You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખોરાક લીધા વિના પણ શરીરની ચરબી કેવી રીતે વધે? જાણો કારણો
- લેેખક, રેકલ સોલેર બ્લાસ્કો અને સબરીના લ્લોપ
- પદ, ધી કન્વર્સેશન
જ્યારે આપણે ‘મેદસ્વિતા’ અને ‘સ્થૂળતા’ જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે આપણે સ્વાભાવિક રીતે જ બિનસ્વાસ્થ્યપ્રદ ખોરાક, આરામદાયક અને બેઠાડું જીવનશૈલી વિશે વિચારવા લાગીએ છીએ.
પરંતુ એક નાનકડું પરિબળ એવું છે જેના પર આપણી નજર ભાગ્યે જ જાય છે. એ એવું પરિબળ છે જેના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા છતાં આપણું વજન વધી શકે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું સામે આવ્યું છે કે આસપાસના વાતાવરણમાં એવા કેટલાક રાસાયણિક ઘટકો રહેલા છે જે આપણને મેદસ્વી બનાવવામાં ભાગ ભજવે છે.
‘ઑબ્સોજીન્સ’ નામના આ ઘટકો વ્હાઇટ એડિપોઝ ટિસ્યૂના સમૂહમાં વધારો કરે છે. આ વધારો ખોરાક કે બંધિયાર હવાના સંપર્કમાં આવવાથી તરત જ થાય છે.
હાલમાં 50થી વધુ રસાયણોને ‘ઑબ્સોજેનિક’ તરીકે અથવા ‘પોટેન્શિયલ ઑબ્સોજેનિક’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
આ રસાયણોમાં બાયફેનોલ એ, પૉલિક્લોરિનેટેડ બાયફિનાઇલ્સ, થૅલેટ્સ, પૉલિબ્રોમિનેટેડ ડાઇફિનાઇલ ઇથર્સ, પરફ્લુરોકીલેટેડ અને પૉલિફ્લુરોકીલેટેડ ઘટકો, પેરાબિન્સ, એક્રિલામાઇડ, આલ્કાઇલફિનોલ્સ, ડાઇબ્યુટિલીન અથવા કેટલીક ભારે ધાતુઓ જેમ કે કેડમિયમ અને આર્સેનિક સામેલ છે.
આ રસાયણો આપણા રોજિંદા વપરાશમાં સામેલ ડિટરજન્ટ, પ્લાસ્ટિક કન્ટેનર્સ, કપડાં, કૉસ્મેટિક્સ અને કેટલાક ખોરાકમાં હોય છે.
કઈ રીતે તે આપણી ચરબી વધારે છે?
એડિપોસાઇટ્સ કઈ રીતે આપણું વજન વધારે છે એ પણ એક અગત્યનો સવાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હકીકતમાં આ રાસાયણિક ઘટકો પોતે જ મેદસ્વિતા વધારતા નથી પણ તે અલગ-અલગ મિકેનિઝમ્સનો સહારો લઈને વજન વધે તે પ્રક્રિયામાં ધક્કો મારે છે.
ઉદાહરણ પ્રમાણે, તે એડિપોસાઇટ્સના પ્રસાર અને ભિન્નતાને પ્રોત્સાહન આપે છે. અન્ય શબ્દોમાં કહીએ તો ચરબી વધારવા માટે જવાબદાર કોષોની સંખ્યા અને કદમાં પણ વધારો કરે છે.
વ્હાઇટ એડિપોઝ ટિસ્યૂમાં વધારો મેદસ્વિતા અને ચયાપચયના રોગોમાં પણ ફાળો આપે છે. જેના કારણે વિવિધ અવયવોમાં, ખાસ કરીને લિવરમાં ગ્લુકોઝ અને ફેટી એસિડના સંચયમાં વધારો થાય છે.
એ જ રીતે એવું પણ નોંધવામાં આવ્યું છે કે ઓબ્સોજેનિક ઘટકો માણસના સેક્સ્યુઅલ અને થાઇરૉઇડના હોર્મોનને બદલી શકે છે. આ હોર્મોનનો એડિપોઝ કોશિકાઓ, વજનવધારો અને ચયાપચય (મેટાબોલિઝ્મ) સાથે સીધો સબંધ છે.
માત્ર એટલું જ નહીં, એડિપોસાઇટ્સ આંતરડાના માઇક્રોબાયોટોનને પણ પ્રભાવિત કરી શકે છે.
