You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છોટા રાજન : પ્રેમમાં પતી ગયો બડા રાજન અને નાનો ભાઈ રાજેન્દ્ર બની ગયો મોટો ડૉન
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન કોરોના વાઇરસને કારણે એઇમ્સમાં દાખલ છે અને એમનું મૃત્યુ થયું નથી.
એમ્સના જનસપંર્ક અધિકારી બીએન આચાર્યએ છોટા રાજનની મોતની ખબરથી ઇન્કાર કર્યો છે.
એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે છોટા રાજનનો એઇમ્સમાં ઇલાજ ચાલી રહ્યો છે અને એમનું મૃત્યુ થયું નથી.
આ અગાઉ થોડાં સમય પહેલાં ઑલ ઇન્ડિયા રેડિયોએ એક ટ્વિટ કરીને છોટા રાજનનું કોરોનાથી મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું.
2015માં ઇન્ડોનેશિયામાંથી ધરપકડ બાદ છોટા રાજન તિહાડ જેલમાં બંધ હતો. કોવિડ-19નો ચેપ લાગ્યા પછી એને એઇમ્સ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
2018માં મુંબઈની વિશેષ મકોકા કોર્ટે પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છોટા રાજન સહિત નવ અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
કહેવાય છે કે કોઈ એક કહાણી પૂર્ણ થાય, ત્યાંથી જ નવી કથાની શરૂઆત થતી હોય છે. જ્યાંથી બડા રાજન એટલે કે રાજન નાયરની કહાણી પૂરી થઈ, ત્યાંથી છોટા રાજનની કહાણી શરૂ થઈ.
રાજન નાયર દરજીકામ કરતો અને 25-30 રૂપિયા રળી લેતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન ગર્લફ્રેન્ડને બર્થડે ગિફ્ટ આપવા માટે નાયરે ઓફિસનું ટાઇપરાઇટર ચોર્યું અને 200 રૂપિયામાં વેચી નાખ્યું.
આ પૈસામાંથી રાજન નાયરે તેની ગર્લફ્રેન્ડ માટે સાડી ખરીદી.
પોલીસે તેની ધરપકડ કરી. રાજનને ત્રણ વર્ષની જેલની સજા થઈ.
ગુસ્સે ભરાયેલા રાજન નાયરે જેલમાંથી બહાર નીકળીને પોતાની ગેંગ બનાવી, જેને 'ગોલ્ડન ગેંગ' નામ આપ્યું.
આગળ જતા આ ગેંગ 'બડા રાજનની ગેંગ' તરીકે કુખ્યાત બની.
રાજનની ગેંગમાં અબ્દુલ કૂંજુ નામનો સાગરીત હતો. થોડા દિવસો બાદ કૂંજુએ રાજન નાયરની ગર્લફ્રેન્ડ સાથે નિકાહ કરી લીધા.
આથી રાજન નાયર તથા અબ્દુલ વચ્ચેની મૈત્રી દુશ્મનીમાં પલટી ગઈ.
અખબારોમાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે, પઠાણ ભાઈઓની મદદથી કુંજુએ કોર્ટની બહાર એક રીક્ષાવાળા મારફત રાજન નાયરની હત્યા કરાવી નાખી.
અહીંથી જ 'બડા રાજન'ની કહાણી પૂરી થઈ અને છોટા રાજનની કહાણી શરૂ થઈ.
એક સમયે તે 1993ના મુંબઈ બ્લાસ્ટ્સના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમનો રાઇટ હેન્ડ હતો.
દાઉદ અને છોટા રાજનની માત્રી એક શખ્સને ખૂબ જ ખટકતી, આ શખ્સ એટલે છોટા શકીલ. તેણે છોટા રાજનને મરાવી નાખવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.
મરાઠી છોકરો રાજેન્દ્ર
મુંબઈના ચેંબુરના તિલક નગરમાં 1960માં મરાઠી પરિવારમાં એક બાળકનો જન્મ થયો. જેને નામ અપાયું, રાજેન્દ્ર સદાશિવ નિખલ્જે.
સદાશિવ થાણેમાં નોકરી કરતા હતા. રાજનને ત્રણ ભાઈ તથા બે બહેનો હતી.
પાંચમા ધોરણથી રાજને ભણવાનું છોડી દીધું અને જગદીશ શર્મા ઉર્ફે ગૂંગાની ગેંગમાં સામેલ થઈ ગયો.
રાજેન્દ્રે સુજાતા નામની છોકરી સાથે લગ્ન કર્યાં, જેનાથી ત્રણ દીકરીઓ થઈ.
1979માં રાજન મુંબઈના સાહાકાર સિનેમાની બહાર ટિકિટોની કાળાબજારી કરતો હતો. એક દિવસ પોલીસે સિનેમાગૃહની બહાર લાઠીચાર્જ કર્યો.
