ગુજરાત : પાન, માવા અને બીડીથી થતી એ ત્રણ બીમારીઓ જે લાખોનો ભોગ લે છે

    • લેેખક, રુચિતા પુરબિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

માવા, મસાલા, ખૈની, સિગારેટ, બીડીનાં પૅકેટ પર ચેતવણી હોય છે કે તેનું સેવન આરોગ્ય માટે ખતરનાક છે પણ તમાકુનું વિવિધ રીતે સેવન કરનારાઓની કોઈ કમી નથી.

તમાકુનું સેવન કૅન્સરનું કારણ બની શકે છે, અને આ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે એ દર્શાવતા આંકડા પણ છે.

ભારતમાં 2020માં દેશમાં નિદાન થયેલાં કૅન્સરના કેસમાં તમાકુ સંબંધિત કૅન્સરનો હિસ્સો 27 ટકા હતો આ આંકડા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચમાં સામે આવ્યા હતા.

પાન (તમાકુ સહિત), બીડી, માવો-મસાલા, ગુટકા- આ બધાં તમાકુની શ્રેણીમાં આવે છે.

ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ છે. ભારતમાં તમાકુનાં વિવિધ ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવે મળી રહેતાં હોય છે.

ભારતની વાત કરીએ તો દેશમાં ગુજરાત ઉત્પાદન અને ઉત્પાદકમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતમાં બીડીની વાત કરીએ તો અહીં લાલ અને કાળું ચોપડિયા, ગડાકુ, (હુક્કામાં ભરીને પીવાતી તમાકુ), અને રસ્ટિકા તમાકુ 1.92 લાખ હેક્ટર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે.

ગ્લોબલ એડલ્ટ ટોબેકો સરવે ઇન્ડિયા, 2016-17ના રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 26.7 કરોડ પુખ્ત વયના (કે તેથી વધુ) અને (તમામ વયસ્કોના 29 ટકા) તમાકુના વપરાશકારો છે.

આ સરવે ભારત સરકાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

ગ્લોબલ એડલ્ટ સર્વે ઇન્ડિયાના એક અહેવાલમાં 2009-10માં એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ભારતના 35 ટકા પુખ્ત લોકો એક અથવા બીજી રીતે તમાકુનું સેવન કરે છે. તેમાંથી 21 ટકા પુખ્ત વયના લોકો માત્ર ધૂમ્રપાનરહિત તમાકુનો ઉપયોગ કરે છે, 9 ટકા માત્ર ધૂમ્રપાન કરે છે અને 5 ટકા બંનેનો ઉપયોગ કરે છે.

ડૉક્ટર ખ્યાતિ વસાવડા ઑન્કોલૉજિસ્ટ સર્જન છે અને રાજકોટ કૅન્સર સોસાયટીનાં મેડિકલ ડિરેક્ટર છે. તેઓ કહે છે કે, આ 35% ખૂબ ઓછી નોંધાયેલી સંખ્યા છે. તમાકુનું સેવન કરનારા લોકોની વાસ્તવિક ટકાવારી તેના કરતાં ઘણી વધારે હશે.

તમાકુ એ ઘણી બધી ક્રૉનિક બીમારીઓનું કારણ માનવામાં આવે છે, જેવી કે કૅન્સર, ફેફસાંના રોગો, હૃદય સંબંધિત રોગ અને સ્ટ્રૉક વગેરે. ભારતમાં થતાં મૃત્યુનાં કારણોમાં તમાકુ પણ મુખ્ય કારણોમાં એક છે અને ભારતમાં દર વર્ષે લગભગ 13.5 લાખ મૃત્યુ તમાકુના સેવનથી થતી સમસ્યાઓને કારણે થાય છે.

તમાકુનું બે રીતે સેવન થાય છે: એક ધૂમ્રપાનયુક્ત અને બીજું ધૂમ્રપાનરહિત તમાકુ. ભારતમાં તમાકુના ઉપયોગનું સૌથી પ્રચલિત સ્વરૂપ ધૂમ્રપાનરહિત તમાકુ છે અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનોમાં ખૈની, ગુટખા, તમાકુ અને જર્દા સાથે સોપારીનો સમાવેશ થાય છે.

તો બીડી, સિગારેટ અને હુક્કાનો ઉપયોગ કરવામાં આવતા તમાકુનાં ધૂમ્રપાનયુક્ત સ્વરૂપો છે.

