#Sanju: સંજય દત્તના જીવનના પાંચ નાટ્યાત્મક વળાંકો

શું તમે સંજૂ ફિલ્મનું ટીઝર જોયું? પહેલી વાર રીલિઝ થયેલા આ પોસ્ટરમાં રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકામાં છે. જે પાંચ અલગ અલગ લૂકમાં જોવા મળે છે. આ પાંચ લૂક એટલે સંજય દત્તના જીવનમાં આવેલા પાંચ વળાંકો. જાણીએ તેમના આ ઉતાર ચઢાવ વિશે.

1. એક સમૃદ્ધ ઘરમાં 'રૉકી'નો જન્મ

સંજય દત્તની માતા નરગિસ દત્ત, તેમની પ્રથમ ફિલ્મ 'રૉકી' ની રીલિઝના થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.

જ્યારે રૉકી 1981માં રિલીઝ થવાના આરે હતી નરગિસ તેમના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યાં હતાં.

બીજી તરફ સંજય દત્ત સાત સમુદ્ર પાર અમેરિકાના એક રીહેબ સેન્ટરમાં ડ્રગ્સની લતથી છૂટકારો મેળવવા સારવાર લઈ રહ્યા હતા.

નરગિસે ​એવી હાલતમાં પણ દીકરા સંજય માટે એક સંદેશ રેકોર્ડ કરીને સુનિલ દત્ત દ્વારા અમેરિકા મોકલાવ્યો હતો.

સુનિલ દત્તને આશા હતી કે સંજય તેમની માતાનો અવાજ સાંભળીને ડ્રગ્સની લતમાંથી બહાર આવશે. આ વાતનો ઉલ્લેખ 'સંજય દત્ત: ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલીવૂડ' માં કરવામાં આવ્યો છે.

2. 'વિલન' વૉક

1993 ના મુંબઈ બ્લાસ્ટ પછી, સંજયના જીવનમાં અલગ અલગ વળાંક આવ્યા હતા. 1994માં, શૂટિંગ પૂરું કર્યા પછી સંજય દત્ત જ્યારે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે એમની એરપોર્ટ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી.

સંજય દત્તના ઘરમાં કેટલાક વિસ્ફોટક શસ્ત્રો છુપાયેલાં હોવાની જાણકારી પોલીસને મળી હતી.

સંજય દત્ત દાઉદ ઇબ્રાહીમ અને અબુ સલેમ જેવા ગુંડાઓ સાથે સંપર્કમાં હતા.

તેમના પર ગેરકાયદેસર હથિયાર રાખવાનો અને આર્મ્સ એક્ટનો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો.

18 મહિના માટે જેલમાં રહ્યા બાદ સંજયને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

એ સમયે સંજય દત્તના પિતા સુનિલ દત્ત કોંગ્રેસના સાંસદ હતા. તેમણે એ વખતે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેની મુલાકાત પણ કરી હતી.

સુનિલ દત્તે બાલ ઠાકરેને મળીને સંજયને છોડાવવાની વિનંતી કરી હતી. આ સમાચાર તે સમયના છાપાઓમાં છપાયા હતા.

1999ની ફિલ્મ 'વાસ્તવ'માં સંજય દત્તના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, સંજયના અંગત જીવનમાં ઘણાં ઉતારચઢાવ આવ્યા હતા.

3. ભાઈગીરીમાંથી ગાંધીગીરી

2006માં, સંજય દત્તને ત્યારે રાહત મળી જ્યારે કોર્ટે ટાડા કાયદા હેઠળ સંજય દત્તના આરોપોને નકારી કાઢ્યા.

કોર્ટે તેને આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવ્યા હતા અને છ વર્ષની જેલની સજા ફટકારતા કહ્યું હતું કે, "સંજય કોઈ આતંકવાદી નહોતો અને તેમણે સ્વબચાવ માટે બંદૂક રાખી હતી".

એ પછી 18 દિવસ જેલની હવા ખાધા પછી સંજય દત્તને જામીન મળી ગયા હતા.

તે જ સમયે, ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ' ફિલ્મ સિરિઝમાં રિલિઝ કરવામાં આવી અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી.

આ ફિલ્મ દ્વારા સંજયને તેમની છબી સુધારવામાં મદદ મળી.

4. ફરી એકવાર, 'અગ્નિપથ'

2007 થી 2013 સુધીના વર્ષો સંજય દત્ત માટે સારાં રહ્યાં. આ સમયગાળા દરમિયાન, તેમણે માન્યતા (મૂળ નામ સારા ખાન) સાથે લગ્ન કર્યાં. આ જ વર્ષોમાં તેઓ જોડિયા બાળકોના પિતા બન્યા.

માર્ચ 2013માં મુંબઇના બોમ્બ વિસ્ફોટોના 20 વર્ષ પછી કોર્ટે સંજય દત્તને ચાર અઠવાડિયામાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા કહ્યું.

ત્યારબાદ પુણેની યરવડા જેલમાં સંજય દત્તે આત્મસમર્પણ કર્યું હતું.

સંજયના વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી સુનાવણીની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

2013 અને 2014 વચ્ચેના બે વર્ષમાં સંજય ફર્લો હેઠળ ચાર વાર જેલમાંથી રજા લઈને બહાર આવ્યા હતા.

જેના કારણે તેમની આ એક વર્ષમાં આકરી ટીકા પણ થી હતી. પરંતુ તે પછી, સંજય ફરી એકવાર પેરોલમાં જેલની બહાર આવ્યા હતા.

જેલમાં સંજય દત્તે અન્ય કેદીઓની માફક કામ પણ કર્યું હતું.

5. 'કાંટા' અને 'ફૂલ' સભર જીવન

વર્ષ 1994માં, કોર્ટ અને જેલના શરૂ થયેલાં ચક્કર છેલ્લે 2016ના ફેબ્રુઆરી મહિનામાં જેલમાંથી છૂટ્યા બાદ પૂરા થયા હતા.

યરવાડા જેલમાંથી જ્યારે સંજય દત્ત બહાર આવ્યા ત્યારે તેમના મિત્રો, પરિજનો અને પ્રશંસકોની ભીડ તેમને મળવા જેલની બહાર પહોંચી હતી.

જેલમાંથી નિકળ્યા બાદ સંજયે જેલના ધ્વજને સલામ કરી હતી. તેમના આ ભાવથી તેમના પ્રશંસકો ખુશખુશાલ થઈ ગયા હતા.

એ તેમની સ્વયંસ્ફુરિત પ્રતિક્રિયા હતી, જેની ચર્ચા મીડિયામાં કરવામાં આવી હતી.

સંજય દત્ત હવે પત્ની અને તેમના બે જોડિયા બાળકો શાહરાન અને ઇક્રા સાથે મુંબઈમાં રહે છે.

'સંજૂ' બાયોપિકના પ્રસંગે સંજય દત્તની રૂપેરી સ્ક્રીન અંગે ચર્ચા ફરી શરૂ થઈ રહી છે. આ ફિલ્મ 29 જૂન, 2018 ના રોજ રિલીઝ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો