You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાર્કિન્સન: માણસ સંતુલન ગુમાવી બેસે એ બીમારી શું છે અને કઈ કળા તેને વકરતી અટકાવી શકે?
પાર્કિન્સન એક એવી ગંભીર બીમારી છે કે જેનાથી મોટા ભાગના લોકો ડરે છે. પણ એક એવું સંશોધન સામે આવ્યું છે કે જેમાં તાઈ ચી નામના ચીની માર્શલ આર્ટનો અભ્યાસ કરવાથી પાર્કિન્સનનાં લક્ષણોને લાંબા સમય સુધી ટાળી શકાય છે.
પાર્કિન્સન મગજ સાથે જોડાયેલી બીમારી છે જેમાં દર્દીની સ્થિતિ સમય સાથે બગડતી જાય છે. જે વ્યક્તિને આ રોગ થયો હોય તે પોતાની શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ધીમેધીમે ગુમાવતો જાય છે.
પરંતુ જર્નલ ઑફ ન્યૂરોલૉજી, ન્યૂરોસર્જરી ઍન્ડ સાઇકિયાટ્રિકમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તાઈ ચી નામનું ચીની માર્શલ આર્ટ પાર્કિન્સનની બીમારીને ધીમી કરી શકે છે.
આ અભ્યાસમાં પાર્કિન્સનની બીમારીથી પીડિત 334 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 147 દર્દીઓના સમૂહે અઠવાડિયામાં બે વખત એક કલાક માટે તાઈ ચીનો અભ્યાસ કર્યો હતો.
બીબીસી સંવાદદાતા ફિલિપા રૉક્બીએ તેમના રિપોર્ટમાં આ અભ્યાસ વિશે જણાવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં બે વાર આ માર્શલ આર્ટનો અભ્યાસ કરે છે, તેમને જે લોકો માર્શલ આર્ટનો અભ્યાસ નથી કરતા તેમની સરખામણીએ ઓછી તકલીફો થાય છે.
શું છે પાર્કિન્સન બીમારી?
પાર્કિન્સન બીમારીને સમજવા માટે દુનિયાભરમાં અનેક સંશોધનો ચાલી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધીમાં જેટલી વાત સાબિત થઈ ચૂકી છે તેના આધારે, આ બીમારીથી પીડિત વ્યક્તિ પોતાની શારીરિક ક્રિયાઓ પર નિયંત્રણ ગુમાવતો જાય છે.
ઉદાહરણ તરીકે તેને હાથમાં કંપન થવું (કંપવા), માંસપેશીઓ જકડાઈ જવી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય આ બીમારીથી પીડિત વ્યક્તિને શારીરિક સંતુલન જાળવી રાખવામાં અને સમન્વય સાધવામાં પણ મુશ્કેલી પડે છે.
ચીનની શાંઘાઈ જિઓ ટૉંગ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનમાં સંશોધન હેતુથી પાંચ વર્ષ સુધી સેંકડો પાર્કિન્સનના દર્દીઓ પર નજર રાખવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લોકોમાં 147 લોકોનું એક જૂથ એવું હતું કે જેમણે નિયમિતપણે આ માર્શલ આર્ટનો અભ્યાસ કર્યો હતો અને 187 લોકોનું એક જૂથ એવું હતું કે જેમણે આ અભ્યાસ ન કર્યો.
આ પરંપરાગત ચીની કસરતમાં ધીમી અને નાજુક મૂવમેન્ટ સાથે ઊંડા શ્વાસ લેવાના હોય છે.
‘ધી ચેરિટી પાર્કિન્સન’ -યુકેએ તાઈ ચીને ધીમા હલનચલનવાળી એક મહત્ત્વપૂર્ણ શારીરિક ગતિવિધિ ગણાવી છે જે જીવન અને મૂડને વધુ સારો બનાવવામાં મદદરૂપ થાય છે.
સંશોધનકર્તાઓએ તાઈ ચીનો અભ્યાસ કરી રહેલા લોકોમાં લક્ષણો, હલનચલન અને સંતુલનનો અભ્યાસ કરીને એ તારણ કાઢ્યું કે આ બીમારીની ગતિ ધીમી હતી.
આ જૂથના દર્દીઓમાં-
- ચક્કર આવ્યા બાદ પડી જવાની ઘટનાઓમાં ઘટાડો
- પીઠના દુખાવામાં ઘટાડો
- યાદશક્તિ અને એકાગ્રતા સાથે જોડાયેલી મુશ્કેલીઓમાં ઘટાડો
- ઊંઘ અને જીવનની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો.
આ પહેલા પાર્કિન્સનથી પીડિત જે લોકોએ તાઇ ચીનો છ મહિના સુધી અભ્યાસ કર્યો તે લોકોમાં અનેક મામલે સુધાર જોવા મળ્યો હતો. જેમ કે તેઓ પહેલા કરતાં વધુ સારી રીતે ચાલી શકતા હતા અને તેમના સંતુલન અને પૉસ્ચર (શારીરિક મુદ્રા)માં પણ સુધારો જોવા મળ્યો હતો.
સંશોધન સીમિત લોકો પર કરવામાં આવ્યું
જર્નલ ઑફ ન્યૂરોલૉજી, ન્યૂરોસર્જરી અને સાઇકિયાટ્રીમાં લખવામાં આવેલા લેખ પર ડૉ. જનરલ લી અને તેમના સહલેખકો કહે છે કે, “અમારા સંશોધનથી એ ખ્યાલ આવે છે કે તાઈ ચીના અભ્યાસથી પાર્કિન્સન બીમારી પર પ્રભાવશાળી અસર પડે છે.”
પરંતુ તેઓ એ વાત સ્વીકારે છે કે આ સંશોધન હજુ ઘણા ઓછા લોકો પર થયું છે અને તેનાથી એ સાબિત થતું નથી કે દર્દીઓના એક સમૂહ પર તેનો હકારાત્મક બદલાવ જોવા મળ્યો છે તેનું કારણ માત્ર ને માત્ર તાઈ ચી છે.
ભારતમાં પણ લાઇફસ્ટાઇલ ડિસઑર્ડરને કારણે પાર્કિન્સનના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
દિલ્હીના બી.એલ. કપૂર અને મૅક્સ હૉસ્પિટલના ન્યૂરોસર્જરી વિભાગમાં કામ કરી ચૂકેલા ડૉ. વિકાસ ગુપ્તાએ બીબીસીના સહયોગી પત્રકાર રૂફી ઝૈદી સાથે આ વિષય સંદર્ભે વાત કરી હતી.
તેમણે કહ્યું, “તાઈ ચી પાર્કિન્સનની અસરોને ઓછી કરી શકે છે. પરંતુ માત્ર તેનાથી જ પાર્કિન્સનમાં ફાયદો થાય છે એમ કહેવું યોગ્ય નથી.”
“જો તમે કોઈ પણ એવા પ્રકારનું કામ કરો છો કે જેનાથી તમારી જીવનશૈલી ઍક્ટિવ રહે છે તો તેનાથી તમને ફાયદો જરૂર મળશે. પાર્કિન્સનને લઇને જે અભ્યાસ પ્રકાશિત થયો છે તેના પર હું ત્યાં સુધી ટિપ્પણી નહીં કરી શકું જ્યાં સુધી આ વાત સાબિત કરતા અન્ય કોઈ અભ્યાસ પ્રકાશિત નહીં થાય.”
‘તાઈ ચી’ શું છે અને તેનાથી કેવા ફાયદાઓ થાય?
‘તાઈ ચી’ એ માર્શલ આર્ટની એક વિદ્યા છે. તેની શરૂઆત ચીનમાં થઈ હતી. તેમાં અલગ-અલગ પ્રકારની ધીમી હલનચલન થાય છે અને ઊંડો શ્વાસ લેવામાં આવે છે.
તાઈ ચીથી શરીરને શારીરિક અને ભાવનાત્મક રીતે તંદુરસ્ત રાખી શકાય છે.
ડૉક્ટરોનું કહેવું છે કે લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓ માટે તાઈ ચી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
મુંબઈની લીલાવતી, હિન્દુજા અને ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દર્દીઓને તાઈ ચીની ટ્રેનિંગ આપનાર સંદીપ દેસાઈની વાત માનીએ તો તાઇ ચીના અગણિત ફાયદાઓ છે.
બીબીસીના સહયોગી પત્રકાર રૂફી ઝૈદી સાથે વાત કરતા સંદીપ કહે છે, “તાઈ ચી આપણા શરીરના સંતુલનને વધુ સારું બનાવે છે. મણકાની ઈજાઓ અને ઘૂંટણની ઈજાઓમાં પણ તે રાહત આપે છે.”
તાઈ ચીથી શરીરના પૉસ્ચરને પણ સારું કરી શકાય છે. તે માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ શાંત કરે છે. નિયમિત તાઈ ચી કરવાથી બ્લડપ્રેશર, ઇમ્યૂન સિસ્ટમ વધુ સારી થાય છે અને ફેફસા પર પડતા દબાણને પણ ઓછું કરી શકાય છે. તેના કારણે શરીરમાં ઑક્સિજનની માત્રા વધે છે અને શરીરનું સંતુલન પણ જળવાઈ રહે છે.
ડૉ. વિકાસ ગુપ્તા કહે છે, “છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પાર્કિન્સનની બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે, કારણ કે લોકોનું આયુષ્ય પણ પહેલાંની સરખામણીએ વધ્યું છે. તેના કારણે પણ આ સમસ્યા પહેલાંની સરખામણીએ વધી રહી છે.”
તાઈ ચી વિશેષજ્ઞ સંદીપ દેસાઈનું માનવું છે કે તાઈ ચીને પાર્કિન્સન જેવી બીમારીઓના રિહેબિલિટેશન પ્રોગ્રામમાં સામેલ કરવું જોઈએ અને લોકોની તેના પ્રત્યેની જાગૃતિ વધારવી જોઈએ.