પૂરતો સૂર્યપ્રકાશ ન મળવાથી આપણા શરીરમાં શું થાય? કેટલા પ્રમાણમાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ?

કલ્પના કરો કે તમે એવી જગ્યાએ છો જ્યાં તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ નીચે હોય, મહિનાઓ સુધી સવાર ન પડે અને તમે છેલ્લે જ્યારે પ્રકાશ જોયો હોય એ વાતને પણ મહિનાઓ વીતી ગયા હોય.

ભારતમાં રહીને આવું વિચારવું પણ કંપારી છોડાવી દે તેવું છે. પરંતુ સ્વીડનના એક નાનકડા ગામ ઍબિસ્કોમાં કંઈક આ પ્રકારની જ પરિસ્થિતિ છે. સ્વીડનના ઉત્તરી ભાગમાં આવેલું આ ગામ આર્કટિક સર્કલથી લગભગ 200 કિલોમિટર ઉત્તરમાં આવેલું છે.

અહીંના લોકો માઇનસ ડિગ્રીમાં લાંબા સમય સુધી અંધારામાં રહે છે. જ્યાં સૂરજ મહિનાઓ સુધી નીકળતો નથી. ઍબિસ્કોમાં શિયાળો પણ લાંબો ચાલે છે.

અહીં ઑક્ટોબર મહિનાથી જ સૂરજ દેખાવાનું બંધ થઈ જાય છે. તે પછીના ચાર મહિના સુધી આવી જ હાલત રહે છે. પછી છેક ફેબ્રુઆરી મહિનામાં સૂરજ જોવા મળે છે.

પરંતુ અહીં રહેતા લોકોની જિંદગીમાં તેની ખૂબ અસર પડે છે. તેમના મૂડ અને તેમના એનર્જી લેવલ પર પણ અસર પડે છે. ઘરમાંથી બહાર નીકળવું ગમતું નથી.

સૂર્યપ્રકાશ ન દેખાવાથી આપણા શરીર પર શું અસર પડે?

‘બીબીસી રીલ્સ’ સાથે વાતચીત દરમિયાન તેનું કારણ દર્શાવતા સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં સ્લીપ રિસર્ચર અર્નો લૉડેન કહે છે કે મનુષ્ય એક એવું પ્રાણી છે જે ડાયૂરનલ છે.

આસાન ભાષામાં કહીએ તો તે દિવસે વધુ સક્રિય રહે છે અને રાત્રે ઊંઘી જાય છે.

તેઓ કહે છે, “આપણા શરીરની પોતાની એક બૉડી ક્લોક હોય છે. આપણા શરીરને બહારની દુનિયાના પ્રકાશના હિસાબથી ઍડજસ્ટ થવા માટે રોજ થોડા પ્રકાશની જરૂર પડે છે.”

મેલાટોનિન એક પ્રકારનો અંત:સ્ત્રાવ છે જેને અંધારાનો અંત:સ્રાવ કહેવામાં આવે છે. તેના કારણે આપણને ઊંઘ આવવા લાગે છે. સૂર્યની રોશની આપણા મગજને મેલાટોનિનના ઉત્પાદનને રોકવાનો સંદેશ આપે છે.

સંશોધક અર્નો લૉડેન કહે છે કે મેલાટોનિન સાંજે આઠ વાગે ઍક્ટિવ થાય છે અને અડધી રાત્રે લગભગ એક વાગ્યા દરમિયાન તેની ચરમસીમાએ હોય છે. સવાર પડતાં જ સૂરજની રોશનીથી આ અંત:સ્રાવ બનવાનું બંધ થઈ જાય છે અને આપણી ઊંઘ પૂરી થઈ જાય છે.

સૂર્યપ્રકાશ ન મળવાથી આપણા શરીરની ઇન્ટરનલ બૉડી-ક્લોકમાં ખલેલ પડે છે અને બહારની દુનિયા સાથે તાલમેલ બગડી જાય છે.

સૂર્યપ્રકાશ અને ડિપ્રેશન

'ધ લાઇટિંગ રિસર્ચ સેન્ટર'ના મારિયાના ફિગ્યુરો કહે છે કે ઘણા લોકો શિયાળામાં લાંબી રાતો અને ટૂંકા દિવસો સાથે સંતુલિત થઈ શકતા નથી.

તેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, “આ વિશે ઘણી થિયરીઓ આપવામાં આવે છે. આપણા શરીરને દિવસ દરમિયાન પૂરતી માત્રામાં સૂર્યપ્રકાશ મળતો નથી.”

તેના કારણે ઘણા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. કેટલાક લોકોમાં કાર્બોહાઈડ્રેટની અતિશય ઇચ્છા હોય છે અને તેના કારણે તેમનું વજન વધે છે. મારિયાના અનુસાર, તેને ‘સિઝનલ ઇફેક્ટિવ ડિસઑર્ડર’ અથવા ‘વિન્ટર બ્લૂઝ’ કહેવામાં આવે છે.

મૅક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં મૅન્ટલ હૅલ્થ વિભાગના ડાયરેક્ટર ડૉ. સમીર મલ્હોત્રા કહે છે કે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

બીબીસી હિન્દી માટે ફાતિમા ફરહીન સાથે વાત કરતા, ડૉ. મલ્હોત્રા કહે છે, "આપણા મગજની અંદર એક ભાગ છે જેને આપણે હાયપોથેલેમસ કહીએ છીએ. તે આપણા શરીરની અંદરની ઘડિયાળ છે જે આપણા શરીરના સમયની સાથે બહારના સમય સાથે મૅચ થાય છે. જો બહાર ખૂબ અંધારું હોય, તો આપણી આંખોને જોઈએ તેટલો પ્રકાશ મળતો નથી. આવી સ્થિતિમાં, સંવેદનશીલ લોકોમાં ‘મૂડ ડિસઑર્ડર’ની સંભાવના છે. તેને ‘સિઝનલ ઇફેક્ટિવ ડિસઑર્ડર’ નામ આપવામાં આવ્યું છે.

દિલ્હી સ્થિત સિનિયર ડૉક્ટર શેખ અબ્દુલ બશીર કહે છે કે આવા મોટાભાગના કેસ માત્ર ઉત્તર યુરોપ અને ઉત્તર અમેરિકામાં જ જોવા મળે છે.

ફાતિમા ફરહીન સાથે વાત કરતાં ડૉ.બશીર કહે છે કે ભારતમાં આ પ્રકારની સ્થિતિ બનતી નથી, તેથી જ અહીં વિન્ટર બ્લૂઝના કેસ ભાગ્યે જ જોવા મળે છે. કેટલાક કિસ્સા ભારતમાં માત્ર વરસાદની મોસમમાં જ જોવા મળે છે.

તેમના મતે, જો આપણે સીઝનલ અફેક્ટિવ ડિસઑર્ડરની વાત કરીએ, તો તેનાં પણ બધાં લક્ષણો ડિપ્રેશન પ્રકારના છે.

તેનાં મુખ્ય લક્ષણો જણાવતા ડૉ.બશીર કહે છે કે, "લોકો હતાશ થવા લાગે છે, તેમને કોઈ કામ કરવાનું મન થતું નથી. લોકો જીવનમાં ખુશ રહેવાનું ભૂલી જાય છે, ભૂખ પણ ઓછી લાગે છે. લોકોમાં સેક્સની ઇચ્છા પણ ઓછી થઈ જાય છે."

આપણને સૂર્યપ્રકાશ કેટલા પ્રમાણમાં જોઈએ?

સવાલ એ થાય છે કે વિન્ટર બ્લૂઝથી બચવા માટે એક દિવસમાં આપણા શરીર પર કેટલો પ્રકાશ પડવો જોઈએ.

પ્રૉ. લૉડેન અનુસાર તે જરૂરિયાત દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રોજ ઓછામાં ઓછી 20 મિનિટ સુધી આપણા શરીરને સખત સૂર્યપ્રકાશ મળવો જોઈએ. એ પણ સવારનો પ્રકાશ હોવો જોઈએ.

મારિયાના કહે છે કે આપણે એક-બે કલાક માટે ઘરની બહાર નીકળવું જોઈએ. જો એવું શક્ય ન હોય તો આપણે ઘરની બારીએ બેસવું જોઈએ. જો એ પણ શક્ય ન હોય તો આપણે ઘરમાં જ્યાં બેસતા હોઈએ તેની આસપાસ ટેબલ-લૅમ્પ શરૂ કરીને બેસવો જોઈએ.

પરંતુ આ બધી વસ્તુઓ તો એ જગ્યાએ શક્ય છે જ્યાં તડકો નીકળે છે. જો તમે દુનિયાની એવી જગ્યાએ રહો છો કે જ્યાં તડકો જ નીકળતો નથી તો શું કરવું જોઈએ?

આ સવાલ અંગે ડૉ. બશીર કહે છે કે એક સહેલો રસ્તો એ છે કે તમે ઋતુ બદલાય તેનો ઇંતેજાર કરવો જોઈએ. પરંતુ કેટલાક દેશોમાં છ-છ મહિના સુધી તડકો નીકળતો નથી.

ડૉ. બશીર કહે છે કે જેટલું શક્ય હોય તેટલી કસરત કરવી જોઈએ. સારો સંતુલિત આહાર લેવો જોઈએ અને સારી ઊંઘ લેવી જોઈએ. તે સિવાય તેઓ મેડિટેશન કરવાની સલાહ પણ આપે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે લોકો શિયાળાની ઋતુમાં પાણી ખૂબ ઓછું પીવે છે. ડૉ. બશીર કહે છે કે શિયાળાની ઋતુમાં પાણી પીવાનું ઓછું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

તેઓ કહે છે કે આ પરિસ્થિતિથી પ્રભાવિત લોકોએ તેમના શોખ માટે સમય આપવો જોઈએ અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવો જોઈએ.

‘સ્કૅન્ડેવિયન કન્ટ્રીઝ’ ગણાતાં દેશોમાં લોકોએ નવો ઉપાય શોધી કાઢ્યો છે. ત્યાં લોકોને ‘લાઇટ થેરેપી’ આપવામાં આવે છે. ઘરની અંદર જ ‘આર્ટિફિશિયલ સન રૂમ’ બનાવવામાં આવે છે. તેનાથી લોકોને ‘વિન્ટર બ્લૂઝ’ નો મુકાબલો કરવામાં મદદ મળે છે. જોકે, હજુ સુધી તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર મળ્યો નથી જેના આધારે એવું કહી શકાય કે કૃત્રિમ લાઇટ થેરેપી કેટલી પ્રભાવી છે.

અને કદાચ એટલે જ ફેબ્રુઆરીમાં જ્યારે બીજીવાર તડકો નીકળે છે તો સ્વીડનના ઍબિસ્કો ગામના લોકો પહાડો પર જઈને રોશનીનું સ્વાગત કરે છે અને તેની ઉજવણી કરે છે.