આથી ઉશ્કેરાયેલા રાજને પોલીસની લાકડી ખૂંચવી લીધી અને પોલીસકર્મીઓને ઝૂડવાનું શરૂ કરી દીધું, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા.
આમ પહેલી વખત પોલીસ સાથે રાજેન્દ્રની અથડામણ થઈ.
આ ઘટના બાદ અનેક ગેંગ પાંચ ફૂટ ત્રણ ઇંચના રાજેન્દ્રને પોતાના પક્ષે લેવા માગતી હતી.
રાજેન્દ્રે બડા રાજનની ગેંગને જોઇન કરી હતી. જ્યારે કૂંજુએ બડા રાજનની હત્યા કરાવી નાખી ત્યારે રાજેન્દ્રે ગેંગને સંભાળી અને તે 'છોટા રાજન' બની ગયો.
છોટા રાજને તેના 'બડા રાજન ભાઈ'ની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું.
કૂંજુના મનમાં એટલી હદે છોટા રાજનનો ભય પેસી ગયો હતો કે તેણે જીવ બચાવવા 1983માં ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સરન્ડર કરી દીધું.
જોકે, છોટા રાજને હાર ન માની. ચાર મહિના બાદ જાન્યુઆરી 16984માં છોટા રાજને ફરી એક વખત કૂંજુને મારી નાખવા પ્રયાસ કર્યો, પરંતુ તે માત્ર ઘાયલ જ થયો.
25 એપ્રિલ 1984ના દિવસે પોલીસ કૂંજુને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યાં એક 'દર્દી' હાથ પર પ્લાસ્ટર બેસીને બેઠો હતો.
કૂંજુ તેની પાસે આવ્યો કે તેણે પ્લાસ્ટર હટાવીને ફાયરિંગ શરૂ કરી દીધું. બોલિવૂડની અનેક ફિલ્મોમાં આ સીન 'પ્રેરણારૂપ' બન્યો.
ફરી એક વખત કિસ્મતે કૂંજુને સાથ દીધો અને તે બચી ગયો. જોકે, દાઉદ ઇબ્રાહિમ આ ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થયો.
દાઉદે છોટા રાજનને મળવા બોલાવ્યો. આ મુલાકાત બાદ રાજન દાઉદની ગેંગમાં સામેલ થઈ ગયો.
થોડા દિવસો બાદ દાઉદની મદદથી છોટા રાજને કૂંજુની હત્યા કરાવી નાખી. આ રીતે બન્ને એકબીજા માટે વિશ્વાસપાત્ર બની ગયા.
દાઉદની ગેંગમાં છોટા રાજનની ઓળખ 'નાના' તરીકેની હતી.
દાઉદના અન્ય એક વિશ્વાસપાત્ર સાગરીત છોટા શકીલને આ નિકટતા ખટકતી હતી.
રાજને દાઉદની ગેંગ માટે બિલ્ડર્સ તથા ધનવાનો પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કરી દીધું.
કોઈ કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ લેવો હોય તો ત્રણથી ચાર ટકાનું કમિશન આપવું પડતું હતું.
પોલીસ રેકોર્ડ્સ પ્રમાણે, એ અરસામાં માસિક રૂ. 90 લાખ જેટલી રકમની વસૂલાત કરતો.
દાઉદે તેના ભાઈ સાબિરની હત્યાનો બદલો લેવાનું કામ છોટા રાજનને સોંપ્યું હતું.
પરંતુ રાજન આ કામ પાર પાડે તે પહેલા છોટા શકીલ અને સૌત્યાના માણસોએ હોસ્પિટલમાં ઘૂસીને ભારે ગોળીબાર કરીને હત્યાનો બદલો લીધો.
આ સાથે જ 'ડી' ગેંગમાં રાજનના પતનની શરૂઆત થઈ. 1993ના બૉમ્બ વિસ્ફોટ બાદ રસ્તા ફંટાઈ ગયા.
1993માં મુંબઈમાં શ્રેણીબંધ બૉમ્બ વિસ્ફોટ થયા, જેમાં અનેક લોકોના મોત થયા.
વિસ્ફોટો બાદ મુંબઈકરોમાં દાઉદ તથા તેના સાગરીત છોટા રાજન પ્રત્યે નફરત વધી ગઈ.
દાઉદે છોટા રાજન તથા છોટા શકીલ વચ્ચેના મતભેદ દૂર કરવા માટે પ્રયાસ થયા હતા, જે નિષ્ફળ રહ્યા હતા.
એ. હુસૈન જૈદીએ તેમના પુસ્તક 'ડોંગરી ટુ દુબઈ'માં લખે છે, "છોટા રાજને અખબારોને ફેક્સ કરીને પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દાઉદનો પણ બચાવ કર્યો હતો."
