આખા શરીર કરતાં કોઈ એક અંગ જલદી ઘરડું થઈ શકે?

શરીરમાં થતી બીમારીઓ કે ખામીઓ અંગે જાણવા માટે આપણે અનેકવાર લોહીની તપાસ કરાવીએ છીએ. પરંતુ શું કોઈ એવી તપાસ છે જે આપણને એવું કહી શકે કે શરીરની અંદરનું ક્યું અંગ જલદીથી ઘરડું થઈ રહ્યું છે?

વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ માત્ર લોહીની તપાસથી જ જાણી શકે છે કે શરીરની અંદરનું કોઈ અંગ કેટલી ઝડપથી ઘરડું થઈ રહ્યું છે.

તેમનો દાવો છે કે તેઓ એ વાતનો પણ અંદાજો લગાવી શકે છે કે શરીરનું કયું અંગ જલદીથી ખરાબ થઈ રહ્યું છે.

સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીની ટીમનું કહેવું છે કે તેમણે માનવશરીરનાં 11 મુખ્ય અંગોનું પરીક્ષણ કર્યું હતું જેમાં હૃદય, મગજ અને ફેફસાં સામેલ છે.

જે લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું તેમાંથી મોટાભાગના લોકોની ઉંમર વધારે છે.

આ સંશોધનમાં એવું સામે આવ્યું છે કે 50થી વધુ ઉંમરના પાંચમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિનું કોઈ એક અંગ તેના સમગ્ર શરીરની સરખામણીએ વધુ ઝડપથી ઘરડું થઈ રહ્યું છે.

જ્યારે વૈજ્ઞાનિકો અનુસાર 100માંથી ઓછામાં ઓછા એક કે બે લોકોના શરીરમાં અનેક અંગો તેમની ઉંમરની સરખામણીએ વધુ ઘરડાં હોઈ શકે છે.

જોકે, આ તપાસ કરાવવાનો વિચાર તમને ડરાવી શકે છે પરંતુ સંશોધન કરનારા લોકો કહે છે કે નિશ્ચિતપણે આ એક મોકો છે જેનો ફાયદો ઉઠાવીને જીવન જીવવાની રીત બદલી શકાય છે.

શરીરના અંગોની ઉંમરમાં અંતર

વિશ્વવિખ્યાત જર્નલ નેચરના શોધકર્તાઓએ કહ્યું કે, "શરીરનું કયું અંગ વધુ ઝડપથી ખરાબ થઈ રહ્યું છે એ જાણવાથી ભવિષ્યમાં થનારી સ્વાસ્થ્ય સંબંધી તકલીફોની જાણકારી પહેલેથી જ મળી જાય છે."

ઉદાહરણ તરીકે ઉંમરથી વધુ ઘરડું હૃદય હાર્ટ ફેલ્યૉરનો ખતરો વધારે છે જ્યારે ઘરડું થતું મગજ ડિમેન્શિયાને નોતરે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરીરનું કોઈ એક અંગ જો ઝડપથી ઘરડું થઈ રહ્યું છે તો તેના કારણે આવનારાં 15 વર્ષોમાં અનેક બીમારીઓ થઈ શકે છે અથવા મૃત્યુ પણ નીપજી શકે છે.

કઈ રીતે કરવામાં આવી આ તપાસ?

આપણું શરીર એ વિભિન્ન કોશિકાઓના સમૂહથી બનેલું છે. કોશિકાઓ શરીરના વિકાસ અને શરીર વધુ સારું કામ આપે તે માટે જરૂરી છે. આ કોશિકાઓ પ્રોટીનથી બનેલી હોય છે અને પ્રોટીન એમિનો ઍસિડથી બનેલા હોય છે.

હકીકતમાં જ્યારે કોઈ શરીરના અંગની ઉંમર જાણવા માટે લોહીની તપાસ કરવામાં આવે છે ત્યારે તેના મારફતે શરીરમાં હાજર હજારો પ્રોટીનના સ્તરને માપવામાં આવે છે. તેનાથી એ ખ્યાલ આવે છે કે શરીરનું કયું અંગ અતિશય ઝડપથી ઘરડું થઈ રહ્યું છે.

સંશોધકોએ તેમનાં પરિણામો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બહુવિધ રક્ત પરીક્ષણો કરીને અને દર્દીના મેડિકલ ડેટાનો ઉપયોગ કરીને મેળવ્યા હતા.

સંશોધકોમાંના એક એવા ડૉ. ટૉની વાઇસ-કોરે બીબીસી ડિજિટલ હેલ્થ એડિટર મિશેલ રૉબર્ટ્સને આ સમજાવતા કહ્યું હતું, "જ્યારે અમે મોટી સંખ્યામાં ગંભીર બીમારી ધરાવતા લોકોના શરીરનાં અંગો અને તેમની જૈવિક ઉંમરની સરખામણી કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે "50 વર્ષથી વધુ ઉંમરના 18.4 ટકા લોકોમાં ઓછામાં ઓછું એક અંગ એવું હતું જે તેમની ઉંમર કરતાં વધુ ઘરડું હતું અને હજુ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યું હતું."

તેઓ કહે છે, "અમને એ પણ જાણવા મળ્યું કે આગામી 15 વર્ષમાં એ લોકોના શરીરના તે અંગમાં રોગનું જોખમ પણ વધી ગયું હતું."

યુનિવર્સિટી હવે આ સંશોધનમાં પરિણામોની પેટન્ટ કરાવી રહી છે અને તેના માટે પેપરવર્ક કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય અથવા વેચાણ કરી શકાય.

શું હજુ આ દિશામાં વધારે કામ કરવાની જરૂર છે?

જોકે, શરીરનાં અંગોની ઉંમરનું અનુમાન લગાવવામાં આ તપાસ કેટલી કારગત છે તેના માટે હજુ અનેક સંશોધનો કરવાની જરૂર છે.

ડૉ. વાઇસ કોરેએ પહેલા કરેલા સંશોધનો જણાવે છે કે જૈવિક ઉંમર વધવાની પ્રક્રિયા એકસમાન નથી હોતી. આ પ્રક્રિયામાં ઉંમરના ત્રીજા દસકાના મધ્યમાં, છઠ્ઠા દસકાની શરૂઆતમાં અને સાતમા દાયકાના અંતમાં અચાનક જ તેજી આવે છે.

લંડનની ક્વીન્સ મૅરી યુનિવર્સિટીમાં વધતી ઉંમરમાં સ્વાસ્થ્ય અને તેની સાથે જોડાયેલી બીમારીઓના વિશેષજ્ઞ પ્રૉફેસર જેમ્સ ટિમૉન્સ બીબીસી ડિજિટલ હૅલ્થ એડિટર મિશેલ રૉબર્ટને કહે છે, "ડૉ. વાઇસનું તાજેતરમાં થયેલું સંશોધન પ્રભાવશાળી છે પરંતુ તેને હજુ વધુ લોકો પર, ખાસ કરીને યુવાનો પર કરવાની જરૂર છે."

જૈવિક ઉંમરનાં બ્લડમાર્કરનું અધ્યયન કરી રહેલા પ્રૉફેસર ટિમોન્સ કહે છે, "શું તે ઉંમર વધવા અંગે છે કે પછી શરીરમાં કોઈ બીમારી જલ્દીથી આવી જવાનું બાયોમાર્કર છે?"

તેઓ ભારપૂર્વક કહે છે કે નિશ્ચિતપણે વાઇસના આ સંશોધનમાં ઉંમર વધવાની વાત તો કરવામાં આવી છે પરંતુ જલ્દી બીમારી આવવાના સંકેત એવાં બાયોમાર્કરની વાતને પણ નકારી શકાય નહીં.

બાયોમાર્કરની જરૂરિયાત

ગુવાહાટી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના અસોસિયેટ પ્રૉફેસર પલ્લવી ઘોષે બીબીસી સંવાદદાતા અંજલિ દાસને કહ્યું, "બાયોમાર્કર્સ એ જૈવિક કોષમાં શું થઈ રહ્યું છે તેની ઓળખ કરે છે. તે વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે પ્રારંભિક ચેતવણીના સંકેત તરીકે કામ કરે છે."

તેઓ કહે છે, "બાયોમાર્કર્સ ક્લિનિકલ પ્રૅક્ટિસમાં અતિ મહત્ત્વપૂર્ણ છે. પછી ભલે તે કોઈ રોગની આગાહી કરવા માટેની વાત હોય, રોગની સારવારની વાત હોય, કે તેના મૉનિટરિંગની વાત હોય, દર્દીની સંભાળ દરેક તબક્કે તેની જરૂર છે. એક જ બીમારીનાં લક્ષણો બે અલગ લોકો પર અલગ-અલગ જોવાં મળે છે. બાયોમાર્કર રોગને ઓળખવા અને માપવા માટેની એક કાર્યક્ષમ રીત પ્રદાન કરે છે."

તેઓ કહે છે, "એકલાં બાયોમાર્કર્સ જ હજારોની સંખ્યામાં છે જે 650થી વધુ શારીરિક પરિસ્થિતિઓની ઓળખ કરે છે અથવા તેની આગાહી કરે છે."

પ્રૉફેસર પલ્લવી કહે છે, "ચોક્કસપણે આ સંશોધન હજુ નવું છે પરંતુ તેણે એક ચોક્કસ દિશા આપી છે. જોકે, મારા મતે હૃદય, મગજ, કિડની, ફેફસાં, હાડકાં જેવા અંગોમાં ઉંમર વધવાની અસ્થિરતાને વધુ સારી રીતે સમજવાની જરૂર છે."