શ્વાન વફાદાર હોય તે વાત સાચી, પરંતુ આટલો વફાદાર શ્વાન જોયો છે ક્યારેય?

    • લેેખક, કેરી એલન
    • પદ, બીબીસી મોનિટરીંગ

ચીનના એક શ્વાને સોશિયલ મીડિયાના યુઝર્સનાં મન જીતી લીધાં છે અને તેનું કારણ તેના માલિક પ્રત્યે વફાદારી છે.

મોટાભાગના શ્વાન પોતાના માલિત પ્રત્યે વફાદાર હોય છે પણ આ શ્વાનની વફાદારીએ મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

આ શ્વાન તેના માલિકને એટલો પ્રેમ કરે છે કે દરરોજ કલાકો સુધી એક સ્ટેશનની બહાર બેસીને તેના માલિકની રાહ જુએ છે.

ઝિયોંગઝિયોંગ નામના શ્વાનનો વીડિયો પીયર વીડિયો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

એપ્રિલના અંતમાં અપલોડ થયેલો આ વીડિયો 1 કરોડ કરતાં વધારે લોકોએ જોયો છે અને તેને પસંદ કર્યો છે.

આ વીડિયો ચીનના દક્ષિણ પશ્ચિમી શહેર ચોંગકિંગમાં શૂટ કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં જોવા મળે છે કે શ્વાન સબવે ટ્રેનના સ્ટેશનની બહાર બેસે છે અને શાંતિથી પોતાના માલિક માટે 12 કલાક સુધી રાહ જુએ છે.

ઝિયોંગઝિયોંગના માલિકની પોતાની ઓળખ છુપાવતા કહે છે કે તેઓ ઝિયોંગઝિયોંગનું છેલ્લાં 8 વર્ષથી પાલનપોષણ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે ઝિયોંગઝિયોંગ હંમેશાંથી આવો જ છે અને હંમેશાં તેમની આ જ રીતે રાહ જુએ છે.

સ્થાનિક લોકોએ પીયર વીડિયો સાથે વાત કરતાં જણાવ્યું કે આ શ્વાન કોઈને કનડતો નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

એક સ્થાનિક આ શ્વાન અંગે વાત કરતાં કહે છે, "તેમના માલિક જ્યારે ઑફિસ જાય છે ત્યારે તેની સાથે તે અહીં સ્ટેશને આવે છે. દરરોજ સવારે લગભગ 7થી 8 વાગ્યાની વચ્ચે તે અહીં આવે છે. કોઈપણ વ્યક્તિ તેને કંઈ ખાવાનું આપે તો તે ખાતો નથી અને આખો દિવસ તેના માલિકની રાહ જુએ છે."

આ શ્વાન સોશિયલ મીડિયા પર એટલો લોકપ્રિય બની ગયો છે કે લોકો તેની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે.

હોંગકોંગના એક અખબાર સાઉથ ચાઇના મોનિટરીંગના જણાવ્યા મુજબ કેટલાક લોકો આ સેલિબ્રિટી શ્વાનને મળવા માટે દૂરથી આ સ્ટેશન સુધી આવે છે.

આ શ્વાનની લોકપ્રિયતા એટલી બધી ગઈ કે ચીનના પ્રખ્યાત સિના વિબો માઇક્રોબ્લોગ પર તેના નામનો હેશટેગ શરૂ થઈ ગયો છે.

'શ્વાન પાસેથી શીખવાની જરૂર'

સિના વિબો માઇક્રોબ્લોગ અને વીડિયો વેબસાઇટ મિઆઓપાઈના હજારો યુઝર્સ ઝિયોંગઝિયોંગના વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યાં છે તેમજ તેને શૅર કરી રહ્યા છે.

એક યુઝર્સ લખે છે, "આ ખૂબ આકર્ષિત લાગે છે. આપણે શ્વાન પાસેથી કેટલીક નૈતિકતા શીખી શકીએ છીએ."

કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરતાં એવું પણ માને છે કે ઝિયોંગઝિયોંગની વધતી લોકપ્રિયતાનાં કારણે તે કેટલાક લોકો દ્વારા નિશાન પણ બની શકે છે. કેટલાક લોકો તેની ચોરી કરી શકે છે અથવા તો તેને નુકસાન પહોંચાડી શકે છે.

હવે કેટલાક લોકો એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આટલો લોકપ્રિય થયા બાદ હવે શ્વાન પર ખતરો ઊભો થશે.

કેટલાક લોકો તેને ઉપાડી જાય અથવા તેના પર હુમલો કરે તેવો પણ ડર કેટલાક લોકોને સતાવી રહ્યો છે.

ગુડ બૉય છે ઝિયોંગઝિયોંગ

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટની માહિતી અનુસાર ઝિયોંગઝિયોંગ મોડર્ન હચિકો છે.

હચિકો એક એવો શ્વાન હતો કે જે જાપાનમાં 1920માં ખૂબ પ્રખ્યાત થયો હતો.

તે પણ તેના માલિકને મળવા માટે દરરોજ રેલવે સ્ટેશન પહોંચતો હતો.

આ શ્વાન પોતાના માલિકનાં મૃત્યુ બાદ પણ નવ વર્ષ સુધી દરરોજ રેલવે સ્ટેશન આવતો હતો.

19મી સદીમાં આવો જ એક કેસ યૂકેમાં પણ જોવા મળ્યો હતો.

ગ્રેફ્રાયર્સ બૉબી નામનો શ્વાન તેના માલિકની કબરની 14 વર્ષ સુધી રખેવાળી કરી હતી. જેના કારણે તે સમગ્ર દેશમાં પ્રખ્યાત થઈ ગયો હતો.

આ શ્વાનની પ્રતિમા હજુ પણ એડિનબર્ગ શહેરમાં રાખવામાં આવી છે.

આ શ્વાનની સત્યકથા પરથી એક પુસ્તક પણ લખાયું છે અને બાદમાં તેના પરથી એક ફિલ્મ પણ બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો