તમે વાત કરતી વખતે અચાનક શબ્દો ભૂલી જાઓ છો? આ છે તેનાં કારણો

    • લેેખક, ક્રેગ ડી ઝુબીગેરે
    • પદ, ધ કોન્વર્સેશન

આપણે બધા વાતચીત કરતી વખતે જે શબ્દ બોલવો હોય તે બોલવાનું ભૂલી જતા હોઈએ છીએ. આપણે એવું પણ કહીએ છીએ કે, "યાર...એ શબ્દ મારા હૈયે છે, પણ હોઠે નથી આવતો?"

વાત કરતી વખતે આવી પરિસ્થિતિ ઘણીવાર સર્જાય છે. આ સમસ્યા સાર્વત્રિક શા માટે છે? શું આ ખરેખર ગંભીર સમસ્યા છે?

આ સમસ્યા એકદમ સામાન્ય છે, પરંતુ આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ તેવા શબ્દો, નામ અને સંખ્યાઓ ઘણી વાર ભૂલી જતા હોઈએ તો તે ન્યુરોલોજિકલ સમસ્યાનો સંકેત હોઈ શકે.

આનું કારણ શું છે?

બોલતી વખતે શબ્દો ભૂલી જવા અને યોગ્ય શબ્દ શોધવામાં મુશ્કેલી દરેક વયના લોકોમાં થાય છે, પણ વય વધવાની સાથે તેમાં વધારો થતો હોય છે.

વૃદ્ધ લોકોમાં આવું થાય ત્યારે ડિમેન્શિયા (સ્મૃતિલોપ)ની સંભાવના વધારે હોય છે. અલબત્ત, આ બાબતે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી.

આપણે શબ્દો વારંવાર શા માટે ભૂલી જઈએ છીએ તે જાણવા માટે આપણી સાથે આવું કેટલીવાર થાય છે અને ક્યા સંદર્ભમાં આપણે શબ્દો ભૂલી જઈએ છીએ તે ટ્રૅક કરવું જરૂરી છે.

અભ્યાસ દર્શાવે છે કે માણસો લોકોનાં તથા સ્થળોનાં નામ સૌથી વધુ ભૂલી જતા હોય છે. એ ઉપરાંત જે શબ્દોનો ઉપયોગ ઓછો થતો હોય એ પણ યાદ રહેતા નથી, એવું પણ અભ્યાસ દર્શાવે છે.

ઓછા વપરાતા શબ્દોના અર્થ તથા ધ્વનિ વચ્ચે અંતર હોવાનું માનવામાં આવે છે. સામાજિક તણાવને લીધે શબ્દો ભૂલી જવાની શક્યતા વધી જતી હોવાનું અભ્યાસો દર્શાવે છે.

આ સંદર્ભમાં તમામ વયજૂથના લોકોને આવરી લેતું એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં આવી સમસ્યા સૌથી સામાન્ય હોવાનું તે સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોએ જણાવ્યું હતું.

આ બાબતને સમસ્યા ક્યારે ગણવી જોઈએ?

કોઈ વ્યક્તિ શબ્દો, નામો અને સંખ્યાઓ વારંવાર ભૂલી જતી હોય તો તેને ગંભીર સમસ્યા માનવામાં આવે છે.

આ સ્થિતિને ‘એનોમિયા’ અથવા ‘અનોમિક એફેસિયા’ કહેવામાં આવે છે. તે સ્ટ્રોક, ટ્યુમર્સ, મસ્તકમાં ઈજાને લીધે મગજને થયેલા નુકસાન સાથે સંકળાયેલી હોઈ શકે છે.

આ સ્થિતિનાં પ્રથમ લક્ષણો પૈકીનું એક યાદશક્તિ ક્ષીણ થવાને બદલે શબ્દો શોધવામાં અને ભૂલી જવાની તકલીફ છે.

એનોમિક એફેસિયા શબ્દો ઉચ્ચારવાની તૈયારીના વિવિધ તબક્કામાંની સમસ્યાઓને કારણે થઈ શકે છે. આ સમસ્યા ક્યા તબક્કે છે, તે માત્ર ન્યૂરોલોજિસ્ટ જ સ્પષ્ટ કરી શકે.

દાખલા તરીકે, કોઈ વ્યક્તિ હથોડા જેવી સામાન્ય વસ્તુનું નામ ન આપી શકે તો ન્યૂરોલોજિસ્ટ વ્યક્તિને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તે પૂછે છે.

વ્યક્તિ યોગ્ય પ્રતિસાદ ન આપી શકે તો ડૉક્ટર તેને હથોડાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે હાવભાવ દ્વારા દર્શાવવા કહે છે. વ્યક્તિ એ શબ્દ બોલી શકે એટલે ડૉક્ટર તેને એ શબ્દનો પહેલો અક્ષર જણાવે છે.

એનોમિક અફેસિયાની તકલીફ ધરાવતા મોટા ભાગના લોકો, બોલવાની વાત આવે ત્યારે શબ્દનો પ્રથમ અક્ષર યાદ કરી શકે. એ તેમના માટે ખૂબ જ ઉપયોગી થશે.

આ તકલીફ ધરાવતા લોકો વાતચીત કરતા હોય ત્યારે શબ્દો ભૂલી જતા હોય છે, પરંતુ તેઓ જે-તે વસ્તુનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તેનું વર્ણન ન કરી શકે અને આપણે ઉલ્લેખ કરીએ ત્યારે પણ યાદ ન કરી શકે તો તેનો અર્થ એવો થાય કે તેઓ ખરેખર એ શબ્દ અને તેનો મતલબ ભૂલી ગયા છે.

આ પ્રારંભિક અફેસિયાનું ગંભીર લક્ષણ છે.

અભ્યાસો સૂચવે છે કે અફેસિયાની વહેલી શરૂઆતને લીધે, શબ્દના અર્થનું પ્રોસેસિંગ કરતા મગજના કોષો ખતમ થઈ જાય છે અને તેમનું ન્યૂરલ કનેક્શન થતું નથી.

સ્ટ્રોક પછી મગજના ડાબા હિસ્સાને નુકસાન અને એનોમિક અફેસિયા સામાન્ય બાબત હોવા છતાં તેને શબ્દો ભૂલવા સાથે સંબંધ હોય તેવું લાગતું નથી, પરંતુ એનોમિક અફેસિયાની સારવાર શક્ય છે.

સ્પીચ પૅથૉલૉજિસ્ટ વિવિધ પ્રકારના શબ્દોનું અનુકરણ કરીને આ ડિસઑર્ડર ધરાવતા લોકોને મદદ કરી શકે છે.

આ પ્રકારની સ્પીચ ઍનર્જી થૅરપી માટે કેટલીક સ્માર્ટફોન ઍપ્લિકેશન પણ ભરોસાપાત્ર છે.

આ સારવારને લીધે મગજની પ્રવૃત્તિમાં પરિવર્તન થાય છે અને તેનાથી લોકોની બોલવાની ક્ષમતામાં વધારો થાય છે.

પ્રારંભિક તબક્કાના અફેસિયા માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ કેટલાક અભ્યાસ સૂચવે છે કે સ્પીચ થૅરપીથી કામચલાઉ ફાયદો થઈ શકે છે.

(ક્રેગ ડી ઝુબીગેરે ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજીમાં ન્યૂરોસાઇકૉલૉજીના પ્રોફેસર છે)