રખડતાં શ્વાન શા માટે લોકો પર હુમલો કરે છે? તેનાથી કેવી રીતે બચી શકાય?

વાઘબકરી ચા કંપનીના ઍક્ઝેક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું અવસાન થયું છે. 15 ઑક્ટોબરે તેઓ રખડતા શ્વાનોના હુમલાથી બચવા ભાગી રહ્યા હતા ત્યારે પડી જતાં તેમને માથામાં ઈજા થઈ હતી.

ભારતમાં રખડતાં શ્વાનોના હુમલાનું પ્રમાણ વધ્યું છે. એક આંકડા પ્રમાણે ભારતમાં છ કરોડથી વધારે રખડતાં શ્વાન છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો પ્રાણીઓના હુમલાનો શિકાર થાય છે. આમાં 92 ટકા કેસ શ્વાન કરડવાના હોય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વિશ્વમાં હડકવાને કારણે થતાં મૃત્યુમાં 36 ટકા મૃત્યું ભારતમાં નોંધાય છે.

મતલબ દરવર્ષે 18,000થી 20,000 લોકો હડકવાથી મૃત્યુ પામે છે.

ભારતમાં હડકવાથી થતાં મૃત્યુમાં 30 થી 60 ટકા મૃત્યુ તો 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં થાય છે.

હડકવાથી થતાં મૃત્યુને રસીની મદદથી ટાળી શકાય છે. આ રસી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે.

2030 સુધીમાં હડકવાથી થતાં મૃત્યુના પ્રમાણને શૂન્ય કરવા એક યોજના તૈયાર કરાઈ છે.

દિલ્હી, બેંગલુરુ, મેરઠ, ગુરુગ્રામ, પંજાબ, નોઈડા, મુંબઈ, પુણે, બિજનોર જેવાં ઘણાં શહેરોમાંથી રખડતાં શ્વાનોના હુમલાના અહેવાલો છે.

ગયા વર્ષે બિહારના બેગુસરાઈમાં એક મહિલા પર રખડતાં કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ મહિલાનું મૃત્યુ થયું હતું.

અહેવાલો અનુસાર, મીરા દેવી ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમના પર શ્વાનોએ હુમલો કર્યો હોવાની માહિતી તેમના પતિએ આપી હતી.

સ્થાનિક પત્રકાર મારુતિ નંદનનું કહે છે કે આ વિસ્તારમાં શ્વાનોનું એક ટોળું બની ગયું હતું. આ કૂતરાંના હુમલામાં આશરે નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

બાદમાં વન વિભાગે શ્વાનના આ ટોળા સામે કાર્યવાહી કરી હતી.

2001માં એક કાયદાએ ભારતમાં શ્વાનોને મારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના કારણે દેશમાં રખડતાં શ્વાનોની સંખ્યામાં વધારો થયો છે.

રખડતાં શ્વાનો હુમલો કેમ કરે છે?

દેખીતી રીતે તો માનવી અને શ્વાન હજારો વર્ષોથી સાથે રહે છે.

શ્વાન અને માણસ વચ્ચે સંબંધ મૈત્રીપૂર્ણ હોય છે. પરંતુ રખડતા શ્વાનની વાત અલગ છે.

તેમને ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. આવામાં તેમનો સ્વભાવ બદલાતો રહે છે.

ટ્રાફિકનો મોટો અવાજ, રસ્તા પર કચરો નાખવાની સામાન્ય આદત, રસ્તા પર ઝબકતી લાઈટો શ્વાનોને અસર કરે છે અને તેઓ આક્રમક બની જાય છે.

ઘણીવાર આ રખડતા શ્વાન ટોળું બનાવી લે છે અને તે ખતરનાક બની શકે છે.

કેરળ વેટરનરી ઍન્ડ ઍનિમલ સાયન્સ યુનિવર્સિટીના ડૉ. શિબૂ સાયમન કહે છે કે શ્વાનના હુમલાની દરેક ઘટના પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. પરંતુ જ્યારે આ શ્વાન કાચું માંસ ખાય છે ત્યારે તેનો સ્વાદ તેમની જીભ પર રહે છે અને તેઓ બેકાબૂ બની જાય છે.

તેઓ કહે છે, "ક્યારેક શ્વાન કોઈને ડરાવવા માટે પણ આક્રમક બની જાય છે. આ તેમના માટે એક રમત છે. તેથી જો કોઈ વ્યક્તિ શ્વાનોને જોઈને દોડવા લાગે છે, તો કૂતરા વિચારે છે કે તે વ્યક્તિ તેમનાથી ડરી ગઈ છે. પછી તેઓ તેમની પાછળ દોડે છે, ક્યારેક કરડે પણ છે."

પ્રખ્યાત પશુ ચિકિત્સક અજય સૂદ અનુસાર, "પ્રાદેશિક વર્ચસ્વ અને સલામતીના મુદ્દાઓને કારણે શ્વાનો ઘણીવાર માણસો પર હુમલો કરે છે."

તેઓ કહે છે, "દરેક શ્વાનનો પોતાનો પ્રદેશ હોય છે. એક તરફ, માનવ વસતી વધી રહી છે બીજી તરફ શ્વાનોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેથી તેમનો પ્રદેશ સંકોચાઈ રહ્યો છે. શ્વાનો તેમના પ્રદેશની રક્ષાની બાબતમાં અસુરક્ષિત અનુભવે છે. આવામાં જ્યારે કોઈ તેમના પ્રદેશમાં આવે ત્યારે તેઓ આક્રમક બની જાય છે અને હુમલો કરે છે."

તેઓ કહે છે કે શક્ય હોય ત્યાં સુધી રખડતા કૂતરાને ચીડવવાનું ટાળો અથવા અથવા બતાવશો નહીં કે તમે તેનાથી ડરો છો.

શું ધ્યાન રાખવું જોઈએ?

ડૉ. સાઇમન વધુમાં જણાવે છે, "શ્વાન માનવી પર નભતું પ્રાણી છે. તેઓ મનુષ્યો સાથે રહેવા માગે છે અને જો મનુષ્ય તેમની સાથે હોય તો તેઓ સારું વર્તન કરે છે. તેથી જ માણસો શ્વાન રાખે છે."

ભારતમાં કૂતરા કરડવાની ઘટનાઓ વધી છે. અને આના કારણે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. તો આ રખડતા શ્વાનો સાથે કેવી રીતે વર્તવું?

એક તરફ લોકો કહે છે કે આ રખડતા શ્વાનોને શેરીઓમાંથી હટાવી દેવા જોઈએ, તેમને મારી નાખવા જોઈએ. બીજી બાજુ લોકોનું કહેવું છે કે તેમની સંખ્યા ઘટાડવા તેમને મારવા એ કોઈ ઉપાય નથી.

જેથી ઘણી વખત આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

રખડતા શ્વાનો આક્રમક બનવાનું બીજું કારણ તેમને ખવડાવનારાઓની આદત માનવામાં આવે છે.

પરંતુ ઍનિમલ વૅલફેર બોર્ડ ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે તેઓ કોઈને પણ એવું કરતા રોકી શકે નહીં.

1960માં પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ (PCA) ઍક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમનો હેતુ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને રોકવાનો હતો.

હ્યુમન ફાઉન્ડેશન ફૉર પીપલ ઍન્ડ ઍનિમલ્સનાં મેઘના ઉનિયાલના જણાવ્યા અનુસાર, પીસીએ અને રાજ્ય મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ હેઠળ, નાગરિકોની સુરક્ષા માટે રખડતાં કૂતરાઓને જાહેરસ્થળોએથી દૂર કરી શકાય છે અથવા તો મારી પણ શકાય છે.

આ અધિનિયમમાં "સ્થાનિક અધિકારીઓ બિનજરૂરી પ્રાણીઓનો નાશ કરે છે" તેની ખાતરી કરવા બોર્ડ બનાવવાની જોગવાઈ છે.

પરંતુ 2001માં, સરકારે રખડતાં શ્વાનોની સંખ્યા ઘટાડવા ઍનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ (ABC) રજૂ કર્યા. રખડતાં શ્વાનોની નસબંધી અને રસીકરણ જેવી બાબતોની ચર્ચા કરાઈ હતી.

તે હેઠળ, આ શ્વાનોની જવાબદારી પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓને આપવામાં આવી હતી.

પરંતુ કેટલાક ટીકાકારો માને છે કે શ્વાન કરડવાના કેસમાં વધારો થવા પાછળ કાયદો જવાબદાર છે.

આ નિયમોમાં એવા શ્વાનને મારવાનું પ્રાવધાન છે, જે બીમાર છે, જેમનો ઇલાજ નથી કરી શકાતો અથવા ઘાયલ છે અને સાજા થઈ શકતાં નથી.

સાથે જ આ કાયદામાં કૂતરાંની નસબંધી અને રસીકરણ કરી તેમને પાછા મુક્ત કરવાની પણ વાત કરાઈ હતી.

શું અડચણો આવે છે?

ફિલ્મ નિર્માતા રોયન લોબોએ એક લેખમાં લખ્યું છે કે જો કોઈ માલિક વગરનું શ્વાન કોઈ બાળકને કરડે છે તો તેને મારી શકાય નહીં. તેના બદલે તેનું રસીકરણ કરવું જોઈએ અને તેને છોડી દેવું જોઈએ.

પછી ભલે તે શ્વાન કોઈ જંગલી જાનવરને પણ મારી નાખે તો પણ પ્રક્રિયા આ જ છે. પણ જો કોઈ આદિવાસી વ્યક્તિ આવું કરે તો તેને સાત વર્ષની સજા થઈ શકે છે.

લોબો મુજબ 2001ના આ નિયમો માણસો અને જાનવરોના અધિકારોને એક જ સ્તર પર રાખે છે જે બિલકુલ યોગ્ય નથી.

તેઓ કહે છે, "મારી પાસે પણ શ્વાન છે. તે મારા પરિવારના સભ્યો જેવા છે. પણ તેઓ માણસ નથી અને કોઈ પણ દેશ શ્વાન અને માનવીના આધિકારોને સમાન સ્તર પર નથી રાખતા. સાર્વજનિક સ્થળો પર શ્વાનોની સંખ્યાને નિયંત્રિત કરવાની જરૂર છે."

રોયન લોબો કહે છે કે ફોટોગ્રાફર તરીકે કામ કરતા તેમણે રખડતાં શ્વાનોને હરણ અને ચિતલનો શિકાર કરતાં જોયાં છે.

ડૉ. શિબૂ સાયમનનું પણ માનવું છે કે એબીસી કાર્યક્રમ આટલા મોટા દેશ માટે પૂરતો નથી.

તેઓ કહે છે, "શ્વાન પકડનારા માત્ર શ્વાનને પકડે છે અને ક્યારેક એક જ વિસ્તારના બધાં શ્વાનને પકડવાં શક્ય નથી."

પણ કાયદાનું સમર્થન કરવાવાળાનું કહેવું છે કે રખડતાં શ્વાનો પર લગામ લગાવવાની આ એકમાત્ર રીત છે.

નેબરહૂડ વૂફ સંગઠનનાં આયશા ક્રિસ્ટીના 2001ના કાયદાના સમર્થક છે.

તેમના મતે સમસ્યા કાયદામાં નથી પણ તેના અમલીકરણ અને સંસાધનોની કમી મુખ્ય કારણ છે.

તેઓ કહે છે, "એસીબીને માત્ર સ્થાનિક અધિકારીઓ કે અધિકારીઓના ભરોસે ના મૂકી શકાય. એટલા માટે અન્ય લોકોને પણ તેમાં સામેલ કરવા પડશે. એનજીઓએ પહેલ કરવી પડશે."

"જિલ્લા સ્તરે, બ્લૉક સ્તરે નસબંધી કેન્દ્રો શરૂ કરવાં પડશે. જૂની બંધ પડેલી શાળાઓમાં તે શરૂ કરી શકાય. એબીસી કેન્દ્ર મોબાઇલ એક ક્લિનિક શરૂ કરવું પડશે."

પણ બંને તરફના લોકોમાં એટલું મોટું અંતર છે કે મામલો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે. મેઘના ઉનિયાલ મુજબ કોર્ટ એબીસી નિયમોની માન્યતા પર સુનાવણી કરી રહી છે.

આ કોર્ટ કેસમાં મેઘના પણ એક પક્ષકાર છે.

ડૉ. શીબૂ સાઇમન મુજબ સામાન્ય જનતાને આર્થિક પ્રોત્સાહન આપી રખડતા શ્વાનને દત્તક લેવા માટે પ્રોત્સાહન આપી શકાય. આનાથી રખડતાં શ્વાનોની સંખ્યા પણ ઘટી શકે છે.

કોઈ વ્યક્તિ એક ગલુડિયાને દત્તક લઈ શકે છે પણ મોટા શ્વાનોને દત્તક લેવામાં અનેક વ્યાવહારિક પડકારો હોય છે.

વૃદ્ધાવસ્થામાં શ્વાન માટે કોઈ નવી જગ્યા પર વસવાટ કરવાનું મુશ્કેલ હોય છે. પણ આ બધા વિવાદો વચ્ચે શ્વાનોના હુમલાઓની ઘટનાઓ તો સતત બની રહી છે.