તમાકુ કેવી રીતે શરીરનાં અંગોને નુકસાન પહોંચાડે છે?

તમાકુમાં નિકોટીન હોય છે, તેનું સેવન કરવાથી માણસને તેની વારેવારે જરૂર પડે છે અને સમય જતાં એ વ્યસન બની જાય છે.

મોટા ભાગના ધૂમ્રપાનરહિત તમાકુના વપરાશકારો તેને ગાલમાં અથવા પેઢાં અને ગાલની વચ્ચે રાખે છે.

બીડી-સિગારેટના સેવન સમયે તમાકુ બળે અને શ્વાસ વાટે લેવામાં આવે છે. આ દરમિયાન નિકોટીન ધીમે ધીમે લોહીના પ્રવાહમાં ભળે છે.

જોકે આ પ્રક્રિયાથી જંતુઓ પણ શરીરમાં પ્રવેશતા હોય છે અને તે સંભવિતપણે ફેફસાંમાં બળતરા તેમજ ચેપ પણ પેદા કરે છે.

ઘણા વપરાશકર્તાઓને ધૂમ્રપાનરહિત તમાકુને કારણે પેઢાના રોગ અને અન્ય મૌખિક સ્વાસ્થ્યને લગતી સમસ્યા થાય છે, આનાથી બૅક્ટેરિયા સરળતાથી લોહીના પ્રવાહમાં પ્રવેશી જાય છે.

પાન, માવા, બીડીની આરોગ્ય પર કેવી ગંભીર અસર થાય?

તમાકુના સેવનથી શરીરના લગભગ દરેક અવયવો પર નકારાત્મક સ્વાસ્થ્ય અસરો થતી હોય છે, જેના પરિણામે શરીરમાં બીમારી આવી શકે છે અને કેટલાક કિસ્સામાં મૃત્યુનું કારણ પણ બની શકે છે.

નિષ્ણાતો અનુસાર સામાન્ય રીતે, તમાકુના સેવનથી મુખ્યત્વે ત્રણ બીમારી થવાની શકયતા હોય છે:

  • કૅન્સર
  • શ્વસન રોગો અને
  • હૃદય રોગો

તમાકુથી થતા નુકસાન અંગે બીબીસીએ પલ્મોનૉલૉજિસ્ટ ડૉક્ટર પાર્થિવ મહેતા સાથે વિગતવાર વાત કરી.

તેઓ કહે છે કે, "તમાકુ શરીરનાં દરેક અંગને નુકસાન પહોંચાડે છે. પરંતુ તમાકુના સેવનથી મુખ્યત્વે બે રોગ થાય છે, એક છે કૅન્સર અને બીજું છે ફેફસાંના રોગ. તમાકુના સેવનથી સૌથી વધારે માથાનું અને ગરદનનું કૅન્સર થાય છે. તમાકુ મોઢાથી માંડીને આંતરડાનાં અંગોને કૅન્સર કરી શકે છે."

વિશ્વભરમાં માથાં અને ગરદનના કૅન્સરના 57.5 ટકા કેસ ભારતમાં જોવા મળે છે. જ્યારે ભારતમાં માથું અને ગરદનના કૅન્સરનું પ્રમાણ 30 ટકા જોવા મળે છે. માથાં અને ગરદનના કૅન્સરના પ્રાથમિક તારણમાં તમાકુનું સેવન મુખ્ય કારણ ગણાવાયું છે.

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી આ વિશે વિગતવાર વાત કરતા કહે છે કે, "કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ધૂમ્રપાનરહિત તમાકુ અથવા તમાકુ કે જે ચાવવામાં આવે છે જેમ કે ગુટખા, મિશ્રી, ગુડાકુ, ખૈની વગેરેથી મોઢાના કૅન્સરનું જોખમ વધી શકે છે. તે સ્વાદુપિંડનું કૅન્સર, ગળાના કૅન્સર માટે પણ સંવેદનશીલ છે. તેમજ અભ્યાસ સૂચવે છે કે તમાકુ લેવાથી કિડનીમાં પણ કૅન્સરનું જોખમ ત્રણથી-ચાર ગણું વધી જાય છે."

પાન, બીડી, મસાલામાં શું હોય છે?