છોટા શકીલ તથા છોટા રાજન સામે-સામે
ઝૈદી તેમના પુસ્તકમાં લખે છે, 1993-94 સુધીમાં છોટા શકીલ તથા છોટા રાજન સામે-સામે થઈ ગયા હતા.
રાજને દાઉદ ગેંગનું કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે ભારત પરત ફરવા માગતો હતો.
જોકે, છોટા રાજનના વિઝા શેખો પાસે હતા. આ શેખોની મદદથી જ છોટા રાજન દુબઈ પહોંચ્યો હતો.
છોટા રાજનને અંદાજ હતો કે જો તે રોકાશે તો માર્યો જશે. આથી, તેણે દુબઈ છોડવાની તૈયારી કરી હતી.
હુસૈન જૈદી તેમના પુસ્તકમાં લખે છે, "રોના અધિકારીની મદદથી છોટા રાજનનું દુબઈમાંથી નીકળવું શક્ય બન્યું.
"ત્યાંથી છોટા રાજન કાઠમંડૂ અને ત્યાંથી મલેશિયા જતો રહ્યો."
બાદમાં છોટા શકીલ જ દાઉદનો ખાસ માણસ બની ગયો હતો. આગામી કેટલાક વર્ષો સુધી છોટા રાજન છૂપાઈને રહ્યો.
જીવ બચાવવા રાજનના પ્રયાસ
આગામી કેટલાક વર્ષો દરમિયાન છોટા રાજને કુઆલાલમ્પુર, કમ્બોડિયા તથા ઇન્ડોનિયામાં છૂપાઈને રહ્યો. જોકે, રાજનને લાગ્યું કે બેંગકોક સલામત રહેશે.
છોટા રાજનની પૂરતી તકેદારી છતાંય છોટા શકીલને છોટા રાજનના ઠેકાણાની માહિતી મળી ગઈ.
સપ્ટેમ્બર-2000માં ચાર હથિયારબંધ શખ્સોએ છોટા રાજનના એપાર્ટમેન્ટમાં છૂપાયેલો હતો.ગોળીબારમાં ઘાયલ છોટા રાજન બેંગકોકની હોસ્પિટલમાં દાખલ થયો.
થોડા દિવસો બાદ રાજનને શંકા થઈ કે તેની હત્યા કરાવી દેવામાં આવશે, એટલે તે હોસ્પિટલના ચોથા માળેથી નાસી છૂટવામાં સફળ થયો.
2001માં રાજને આ હુમલાનો બદલો લીધો અને છોટા શકીલની ગેંગના બે ખાસ માણસોની હત્યા કરાવી.
જે ડેની હત્યા
2001 પછી છોટા રાજન ક્યાં રહ્યો, તે અંગે કોઈને ખાસ માહિતી ન હતી.
જોકે, જૂન-2011માં ફરી એક વખત છોટા રાજનનું નામ ચર્ચામાં આવ્યું હતું.
મુંબઈના અખબાર 'મીડ-ડે'ના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર જ્યોતિર્મય ડેની મુંબઈના પવઈ ખાતે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.
એ હત્યા અને ત્યારબાદ 2013માં બિલ્ડર અજય ગોસાલિયા તથા અરશદ શેખની હત્યાના કેસોમાં પણ છોટા રાજનની ગેંગના લોકોના નામ આવ્યા.
ઇન્ટરપોલે છોટા રાજનને પકડી પાડવા માટે 'રેડ કોર્નર' નોટિસ કાઢી.
2015માં એવા અહેવાલ આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં છોટા રાજન પર હુમલો થયો હતો. જીવ બચાવવા રાજન ત્યાંથી ઇન્ડોનેશિયાના બાલિ નાસી છૂટ્યો.
અહીંથી રાજનની ધરપકડ કરવામાં આવી. નવેમ્બર 2015માં તેને ભારત લાવવામાં આવ્યો.
ડ્રગ્સ, હથિયાર, ખંડણી વસૂલાત, તસ્કરી તથા હત્યાના લગભગ 70 કેસોમાં છોટા રાજન આરોપી છે.
તેને પત્રકાર જે ડેની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોનાના RT-PCR ટેસ્ટની CT વેલ્યુ શું છે અને તેને કેવી રીતે સમજશો?
- કોવિડનાં લક્ષણો છતાં RTPCR નૅગેટિવ આવી શકે? HRCTC ક્યારે જરૂરી ગણાય?
- કોરોના વાઇરસ : પોતાની નબળી પડતી ઇમ્યુન સિસ્ટિમને કેવી રીતે બચાવશો?
- કોરોનાની રસી લીધા પછી શું તકેદારી રાખવી અને માસ્ક ક્યાં સુધી પહેરી રાખવું પડશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો