દિવસમાં કેટલું ચાલવું જોઈએ, કેટલા સ્ટેપ્સ ચાલવું તમને સ્વસ્થ બનાવી શકે?

    • લેેખક, પાયલ ભુયન
    • પદ, બીબીસી સંવાદદાતા

તમને એ દિવસો યાદ છે જ્યાં મોટાભાગના લોકોમાં હાથમાં સ્માર્ટવૉચ પહેરવાનું ચલણ વધ્યું હતું અને લોકો તેને જોઈને લોકો કહેતા કે, ચાલો આટલા સ્ટેપ્સ (પગલાં) પૂરા થઈ ગયા. સ્વસ્થ્યપ્રદ રહેવા માટે કેટલા પગલાં ચાલવું એના વિશે હંમેશાં ચર્ચા થતી રહે છે.

એક ચર્ચા એવી પણ ચાલી હતી કે દિવસમાં 10 હજાર પગલાં ચાલવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. એના પર સંશોધન પણ પ્રકાશિત થયાં.

પરંતુ હવે એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં દિવસમાં માત્ર ચાર હજાર પગલાં ચાલવું પૂરતું છે અને એનાથી સ્વાસ્થ્યને પણ ફાયદો પણ થાય છે.

શું આ અસમંજસમાં મૂકનારું નથી? એક વ્યક્તિએ સ્વસ્થ રહેવા દિવસમાં કેટલું ચાલવું જોઈએ – 10 હજાર કે 5 હજાર.

સંશોધન શું કહે છે?

યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલૉજીમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર એક દિવસમાં જો તમે ઓછાંમાં ઓછાં 3967 પગલાં ચાલો છો તો, તમે ઓછી ઉંમરે જ થતી મોતના જોખમને ઓછું કરી શકો છો.

આ શોધમાં એ પણ કહેવાય છે કે માત્ર 2337 પગલાં ચાલવાથી હૃદયરોગથી થતા મોતનું જોખમ 50 ટકા ઓછું થઈ શકે છે.

શોધકર્તાઓનું કહેવું છે કે તમે જેટલું વધુ ચાલી શકો એટલું જ વધુ ફાયદાકારક હોય છે. આ સંશોધન વિશ્વભરના 2,26,000 લોકો પર કરવામાં આવ્યું છે.

રિસર્ચ અનુસાર 4000 પગલાં બાદ જેટલાં પગલાં તમે ચાલો છો, તે તમારી ઉંમરને 15 ટકા વધારી શકે છે.

પોલૅન્ડની લૉડ્ઝ મેડિકલ યુનિવર્સિટી અને અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ મેડિસિનની રિસર્ચ ટીમને જાણવા મળ્યું કે ચાલવું તમામ માટે ફાયદાકારક છે. વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતી હોય અને કોઈ પણ ઉંમરની હોય તેના માટે એ ફાયદાકારક જ છે.

આ સંશોધનનો ભાગ રહેલા લૉડ્ઝ યુનિવર્સિટીના પ્રોફેસર માચે બનાખ મુજબ ભલે વિશ્વમાં ઉપચાર માટે દવાઓનું ઉત્પાદન વધી રહ્યું છે પરંતુ માત્ર દવા જ ઇલાજનો કારગર ઉપાય નથી.

તેઓ કહે છે, "આપણે આપણી જીવનશૈલી બદલવા પર ધ્યાન આપવું જોઈએ. જેમ કે ખાનપાન, વ્યાયામ. એ અમારા સંશોધનની મુખ્ય વાત છે. લાંબા આયુષ્ય અને હૃદયસંબંધી રોગોના જોખમને ઓછું કરવા માટે ચાલવું, દવા જેટલું અથવા એનાથી પણ વધારે કારગર પુરવાર થઈ શકે છે."

સંશોધન પર ચર્ચા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર કોઈપણ શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી મોતની વાત કરીએ તો વિશ્વમાં કુલ 32 લાખ મોત થાય છે. વિશ્વભરમાં થતા મોતનું આ સૌથી મોટું કારણ છે.

બ્રિટનના બેડફોર્ડશાયર હૉસ્પિટલ એનએચએસ ટ્રસ્ટમાં હૃદય રોગના નિષ્ણાત ડૉક્ટર નરેન્દ્ર કુમાર કહે છે કે ચાલવું હમેશાં આપણી દિનચર્યાનો ભાગ રહ્યું છે. આપણા વડીલો પણ કહેતા હતા કે ચાલતા ફરતા રહેવાથી તંદુરસ્ત રહેવાય છે.

તેઓ કહે છે, "આ સંશોધને એ વાત પર ફરી ધ્યાન દોર્યું છે કે જો તમે વ્યાયામ નથી કરી શકતા તો કમ સે કમ ચાલવું તો જોઈએ. સામાન્યપણે જોવા મળે છે કે જેમનું વજન વધુ હોય છે, તેઓ કહે છે કે અમે આટલું કેવી રીતે ચાલી શકીશું. પરંતુ તમે જો ઓછાં પગલાં ચાલવાથી પણ શરૂઆત કરો તો એ સારી શરૂઆત છે."

નરેન્દ્ર કુમાર કહે છે કે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે લાંબા સમય સુધી બેસી રહીએ છીએ.

પરંતુ જાણીતા ડાયટિશ્યન અને વન હેલ્થ કંપનીના ફાઉન્ડર શિખા શર્માનો મત અલગ છે.

તેઓ કહે છે, "4000 પગલાં ઘણાં ઓછાં છે. આટલું માત્ર જીવતા રહેવા ઠીક છે. આ એવું છે કે તમે ન્યૂનતમ માર્ક્સ સાથે પાસ થઈ ગયા. પરંતુ આનાથી તમે સ્વસ્થ નહીં રહી શકો અને માત્ર સર્વાઇવ કરી શકશો."

"આ માત્ર પાસિંગ માર્ક્સ છે.તમને લાગે કે ચાર હજાર પગલાં ચાલવાથી તમે ફિટ રહેશો અથવા વજન ઓછું થઈ શકે તો આ ખોટું છે. આના માટે તમારે મહેનત કરવી પડશે."

વ્યાયામ નહીં કરવાનું નુકસાન

અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર વયસ્ક લોકોને (18-64 વર્ષની વય) દરેક સપ્તાહમાં ઓછામાં ઓછું 150 મિનિટ મધ્યમ-તીવ્રતાવાળી શારીરિક પ્રવૃત્તિ અથવા દર સપ્તાહે 75 મિનિટ સુધીની ઊંચી તીવ્રતાની શારીરિક પ્રવૃત્તિ કરવાની અને સાથે સાથે તેમને સપ્તાહમાં બે દિવસ સ્નાયુની કસરત કરવાની સલાહ આપે છે.

શિખા શર્મા કહે છે, "મોટાભાગના લોકો વ્યાયામ પોતે સારા દેખાવા માટે કરે છે, સારું અનુભવવા માટે નહીં. આપણે આપણી વિચારસરણી બદલવાની જરૂર છે."

"સંશોધનમાં સેડેન્ટરી લાઇફસ્ટાઇલને કૅન્સર, હૃદયરોગ સાથે જોડવામાં આવે છે. હૃદયરોગની બીમારીઓ થાય છે એટલી જ બીમારી શારીરિક રીતે બિનપ્રવુત્ત રહેવાથી થાય છે. મહિલાઓ વિચારે છે કે મારે ક્યાં મૉડલિંગ કરવાની છે, અમે ઠીક છીએ."

"પરંતુ જો તમે કંઈ ન કર્યું તો તમે ઠીક નહીં રહો. બેઠાડુ (સેડેન્ટરી) જીવનશૈલીની સરખામણી ધૂમ્રપાન સાથે કરવામાં આવે છે. જો તમે કોઈ શારીરિક વ્યાયામ નથી કરતા તો, તમે એટલા જ જોખમમાં છો, જેટલું ધૂમ્રપાનથી થાય છે."

ચાલવાના ફાયદા

ચાલવાના ફાયદા ગણાવતા ડૉક્ટર નરેન્દ્ર કહે છે, "માણસની તાકત ધીમે ધીમે બને છે. કોઈ વ્યાયમ ન કરવાથી મેટાબોલિઝમ રેટ ઓછો થઈ જાય છે. જેની ધીમે ધીમે અસર તમારી માંસપેશીઓ પર નજર આવવા લાગે છે."

"ઘણાં પરિબળો છે જે આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. આપણી આસપાસના રંગ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. ઘરથી બહાર જઈને ચાલવાથી હરિયાળી જોવા મળે છે, જેમાં ઑક્સિજન વધુ પ્રમાણમાં મળે છે. આ બધું જ તમારા તણાવને ઓછો કરે છે. પરંતુ જો બહારનું વાતાવરણ પ્રદૂષિત છે, તો બહાર જઈને ચાલવું ટાળી શકાય છે. પરંતુ વ્યાયામ કરવો જરૂરી છે."

તેઓ કહે છે, "ચાલવું તમારા રક્તચાપને ઓછું કરી શકે છે. તમારી માંસપેશી મજબૂત કરી શકે છે. ચાલવાથી તમારી ઊર્જાનું સ્તર વધે છે. નિયમિત વ્યાયમથી તમારું શરીર ઍન્ડોર્ફિન, ડોપામાઇન અને સેરોટોનિન હોર્મોન રિલીઝ કરે છે જે તમારા તણાવને ઓછો કરી દે છે."

શરીર પર વ્યાયામના ફાયદા પર થયેલા સંશોધનમાં એ જાણવા મળ્યું કે ચાલવાથી માત્ર શરીર જ નહીં પણ માનસિક સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. મધુમેહના દર્દીઓ માટે પણ ચાલવું ફાયદાકારક છે, એનાથી તેમનું શુગર નિયંત્રણ કરવામાં મદદ મળે છે.

શરીર પર ખાનપાનની અસર

ડૉક્ટર શિખા શર્મા કહે છે, "આપણા શરીરનું હીલિંગ ખાનપાનથી થાય છે. જો તમારું ખાનપાન ખરાબ હશે, જેમ કે તમે વધુ ફાસ્ટફૂડ ખાવ છો અથવા તૈલી ખોરાક ખાવ છો, તો એની અસર તમારા શરીર પર જોવા મળશે. જો ખાવાનું ઠીક નથી તો તમારું શરીર હાર માની જશે."

સ્વસ્થ રહેવા ખાનપાન કેવું હોવું જોઈએ એ વિશે શિખા શર્મા કહે છે, "મહિલાઓ ઘણી ભાવનાત્મક હોય છે. તેમનું ખાવાનું મોટાભાગે તેમના મન અનુસાર હોય છે. ક્યારેક વધુ ગળ્યું ખાઈ લીધું અથવા બ્રેડ ખાદ્યી અથવા વાસી ખોરાક ખાઈ લીધું, તો તેમના શરીરને જરૂરી વિટામીન નહીં મળશે."

"મહિલાઓમાં હિમોગ્લોબિન, કેલ્શિયમની ઊણપ, વિટામીન ડી, વિટામીન બી12ની ઊણપ સામાન્ય છે. ઘૂંટણમાં દર્દ, પીઠમાં દર્દની ફરિયાદ રહે છે. આ બધું એટલા માટે નથી થતું કે તેઓ મહિલાઓ છે. તે એટલા માટે થાય છે કેમ કે તેઓ જેમ બીજાનું ધ્યાન રાખે છે તેમ પોતાનું ધ્યાન નથી રાખતી."

"જેટલું વધુ થઈ શકે તમે ફળ અને શાકભાજીનું સેવન કરો. દિવસમાં જૈવિક કાચા શાકમાં 250-300 એમએલ જ્યૂસ બનાવીને સેવન કરો. તે તમને જરૂરી વિટામીન અને મિનરલ આપશે."

"સપ્તાહમાં એક દિવસ માત્ર પાણી અને ફળો પર રહો. તેનાથી તમારા અંદરનું ખરાબ ખાવાનું સાફ થઈ જશે. રિફાઇન્ડ તેલનું સેવન તદ્દન બંધ કરી દો."

"કચ્ચી ધાણીના તેલનો વપરાશ કરો. પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ન કરે. અનાજમાં ચોખા અને લોટ સિવાય અન્ય ચીજોનો પણ ઉપયોગ કરો."

"પાણી ખૂબ પીવો, રોજનો એક નિયમ બનાવી લો કે તમે ચાલવાનું રાખો અને વ્યાયામ કરો."

શું પગપાળા ચાલવું સૌ માટે ફાયદાકારક છે?

ડૉક્ટર નરેન્દ્ર કહે છે, "એમાં કોઈ શંકા નથી કે મોટાભાગના લોકોને ચાલવાથી કોઈ સમસ્યા નથી થતી. "

"પણ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો તમને કોઈ મેડિકલ કન્ડિશન હોય અથવા તબીબે ન ચાલવાની સલાહ આપી છે તો એ માનવી જોઈએ."

તમે તમારી ક્ષમતાઓને ઓળખો તથા એના પર કામ કરવું જોઈએ. એવું નહીં હોવું જોઈએ કે તમે પહેલા જ દિવસે ચાલવા જઈ રહ્યા હોવ અને પહેલા જ દિવસે તમે 5 હજાર સ્ટેપ્સ ચાલી નાખો.