અહીં આપણે લાખો બૅક્ટેરિયાની વાત કરી રહ્યા છીએ જે અન્ય કાર્યોની સાથે લિપિડ્સના શોષણને નિયંત્રિત કરે છે. આ બૅક્ટેરિયાની બગડતી સ્થિતિ ચયાપચયને સબંધિત રોગો જેવા કે ટાઈપ 2 ડાયાબિટીસ અને મેદસ્વિતાની થવાની સંભાવના વધારે છે.
ઑબ્સોજિન્સનો પ્રારંભિક સંપર્ક
ઑબ્સોજિન્સ’ની સંભવિત અસરો વ્યક્તિ ક્યારે તેના સંપર્કમાં આવે છે તેના પર આધારિત છે.
સૌથી સંવેદનશીલ તબક્કો બાળપણનાં શરૂઆતી વર્ષો છે, જ્યારે વિકાસ ખૂબ જ ઝડપથી અને સંકલિત રીતે થાય છે.
તેથી આ સંવેદનશીલ પ્રકિયામાં ફેરફાર કરવાથી આપણા લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
ધાર્યા પ્રમાણે, વ્યક્તિના પ્રારંભિક વિકાસ દરમિયાન વ્યક્તિની આસપાસનું વાતાવરણ શારીરિક ફેરફારોનું કારણ બની શકે છે જે તેમને અમુક રોગો પ્રત્યે જીવનભર સંવેદનશીલ બનાવી શકે છે.
જ્યારે સ્ટ્રેસર લાંબા સમય સુધી હાજર ન હોય ત્યાર પણ આવા ફેરફારો ચાલુ રહી શકે છે.
અને શું આવું મેદસ્વિતાના કિસ્સામાં પણ બની શકે?
વૈજ્ઞાનિક પુરાવાઓ સૂચવે છે કે આ મેદસ્વિતાના કિસ્સામાં પણ શક્ય છે.
વ્યક્તિના વિકાસની નિર્ણાયક ક્ષણો દરમિયાન ઉપરોક્ત ઝેરી પદાર્થોનો સંપર્ક એપિજેનેટિક ફેરફારોને પ્રોત્સાહન આપે છે અને ડીએનએના ફેરફારને શક્ય બનાવે છે જે તેના ક્રમને અસર કરતા નથી.
આ જનીન અભિવ્યક્તિને બદલી શકે છે અને કોષના કાર્યમાં વધારો કરી શકે છે. પરિણામે મેદસ્વિતા અને ચયાપચયને સંબંધિત રોગોની શક્યતા વધી શકે છે.
પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે આ જનીન અભિવ્યક્તિમાં થતાં ફેરફારો આવનારી પેઢીમાં પણ પ્રસરી શકે છે અને બાળકોને આ ફેરફારો પોતાનાં માતા-પિતા તરફથી વારસામાં મળે છે.
આને કેવી રીતે રોકી શકાય?
આ બધું જાણ્યા પછી ઑબ્સોજિન્સનો સંપર્ક ટાળવા માટે આપણે શું કાળજી રાખવી જોઈએ?
આપણે જે રીતે પહેલાં ઉલ્લેખ કર્યો કે અમુક વસ્તુઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ કેટલીક વ્યક્તિગત આદતો આપણને તેના પર કાબૂ મેળવવામાં મદદ કરી શકે છે.
અહીં કેટલાક ઉપાયો છે:
- ધૂમ્રપાન નિષેધ
- પૅકેજ્ડ ખોરાક અને પીણાના વપરાશમાં ઘટાડો
- પ્લાસ્ટિક તથા અમુક કૉસ્મેટિક અને લૉશનનો ઓછો ઉપયોગ
- જંતુનાશક ઉમેરેલા ખોરાકના ઉપયોગ પર નિયંત્રણ
- બને તેટલી વસ્તુને રિસાયકલ કરી તેનો ફરીથી ઉપયોગમાં લેવી
બીજી તરફ, જાહેર આરોગ્ય અને પર્યાવરણીય અધિકારીઓએ લોકોને ઑબ્સોજિન્સ જેવા પદાર્થો પ્રત્યે સંપર્ક ઘટાડવા માટે એક વ્યૂહરચના બનાવવી જોઈએ અને આરોગ્ય ક્ષેત્રમાં સામાજિક અમાનતાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ સાથે જ ઑબ્સોજિન્સની વ્યાપક અસરો પર સંશોધન પણ ચાલુ રાખવું જોઈએ.
આ રીતે આપણે તથા આપણી આવનારી પેઢીને આ હકીકતો વિશે અવગત કરી શકાય. જેથી કરીને આપણે સાચા નિર્ણયો કરી શકીએ.