અભ્યાસ એ પણ સૂચવે છે કે તમાકુ હૃદય અને રક્તવાહિનીઓનું જોખમ વધારે છે.

ડૉક્ટર મહેતા કહે છે કે, "તેનાથી મગજના જ્ઞાનતંતુઓ નબળા થાય છે અને હાઈ-બ્લડપ્રેશર થાય છે. નિકોટી

નની લાંબા ગાળાની અસરથી સ્ટ્રૉક અને હાર્ટ ઍટેક પણ આવે છે."

જો તમાકુની અસરોને ધ્યાને લઈએ તો ડૉક્ટર મહેતા કહે છે કે, "પહેલાં લોકો 40 વર્ષની ઉંમર પછી સીઓપીડી, એટલે કે શ્વસન અને ફેફસાંને લગતા રોગોનો ભોગ બનતા હતા પરંતુ આજકાલ 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ સીઓપીડી જેવા રોગોથી પીડાઈ રહ્યા છે."

ડૉક્ટર ગઢવી કહે છે કે તમાકુના સેવનથી જઠરને લગતા રોગો થઈ શકે છે અને બ્રૉન્કાઇટિસ અને ફેફસાંની કામગીરી બગડી શકે છે.

આના સિવાય તમાકુના સેવનકારોમાં દાંતમાં બળતરા, રક્તસ્રાવ અને દાંત પડી જવાનું જોખમ પણ વધે છે. તમાકુનું નિયમિત સેવન હાઇપરટેન્શન અને સ્ટ્રૉકનું જોખમ વધારે છે.

ડૉક્ટર મહેતા કહે છે કે, "જોકે મહિલાઓમાં તમાકુનું વ્યસન પ્રમાણમાં ઓછું હોય છે, પરંતુ જો તેઓ કરે તો તેમને ભવિષ્યમાં પ્રજનન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જેમ કે અકાળે બાળકનો જન્મ, એનિમિયા, ગર્ભના નુકસાનનું જોખમ, ઓછાં વજનવાળાં બાળકો જન્મવાં, વગેરે."

ભારતીય પુરુષો પરનો એક અભ્યાસ જણાવે છે કે તમાકુના સેવનથી શુક્રાણુઓની ગુણવત્તા અને સંખ્યામાં ઘટાડો થાય છે.

ડૉક્ટર મહેતા કહે છે, "માનસિક અને શારીરિક સ્વસ્થતા ઉપરાંત લાંબા ગાળે આવાં વ્યસનોથી વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે. પહેલા વ્યક્તિ વ્યસનમાં 2-3 લાખ રૂપિયા ખર્ચી દે છે અને પછી તેનાથી થતા રોગોની સારવારમાં ખરચવા પડે છે."

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ઍન્ડ ફેમિલીના અહેવાલ મુજબ, તમાકુમાં હાનિકારક પદાર્થો હોય છે, તેમાં સુગંધ અથવા સ્વાદ હોઈ શકે છે જેના માટે કેટલાંક તત્ત્વો વપરાય છે, જેમ કે ગુલ, મિશ્રી, ચૂનો, ખૈની, જર્દા, મરાસ, નસવાર, સોપારી, ગુટખા કે માવો.

તમાકુવાળા પાનમાં સામાન્ય રીતે સોપારી અને ચૂનો હોય છે.

ગુજરાતમાં તમાકુનું ચલણ

નેશનલ મેડિકલ જર્નલ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર 2009-10માં કરવામાં આવેલા એક સરવેને ટાંકવામાં આવ્યો છે જે મુજબ ગુજરાતમાં પુખ્ત વયના લોકોમાં ચાવી શકાય તેવી તમાકુનો ઉપયોગ 21.6 ટકા છે. તમાકુથી દર 6 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધુમાડારહિત તમાકુનો ઉપયોગ શહેરી વિસ્તારોમાં 14 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 32 ટકા છે.

જામનગરના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિને તમાકુના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે ત્યારે જ તે આ વ્યસન છોડવાનો વિચાર કરે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા, ટાટા મેમોરિયલ હૉસ્પિટલ મુંબઈ અને ભારતીય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત પર એક ફેક્ટશિટ બનાવી છે. તે મુજબ, ગુજરાતમાં લોકો સરેરાશ 18 વર્ષની વયે તમાકુનું સેવન શરૂ કરે છે.