બાળકોને તાવ અને મહિલાના પીરિયડ્સમાં અપાતી પેઇનકિલર પર સરકારે કેમ ચેતવણી આપી?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રોજબરોજ વપરાશમાં પ્રચલિત એવી પેઇનકિલર મેફ્ટાલ પર સરકારે એક ચેતવણી જાહેર કરી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા ઇન્ડિયન ફાર્માકૉપિયા કમિશને એક ચેતવણી જાહેર કરી છે.

આ ચેતવણીમાં તેમણે મેફેનેમિક એસિડ ડ્રગ ધરાવતી મેફ્ટાલ પેઇનકિલરથી થતાં રીએક્શન્સ સંદર્ભે સચેત રહેવા દર્દીઓ અને ડૉક્ટરોને જાણ કરી છે.

આ દવાથી થતી કોઈ પણ પ્રતિકૂળ અસર જોવા મળે તો તેમને તુરંત જાણ કરવા ડૉક્ટરોને પણ વિનંતી કરી છે.

આ દવાથી કેવા પ્રકારના રીએક્શન્સ થઈ શકે? ડ્રેસ સિન્ડ્રોમ શું છે? દર્દીઓએ કેવી સાવચેતી રાખવી જોઈએ?

મેફ્ટાલ પેઇનકિલર શું છે?

મેડિસિન બજારમાં આસાનીથી ઉપલબ્ધ એવી પ્રચલિત દવા ‘મેફ્ટાલ-સ્પાસ’નો ઉપયોગ પેઇનકિલર તરીકે થાય છે.

મેફ્ટાલમાં ‘મેફેનેમિક એસિડ’ નામનું ડ્રગ હોય છે. મેફનેમિક એસિડ એ ‘નોન-સ્ટેરોઇડલ ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી’ ડ્રગ છે જેનો ઉપયોગ સામાન્ય કે સામાન્યથી વધુ દુખાવાના ઇલાજ માટે થાય છે.

સામાન્ય રીતે ડૉક્ટરો દ્વારા જ તેને લખી આપવામાં આવે છે અને તે ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર દર્દીને આપવી ન જોઈએ તેવો નિયમ છે.

દવાનું વેચાણ કરતી ટોચની વેબસાઇટ વનએમજીએ ‘મેફ્ટાલ-સ્પાસ’ દવા વિશેની માહિતી આપતા લખ્યું છે કે આ ‘પ્રિસ્ક્રિપ્શન મેડિસિન’નો ઉપયોગ પિરિયડ સંબંધિત દુખાવો અને ક્રૅમ્પ્સ સમયે કરવામાં આવે છે. આ સિવાય તેનો ઉપયોગ પેટ કે આંતરડાંમાં થતાં દુખાવા કે મસલસ્પાઝમની પરિસ્થિતિઓમાં થાય છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ, ઑસ્ટિઓ આર્થરાઇટિસ, સામાન્ય દુખાવો, તાવ, દાંતનો દુખાવો વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, માથાનો દુખાવો કે બાળકોમાં ભારે તાવ જેવી પરિસ્થિતિઓમાં પણ મેફ્ટાલનો ભારતમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

વનએમજી વેબસાઇટ અનુસાર, આ દવાથી સામાન્ય આડઅસરો જેવી કે, ચક્કર આવવા, મોઢું સૂકાઈ જવું, ઊંઘ આવવી, ઊબકાં આવવાં, નબળાઈ વગેરે થઈ શકે છે.

ડ્રૅસ સિન્ડ્રોમ શું છે?

‘ઇન્ડિયન ફાર્માકૉપિયા કમિશને’ જાહેર કરેલી ડ્રગ સેફ્ટી ચેતવણી અનુસાર મેફ્ટાલમાં રહેલા મેફેનેમિક એસિડથી ‘ડ્રેસ સિન્ડ્રોમ’ નામનું ગંભીર ઍલર્જિક રીએક્શન થઈ શકે છે, જેના કારણે તમારા આંતરિક અવયવોને પણ નુકસાન થવાની સંભાવના છે.

ઍલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “દર્દીઓ, ડૉક્ટરો અને ગ્રાહકોએ આ દવાથી કોઈ પણ પ્રકારના રીએક્શન્સ- એડવર્સ ડ્રગ રીએક્શન્સ (એડીઆર) આવે તો તેનું ખૂબ બારીકાઈથી અવલોકન કરવું અને અમને જાણ કરવી.”

‘ડ્રૅસ સિન્ડ્રોમ- ડ્રગ રેશ વિથ ઑસિનોફિલિયા ઍન્ડ સિસ્ટેમિક સિમ્ટમ્સ સિન્ડ્રોમ’ એ ગંભીર ઍલર્જિક રીએક્શન છે જે અમુક પ્રકારની દવાઓથી થાય છે અને તે ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.

તાવ આવવો, ચામડી પર ચકામાં પડવાં, લિમ્ફાડેનોપથી (લસિકાઓમાં ગાંઠો થવી), હૅમેટોલોજિકલ એબનોર્મલિટીઝ (લોહી સંબંધિત બીમારીઓ) જેવાં લક્ષણો એ ડ્રેસ સિન્ડ્રોમના સંકેતો છે. સામાન્ય રીતે આવી દવા લેવાના બેથી આઠ અઠવાડિયાંમાં આવું બની શકે છે. જેથી કરીને દવા લીધા પછી કોઈ ગંભીર ઍલર્જિક રીએક્શન ન થાય તેના માટે ધ્યાન રાખવું જરૂરી છે.

અમદાવાદ ખાતે પ્રૅક્ટિસ કરતા ફિઝિશિયન ડૉ. દુર્ગેશ મોદીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ડ્રૅસ સિન્ડ્રોમ એ અતિશય જવલ્લે જ જોવા મળતી ઘટના છે. તેમાં ડ્રગનું ઍલર્જિક રીએક્શન થવાથી વ્યક્તિના આખા શરીરમાં ચાઠાં પડી જવાં, લોહીમાં ઇઓસિનોફિલ કાઉન્ટ્સ વધી જાય, બ્લડપ્રેશર ઘટી જાય વગેરે જેવી સંભાવના રહેલી છે. આ બધી પરિસ્થિતિઓ વધતી જાય અને તેને રોકવામાં ન આવે તો અંતે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.”

“આવા કેસોમાં તાત્કાલિક આ દવા બંધ કરી દર્દીને પાણીના બાટલા ચડાવવા પડે છે અને તરત જ ઍન્ટી-ઍલર્જિક દવા આપવી પડે છે. એક વાર ડ્રૅસ સિન્ડ્રોમ ડિટેક્ટ થયા પછી નિયમિત દવા ન લેવામાં આવે તો ડ્રૅસ સિન્ડ્રોમ જીવલેણ પણ નીવડી શકે છે.”

આડઅસરોની સારવાર શું છે?

ડૉ. મોદી જણાવે છે કે, “મેફ્ટાલની ઘણી આડઅસરો છે જેમાં આ એક નવો ઉમેરો છે. આ આડઅસર બહુ જૂજ દર્દીઓમાં (કદાચ એકાદ લાખે એક દર્દીમાં) જોવા મળતી હોય છે. વધુમાં ડ્રૅસ સિન્ડ્રોમ પણ સેંકડો દવાઓથી થઈ શકે છે, તે આ એક જ દવા મેફ્ટાલથી થાય છે તેવું નથી હોતું. મેફ્ટાલ આખા ભારતમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં વપરાતી દવા છે. જો દવા લીધા પછી ખબર પડી જાય તો ઍન્ટી-ઍલર્જિક દવાઓ લેવી પડે છે અને જ્યાં સુધી તેની અસર ઓછી ન થાય ત્યાં સુધી પાણીના બાટલા ચડાવવામાં પડે છે.”

વધુમાં તેઓ જણાવે છે કે, “આ પ્રકારના રીએક્શનની સારવાર સપોર્ટિવ જ હોય છે એટલે કે જે દવા લેતાં હોઈએ તે બંધ કરવી પડે છે. એ સિવાય તેની કોઈ ચોક્કસ સારવાર હોતી નથી.”

સરકારી વિભાગે મેફ્ટાલના ઉપયોગ અંગે સૌને જાણ કર્યા બાદ ડૉક્ટરો અને દર્દીઓ મેફ્ટાલનો સભાનતાપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરે તે અપેક્ષિત છે.

દર્દીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ મેફ્ટાલનો ઉપયોગ કરતા પહેલાં અથવા તો તેને લાંબા સમય સુધી ચાલુ રાખતા પહેલાં તેમના ડૉક્ટરની ખાસ સલાહ લે. ખાસ કરીને જે લોકોને જઠરની, હૃદય સંબંધિત બીમારીઓ, કિડની સંબંધિત બીમારીઓ હોય તેમણે આ દવાના ઉપયોગમાં ખાસ કાળજી રાખવી જોઈએ.

30 નવેમ્બરે જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓ અને દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે દવાની વિપરીત અસરો પર નજર રાખે. જો તેમને તેના વિશે જાણ થાય તો હેલ્પલાઇન નંબર 1800-180-3024 પર કોલ કરે.