સામાન્ય એન્ટિ-ઇન્ફ્લેમેટરી સારવાર (ઉ.દા. ડાયક્લોફેનેક)
  • શરીર પર લગાડવામાં આવતો મલમ
  • બાયોફિઝિકલ કેર

કઈ સારવાર કામ આપતી નથી?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશેષજ્ઞો સૂચવે છે કે નીચેની સારવાર પીઠના દુખાવામાં કામ આપતી નથી.

  • ટ્રેક્શન (ડીવાઈસ અને તકનીકો જેની મદદથી કરોડરજ્જુ પરનું પ્રેશર ઓછું કરાય છે)
  • અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટ
  • ટ્રાન્સ્ક્યુટેનસ ઈલેક્ટ્રિકલ ન્યૂરોસ્ટિમ્યુલેશન (ટેન્સ)
  • કમર પર બાંધવાના પટ્ટા
  • હાડપિંજરના સ્નાયુઓને આરામ આપનાર દવાઓ
  • કોર્ટીકોસ્ટેરોઇડ વર્ગની દવાઓ
  • એવા એનેસ્થેટિક્સ જેને શરીરમાં દાખલ કરી શકાય
  • આયુર્વેદિક દવાઓ
  • સ્થૂળતા ઓછી કરવાની દવાઓ

નિયત અભ્યાસ અને સંશોધન વગર થતી સારવાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એ પણ નોંધ્યું છે કે અમુક સારવારમાં તે નક્કી કરવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે પીઠનો દુખાવો ઘટાડવામાં સારી રીતે કામ આપે છે કે કેમ.

નિષ્ણાતો કહે છે કે તેને યોગ્ય સારવાર ગણવા માટે વધુ સંશોધનની જરૂર છે. આ પ્રકારની સારવારમાં કોનો સમાવેશ થાય છે?

  • રીએક્ટિવ બિહેવિયર થૅરપી (એક પ્રકારની મનોરોગ ચિકિત્સા)
  • કૉગ્નિટિવ થૅરપી (એક પ્રકારની મનોરોગ ચિકિત્સા)
  • માઇન્ડફુલનેસ, તણાવ ઘટાડવાની તકનીકો
  • પેરાસિટામોલ
  • બેન્ઝોડિએઝેપિન દવાઓનો વર્ગ
  • કેનાબીસ આધારિત પદ્ધતિઓ
  • આર્નિકા આધારિત પદ્ધતિઓ
  • આદુ/આયુર્વેદિક દવા
  • વ્હાઈટ લીલી આધારિત તકનીકો
  • ચોક્ક્સ દવાઓ વગર વજન નિયંત્રણ કરવું

નિદાનથી શરૂઆત કરવી

બ્રાઝીલિયન સોસાયટી ઑફ રૂમેટોલૉજીના પ્રમુખ ડૉ. માર્કો ઍન્ટોનિયો અરાઉજો રોચા લારેસ કહે છે, “પીઠના દુખાવાનાં અનેક કારણો હોય છે. ઘણી વખત તમારું પૉસ્ચર પણ ભાગ ભજવતું હોય છે તો ઘણી વાર અમુક સાઇકૉલૉજિકલ પરિબળો પણ ભાગ ભજવતાં હોય છે.”

તેમનું કહેવું છે કે પીઠનો દુખાવો ઘણી વાર કૅન્સરના ફેલાવાની પણ નિશાની હોય છે. ઘણી વાર કૅન્સરના કોષો હાડકાં અથવા કરોડરજ્જુમાં ફેલાઈને ગોઠવાઈ જતા હોય છે.

જો થોડા સમયમાં આ દુખાવો ન મટે તો ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

હાડકાં અને કરોડરજ્જુના સર્જન લુસિઆનો મિલર કહે છે, “જો ડૉક્ટરે કરેલી પ્રાથમિક તપાસ અનુસાર કોઈ શંકા લાગે તો સીટી સ્કેન અને એમઆરઆઈ પણ કરાવી લેવો જોઈએ.”

તેઓ કહે છે, “જો બે-ત્રણ મહિના પછી પણ આ દુખાવો ઓછો ન થાય, પગમાં નબળાઈ જોવા મળે, વજનમાં ઘટાડો જોવા મળે તો એ ગંભીર ચેતવણી છે.”

નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનથી પીઠના દુખાવા માટે સારવારને પ્રમાણિત કરવામાં મદદ મળી છે તેમ છતાં પણ દરેક દર્દીએ તેમની વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર સારવાર કરવાની જરૂર છે.

જો પીઠનો દુખાવો ઇમોશનલ ફેક્ટર્સ સાથે સંકળાયેલો હોય તો વ્યક્તિનું માનસિક મૂલ્યાંકન અને એન્ટીડીપ્રેસન્ટ દવાઓ લેવી જરૂરી હોઈ શકે છે.

જોકે, ડૉક્ટરો ભારપૂર્વક કહે છે કે પીઠના દુખાવામાં રાહત માટે કોઈ જાદુઈ ફૉર્મ્યૂલા નથી. દવાઓ થોડી રાહત આપી શકે છે. પરંતુ તેમણે કહ્યું હતું કે જો તમે તમારી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર કરશો તો તમને સારાં પરિણામો મળશે.

મિલર કહે છે, "લોકો ઘણી વાર બેઠાડુ જીવનશૈલી, તણાવ, ધૂમ્રપાન વગેરેને કારણે થતી પીડાઓને લઈને પણ ડૉક્ટર પાસે જાય છે. આપણે માત્ર પીડાની સારવાર કરવાને બદલે નિવારણ વિશે વિચારવાની જરૂર છે. યોગ્ય મુદ્રામાં બેસવું, તંદુરસ્ત આહાર લેવો, દરરોજ વ્યાયામ, સ્ટ્રેચિંગ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."